Entertainment

ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ હુમલાખોરો ક્યાં નાસી ગયા? CCTV માં દેખાયા બે શંકાસ્પદ

By GS Team
19 Oct 20262 mins read
TukuTouch Logo
મુંબઈના જુહુ વિસ્તારમાં અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર 5 રાઉન્ડ ફાયરિંગ થતા ચકચાર મચી છે. પોલીસે 3 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી, બાઈક જપ્ત કરી છે. હુમલાખોરો અંધેરી રેલવે સ્ટેશન પર બાઈક મૂકી ફરાર થયા હતા. ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ ટાઈગર અને પરિવારને મળી સુરક્ષાનું આશ્વાસન આપ્યું. આ મામલે 1 વ્યક્તિની અટકાયત કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ હુમલાખોરો ક્યાં નાસી ગયા? CCTV માં દેખાયા બે શંકાસ્પદ

Tiger Shroff Car Firing: મુંબઈના જુહૂ વિસ્તારમાં રવિવારે અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર થયેલી ફાયરિંગની ઘટના સંદર્ભે પોલીસે તપાસ વધુ તેજ કરી છે. તપાસ દરમિયાન એવું સામે આવ્યું છે કે હુમલાને અંજામ આપ્યા બાદ ત્રણેય આરોપીઓ આ ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી પલ્સર બાઈકને અંધેરી રેલવે સ્ટેશન પર મૂકીને ફરાર થઈ ગયા હતા. પોલીસે સ્ટેશનની બહારથી આ બાઈક જપ્ત કરી લીધી છે.

અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો અને સીસીટીવી ફૂટેજની તપાસ

આ મામલે મુંબઈના જુહૂ પોલીસ સ્ટેશન દ્વારા ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 109(1), 3(5) અને આર્મ્સ એક્ટ હેઠળ આ કેસ નોંધ્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ બાઈક મુંબઈમાં જ રજિસ્ટર્ડ થયેલી છે. પોલીસ હવે નંબર પ્લેટ તેમજ ચેસિસ અને એન્જિન નંબરના આધારે વાહનની વિગતો મેળવી રહી છે. આ સાથે જ, આરોપીઓની ઓળખ અને ઘટના પછી તેમની હિલચાલ વિશે જાણવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજની પણ સઘન તપાસ કરવામાં આવી રહી છે. સીસીટીવી કેમેરામાં બંને શૂટર્સની તસવીરો પણ કેદ થઈ છે, જેમાં બંને સફેદ શર્ટમાં નજરે પડી રહ્યા છે અને તેમણે જ ટાઈગર શ્રોફ પર ગોળીઓ ચલાવી હતી.

ફૂટબોલ રમીને પરત ફરતી વખતે પાંચ રાઉન્ડ ફાયરિંગ

રવિવારે ફૂટબોલ રમીને પરત ફરી રહેલા ટાઈગર શ્રોફની કાર પર હુમલાખોરોએ પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં ટાઈગર શ્રોફ માંડ માંડ બચ્યો હતો, જ્યારે તેના ડ્રાઇવર અને એક ઓટોરિક્ષા ચાલક ઘાયલ થયા છે. આ મામલે પોલીસે પૂછપરછ માટે એક વ્યક્તિને કસ્ટડીમાં પણ લીધો છે.

ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ કરી મુલાકાત, પરિવારને સુરક્ષાનું આશ્વાસન

ઘટના બાદ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ અભિનેતા ટાઈગર શ્રોફ સાથે મુલાકાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ટાઈગરના જમણા હાથ પર ગનપાઉડરથી દાઝવાના નિશાન છે, જોકે તેને સીધી ગોળી વાગી નથી. શિંદેએ કહ્યું કે અભિનેતા અને તેમનો પરિવાર આ ઘટનાથી ચિંતિત છે અને પરિવારજનોએ પોલીસને જણાવ્યું છે કે તેમની સાથે કોઈની પણ દુશ્મની કે વિવાદ નથી.

ઉપમુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે મુંબઈમાં કોઈપણ વ્યક્તિને કાયદો અને વ્યવસ્થા બગાડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર સરકાર અભિનેતાના પરિવારની સાથે છે તથા આ મામલાને અગ્રિમતા આપીને જવાબદાર ઇસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી તેમણે આપી છે.