શાસનને શું વળગે ભૂર, રેલીઓ કાઢી જાણે એ જ સરકારી શૂર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- અગડમ્ બગડમ્-બાબા આદમ
- મોંઘવારી, ભ્રષ્ટાચાર કે ગુનાખોરીને હવે દરેક સરકારી ખાતું રેલી કાઢીને જ નિપટાવશે
મંત્રીશ્રીએ તાબડતોબ અધિકારીઓને આદેશ છોડયો. 'આપણે હવે નવી સ્ટાઈલથી સરકારી વહીવટનો દાખલો બેસાડવાનો છે.'
એક અધિકારી મંત્રીશ્રીને વહાલા થવા કહે, 'સર, આપ જે સ્ટાઈલથી વહીવટ ચલાવી રહ્યા છો એ એકદમ નવી જ સ્ટાઈલ છે. આપની પહેલાં અગાઉ કોઈ મંત્રીએ આટલા બધા ફોટા પડાવ્યા નથી કે રીલો બનાવ્યાં નથી, અને તમારા જેટલું તો બીજા કોઈએ ફેરવી તોળ્યાનું ઈતિહાસમાં નોંધાયું જ નથી.'
મંત્રીશ્રી કહે, ' છોડો કલ કી બાતેં… કલ કી બાત પુરાની. હવે અમે નક્કી કર્યું છે કે અમે આખેઆખી સરકારને જમીન પર ઉતારી દઈશું.'
બીજા અધિકારી કહે, 'વાહ સર, શું તમારા ઉચ્ચ વિચારો છ ે! સરકારો સાતમા આસમાને ઉડે તેના કરતાં જમીન સાથે જોડાયેલી રહે તેમાં જ લોકશાહીની શોભા છે.'
'બરાબર છે, પરંતુ આપણી લોકશાહીની સોનાની થાળીમાં આ વિપક્ષો લોઢાની મેખ જેવા છે. એ લોકો રેલીઓ કાઢી કાઢીને પબ્લિકને ભરમાવ્યા કરે છે. આમ પણ આપણા દેશની પબ્લિક સાવ ભોટ, નાસમજ અને ઝડપથી ગેરમાર્ગે દોરવાઈ જાય તેવી છે. તે વિપક્ષની રેલીથી ગેરમાર્ગે દોરવાય તે પહેલાં અમે જ જાતભાતની રેલીઓ યોજીને એ કામ પતાવી દઈશું. અબ કી બાર રેલી સરકાર…' મંત્રીશ્રીએ લલકાર્યું.
જોકે અધિકારીઓ માથું ખંજવાળવા લાગ્યા. એટલે મંત્રીશ્રી ચિઢાઈને કહે, 'લ્યા સમજો. હવેથી આપણે દરેક સરકારી કામકાજને રેલીમાં ફેરવી નાખીશું. જેમ કે ક્યાંય હત્યા, લૂંટ, અકસ્માત થાય તો પોલીસખાતાંવાળા રેલી કાઢશે એટલે ગુનેગારો ડરી જશે. જમીનોના દાખલામાં ભ્રષ્ટાચાર થાય તો મહેસૂલ ખાતાવાળા રેલી કાઢશે એટલે બોગસ દસ્તાવેજો ઊભા કરનારા આપોઆપ શરણે આવશે. ચીજવસ્તુઓના ભાવ વધશે તો નાગરિક પુરવઠાખાતું રેલી કાઢશે એટલે દુકાનદારો ભાવ ઘટાડશે. રસ્તાઓ પર ખાડાઓ પડી જશે તો તેના વિરોધમાં મ્યુનિસિપલ કમિશનરો ને એન્જિનીયરો પણ પ્લેકાર્ડ લઈને રેલી જ કાઢશે એટલે કોન્ટ્રાક્ટરો ખાડા પૂરી દેશે. પાણીની બૂમો પડશે તો પાણી પુરવઠા ખાતાવાળા તત્કાળ રેલી કાઢશે એટલે લોકો જાતે કૂવો ખોદવા માંડશે.'
એક દોઢ ડાહ્યા અધિકારી કહે, 'સર, એકાદી વિપક્ષ-જોડો રેલી પણ કાઢી જ નાખો. એટલે દૂધપાક તરફ માખીઓ બણબણતી આવે તેમ તમામ વિપક્ષી નેતાઓ ટપોટપ સરકારી છાવણીમાં બેસી જશે.'
મંત્રીશ્રી હાથ જોડીને કહે, 'ભલા ભાઈ, અમને પણ આરોપો કરવા, વગોવવા માટે અને ક્યારેક રોદણાં રડવા માટે કોઈ તો જોઈએને. રહેવા દોને ભાઈ.'
આદમનું અડપલું
સરકારી હાઈકુઃ
રેલીની હેલી
પ્રજાને બનાવી દો,
ગાંડી ને ઘેલી




