Entertainment

'Avatar 2'નો પણ રેકોર્ડ તૂટશે! 50 ભાષા અને 59,000 સ્ક્રિન્સ પર રિલીઝ થશે રણબીર-યશની 'રામાયણ'!

By GS Team
8 Aug 20263 mins read
TukuTouch Logo
રણબીર કપૂર, સાંઈ પલ્લવી અને યશ અભિનીત નીતિશ તિવારીની 'રામાયણ' ફિલ્મ 59,000થી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ થશે. દિવાળી 2026માં 'રામાયણ: પાર્ટ 1' રિલીઝ થશે. સોની પિક્ચર્સ આંતરરાષ્ટ્રીય વિતરણ સંભાળશે. આ ફિલ્મ 50 ભાષાઓમાં રજૂ થશે, જે ભારતીય સિનેમા માટે એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

'Avatar 2'નો પણ રેકોર્ડ તૂટશે! 50 ભાષા અને 59,000 સ્ક્રિન્સ પર રિલીઝ થશે રણબીર-યશની 'રામાયણ'!

Film Ramayana: નિતેશ તિવારીની બિગ બજેટ ફિલ્મ 'રામાયણ'ને સિનેમાઘરોમાં રિલીઝ થવામાં હજુ થોડા મહિના બાકી છે, પરંતુ મેકર્સ તેને એવા ભવ્ય સ્તરે રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યા છે, જેવું કદાચ જ કોઈ ભારતીય ફિલ્મ માટે પહેલા ક્યારેય કરવામાં આવ્યું હોય. રણબીર કપૂર, સાંઈ પલ્લવી અને યશ સ્ટારર આ ફિલ્મને વિશ્વભરમાં 59,000થી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ કરવાની યોજના બની રહી છે. જો આ પ્લાન સફળ થશે, તો તે કોઈ પણ ભારતીય ફિલ્મ માટે અત્યાર સુધીની સૌથી મોટી રિલીઝ રહેશે.

બે પાર્ટમાં બનેલી આ પૌરાણિક ફિલ્મ આ દિવાળી પર 'રામાયણ: પાર્ટ 1' સાથે શરૂ થશે. તેની ઈન્ટરનેશનલ ડિસ્ટ્રિબ્યુશન સ્ટ્રેટેજી દર્શાવે છે કે મેકર્સ ભારતીય ફિલ્મો માટેના પરંપરાગત વિદેશી માર્કેટોથી પણ ઘણું આગળનું વિચારી રહ્યા છે.

કેટલી સ્ક્રિન્સ પર રિલીઝ કરવાનો પ્લાન?

'સેકનિલ્ક' (Sacnilk)ના એક રિપોર્ટ પ્રમાણે સોની પિક્ચર્સ જે આ ફિલ્મના ઈન્ટરનેશનલ ડિસ્ટ્રિબ્યુશનનું કામ સંભાળી રહી છે, તે ભારત બહાર 50,000થી વધુ સ્ક્રીન્સ પર 'રામાયણ'ને રિલીઝ કરવાની યોજના બનાવી રહી છે. ઘરેલુ સ્તરે રિલીઝ થતાં તેમાં લગભગ 9,000 સ્ક્રીન્સ વધુ ઉમેરાય તેવી શક્યતા છે. તેનાથી ફિલ્મના ઓપનિંગ સમયે વિશ્વભરમાં સ્ક્રીન્સની કુલ સંખ્યા 59,000થી વધુ થઈ શકે છે.

મેકર્સે હજુ સુધી આ આંકડાઓની સત્તાવાર પુષ્ટિ નથી કરી. જોકે, જો પ્રસ્તાવિત રિલીઝ પ્લાન મુજબ જ આગળ વધશે, તો 'રામાયણ' કોઈ ભારતીય ફિલ્મના ગ્લોબલ ડિસ્ટ્રિબ્યુશન માટે એક નવો બેન્ચમાર્ક સેટ કરશે.

'પુષ્પા 2' અને 'RRR' સાથે તુલના

તાજેતરના સમયમાં રિલીઝ થયેલી ભારતીય સિનેમાની કેટલીક સૌથી મોટી ફિલ્મોની તુલનામાં આ આંકડા ખાસ કરીને ચોંકાવનારા લાગે છે. અલ્લુ અર્જુનની 'પુષ્પા 2: ધ રૂલ' વિશ્વભરમાં લગભગ 12,000-13,000 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ હતી, જ્યારે એસએસ રાજામૌલીની 'RRR' લગભગ 10,000-11,000 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ હતી.

મોટાભાગની મોટી ભારતીય ફિલ્મો વિશ્વભરમાં 10,000 સ્ક્રીનના આંકડાથી ખૂબ નીચે રિલીઝ થઈ છે. તેથી લગભગ 59,000 સ્ક્રીન પર રિલીઝ થવાથી 'રામાયણ' સંપૂર્ણપણે એક અલગ સ્તરે પહોંચી જશે. તેના મોટા પ્લાનને જોતા તેની સરખામણી હોલિવૂડની મોટી ફિલ્મો સાથે કરવામાં આવી રહી છે. જેમ્સ કેમેરોનની ફિલ્મ 'અવતારઃ ધ વે ઓફ વોટર'ને વિશ્વભરમાં લગભગ 52,000 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી હતી.

50 ભાષામાં રિલીઝની યોજના

પ્રોડ્યૂસર નમિત મલ્હોત્રા પહેલા જ કહી ચૂક્યા છે કે, તેઓ 'રામાયણ'ને માત્ર ભારતીય દર્શકો સુધી મર્યાદિત રાખવાને બદલે, તેને એક ગ્લોબલ થિએટ્રિકલ અનુભવ તરીકે રજૂ કરવા માંગે છે. એવી અપેક્ષા છે કે આ ફિલ્મ લગભગ 50 ભાષાઓમાં રિલીઝ થશે અને તેને IMAX સ્ક્રીનિંગ સહિત પ્રીમિયમ ફોર્મેટમાં પણ રિલીઝ કરવામાં આવશે.

ડબ વર્ઝનમાં લિપ-સિંક માટે DNEG (Visual effects company)ની 'બ્રહ્મા AI' ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઈરાદો એ છે કે, માત્ર પરંપરાગત ડબિંગ પર નિર્ભર રહેવાના બદલે, અલગ-અલગ ભાષાઓમાં ડાયલોગની સાથે એક્ટર્સના લિપ મૂવમેન્ટને મેચ કરવામાં આવે. તાજેતરમાં જ દર્શકોને આ અપ્રોચની ઝલક ત્યારે મળી જ્યારે હિન્દી વર્ઝન બાદ અંગ્રેજી ટ્રેલર રિલીઝ થયું.

ફિલ્મ રામાયણની સ્ટાર કાસ્ટ

નીતેશ તિવારીના ડાયરેક્શનમાં બની રહેલી આ બે પાર્ટની ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામનો રોલ કરી રહ્યો છે, સાઈ પલ્લવી સીતાનો રોલ કરી રહી છે અને યશ રાવણનો રોલ કરી રહ્યો છે. સની દેઓલ હનુમાનનું પાત્ર ભજવી રહ્યો છે. રવિ દુબે, કાજલ અગ્રવાલ, લારા દત્તા, અરુણ ગોવિલ, રકુલ પ્રીત સિંહ, શીબા ચઢ્ઢા અને આદિનાથ કોઠારે પણ આ ફિલ્મનો હિસ્સો છે.

આ પ્રોજેક્ટને નમિત મલ્હોત્રાના 'પ્રાઈમ ફોકસ સ્ટુડિયોઝ' દ્વારા DNEG અને યશના 'મોન્સ્ટર માઇન્ડ ક્રિએશન્સ' સાથે મળીને કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ફિલ્મના બંને પાર્ટ લગભગ 4,000 કરોડના બજેટમાં બની રહ્યા છે. હેન્સ ઝિમર અને એ.આર. રહેમાને આના મ્યુઝિક માટે સાથે કામ કર્યું છે, જ્યારે 'મેડ મેક્સ'ના એક્શન સ્પેશિયાલિસ્ટ ગાઈ નોરિસે એક્શન સીન્સ પર કામ કર્યું છે.

IMAX માટે શૂટ કરવામાં આવેલી 'રામાયણ: પાર્ટ 1' દિવાળીના સમયે 6 નવેમ્બર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તેના બીજા પાર્ટને દિવાળી 2027માં રિલીઝ કરવાની યોજના છે.