સપ્ટેમ્બરમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે 5 ફિલ્મો, હોરરથી લઈને થ્રિલરની રહેશે ભરમાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

September 2026 Box Office Movies : ઓગસ્ટ 2026 માં 'ટોક્સિક' (વિશ્વભરમાં રૂ. 254.75 કરોડ અને ભારતમાં રૂ. 190.45 કરોડ નેટ) અને 'આવારાપન 2' (વિશ્વભરમાં રૂ. 207.35 કરોડ અને ભારતમાં રૂ. 146.70 કરોડ નેટ) ની ધમાકેદાર કમાણી બાદ સપ્ટેમ્બર મહિનો પણ બોક્સ ઓફિસ પર ભારે કમાણી લઈને આવી રહ્યો છે. દેશના સૌથી મોટા OTT હિટ્સમાંથી એક 'મિર્ઝાપુર' હવે મોટા પડદા પર આવવા માટે તૈયાર છે. 4 સપ્ટેમ્બર 2026 ના રોજ 'મિર્ઝાપુર: ધ મૂવી' સિનેમાઘરોમાં રિલીઝ થશે. જેમાં પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, દિવ્યેન્દુ અને રવિ કિશન ક્રાઇમ ડ્રામાના નવા પ્રકરણ સાથે વાપસી કરી રહ્યા છે.
18 વર્ષ બાદ અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની 'હેવાન' માં જોડી
11 સપ્ટેમ્બર 2026 ના રોજ પ્રિયદર્શનના નિર્દેશનમાં બનેલી ડાર્ક થ્રિલર ફિલ્મ 'હેવાન' રિલીઝ થશે. આ ફિલ્મ દ્વારા અક્ષય કુમાર અને સૈફ અલી ખાન 18 વર્ષ બાદ ફરી એકસાથે મોટા પડદા પર જોવા મળશે. ફિલ્મમાં અક્ષય એક ખતરનાક અવતારમાં જોવા મળશે, જ્યારે સૈફ અલી ખાન એક દ્રષ્ટિહીન વ્યક્તિની ભૂમિકા ભજવી રહ્યો છે. આ ફિલ્મમાં બોમન ઈરાની, સૈયામી ખેર, શ્રિયા પિલગાવંકર અને શારિબ હાશમી પણ મહત્ત્વની ભૂમિકામાં છે.
હોલીવુડની ધમાકેદાર ફિલ્મો અને 'એવેન્જર્સ એન્ડગેમ' રી-રિલીઝ
સપ્ટેમ્બર મહિનામાં હોલીવુડની 3 મોટી ફિલ્મો સિનેમાઘરોમાં ધૂમ મચાવશે. 18 સપ્ટેમ્બરના રોજ પ્રખ્યાત સર્વાઇવલ-હોરર ફ્રેન્ચાઇઝી 'રેસિડેન્ટ ઇવિલ' જેક ક્રેગરના નિર્દેશનમાં નવા ચેપ્ટર સાથે રિલીઝ થશે. ત્યારબાદ 25 સપ્ટેમ્બરના રોજ ડેવિડ આયરના નિર્દેશનમાં બનેલી 'હાર્ટ ઓફ ધ બીસ્ટ' વિશ્વભરમાં રિલીઝ થશે, જેમાં બ્રેડ પિટ ભૂતપૂર્વ નેવી સીલના રોલમાં અલાસ્કાના જંગલમાં પોતાના મિલિટ્રી ડોગ સાથે ફસાયેલા જોવા મળશે.
આ ઉપરાંત 25 સપ્ટેમ્બરના રોજ જ માર્વેલ ફેન્સ માટે 'એવેન્જર્સ એન્ડગેમ: એનકોર' (Avengers Endgame: Encore) વિશ્વભરના સિનેમાઘરોમાં ફરી એકવાર રિલીઝ થઈ રહી છે, જે દર્શકોને મોટા પડદા પર અદ્ભુત સિનેમેટિક અનુભવ માણવાની તક આપશે.




