આ AIના જમાનામાં કોનો ભરોસો કરવો, કોનો ન કરવો...
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વાત-વિચાર-શિશિર રામાવત
યુવલ હરારી તો ટેકનોલોજીનાં દુષ્પરિણામો, માનવજાતની ઉત્ક્રાંતિનો ઇતિહાસ વગેરે જેવા વિષયો પર વિચારે-લખે-બોલે છે, એમને 'કોના પર ભરોસો ન કરવો' જેવા સેલ્ફ-હેલ્પ પ્રકારના ટોપિકમાં ક્યાંથી રસ પડી ગયો?
'આ ૬ પ્રકારના લોકો પર ભરોસો ન કરતા - એ લોકો તમારા પરિવારના સભ્યો હોય તો પણ નહીં.'
યુટયુબ પર મૂકાયેલા એક વીડિયોનું આ ટાઇટલ છે. આ શીર્ષક કરતાંય ખાસ તો થમ્બનેઇલમાં જે માણસની તસવીર મૂકાઈ છે તે વધારે ધ્યાન ખેંચે છે. એ છે યુવલ નોઆ હરારી. એકવીસમી સદીના સૌથી બુદ્ધમંત, સૌથી ઓરિજિનલ વિચારો ધરાવતા માણસો પૈકીના એક. ઇતિહાસવિદ્ અને ભવિષ્યવેત્તા. 'સેપિયન્સ', 'હોમો ડયુસ', 'ટ્વેન્ટીવન લેસન્સ ફોર ધ ટ્વેન્ટીફર્સ્ટ સેન્ચુઅરી' અને 'નેક્સસ' જેવાં સુપરડુપર હિટ પુસ્તકોના લેખક. યુવલ હરારીનાં નામ અને કામથી પરિચિત લોકોના મનમાં સહેજે સવાલ સળવળી જાયઃ યુવલ હરારી તો ટેકનોલોજીનાં દુષ્પરિણામો, માનવજાતની ઉત્ક્રાંતિનો ઇતિહાસ વગેરે જેવા વિષયો પર વિચારે-લખે-બોલે છે, એમને 'કોના પર ભરોસો ન કરવો' જેવા સેલ્ફ-હેલ્પ પ્રકારના ટોપિકમાં ક્યાંથી રસ પડી ગયો? આ સવાલને ભૂલતા નહીં, કારણ કે આ લેખના અંતમાં એક જોરદાર ટ્વિસ્ટ આવવાનો છે, જેમાં આ સવાલનો જવાબ મળવાનો છે.
આપણે જે વીડિયોની વાત કરી રહ્યા છીએ તેમાં યુવલ હરારી સ્ક્રીન પર આવતા નથી, ફક્ત એમનો અવાજ સંભળાય છે. તેઓ કહે છે, 'માનવજાત તરીકે આપણે વિકાસ તો કર્યો, પણ આ વિકાસ દરમિયાન આપણે ઘણાં ભ્રમો ઊભા કર્યા છે. તેમાંથી ભરોસો (ટ્રસ્ટ) કદાચ સૌથી શક્તિશાળી ભ્રમ છે. ભરોસો એટલે બે માણસો વચ્ચેનો એક અદ્રશ્ય પુલ, પરંતુ એ પુલ વિશે આપણે ખરેખર શું જાણીએ છીએ? આજે આપણે ફક્ત માણસો પર જ ભરોસો નથી કરતા. આપણે સરકારો, કંપનીઓ, નાણાકીય સંસ્થાઓ, આલ્ગોરિધમ્સ, સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ્સ પર પણ ભરોસો કરીએ છીએ. સામેનું પાત્ર ભરોસાને લાયક છે કે નહીં તે પારખવાની કુદરતી વૃત્તિ માણસ જંગલોમાં-ગુફાઓમાં રહેતો હતો ત્યારથી એનામાં ક્રમશઃ વિકસી છે, પણ આજે માણસ એવા વાતાવરણમાં મૂકાઈ ગયો છે જ્યાં આ સહજ વૃત્તિ અનુપયોગી થઈ જાય છે.'
વાત તો સાચી. યુવલ હરારી પછી વારાફરતી છ એવી કેટેગરીનું વર્ણન કરે છે, જેમાં સ્થાન પામતા લોકો પર તરત ભરોસો મૂકવો નહીં. પહેલી કેટેગરી એવા લોકોની, જેમનું હિત આપણા હિત કરતાં બિલકુલ અલગ હોય. પછી ભલે તેમને આપણા માટે દિલથી લાગણી હોય. ધારો કે તમારો મામાનો દીકરો ભાઈ જ તમારો ફાયનાન્શિયલ એડવાઈઝર છે. એ તમને નાનપણથી ઓળખે છે. એ ખરેખર તમારું ભલું ઇચ્છતો હોય અને તમારા ભવિષ્યની ચિંતા કરતો હોય, તેવું ચોક્કસ બને. તેમ છતાં, જો તેને અમુક ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ (એસઆઈપી, ઇન્શયોરન્સ પોલિસી વગેરે) વેચવાથી કમિશન મળતું હોય, તો તેના વ્યાવસાયિક હિત સાથે તમારા હિતનો સંપૂર્ણપણે મેળ ખાશે નહીં. એવું નથી તમારો કઝિન લુચ્ચો છે, પરંતુ આજે ફાઇનાન્સ, બિઝનેસ, હેલ્થકેર સંબંધિત આધુનિક સંસ્થાઓ સતત એવી પરિસ્થિતિઓ ઊભી કરે છે જ્યાં લોકોને એવી ભલામણો કરવા બદલ ફાયદો થાય છે, જે સલાહ લેનાર વ્યક્તિ માટે કદાચ શ્રેષ્ઠ ન પણ હોય. આપણા જંગલવાસી પૂર્વજોને આવી સમસ્યા નહોતી.
'બીજી શ્રેણી એવા લોકોની છે,' યુવલ હરારી કહે છે, 'જે ખરેખર એવું માને છે કે તેઓ તમારા ભલા માટે કામ કરી રહ્યા છે, પરંતુ આ 'ભલું' શું છે તેની તેમની સમજ તમારા કરતાં સાવ અલગ હોઈ શકે છે.' ઉદાહરણ તરીકે પ્રેમાળ માતા-પિતા ઇચ્છતાં હોય કે મારો દીકરો ડોક્ટર કે એન્જિનીયર બને, કે જેથી ભવિષ્યમાં એને પૈસે-ટકે હેરાન થવું ન મળે ને સમાજમાં માનપાન મળે. મા-બાપનો ઇરાદો ક્યારેય ખરાબ હોતો નથી, પણ એમને ખબર ન હોય કે ડોક્ટર-એન્જિનીયર બનવાની એમના દીકરાની તાસીર જ નથી, તે શક્ય છે. માનો કે મા-બાપની સલાહને અનુસરીને કે દબાણને વશ થઈને દીકરો જેમતેમ કરીને એન્જિનીયર બની પણ ગયો, તો શક્ય છે એનું આગળનું જીવન હતાશા અને અસંતોષમાં ડૂબી જાય. એક પેઢી માટે સફળતાની જે વ્યાખ્યા હતી, તે બીજી પેઢીને લાગુ ન પણ પડે.
ત્રીજી કેટેગરી એવી વ્યક્તિની જે જૂની કે અધૂરી માહિતીના આધારે કામ કરે છે. તમારા ફેમિલી ડોક્ટર પર તમે દાયકાઓથી ભરોસો મૂક્યો છે, તેઓ ખરેખર દિલથી તમારા પરિવારની સારવાર કરતા આવ્યા છે, પણ શક્ય છે કે મેડિકલ સાયન્સમાં સતત થતાં રહેતાં નવાં શોધ-સંશોધનો, નવી દવાઓ અને ટ્રીટમેન્ટથી એ પૂરા પરિચિત ન હોય. આ પડકાર ફક્ત ફક્ત તબીબી ક્ષેત્ર જ નહીં, પણ ટેકનોલોજી, અર્થશા, શિક્ષણ વગેરે જેવાં ક્ષેત્રોને પણ લાગુ પડે છે. માનવ ઇતિહાસના મોટાભાગના સમય દરમિયાન ઉપયોગી જ્ઞાાન પેઢીઓ સુધી પ્રમાણમાં સ્થિર રહ્યું હતું, પણ હવે એવું નથી. પરિચિત માણસ જે-તે ક્ષેત્રમાં એક્સપર્ટ જ હોય તેેવું માની ન લેવાય. જે વ્યક્તિ સતત નવું નવું શીખતી હોય, એ દાયકાઓ જૂના અનુભવ પર જ નિર્ભર રહેતી વ્યક્તિ કરતાં સંભવતઃ વધુ ભરોસાપાત્ર હોઈ શકે છે.
ચોથી શ્રેણીમાં એવા લોકોનો સમાવેશ થાય છે જે પોતાની પરંપરાઓ અને માન્યતાઓ સામે ભાગ્યે જ ક્યારેય સવાલ ઉઠાવે છે. નાનપણથી જેમને તમે ઓળખો છો તેવા કોઈ ધામક વડા અથવા આધ્યાત્મિક ગુરૂનો વિચાર કરો. તેઓ ખરેખર તમારું કલ્યાણ ઇચ્છતા હોઈ શકે છે, તેમના હિસાબે તેઓ તમને સર્વશ્રેષ્ઠ માર્ગદર્શન આપી રહ્યા છે, પણ તેઓ અનિવાર્યપણે એમની સંસ્થા કે પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે. આ માળખું એવું છે કે જે વ્યક્તિગત સ્વતંત્રતા, મૌલિકતા અને બદલાતી પરિસ્થિતિ સાથે તાલ મિલાવવા કરતાં આજ્ઞાાપાલન અને પરંપરાને જાળવી રાખવા પર વધુ ભાર મૂકે છે. આવી વ્યક્તિ જે કંઈ કહે તે આંખ બંધ કરીને માની ન લેવાય.
પાંચમી શ્રેણીમાં એવા લોકો, જે પ્રેમવશ એવી બાબતોની સલાહ આપવા માંડે છે, જેના વિશે એને ખુદને કશો અનુભવ કે જ્ઞાાન નથી. જેણે જિંદગીમાં માત્ર સરકારી નોકરી જ કરી છે તેવો મિત્ર તમને બિઝનેસ કેમ કરવો તેવા વિશે ભારે કોન્ફિડન્સથી સલાહ આપશે. જેણે કદી લગ્ન કર્યાં નથી એવી વ્યક્તિ બાળક કેમ ઉછેરવા તેના વિશે શિખામણ આપશે. આ વીડિયોમાં કહેવાયું છે કે, ભરોસો ક્ષેત્ર-આધારિત (ડોમેન-સ્પેસિફિક) હોવો જોઈએ. કોઈ વ્યક્તિ જીવનના એક ક્ષેત્રમાં અસાધારણ રીતે ભરોસાપાત્ર હોઈ શકે છે, જ્યારે બીજા ક્ષેત્ર વિશે તેની સમજ બહુ ઓછી હોય, તેવું ચોક્કસ બને. છેલ્લી કેટેગરી એવા આત્મીય લોકોની જેમને ખુદને ખબર નથી કે એનામાં ઠાંસીઠાંસીને પૂર્વગ્રહો ભર્યા છે. સફળતા, સત્તા, સંબંધો, નૈતિકતા વિશેની એમની સમજ સામાજિક કંડીશનિંગનું પરિણામ હોઈ શકે છે તે હકીકત વિશે તેઓ ઘણી વાર સભાન હોતા નથી.
આ બધાનો અર્થ શું થાય? શું આપણે લોકો પર ભરોસો કરવાનું બંધ કરી દેવાનું? ના. વાત સૌને શંકાને નજરે જોવાની નથી. કોઈ વ્યક્તિ ભરોસાપાત્ર છે કે નહીં તે પૂછવાને બદલે એમ પૂછવું જોઈએ કે, એ કઈ બાબતમાં ભરોસાપાત્ર છે? આ મુદ્દો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આ જમાનામાં વધારે પ્રસ્તુત બની જાય છે. આપણે ખરેખર કોના પર ભરોસો કરીએ છીએ? પ્રોગ્રામર્સ પર? કંપનીઓ પર? જે ડેટા દ્વારા એમની સિસ્ટમ્સને તાલીમ આપવામાં આવી છે તેના પર? આજે ક્રિટિકલ થિંકિંગની જેટલી જરૂર છે એટલી અગાઉ કદાચ ક્યારેય નહોતી.
તો આ થઈ જેના પર ભરોસો કરવામાં જોખમ છે એવા લોકોની છ શ્રેણીઓ. યુવલ નોઆ હરારી જેવા પ્રતિષ્ઠિત ચિંતક જ્યારે ભારપૂર્વક કશુંક કહેતા હોય ત્યારે વાત સાંભળવી તો જોઈએ જ, રાઇટ? કહાણીમાં ટ્વિસ્ટ હવે આવે છે.
વીડિયોમાં વચ્ચે એક વાર ઓચિંતા યુવલ હરારી બોલે છે કે, 'તમને ક્યારેય કોઈના પર ભરોસા મૂકવા બાબતે સવાલ થયો છે? આ વીડિયો નીચે કમેન્ટ કરો અનેે તમારી વાત શેર કરો.' આપણને બત્તી થાય કે યુવલ હરારીએ ટેડ ટોક્સ જેવા કેટલાય પ્રતિષ્ઠિત મંચો પર આપેલી સ્પીચના, યુનિવર્સિટીઓમાં આપેલા લેકચરોના, મીડિયાને આપેલા ઇન્ટરવ્યુઝના કેટલાય વીડિયો જોયા છે, પણ એ આવું ક્યારેય બોલ્યા નથી કે વીડિયો નીચે કમેન્ટ કરો! વળી, પેલો સવાલ તો ઊભો જ છેઃ યુવલ હરારી જેવો ચિંતક સેલ્ફ-હેલ્પ પ્રકારના આ સાદા, બેઝિક વિષય પર
ક્યારે બોલ્યા?
તમે સહેજ છાનબીન કરો છો ને સત્ય સામે આવી જાય છેઃ
આ વીડિયો યુવલ હરારીનો છે જ નહીં! વીડિયોમાં યુવલ હરારીના ફક્ત અવાજનો ઉપયોગ થયો છે, જે ઇલેવનલેબ્સ પ્રકારના કોઈ એઆઈ ટૂલ દ્વારા જનરેટ કરવામાં આવ્યો છે. હવે એવાં એઆઈ ટૂલ્સ આવી ગયાં છે કે જેમાં માત્ર એક મિનિટની સ્પીચનું સેમ્પલ નાખો તો એ જ અવાજ અને લહેકામાં આખેઆખું ભાષણ તૈયાર થઈ જાય. ઓશોના આવા કેટલાય વીડિયો યુટયુબ પર છે. અવાજ અને શૈલી ઓશોની હોય, પણ શબ્દો બીજા કોઈના હોય. વક્રતા જુઓ. 'યુવલ હરારી'નો આ આખો વીડિયો કોના પર ભરોસો ન કરવો તે વિશે છે, પણ આ વીડિયો પોતે જ ભરોસાપાત્ર નથી! ફેક છે! આમાં હવે કોનો ભરોસો કરવો ને કોનો ન કરવો… તમે જ કહો!




