MeToo કેસમાં હોલિવૂડ ફિલ્મમેકરને 15 વર્ષની કેદની સજા, કહ્યું- મારાથી ભૂલો થઈ, માફી માંગુ છું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Harvey Weinstein Prison Sentence: ન્યૂયોર્કની એક કોર્ટે હોલિવૂડના જાણીતા ફિલ્મમેકર હાર્વે વીનસ્ટેનને 15 વર્ષની જેલની સજા સંભળાવી છે. 'પ્રોજેક્ટ રનવે' નામના રિયાલિટી ટીવી શોની પ્રોડક્શન ટીમમાં આસિસ્ટન્ટ તરીકે કામ કરતી મિરિયમ હેલી સાથે સંકળાયેલા યૌન અપરાધના કેસમાં દોષિત ઠર્યા બાદ તેને આ સજા ફટકારવામાં આવી છે.
ન્યૂયોર્કની કોર્ટે આ સજા 2025માં થયેલા ફરીથી ટ્રાયલના આધારે સંભળાવી છે. સજા સાંભળતી વખતે વીનસ્ટેને પોતાની ભૂલો સ્વીકારીને માફી માંગી હતી, જોકે તેણે પોતાની બેગુનાહી પણ દોહરાવી હતી. ન્યૂયોર્કના જજએ કહ્યું હતું કે, 'વીનસ્ટેનને તેની ફિલ્મો માટે યાદ કરવામાં આવી શકે છે, પરંતુ તેના આ કૃત્યોની સામે તેની ઓળખ નાની પડી જાય છે.' આ ઉપરાંત, વીનસ્ટેનને કેલિફોર્નિયામાં પણ એક મહિલાના દુષ્કર્મ અને યૌન હુમલાના કેસમાં 16 વર્ષની સજા મળી ચૂકી છે.
2017માં શરૂ થયેલું વૈશ્વિક '#MeToo' આંદોલન
વર્ષ 2017માં હાર્વે વીનસ્ટેન પર અનેક મહિલાઓએ યૌન ઉત્પીડન અને યૌન શોષણના ગંભીર આરોપો લગાવ્યા હતા. આ ખુલાસાઓ પછી જ દુનિયાભરમાં '#MeToo' આંદોલનને મોટો વેગ મળ્યો હતો. હકીકતમાં '#MeToo'ની શરૂઆત 2006માં એક્ટિવિસ્ટ તરાના બર્કે કરી હતી, પરંતુ 2017માં અભિનેત્રી એલિસા મિલાનોની સોશિયલ મીડિયા પોસ્ટ બાદ આ હેશટેગ દુનિયાભરમાં ઝડપથી વાઇરલ થયો હતો.
ભારતમાં 2018નું '#MeToo' આંદોલન અને દિગ્ગજ કલાકારો પરના આરોપો
વર્ષ 2018માં ભારતમાં પણ '#MeToo' આંદોલને જોર પકડ્યું હતું, જેમાં અનેક કલાકારો અને નિર્માતાઓ પર મહિલાઓએ ગંભીર આક્ષેપો કર્યા હતા.
તનુશ્રી દત્તા અને નાના પાટેકર: ભારતમાં આ આંદોલનને અભિનેત્રી તનુશ્રી દત્તાના આરોપો પછી મોટી ગતિ મળી હતી, જેમણે અભિનેતા નાના પાટેકર પર 2008માં શૂટિંગ દરમિયાન ગેરવર્તણૂકનો આરોપ મૂક્યો હતો.
સાજિદ ખાન: મોડેલ સલોની ચોપરા, પત્રકાર કરિશ્મા ઉપાધ્યાય અને અભિનેત્રી રેચલ વ્હાઇટે સાજિદ ખાન પર યૌન દુર્વ્યવહાર અને માનસિક ઉત્પીડનના આરોપો લગાવ્યા હતા, જેના કારણે સાજિદે ફિલ્મ 'હાઉસફુલ 4'ના નિર્દેશનથી દૂરી બનાવી લીધી હતી.
અનુ મલિક: ગાયિકા સોના મોહાપાત્રા અને શ્વેતા પંડિતે સંગીતકાર અનુ મલિક પર સગીર વયે અને પ્રોફેશનલ કરિયર દરમિયાન અપમાનજનક તથા અનુચિત વ્યવહાર કરવાના આરોપો મૂક્યા હતા.
વિંતા નંદા અને આલોક નાથ: 90ના દશકના ટીવી શો 'તારા'ની પ્રોડ્યુસર વિંતા નંદાએ આલોક નાથ પર નશીલો પદાર્થ ખવડાવીને દુષ્કર્મ અને યૌન ઉત્પીડન કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.
વિકાસ બહલ અને અન્ય: ફિલ્મમેકર વિકાસ બહલ, નિર્દેશક સુભાષ ઘાઈ અને અભિનેતા રજત કપૂર પર પણ આ આંદોલન દરમિયાન મહિલાઓએ અનુચિત વ્યવહારના આરોપો લગાવ્યા હતા, ત્યારબાદ રજત કપૂરે સાર્વજનિક રૂપે માફી પણ માંગી હતી.




