Editorial

વી.પી. મેનનઃ સરદારના સાથી... સરદારના સારથિ

By GS Team
31 Oct 20266 mins read
TukuTouch Logo
આજે સરદાર પટેલની 152મી જન્મજયંતિએ, તેમના જમણા હાથ અને ભારતના એકીકરણના શિલ્પકાર વી.પી. મેનનને યાદ કરાયા. કેરળના એક સામાન્ય પરિવારમાં જન્મેલા મેનને ગૃહ વિભાગમાં કારકૂનથી લઈને રિફોર્મ્સ કમિશનર સુધીની સફર ખેડી. તેમણે 1947માં ભારત-પાકિસ્તાનના ભાગલાની યોજના બનાવી અને સરદાર પટેલ સાથે મળીને 562 રજવાડાઓને ભારતમાં ભેળવી અખંડ ભારતનું નિર્માણ કર્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

વી.પી. મેનનઃ સરદારના સાથી... સરદારના સારથિ

વી.પી. મેનન

આજે સરદાર વલ્લભભાઈની જન્મજયંતી છે. જો તેઓ જીવિત હોત તો આપણે એમનો ૧૫૨મો બર્થડે ઊજવતા હોત. પણ આજે આપણે માત્ર સરદાર પટેલની સાથે ખાસ તો એમના સમર્થ સેનાપતિને યાદ કરવા છે. તેમનું નામ હતું વાપ્પલા પંગુન્ની મેનન. ઇતિહાસ તેમને વી.પી. મેનન તરીકે ઓળખે છે. સરદાર પટેલના એ જમણો હાથ. એમનો જન્મ ૧૮૯૩માં કેરળના મલબાર જિલ્લાના ઓટ્ટપાલમ નામના નાનકડા ગામમાં થયો હતો. પિતા સામાન્ય હેડમાસ્તર. માતા મક્કમ સ્વભાવની સ્ત્રી. નાનો વાપ્પલા કંઈ ભણેશરી છોકરો નહોતો. એક દિવસ શાળામાં શિક્ષકની ઠપકો અસહ્ય લાગતાં તે હઠીલો છોકરો પૈસા વગર ઘરેથી ભાગી ગયો. કોલસાના ધુમાડાવાળી ટ્રેનોમાં બેસીને એ ભારતની મુસાફરીએ નીકળી પડયો. મૈસૂરની કોલાર સોનાની ખાણોમાં તેણે પાવડો ચલાવ્યો. ક્યારેક ટ્રેનના એન્જિનમાં કોલસા નાખ્યા, ક્યારેક રેલવે ક્લાર્ક તરીકે તો ક્યારેક તમાકુની દુકાનમાં મદદનીશ તરીકે કામ કર્યું. આવી મુશ્કેલ પરિસ્થિતિમાંય તેમણે અંગ્રેજી, ટાઈપિંગ અને શોર્ટહેન્ડ જાતે શીખી લીધા.
૧૯૧૪ સુધીમાં ઉત્તમ શોર્ટહેન્ડ ઝડપ અને અદ્ભુત યાદશક્તિના બળે તેમને ભારત સરકારના ગૃહ વિભાગમાં એક સામાન્ય કારકૂનની નોકરી મળી. બ્રિટિશ અમલદારોનું ધ્યાન તરત જ તેમના પર ગયું. જ્યાં અંગ્રેજ બાબુઓને કાયદાકીય કાગળો સમજવામાં કલાકો લાગતા, ત્યાં મલબારનો આ શાંત કારકૂન બપોર પહેલાં ૩૦૦ પાનાની ફાઈલનો માત્ર બે પાનામાં સચોટ સારાંશ તૈયાર કરી દેતો.
તેઓ સતત આગળ વધતા રહ્યા- આસિસ્ટન્ટ સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, અને પછી રિફોર્મ્સ કમિશનર. જ્યારે વાઇસરોય લોર્ડ લિનલિથગો અને લોર્ડ વેવેલ ભારતના રાજકીય કોયડાઓ ઉકેલવામાં અટવાતા, ત્યારે મેનન સુધારણા કાર્યાલયનું સૌથી મહત્વનું મગજ ગણાતા. તેઓ ૧૯૩૫ના ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટને એટલો ઊંડાણથી સમજતા હતા કે બ્રિટિશ વાઇસરોય સુધ્ધાં કોઈ નિર્ણય લેતાં પહેલાં પૂછતા, 'મેનન આ વિશે શું વિચારે છે?'
મે ૧૯૪૭માં લોર્ડ માઉન્ટબેટન જવાહરલાલ નેહરુ સાથે શિમલા પહોંચ્યા. બ્રિટિશ કેબિનેટની સત્તા-હસ્તાંતરણની યોજના 'પ્લાન બાલ્કન' લગભગ તૈયાર થઈ ચૂકી હતી. નેહરુને આ યોજનાના કાગળિયા ખાનગીમાં બતાવવામાં આવ્યા. તે વાંચીને નેહરુ ગુસ્સાથી લાલચોળ થઈ ગયા. આ યોજના મુજબ દરેક પ્રાંત અને રજવાડાને ભારત સંઘમાં જોડાવા કે અલગ સ્વતંત્ર દેશ બનવાની છૂટ મળતી હતી. આ તો ભારતના અસંખ્ય નાના-મોટા ટુકડા કરવાનું ષડયંત્ર હતું. માઉન્ટબેટનનું મિશન નિષ્ફળ જવાની અણી પર હતું. હતાશ થઈને વાઇસરોય તે એકમાત્ર માણસ તરફ વળ્યા, જેના પર અંગ્રેજો અને કોંગ્રેસ બંને પૂર્ણ વિશ્વાસ રાખતા હતા.
'સર, આ કામ મારા પર છોડી દો,' મેનને શાંતિથી માઉન્ટબેટનને કહ્યું.
શિમલાના પોતાના રૂમમાં બેસીને, કાળી કોફી અને સિગારેટના સહારે, મેનને માત્ર ચાર કલાકમાં ભારત-પાકિસ્તાનના ભાગલા અને સત્તા-હસ્તાંતરણની એક નવી વૈકલ્પિક યોજના તૈયાર કરી નાખી. તેમણે 'ડોમિનિયન સ્ટેટસ' (સંસ્થાનિક સ્વરાજ્ય) હેઠળ સત્તા સોંપવાનું સૂચન કર્યું, કે જેથી નવું બંધારણ ન બને ત્યાં સુધી ૧૯૩૫નું માળખું ચાલુ રહે અને વહીવટી તંત્ર કે સેનામાં અંધાધૂંધી ન ફેલાય.
નેહરુ સંમત થયા. સરદાર પટેલે મંજૂરી આપી. લંડને પણ તેના પર મહોર મારી દીધી. ૩ જૂન ૧૯૪૭ની જે ઐતિહાસિક યોજના દ્વારા આજના ભારત અને પાકિસ્તાનનો જે પાયો નખાયો, તે વી.પી. મેનના મગજની ઉપજ હતી.
અંગ્રેજોએ જાહેર કર્યું હતું કે ૧૫ ઓગસ્ટે તેમની સત્તા ખતમ થતાં તમામ રાજાઓ કાયદાકીય રીતે સ્વતંત્ર થઈ જશે. ત્રાવણકોર, હૈદરાબાદ અને ભોપાલ જેવાં રાજ્યો તો અલગ દેશ બનાવીને વિદેશોમાં દૂતાવાસો ખોલવાના સપના જોવા લાગ્યાં હતાં. જો આ રજવાડાં અલગ રહેત, તો ભારત દેશ અંદરથી જ છિન્નભિન્ન થઈ જાત. આ સંકટ ટાળવા જુલાઈ ૧૯૪૭માં રિયાસતી મંત્રાલય (મિનિસ્ટ્રી ઓફ સ્ટેટ્સ) રચાયું. સરદાર વલ્લભભાઈ પટેલ મંત્રી બન્યા અને તેમણે તાત્કાલિક શરત મૂકી કે વી.પી. મેનન જ તેમના સચિવ રહેશે.
આ જોડી અદ્ભુત હતી. 'હું તો એક સરકારી સેવક છું. મારું કામ સરકારની નીતિનો અમલ કરવાનું છે,' મેનન નમ્રતાથી કહેતા. પણ સરદાર પટેલ પોતાના સાથીઓને સ્પષ્ટ કહેતા કે, 'જો વી.પી. ન હોત, તો ભારતના રજવાડાંઓનું એકીકરણ ક્યારેય શક્ય બન્યું ન હોત.'
બંનેએ મળીને એક રસ્તો કાઢયો - સ્ટેન્ડસ્ટિલ એગ્રીમેન્ટ (યથાસ્થિતિ કરાર) અને ઇન્સ્ટ્મેન્ટ ઓફ એક્સેસન (જોડાણખત). રાજાઓ પાસેથી માત્ર ત્રણ વસ્તુઓ માંગવામાં આવી - સંરક્ષણ, વિદેશ નીતિ અને સંચાર (કમ્યુનિકેશન). મેનને દસ્તાવેજ એવી ચતુરાઈથી બનાવ્યા કે રાજાઓને લાગ્યું કે તેઓ દેશહિતમાં મોટું બલિદાન આપી રહ્યા છે. મેનન તેમને સમજાવતાઃ 'આજે ત્રણ વસ્તુઓ આપીને દેશ સાથે જોડાઈ જાવ, તો જ આવતીકાલે તમારું અસ્તિત્વ ટકી શકશે.'
પછીના દોઢ વર્ષ સુધી મેનનનું જીવન વિમાનો અને રેલવે ડબ્બાઓમાં જ વીત્યું. તેઓ માંડ બે કલાક ઊંઘતા. ડાયાબિટીસની બીમારી છતાં તેઓ માત્ર ફરજના જોરે દોડતા રહ્યા.
૧૯૪૭ના ઉનાળામાં જોધપુરના યુવાન મહારાજા હનવંત સિંહ પાકિસ્તાન તરફ ઢળી રહ્યા હતા. મોહમ્મદ અલી ઝીણાએ તેમને પોતાની સહીવાળો કોરો કાગળ આપી દીધો હતો કે, 'તમારી જે શરતો હોય તે લખી દો, હું મંજૂર કરીશ.' જો જોધપુર પાકિસ્તાનમાં ગયું હોત, તો પાકિસ્તાનની સરહદ સીધી દિલ્હીના દરવાજા સુધી પહોંચી જાત. મેનન સમયસર પહોંચ્યા અને મહારાજાને માઉન્ટબેટન પાસે લઈ ગયા. માઉન્ટબેટનનું દબાણ આવ્યું એટલે હનવંત સિંહે જોડાણખત પર સહી તો કરી આપી, પણ જેવી માઉન્ટબેટન રૂમની બહાર ગયા અને એ મેનન સાથે એકલા પડયા, કે તરત જ ગુસ્સામાં ધૂંધવાયેલા મહારાજાએ સોનાની ઢોળ ચડાવેલી પિસ્તોલ કાઢી મેનનના કપાળ પર તાકી દીધી. કહે, 'તમારા જેવા જૂના કારકૂનોનું શાસન હું નહીં સ્વીકારું! જો આડા આવ્યા તો કૂતરાની જેમ ગોળી મારી દઈશ…'
મેનનની પાંપણ પણ ન ઝપકી. પિસ્તોલની નાળ સામે જોતાં તેમણે શાંતિથી કહ્યુંઃ 'મહારાજા સાહેબ, તમે મને ગોળી મારી શકો છો. પણ તેનાથી તમારી મુશ્કેલી ઘટશે નહીં, ઊલટાનું ભારત સરકારનો ક્રોધ તમારા પર ઉતરશે અને તમને ન તો ભારતમાં જમીન મળશે કે ન તો પાકિસ્તાનમાં.' એટલામાં માઉન્ટબેટન પાછા આવ્યા અને મામલો થાળે પડયો. મેનન સહી થયેલો દસ્તાવેજ બ્રીફકેસમાં મૂકીને એ રીતે બહાર નીકળ્યા જાણે કશું બન્યું જ ન હોય! કાશ્મીર અને હૈદરાબાદને ભારત સાથે શી રીતે જોડવામાં આવ્યાં એ તો ખૂબ જાણીતી કથા છે.
સરદાર પટેલના અવસાન પછી મેનન એકલા પડી ગયા હતા. નહેરુની સરકારમાં ખુશામતખોરોને પ્રોત્સાહન મળી રહ્યું હતું અને ભ્રષ્ટાચાર પણ થવા માંડયો હતો. ૧૯૫૧માં વી. પી. મેનનના ધ્યાનમાં એક કૌભાંડી ચેક આવી ગયો, જેમાં સર પ્રતાપસિંહ અને નહેરુના જમાઈ ફિરોઝ ગાંધીની સ્પષ્ટ સંડોવણી હતી. પરંતુ આ કૌભાંડ દબાવી દેવામાં આવ્યું. કૌભાંડ બહાર લાવવાની સજારૂપે મેનનને ઓરિસ્સાના રાજ્યપાલ બનાવી દેવામાં આવ્યા. જો કે આ નિયુક્તિ પણ બે મહિના પૂરતી જ રહી. મેનનની અવગણના અંગે માઉન્ટબેટને લખ્યું છે કે 'એ બાબત કરુણ છે કે સરદારના ગયા પછી વી.પી. મેનન જેવા મહાન સરકારી અધિકારીની સેવાનો ફરીથી ઉપયોગ ન થયો.'
સરદાર પટેલ અને વી. પી. મેનન પ્રત્યે નહેરુ પરિવારને કેટલો પૂર્વગ્રહ હતો એ મેનનના 'ઈન્ટિગ્રેશન ઓફ ઈન્ડિયન સ્ટેટ્સ' પુસ્તકમાંથી જાણી શકાય છે. તેમાં લખ્યું છે કે '૧૯૬૦માં 'ઈન્ડિયન એક્સપ્રેસ' દૈનિકમાં ગૃહસચિવ એચ. વી. આર. આયંગરે એક લેખમાં સરદાર પટેલનાં વખાણ કર્યા ત્યારે શું બન્યું? બીજે જ દિવસે તંત્રી ફ્રેન્ક મોરાઈસ દોડતા આયંગરને ઘરે ગયા અને બોલી ઉઠયાઃ 'આયંગર સાહેબ, હવે તમે વડાપ્રધાનના શ્વાનઘરમાં રહેવાના. હું અત્યારે સીધો નાસ્તાના ટેબલ પરથી આવ્યો છું. ટેબલ પર જવાહર, ઈન્દિરા અને વિજયાલક્ષ્મી પંડિત સાથે હતાં. જવાહર શાંત હતા, કારણ કે હૃદયરોગના હુમલા પછી સારવાર લઈ રહ્યા હતા. ઈન્દિરા ગાંધીએ આ લેખ વાંચ્યો હતો. એમના ગુસ્સાનો કોઈ પાર નહોતો. તેમણે ઉગ્ર સ્વરે કહ્યુંઃ 'આ આયંગર વળી કઈ બલાનું નામ છે?'
પછી વી.પી. મેનન આગળ લખે છેઃ 'નેહરુએ ખંતપૂર્વક અને ઊંડી ગણતરીપૂર્વક સરદાર પટેલની છબી લોકોના મનમાંથી ભૂંસાઈ જાય એવો પ્રયત્ન શરૂ કર્યો હતો… હું આ વાત જાણું છું. મારી સાથે પણ વારંવાર આવું બનતું હતું. કદાચ સરદાર પ્રત્યેની જબરી ઈર્ષા તે માટે જવાબદાર હતી. જો સરદારના જીવનકાળ દરમિયાન દેશના એકીકરણનું કામ પૂર્ણ થયું ન હોત તો પછી હું એકલો એ કામ પૂરું કરી શક્યો ન હોત. જ્યારે કામ ચાલતું હતું ત્યારે હાર્ટ એટેકની પરવા કર્યા વિના તેમાં ગળાડૂબ હતા. મને ખબર છે કે સરદાર પટેલ કેવા પાવરફુલ હતા! તેઓ એવા મનુષ્ય હતા કે તેમની સામે પડવાની કોઈની હિંમત નહોતી.'
સરકારી નોકરીમાંથી નિવૃત્ત થઈને મેનન બેંગલોર રહેવા આવી ગયા હતા. થોડો સમય 'સ્વતંત્ર પાર્ટી'માં જોડાયા, પરંતુ વધારે સમય તો તેમણે લેખન પાછળ જ ફાળવ્યો. ૩૧ ડિસેમ્બર, ૧૯૬૫ના રોજ વી. પી. મેનનનું અવસાન થયું.