'મને હાથકડી પહેરાવી તો પિતા રડી પડ્યા': સંજય દત્તે યાદ કર્યા જેલના દર્દભર્યા દિવસો, કર્યો મોટો ખુલાસો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sanjay Dutt jail memories: બોલિવૂડના 'ખલનાયક' તરીકે જાણીતા અભિનેતા સંજય દત્તે પોતાની ફિલ્મી કારકિર્દીમાં એકથી એક ચડિયાતી હિટ ફિલ્મો આપી છે, પરંતુ તેમની અંગત જિંદગીમાં ઘણો કઠિન સમય પણ આવ્યો છે. ગેરકાયદેસર હથિયારો રાખવાના આરોપમાં તેમને જેલની સજા પણ ભોગવવી પડી હતી. સંજય દત્તે અગાઉ પણ અનેકવાર જેલના દિવસો વિશે વાત કરી છે અને હાલમાં જ તેણે ફરી જેલના દર્દભર્યા દિવસો અંગે ખુલાસો કર્યો છે.
જેલ પ્રશાસનની તોડવાની કોશિશ અને આત્મઘાતનો સવાલ
શેખર સુમનના ટોક શો 'શેખર ટુનાઇટ'માં વાતચીત દરમિયાન સંજય દત્તે ખુલાસો કર્યો હતો કે, 'જેલ દરમિયાન પ્રશાસને મને માનસિક રીતે તોડવાના ભરપૂર પ્રયાસો કર્યા હતા, પરંતુ મેં આ પરિસ્થિતિઓને ક્યારેય પોતાના પર હાવી થવા દીધી નહોતી.'
શો દરમિયાન દર્શકો સાથે વાત કરતા શેખર સુમને જણાવ્યું કે, 'સંજય દત્તને હાઇ-સિક્યોરિટી સેલમાં રાખવામાં આવ્યો હતો, છતાં તેણે પોતાનું માનસિક સંતુલન જાળવી રાખ્યું.' આ પછી તેણે એક્ટરને સવાલ કર્યો કે, 'શું આવી મુશ્કેલ પરિસ્થિતિઓમાં ક્યારેય તમારા મનમાં સુસાઈડ કરવાનો વિચાર આવ્યો હતો?' જેના જવાબમાં સંજયે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું - 'ના.'
શેખર સુમને આગળ કહ્યું કે લોકો સામાન્ય રીતે પોતાની ભૂલો સ્વીકારવાથી બચે છે, પરંતુ સંજય દત્તે પોતાની ભૂલો સ્વીકારી છે. જ્યારે શેખર પૂછ્યું કે એ કયો સમય હતો જ્યારે તમે સૌથી વધુ કમજોર અનુભવતા હતા, ત્યારે સંજયે જવાબ આપ્યો કે, 'મને ખબર હતી કે મારા પિતા અને પરિવારને ખૂબ સહન કરવું પડ્યું છે, પરંતુ મેં ક્યારેય પોતાને કમજોર પડવા દીધો નથી.'
પિતા સામે પહેલીવાર હાથમાં પડી હતી હાથકડી
સંજય દત્તે તે સમયને પણ યાદ કર્યો જ્યારે તેના પિતા અને દિગ્ગજ અભિનેતા સુનીલ દત્તની સામે તેને પહેલીવાર હાથકડી પહેરાવવામાં આવી હતી. આ વિશે વાત કરતા એક્ટરે જણાવ્યું, 'જ્યારે પહેલીવાર પોલીસ આવી અને તેણે મને હાથકડી પહેરાવી, ત્યારે મારા પિતાને આઘાત લાગ્યો હતો. તેમની આંખોમાં આંસુ હતા. તેમણે પોલીસને કહ્યું હતું - તમે મારા દીકરા સાથે આ શું કરી રહ્યા છો?'
સંજયે આગળ કહ્યું, 'મેં તેમને જોરથી ગળે લગાવીને કહ્યું હતું - તમે આ હાથકડીઓથી કેમ પરેશાન થઈ રહ્યા છો? આ માત્ર એક પ્રક્રિયા છે, કૃપા કરીને દુઃખી ના થાઓ.' જોકે, સાચું એ હતું કે આ બધું મને અંદરથી તોડી રહ્યું હતું, પરંતુ મારે તેમના માટે મજબૂત બનવું પડ્યું હતું. આ પૂરા 24 વર્ષ સુધી ચાલેલા ટ્રાયલ દરમિયાન હું આ જ વિચાર અને હિંમત સાથે આગળ વધતો રહ્યો.'
સેલિબ્રિટી સ્ટેટસ છીનવા છતાં અડગ રહ્યો
સંજય દત્તે જણાવ્યું કે, 'અધિકારીઓને એવું લાગતું હતું કે સેલિબ્રિટી જીવનની સુખ-સુવિધાઓ છીનવી લેવાથી હું આખરે ભાંગી પડીશ. પરંતુ મારી સાથે એવું કંઈ થયું નહીં, કારણ કે હું તૂટ્યો નહીં. ઉલ્ટાનું અધિકારીઓ પોતે જ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. તેમાંથી એક અધિકારી મારી પાસે આવીને બોલ્યો હતો - તને અહીં કોઈ સિગરેટ નહીં મળે, હવે શું કરીશ? ત્યારે મારો જવાબ હતો - સર, અહીં બીડી તો મળશે ને!' આ પ્રકારના બદલાવોથી મને કોઈ ફરક પડ્યો નહીં, જેના કારણે અધિકારીઓ પણ પરેશાન થઈ ગયા કે આ વ્યક્તિ આટલી સાદી અને જમીન સાથે જોડાયેલી કેવી રીતે રહી શકે છે.'




