Editorial

સફળતાની એક નહીં, અનેક સીડી હોઈ શકે છે...

By GS Team
21 Aug 20267 mins read
TukuTouch Logo
ઇન્ડિયન-અમેરિકન અબજોપતિ નિકેશ અરોરા, પાલો અલ્ટો નેટવર્ક્સના CEO, હાલ ચર્ચામાં છે. AIના પડકારો વચ્ચે તેમની સાયબર સિક્યોરિટી કંપનીના શેરમાં 800%નો ઉછાળો આવ્યો છે. ગાઝિયાબાદમાં જન્મેલા નિકેશે 400 રિજેક્શન પછી પણ હિંમત ન હારી. તેમની સફળતા પ્રતિભા અને નવી પરિસ્થિતિઓમાં અનુકૂલન સાધવાની ક્ષમતાનો અનોખો દાખલો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સફળતાની એક નહીં, અનેક સીડી હોઈ શકે છે...
  • વાત-વિચાર - શિશિર રામાવત
  • ઇન્ડિયન-અમેરિકન અબજોપતિ નિકેશ અરોરાની સફર પરથી એક વાત સ્પષ્ટપણે ઊપસે છે, અને તે એ કે સફળતાનો સંબંધ માત્ર પ્રતિભા સાથે નથી. સફળતાનો સંબંધ એડેપ્ટેબિલિટી પર, એટલે કે નવી નવી પરિસ્થિતિ અનુસાર તમે કેટલી ઝડપથી ખુદને તેમાં ઢાળી શકો છો, તેના પર પણ છે.
    સાયબર સિક્યોરિટી. આ બે શબ્દોમાં, અથવા કહો કે આ ક્ષેત્રમાં, ખાસ ગ્લેમર નથી. કદાચ એ જ કારણ છે કે નિકેશ અરોરા નામના અબજોપતિ ઇન્ડિયન-અમેરિકનનું નામ સુંદર પિચાઈ કે સત્યા નડેલા જેવા સુપરસ્ટાર સીઈઓ જેટલું જાણીતું બન્યું નથી. નથી એમની પાલો અલ્ટો નેટવર્ક્સ નામની કંપની આમ જનતામાં જાણીતી બની. નિકેશ અરોરા આ પાલો અલ્ટો નેટવર્ક્સ નામની સાયબર સિક્યોરિટી કંપનીના સીઈઓ અને ચેરમેન છે. આપણે ગૂગલ જેવું સર્ચ એન્જિન, વિન્ડોઝ જેવી ઓપરેટિંગ સિસ્ટમ, ફેસબુક-ઇન્સ્ટાગ્રામ જેવાં સોશિયલ મિડીયા પ્લેટફોર્મ્સ અને ચેટજીપીટી જેવાં આર્ટિફિશિયલ (એઆઈ) ચેટબોટ્સ લગભગ રોજેરોજ વાપરીએ છીએ, પણ પાલો અલ્ટો નેટવર્ક્સની સાયબર સિક્યોરિટી સંબંધિત પ્રોડક્ટ્સ કે સર્વિસીસ સાથે સામાન્ય યુઝર્સને સીધી લેવાદેવા હોતી નથી. નિકેશ અરોરા ભલે બહુ ફેમસ ન હોય, પણ જાણી લો તેઓ ખાસ્સા ઇન્ટરેસ્ટિંગ માણસ છે. આજકાલ નિકેશ અને એમની કંપની બન્ને ન્યુઝમાં છે. નિકેશે આ કંપનીનો કારભાર હાથમાં લીધો તે પછી, એટલે કે છેલ્લા આઠ વર્ષમાં, આ કંપનીના શેરની કિંમતમાં ૮૦૦ ટકા વધારો થયો છે. એવો તે શંુ જાદુ કરી નાખ્યો નિકેેશ અરોરાએ?
    મોટાં મોટાં કોર્પોરેટ હાઉસીસ, સરકારી વિભાગો પોતાના ડેટા, નેટવર્ક્સ, ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇત્યાદિની સુરક્ષા માટે પાલો અલ્ટો જેવી સાયબર સિક્યોરિટી કંપનીની સર્વિસ ઊંચા ભાવે ખરીદતી હોય છે, પણ એઆઈ નામનું ચમત્કારિક ભૂત જે રીતે બધાં ક્ષેત્રોમાં ધૂણી રહ્યું છે તે જોતાં એક સ્વાભાવિક ડર ઊભો થયોઃ જો એઆઈ પોતે જ સાયબર સિક્યોરિટી એક્સપર્ટ બની જાય તો આ કંપનીઓનું શું થાય? આ ડરને વ્યાજબી ઠરાવતું ઉદાહરણ ફેબુ્રઆરી-૨૦૨૬માં મળ્યું. એન્થ્રોપિક નામની કંપનીએ ક્લૉડ કોડ સિક્યોરીટી નામનું એઆઈ ટૂલ ઇન્ટ્રોડયુસ કર્યું. આ ટૂલ સાયબર સિક્યોરિટીને લગતા સોફ્ટવેર કોડ જાતે સ્કેન કરીને ખામીઓ શોધી શકે છે, એટલું જ નહીં, તેને સુધારવાના ઉપાયો પણ સૂચવી શકે છે. તે સાયબર સુરક્ષાનાં એવાં છીંડા પકડી પાડી શકે છે, જે જૂની પરંપરાગત પદ્ધતિઓથી પકડાતાં નહોતાં.
    પાલો અલ્ટો નેટવર્ક્સના રોકાણકારો ગભરાઈ ગયા. જો કોઈ એઆઈ મોડલ લાખો લાઈનનો કોડ સરળતાથી વાંચી શકે, ખામીઓ શોધી શકે અને તેને કેવી રીતે ઠીક કરવી તે પણ જણાવી શકે, તો પછી સ્પેશિયલિસ્ટોની આખી ફોજ રાખવા અને મોંઘા વલ્નરેબિલિટી-ડિટેક્શન ટૂલ્સ ખરીદવા માટે કોઈ સાયબર સિક્યોરિટી કંપનીને પૈસા શા માટે આપે? પત્યું. સાયબર સિક્યોરિટી કંપનીઓના શેરોમાં લગભગ ૧૧ ટકાનો કડાકો બોલી ગયો. પાલો અલ્ટો નેટવર્ક્સને પણ ફટકો પડયો. ઔર એક શક્યતા તો આના કરતાંય વધારે ડરામણી હતીઃ એઆઈને કારણે પેલા દુષ્ટ હેકર્સ વધારે તાકાતવર બની જશે તો શું થશે? તેઓ તો અનેકગણા વધારે જોરથી સંવેદનશીલ સાયબર સિક્યોરિટીમાં છીંડાં પાડી શકશે.
    ભયના આ માહોલ વચ્ચે નિકેશ અરોરાની થિયરી સ્પષ્ટ હતીઃ ના, સાયબર સિક્યોરિટીની જરૂરિયાતને એઆઈ ખતમ નહીં કરે, બલ્કે તે સાયબર સિક્યોરિટીના ક્ષેત્રમાં સાવ નવી સમસ્યાઓ અને પડકારો પેદા કરશે. નિકેશ અરોરાએ પછી શું કર્યું? જ્યારે પાલો અલ્ટો નેટવર્ક્સના શેરની કિંમત કડડડભૂસ કરતી તૂટી રહી રહી ત્યારે, માર્ચ ૨૦૨૬માં, એમણે ૧૦ મિલિયન ડોલર ખર્ચીને પોતાની જ કંપનીના ૬૮,૦૮૫ શેર ખરીદી લીધા. આ રીતે એમણે માર્કેટને સ્પષ્ટ સંદેશો આપી દીધોઃ મને મારી કંપનીમાં વિશ્વાસ છે, અને એટલે જ હું મારા ખુદના પૈસા તેમાં ઇન્વેસ્ટ કરી રહ્યો છું. નિકેશ અરોરા સાચા ઠર્યા! કંપનીના શેરની કિંમત ધીરે ધીરે ઊંચકાવા લાગ્યો અને પાંચ જ મહિનામાં ઓલ-ટાઇમ-હાઇ સ્તર પર પહોંચી ગઈ. નિકેશે રોકેલા ૧૦ મિલિયન ડોલર પર આજની તારીખે વધીને ૧૬ મિલિયન ડોલરનું પ્રોફિટ બોલે છે. કંપનીની માર્કેટ વેલ્યુ એટલી ઊંચાઈ પર છે, જેટલી અગાઉ ક્યારેય નહોતી - ૩૧૩ બિલિયન ડોલર એટલે કે લગભગ ૩૦ લાખ કરોડ રૂપિયા.
    ૫૮ વર્ષીય નિકેશ અરોરાની કરીઅર કોઈ ફિલ્મી પટકથા જેવી રોમાંચક છે. ગાઝિયાબાદમાં એમનો જન્મ. એમના પિતા ઇન્ડિયન એરફોર્સમાં અધિકારી, એટલે દર બે-ત્રણ વર્ષે જુદાં જુદાં શહેરોમાં બદલી થયા કરે. ઘર બદલાય, સ્કૂલ બદલાય, દોસ્તો બદલાય, નવી પરિસ્થિતિમાં ખુદને તરત ઢાળવી પડે. બસ, આ જ ગુણ - પરિસ્થિતિને અનુકૂળ થઈ જવું ને વિકસતા જવું (અંગ્રેજીમાં તેના માટે એડેપ્ટેબિલિટી શબ્દ વપરાય છે) નિકેશને ભવિષ્યમાં ખૂબ ઉપયોગી બનવાનો હતો.
    બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી (જે આજે આઈઆઈટી-બીએચયુ તરીકે ઓળખાય છે) નિકેશે ઇલેક્ટ્રિકલ એન્જિનીયરિંગ કર્યું છે. ૧૯૮૯માં ડિગ્રી લઈને અમેરિકા ગયા. પહેલાં નોર્થઈસ્ટર્ન યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ કર્યું, ને પછી નાની-મોટી જોબ કરતાં કરતાં બોસ્ટન કોલેજમાંથી ફાયનાન્સ વિષય લઈને એમબીએ કર્યું. ખર્ચા કાઢવા તેઓ નાનું-મોટું જે કામ મળે તે લઈ લેતા. તેમણે સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કર્યું છે, રેસ્ટોરામાં બર્ગર પણ બનાવ્યા છે. આટલું બધું ભણ્યા પછી એમને ફટાક્ કરતી મસ્તમજાની જોબ મળી ગઈ હશે, રાઇટ? રોંગ! અમેરિકામાં ભણતાં ભણતાં ને પછી ભણી લીધા બાદ એમણે નોકરીઓ માટે એપ્લાય કરવાનું શરુ કર્યું. એમને કેટલી વાર નકારનો સામનો કરવો પડયો હશે, જાણો છો? લગભગ ૪૦૦ વખત! નિકેશ અરોરાએ એ તમામ ચારસો રિજેક્શન લેટર આજે પણ સાચવીને રાખ્યા છે!
    કરીઅરની શરૂઆતમાં એમણે ફાઇડેલિટી જેવી ફાયનાન્શિયલ કંપનીઓમાં કામ કર્યું. પછી ટેલિકમ્યુનિકેશન ફિલ્ડમાં ગયા, ટી-મોબાઈલ ઇન્ટરનેશનલના ચીફ માર્કેટિંગ ઓફિસર બન્યા, ટી-મોશન નામની કંપનીની સ્થાપના પણ કરી. એમની કારર્કિદીમાં જબરદસ્ત વળાંક આવ્યો ૨૦૦૪માં કે જ્યારે તેઓ ગૂગલમાં જોડાયા. તે વખતે ગૂગલની મુખ્ય ઓળખ એક અતિ સફળ સર્ચ એન્જિન તરીકે હતી, જીમેઇલ નવું નવું આવ્યું હતું, ને યુટયુબ તથા એન્ડ્રોઇડ હજુ ગૂગલનો હિસ્સો બન્યા નહોતા. નિકેશ ક્રમશઃ ગૂગલના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તથા ચીફ બિઝનેસ ઓફિસર બન્યા. ગૂગલના એડ રેવન્યુને તેમણે ૬૦ બિલિયન ડોલર સુધી પહોંચાડી દીધું હતું. એક તબક્કે તેઓ ગૂગલના સૌથી વધુ પગાર મેળવતા એક્ઝિક્યુટિવ હતા. ૨૦૧૨માં એમનું વાષક પેકેજ રોકડ અને શેર મળીને લગભગ ૫૧ મિલિયન ડોલર (૨૭૫ કરોડ રૂપિયાથી પણ વધુ) હતું. ૨૦૦૯માં નિકેશ અરોરાએ ગૂગલના સાહેબોને આગ્રહપૂર્વક કહ્યું હતું કે નેટફ્લિક્સ ખરીદી લો. તે વખતે નેટફ્લિક્સની માર્કેટ વેલ્યુ 'ફક્ત' ૩ બિલિયન ડોલર હતી. કલ્પના કરો, ગૂગલના સાહેબોએ નિકેશની વાત માની લીધી હોત તો આજે સ્ટ્રીમિંગની દુનિયા કેટલી જુદી હોત!
    જ્યારે નિકેશ અરોરા પોતાની કરીઅરના શિખર પર પહોંચી ગયા છે એવું લાગતું હતું ત્યારે એમણે એક ચોંકાવનારું પગલું ભર્યું. ૨૦૧૪માં તેઓ ગૂગલ જ નહીં, અમેરિકા છોડીને જતા રહ્યા. ક્યાં? જપાન, સોફ્ટબેન્ક નામની વિરાટ ટેકનોલોજી ઇન્વેસ્ટમેન્ટ કંપનીમાં વાઇસ ચેરમેન બનવા માટે! સૌએ માની લીધંહ હતું કે સોફ્ટબેન્કના અબજોપતિ માલિક નિકેશ અરોરાને પોતાના ઉત્તરાધિકારી બનાવવાના છે, આ પ્રકારની ઉદ્ઘોષણા પણ થઈ હતી, પરંતુ માલિકસાહેબ નિવૃત્ત થયા જ નહીં. તો પછી નિકેશ અરોરાએ શું કર્યું? તેમણે સોફ્ટબેન્ક છોડી દીધી ને ૨૦૧૮માં પાલો અલ્ટો નેટવર્ક્સમાં જોડાઈ ગયા. સાયબર સિક્યોરિટી એ નિકેશનો વિષય હતો જ નહીં, છતાં આઠ જ વર્ષમાં તેમણે આ કંપનીને ૧૮ બિલિયનથી ૩૧૩ બિલિયન સુધી પહોંચાડી દીધી. એક તબક્કે જે જુવાનિયાના ખિસ્સામાં પૂરા ૧૦૦ ડોલર પણ નહોતા, એ માણસ આજની તારીખે ૯૯.૭ મિલિયન ડોલર (૯.૫૪ અબજ રૂપિયા)નો વાર્ષિક પગાર મેળવીને અમેરિકાના સૌથી હાઇએસ્ટ પેઇડ સીઈઓના શાનદાર સૂચિમાં છઠ્ઠા ક્રમે બિરાજે છે. જે ઇન્ડસ્ટ્રીનો એમને કશો જ અનુભવ નહોતો એ જ ઇન્ડસ્ટ્રીમાં નિકેશ અરોરા બિલિયોનેર બન્યા!
    ના, વાત અહીં અટકતી નથી. નિકેશ હવે પાછા એક સાવ નવા ફિલ્ડ તરફ ગતિ કરી રહ્યા છે - સ્પોર્ટ્સ તરફ! ૨૦૨૫માં નિકેશ અરોરા અને સત્યા નડેલા- સુંદર પિચાઈ જેવા તેમના ટેક-અબજોપતિ મિત્રોએ લોર્ડ્સ ખાતે લંડન ક્રિકેટ ફ્રેન્ચાઇઝીમાં હિસ્સો ખરીદ્યો. હાલ તેઓ એક અબજ ડોલરમાં લંડન બાસ્કેટબોલ ફ્રેન્ચાઇઝી મેળવવાનો પ્રયાસ શરૂ કરી રહ્યા છે!
    નિકેશ અરોરાની સફર પરથી એક વાત સ્પષ્ટપણે ઊપસે છે. સફળતાનો સંબંધ માત્ર અને માત્ર પ્રતિભા સાથે નથી. સફળતાનો સંબંધ એડેપ્ટેબિલિટી પર, એટલે કે નવી નવી પરિસ્થિતિ અનુસાર તમે ખુદને કેટલી ઝડપથી તેમાં ઢાળી શકો છો, તેના પર પણ છે. નિકેશ અરોરા ભણ્યા એન્જિનીયરિંગ, અને કરીઅરની શરૂઆત કરી ફાયનાન્સ સેક્ટરમાં. પછી કમ્યુનિકેશન, ત્યાર બાદ ટેકનોલોજીનું ક્ષેત્ર, તે પછી ઇન્વેસ્ટમેન્ટ અને છેલ્લે સાયબર સિક્યોરિટી! એક જ ક્ષેત્રમાં બંધાઈ રહેવાને બદલે તેઓ જુદાં જુદાં ક્ષેત્રોનું ખેડાણ કરતા રહ્યા, નવાં નવાં કૌશલ્યો શીખતા ગયા અને ખુદને સતત રિ-ઇન્વેન્ટ કરતા રહ્યા.
    સો વાતની એક વાત. કારકિર્દી એટલે ફક્ત એક જ સીડી, જેના પગથિયાં એક પછી એક ચડતાં જવાનાં છે, એમ નહીં. કારકિર્દીમાં એક કરતાં વધારે સીડીઓ હોઈ શકે છે, અને આ બધી સીડીઓ પર ક્રમબધ્ધ આરોહણ થઈ શકે છે!