Editorial

ભાષાની ભવાઈ, ગામેગામ ભજવાઈ

By GS Team
30 Sep 20264 mins read
TukuTouch Logo
નટખટ નાગરના બિલ્ડિંગમાં નવા આવેલા ઉત્તર ભારતીય શર્માજી અને બંગાળી નમ્રતા બેનર્જીના દંપતી રોજ રાત્રે ભાષાના કારણે ઝઘડે છે. સોશિયલ મીડિયા પર ઓળખાણ થતા બંનેએ લગ્ન કર્યા, પણ એકબીજાની ભાષા ન જાણતા હોવાથી માથાકૂટ થાય છે. હવે તેમણે હિન્દી-બંગાળી ગાળોની નંબર સિસ્ટમ બનાવી છે, જેથી કોડવર્ડમાં ગાળો બોલી શકે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાષાની ભવાઈ, ગામેગામ ભજવાઈ
  • બખડજંતર-નટખટ નાગર

'લાભુ, ભાષાવાદને માટે જે વાદવિવાદ થાય છે એ ભાષાની ભવાઈ જોઈને કહેવું પડે કે ભાષાને વળગે શું ભૂર… રણમાં જીતે તે શૂર.'
'અરે મારા ભાઈ રણમાં જીતે તે શૂર એમ ભલે કહેવાતું હોય પણ આપણી બિલ્ડિંગમાં નવા આવેલા બાઝકણા કપલના રોજ રાત્રે થતા ઝઘડા સાંભળીને કહેવું પડે કે ભાષાને વળગે શું ભૂર… પ-રણમાં જીતે તે શૂર…'
'લાભુ, રણમાં જીતેને બદલે ''પ-રણ''માં જીતે તે શૂર એમ કેમ કહે છે? ભાષાને અને કપલના પરણવાને શું સંબંધ?'
'અરે ભાઈ હસબંડ ઉત્તર ભારતીય છે અને વાઈફ બંગાળની છે. હસબંડ હિંદીભાષી અને વાઈફ બંગાળી ભાષી છે એમાં જ રોજ બખેડા થાય છે.'
'લાભુ, એકબીજાની ભાષા નથી સમજતા? તો પછી પરણ્યા શું કામ?'
'આજકાલ સોશ્યલ મિડિયામાં ચેટિંગ કરતા કરતા દોસ્તી થઈ જાય છેને? એવી જ રીતે ઉત્તર ભારતીય શર્માજી અને બંગાળી નમ્રતા બેનર્જી બન્નેની સોશ્યલ મિડિયા પર ઓળખાણ થયા પછી ચટ મંગની પટ શાદી એવું કર્યું. એટલે એકબીજાની ભાષા ક્યાંથી આવડે? એમાં રોજેરોજ માથાકૂટ થાય છે.'
'લાભુ, લગ્નમાં તો એવું છે કે પતિ-પત્ની ભલે એકબીજાની ભાષા ન જાણતા હોય પણ પ્રેમની ભાષા સમજેને તો ભાષાની બાબતે ભવાડા ન થાય.'
'આ પાડોશી ધણિ-ધણિયાણી રોજ બાઝવામાંથી જ ઊંચા નથી આવતા એ પ્રેમની ભાષા ક્યાંથી શીખે? એમનો બન્નેનો હિંદી અને બંગાળી ભાષામાં 'દ્વિભાષી' દેકારો સાંભળીને હું મનોમન કહેતો હોઊં કે શર્માજી આમ બાઝતા જરા શરમાજી… અને બેનર્જીને કહું કે બેનર્જી બાઝવામાં બગાડ નહીં તારી એેનર્જી …'
'હા-હા-હા… લાભુ આપણાં પાડોશી નમતા બેનર્જીની જેમ પશ્ચિમ બંગાળના મમતા બેનર્જીએ બાઝવામાં જ એેનર્જી બગાડીને? એમાં જ ગાદી ગુમાવવી પડીને?'
'હા એવું જ થાય ને? તમે ખોટી બાબતમાં તમારી બધી એેનર્જી વેડફી નાખો ત્યારે પછી ગુમાવવાનો જ વારો આવે, પછી એ શાદી હોય કે ગાદી…'
'લાભુ, કાયમ તમતમતા નમતા બનર્જી અને શર્માજી તારા તો નેક્સ્ટ ડોર નેબર છે, એટલે એ બન્ને વચ્ચે ઝઘડો થાય તો તારા ઘરમાં ધમાલ સંભળાતી હશે, ખરૂં કે નહીં?'
'અરે મારા નેબર ખરા પણ પાકિસ્તાન જેવા વસમા પાડોશી. પાકિસ્તાન રચાયું ત્યારથી જેમ ત્યાં કોઈ દિવસ શાંતિ નથી રહી એમ આ વસમા પાડોશીના ઘરમાં પણ પરણીને આવ્યા પછી શાંતિ નથી હોતી. રોજ રાત્રે નાઈટ-શોમાં રાડારાડી થતી જ હોય.'
'લાભુ, ઘણા એવાં ઝઘડાલુ હોય છે, જ્યાં સુધી ખાવાનું હજમ જ ન થાય. પણ શર્માજી હિંદીભાષી અને તમતમતાં નમ્રતાજી બંગાળી ભાષી છે, તો પછી બોલાચાલી કે ઝઘડો કંઈ ભાષામાં કરે? રાષ્ટ્રભાષા હિંદીમાં બાખડે?'
'એમાં એવું થાય કે શર્માજીને બંગાળી ન આવડે અને નમ્રતાજીને હિંદી ન આવડે. એટલે પછી પોતપોતાની ભાષામાં બૂમાબૂમ કરે.'
'લાભુ, પણ ફોર્સફુલી ગાળો બોલવાની મજા તો મધરટંગમાં જ આવે હો? તો આ બન્ને પોતપોતાની ભાષામાં ગાળો આપે?'
'અરે ગાળાગાળીની તો મજા જ જુદી છે. ગઈકાલે રાત્રે ઝઘડો થયો એની જ વાત કરૂં. શર્માજીએ ઉશ ્કેરાઈને હિંદીમાં ગાળ આપી એટલે નમ્રતાજીને ન સમજાઈ એટલે ચિલ્લાયા ટ્રાન્સલેટ… ટ્રાન્સલેટ… પછી નમ્રતાજીએ બંગાળીમાં 'ગાળી' આપી એટલે શર્માજી ચિલ્લાયા કે ટ્રાન્સલેટ ટ્રાન્સલેટ….'
'લાભુ, ગાળોનું પણ ભાષાંતર કરવાનું? આ તો ખરૂં કહેવાય હો? પછી ઝઘડો થાય ત્યારે ગાળોનું ભાષાંતર કરીને એકબીજાને સંભળાવે છે?'
'ના હવે શું કર્યું છે ખબર છે? બન્નેએ સાથે બેસીને હિૅદી અને બંગાળી ભાષાની દસ દસ વેજ અને નોનવેજ ગાળોનું લિસ્ટ બનાવ્યું છે અને એને નંબર આપ્યા છે.'
'લાભુ, હિંદી અને બંગાળી ગાળોનું સહિયારૂં લિસ્ટ બનાવીને એનો ઉપયોગ બાઝતી વખતે કંઈ રીતે કરે છે?'
'વાત જાણે એમ છે કે એકબીજાની ભાષાની દસ-દસ ગાળો બન્નેએ ટ્રાન્સલેટ કરીને ગોખી લીધી છે. એટલે ખરેખરો કંકાસ શરૂ થાય ત્યારે આખી ગાળ બોલવાને બદલે શર્માજી બરાડે એક નબંર… એટલે નમ્રતાજી સમજી જાય કે કંઈ ગાળ આપી એટલે નમ્રતાજી સામી રાડ પાડે કે ચાર નંબર… એટલે શર્માજી સમજી જાય કે વહુએ કંઈ ગાળ આપી. આમને આમ ગાળોની નંબર ગેમ ખેલતાં ખેલતાં બન્નેની બેટરીનું ચાર્જિંગ ઓછું થાય એટલે યુદ્ધ વિરામ જાહેર કરીને એકી અવાજે ગાય દુનિયા એક નંબરી તો તો મેં 'દસ ' નંબરી…'
'લાભુ, ગાળોને નંબર આપીને પછી ગુસ્સામાં એકબીજાને બહુ મોટા અવાજે નંબર ફફડાવીને કોડવર્ડમાં ગાળો આપવાની આ રીત બહુ સ ારી છે હો?'
'મને લાગે છે કે આપણાં જે નક્કામા, નઠારા ને નકટા નેતાઓ છે એમને માટે કોઈએ જુદી જુદી ગાળોના નબંર સાથેનો સાર્થ ગાળકોષ બહાર પાડવો જોઈએ. એટલે જાહેર મંચ ઉપરથી એકબીજાને નંબરથી ગાળો સોફાવે ત્યારે જનતાના કાન તો આ ગંદવાડથી બચી જાય, ખરૂંને?'
'અરે વાહ! આ તો જબરજસ્ત આઈડિયા છે. દરેક ગાળનું વિવિધ ભાષામાં ટ્રાન્સલેશન કરીને તેને નંબર આપી દેવાના. એટલે ગાળો ઓકવામાં જે એક્કા છે એવાં લીડરોને ઘણું સારૂં પડે. પછી સહુ કહેશે કે વિવિધતામાં એકતા અને વિવિધતામાં (ગાળો) ઓકતા…'
ફન કી બાત
ભાષાના વિવાદ ટાળો
એલફેલ આપો નહીં ગાળો
સમજી વિચારી સંયમ પાળો
તો જ સુખ-શાંતિ ભાળો.


ભાષાની ભરમાઈ ગામેગામ ભજવાય
પણ થાય મારપીટ, ત્યારે માણસાઈ લજવાય.


ભૉષાને વળગે શું ભૂર
રણમાં ને પ-રણમાં
જીતે તે શૂર.


સવાલઃ ગુજરાતી આપણી માતૃભાષાને અંગ્રેજીમાં મધરટંગ કહેવાય તો અંગ્રેજીને શું કહેવાય?
જઃ અધર-ટંગ.