'હું તો રૂ.500નું પણ ભરાવી લઈશ પણ સામાન્ય લોકોનું શું...' E20 અંગે સિંગરે સવાલ ઊઠાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

E20 Petrol Controversy: પંજાબી સિંગર રેશમ સિંહ અનમોલ તાજેતરમાં E20 (ઈથેનોલ મિશ્રિત) પેટ્રોલ મુદ્દે ફરી ચર્ચામાં છે. અગાઉ તેણે આક્ષેપ કર્યો હતો કે ઈથેનોલ મિશ્રિત પેટ્રોલના કારણે તેની લક્ઝરી ડિફેન્ડર SUV કાર ચાલુ રસ્તે બંધ પડી ગઈ હતી. હવે તેના એક નવા વાઇરલ વીડિયોમાં તે સરકાર પાસે પ્યોર એટલે કે પ્રીમિયમ ઓઇલના ભાવ ઘટાડવાની માંગ કરે છે. તેનું માનવું છે કે મોંઘા પ્રીમિયમ પેટ્રોલની કિંમતો સામાન્ય વાહનચાલકોના ખિસ્સા પર ભારે પડે છે, તેથી સરકારે તેના ભાવ વાજબી કરવા જોઈએ જેથી સામાન્ય માણસ પણ સરળતાથી પ્યોર પેટ્રોલ ભરાવી શકે.
₹167 પ્રતિ લીટરનું પેટ્રોલ ભરાવ્યું, 13,000નું બિલ બન્યું
હરિયાણાના રહેવાસી રેશમ સિંહ અનમોલે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં તે એક પેટ્રોલ પંપ પર પહોંચે છે અને કર્મચારી પાસે 'XP100' પ્રીમિયમ ઓઇલ માંગે છે. પોતાની ડિફેન્ડર SUVમાં ₹13,000નું 'XP100' પ્રીમિયમ ઓઇલ ભરાવ્યા બાદ રેશમ સિંહે કહ્યું, 'ભગવાનનો આભાર કે પ્રીમિયમ પેટ્રોલ મળી ગયું. મને સતત લોકોના મેસેજ આવી રહ્યા છે કે E20 ઓઇલના કારણે ગાડીઓનું માઇલેજ ઘટી રહ્યું છે. XP100 ખૂબ જ મુશ્કેલીથી મળી રહ્યું છે જેની કિંમત ₹167 પ્રતિ લીટર છે. હું તો ₹500 પ્રતિ લીટર પણ ભરાવી શકું છું, પરંતુ એક સામાન્ય માણસનું શું? હું સરકારને અપીલ કરું છું કે પ્યોર ઓઇલની કિંમત ઓછી કરવામાં આવે અને દરેક પેટ્રોલ પંપ પર તેની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરાય.'
કાર બંધ પડતાં વિવાદ અને ધમકીઓ મળ્યાનો દાવો
આ પહેલાં 23 જુલાઈએ પણ રેશમ સિંહે એક વીડિયો શેર કરીને E20 ઓઇલ પર સવાલો ઉઠાવ્યા હતા. તેણે જણાવ્યું હતું કે 'મારી ડિફેન્ડર SUV અચાનક રસ્તામાં બંધ પડી ગઈ હતી અને સર્વિસ સ્ટેશને તપાસ કરાવતાં કારનો ફ્યુઅલ પંપ ખરાબ થઈ ગયો હોવાનું સામે આવ્યું હતું, જેની પાછળ સાધારણ E20 ઓઇલને જવાબદાર છે.'
ત્યારબાદ 28 જુલાઈએ બીજો વીડિયો રજૂ કરીને તેમણે દાવો કર્યો હતો કે, 'E20 ફ્યુઅલ વિશે અવાજ ઉઠાવવા બદલ મને ધમકીઓ મળી રહી છે અને કેટલાક લોકો મારા પર પ્રોપેગેન્ડા ફેલાવવાનો આરોપ લગાવી રહ્યા છે.' જોકે, તેમણે પોતાની ગાડીના રિપેરિંગનું બિલ બતાવીને તમામ આરોપો ફગાવી દીધા હતા.
દેશભરમાં E20 ફ્યુઅલ અંગે ઘમાસાણ
હાલમાં દેશભરમાં E20 ઓઇલને લઈને વાહનચાલકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. મોટાભાગના લોકોની ફરિયાદ છે કે ઈથેનોલ મિશ્રિત ઓઇલના ઉપયોગ બાદ તેમના વાહનોનું માઇલેજ ઘટ્યું છે અને મેન્ટેનન્સનો ખર્ચ વધી ગયો છે. સરકારે પણ સંસદમાં સ્વીકાર્યું હતું કે જૂના વાહનોના માઇલેજમાં આશરે 6% સુધીનો ઘટાડો આવી શકે છે અને તેના કારણે વાહનોના રબર પાર્ટ્સ પણ ખરાબ થઈ શકે છે.









