8 વર્ષ લિવ-ઈન, 2 બાળકો....અર્જૂન રામપાલે ગર્લફ્રેન્ડ ગ્રેબિએલા સાથે કર્યા લગ્ન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Arjun Rampal Marries Girlfriend Gabriella: બોલિવૂડ એક્ટર અર્જૂન રામપાલ અવારનવાર પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. પહેલી પત્ની મેહર જેસિયાથી અલગ થયા બાદ એક્ટર છેલ્લા 8 વર્ષથી પોતાની સાઉથ આફ્રિકન મોડેલ ગર્લફ્રેન્ડ ગ્રેબિએલા ડેમેટ્રિયાડ્સ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહી રહ્યા હતા. આ દરમિયાન બંને બે બાળકોના માતા-પિતા પણ બન્યા છે. અહેવાલો મુજબ, આ કપલે લાંબા સમય સુધી સાથે રહ્યા બાદ ગોવામાં ઓફિશિયલી લગ્ન કરી લીધા છે.
ગોવામાં મિત્રોની હાજરીમાં કર્યા લગ્ન
અર્જૂન રામપાલ અને ગ્રેબિએલાએ ઉત્તર ગોવાના માપુસા સ્થિત સબ-રજિસ્ટ્રાર ઓફિસમાં નજીકના મિત્રોની હાજરીમાં પોતાના લગ્ન રજિસ્ટર કરાવ્યા છે. સબ-રજિસ્ટ્રાર સૂરજ વર્નેકરે મીડિયા સાથે વાતચીતમાં અર્જૂન રામપાલના લગ્નની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, અર્જૂને શુક્રવારે સાંજે લગભગ 4 વાગ્યે ગ્રેબિએલા સાથે કૅઝ્યુઅલ લુકમાં આવીને લગ્ન રજિસ્ટર કરાવ્યા હતા. સબ-રજિસ્ટ્રારે વધુમાં ઉમેર્યું કે, તેમણે સ્થાનિક કોર્ટના આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર પાસેથી ખાસ પરવાનગી લીધી હતી, જેથી સ્થાનિક કાયદા હેઠળ પ્રથમ અને દ્વિતીય સહી વચ્ચે જરૂરી 15 દિવસના વેઇટિંગ પીરિયડની શરતમાંથી મુક્તિ મેળવી શકાય. લગ્નનું સર્ટિફિકેટ 15 દિવસ બાદ કપલને સોંપવામાં આવશે.
8 વર્ષથી હતા લિવ-ઈન રિલેશનશિપમાં
અર્જૂન રામપાલ અને ગ્રેબિએલા 2018થી એકબીજા સાથે છે. તેમને બે પુત્રો છે. પહેલો પુત્ર એરિક (જન્મ 2019) અને બીજો પુત્ર એરિવ. 8 વર્ષના સંબંધો અને બે બાળકોના જન્મ બાદ કપલે ગોવામાં પોતાના લગ્ન રજિસ્ટર્ડ કરાવ્યા છે.
'લગ્ન કોઈ મહત્વ નથી રાખતા' : અર્જૂન રામપાલ
અગાઉ રણવીર અલ્લાહબાદિયાના પોડકાસ્ટમાં અર્જૂન રામપાલે જણાવ્યું હતું કે, 'અમારા બંને માટે લગ્ન કોઈ ખાસ અર્થ નથી રાખતા. લગ્ન આખરે શું છે? માત્ર એક કાગળનો ટુકડો. મને લાગે છે કે, અમે મનથી અગાઉથી જ પરણેલા છીએ. ક્યારેક આ કાગળનો ટુકડો લોકોના વલણને બદલી નાખે છે.' જોકે, તાજેતરમાં રિયા ચક્રવર્તીના પોડકાસ્ટમાં અર્જૂને ખુલાસો કર્યો હતો કે, તેઓ સગાઈ કરી ચૂક્યા છે.
21 વર્ષ જૂનો પહેલો સંબંધ તૂટ્યો હતો
અર્જૂન રામપાલના અગાઉ લગ્ન થઈ ચૂક્યા હતા. તેમની પહેલી પત્ની મેહર જેસિયા પૂર્વ મિસ ઈન્ડિયા રહી ચૂકી છે. 1998માં બંનેના લગ્ન થયા હતા, અને તેમને બે પુત્રીઓ (મહિકા અને માયરા) છે. જોકે, 21 વર્ષના સંબંધ બાદ 2019માં તેમના છૂટાછેડા થયા હતા.




