વિરોધ પ્રદર્શનના પરિણામે સ્પેનમાં વહેલી ચૂંટણી થશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- વર્લ્ડ વિન્ડો
- એક નાનકડી ઘટના આખી સરકાર માટે આફત બની શકે છે એનું ઉદાહરણ સ્પેનમાં જોવા મળ્યું. ૮૭ વર્ષની મહિલાના કારણે દેશભરમાં વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા
૨૦૦ ટ્રિલિયન ડોલર.
ગ્લોબલ કમર્શિયલ-રેસિડેન્શિયલ પ્રોપર્ટીની માર્કેટ વેલ્યૂ આટલી છે. દુનિયાના સૌથી વિશાળ બિઝનેસમાં રીઅલ એસ્ટેટ અગ્ર સ્થાને છે. દુનિયાના ૧૦ દેશો ૭૦ ટકા બિઝનેસ પર કાબૂ ધરાવે છે. દુનિયાભરમાં રીઅલ એસ્ટેટના બિઝનેસનો રાજકીય પ્રભાવ ખૂબ ઊંડો હોવાથી એમાં સરકારો બહુ દખલ કરતી નથી. ઈનફેક્ટ, સરકારોની રહેમ નજરથી જ આ બિઝનેસ સોળે કળાએ ખીલી રહ્યો છે, પરિણામે ભાવવધારો અંકુશમાં રહેતો નથી. નીચેથી લઈને ઉપર સુધીના અધિકારીઓ-નેતાઓ બિલ્ડરોના ઈશારે કામ કરે છે. આ શક્તિશાળી-પ્રભાવશાળી લોબીને નારાજ કરવાનું કોઈને પરવડતું નથી. સામાન્ય લોકોની મિલકત પર જો બિલ્ડરોનું દબાણ હોય તો આખી જિંદગી નીકળી જાય છતાં દબાણ હટતું નથી, પરંતુ જો કોઈ મિલકત પર રહીને આખી જિંદગી કાઢી નાખી હોય ને એ પ્રોપર્ટી કોઈ બિલ્ડર ખરીદી લે તો રાતોરાત ખાલી કરવી પડે છે.
આવો જ એક કિસ્સો સ્પેનમાં બન્યો ને તેના કારણે ભારે વિરોધ પ્રદર્શનો થયા. તે એટલે સુધી કે બેકફૂટ પર આવી ગયેલી સરકારે દેશમાં આઠ મહિના પહેલાં જ ચૂંટણી યોજવાની જાહેરાત કરવી પડી. પ્રોપર્ટી એક્ટમાં સુધારો કરવાની માંગણી છેક સંસદગૃહમાં પહોંચી, પરંતુ સ્પેનની શક્તિશાળી બિલ્ડર લોબીના ઈશારે સુધારાનું બિલ નામંજૂર થયું. વિપક્ષના સાંસદોએ ભારે હોબાળો કર્યો. નવ વર્ષથી વડાપ્રધાનપદે રહેનારા પેડ્રો સાંચેજે લોકોને અપીલ કરી : 'જો તમે પ્રોપર્ટી એક્ટમાં સુધારો કરવા માંગતા હોવ તો ચૂંટણીમાં અમારા ગઠબંધનને ચૂંટી કાઢો.' સ્પેનમાં હવે દોઢ મહિનો ચૂંટણી પ્રચાર ચાલશે. સત્તાપક્ષ અને વિપક્ષનો ચૂંટણી પ્રચારનો મુખ્ય મુદ્દો જ પ્રોપર્ટી સુધારણા કાયદા પર કેન્દ્રિત થયો છે.
આ આખા ઘટનાક્રમની શરૂઆત થઈ ૨૩મી સપ્ટેમ્બરે. મેડ્રિડમાં એક ૮૭ વર્ષની મહિલા મારિયા ડેલ કાર્મેન છેલ્લાં ૭૦ વર્ષથી એક ભાડાના મકાનમાં રહેતી હતી. તે નિયમિત ભાડું આપતી હતી. ૨૦૧૮માં મૂળ મકાન માલિકે એ ઈમારત રીઅલ એસ્ટેટ કંપનીને વેચી દીધી. કંપનીએ મહિલા પર ઘર ખાલી કરવાનું દબાણ કર્યું. મહિલાએ ભાડું વધારે આપવાની એટલે કે બજારમાં જે ભાડું ચાલતું હોય એટલું ભાડું આપવાની તૈયારી બતાવી હોવા છતાં કંપનીએ ઘર ખાલી કરવાનું દબાણ શરૂ રાખ્યું. રીઅલ એસ્ટેટ કંપનીએ ભાડું ૫૦૦ યૂરોથી વધારીને સીધું ૨૬૫૦ યૂરો કરી દીધું. મહિલાનું પેન્શન ૧૩૫૦ યૂરો આવતું હોવાથી એ બે ગણું ભાડું કેવી રીતે ચૂકવી શકે? એ મામલો કોર્ટમાં પહોંચ્યો. એ દરમિયાન રીઅલ એસ્ટેટ કંપનીની ફરિયાદના આધારે સ્થાનિક અધિકારીઓએ મહિલા પાસે રાતોરાત ઘર ખાલી કરાવ્યું. એ મહિલાનો સામાન ઘરની બહાર ફેંકી દીધો અને તેમની ઉંમર પર દયા ખાધા વગર જ મધરાતે તેમને ઘરમાંથી કાઢી મૂકાયાં.
આ ઘટનાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ મેડ્રિડમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા. મેડ્રિડ સિવાયના શહેરોમાં પણ પ્રદર્શનો થવા લાગ્યા. છેલ્લાં એકાદ દશકાથી આખાય સ્પેનમાં બિલ્ડરો, રીઅલ એસ્ટેટ કંપનીઓની મનમાની વધી છે. લોકોમાં ભારે આક્રોશ હતો. ભાડામાં એકધારો વધારો થતો હતો. લોકોને તેમની મન્થલી ઈનકમમાંથી અડધાથી વધુ હિસ્સો તો ભાડા પેટે આપી દેવો પડતો હતો. જમીન-મકાનના ભાવમાં સતત વધારો થતો રહ્યો હોવાથી સામાન્ય લોકો માટે ઘર ખરીદવાનું બેહદ મુશ્કેલ બન્યું હતું. ૮૭ વર્ષનાં વયોવૃદ્ધ મહિલા સામે દબંગાઈ થઈ તેનાથી લોકોમાં પ્રોપર્ટી અંગેનો અસંતોષ ભારેલા અગ્નિની જેમ અંદર દબાયેલો હતો એ આગ બનીને ભભૂકી ઉઠયો. હજારો-લાખો લોકો પ્રોપર્ટીના ભાવ વધારા અને અમર્યાદ ભાડાના મુદ્દે રસ્તા પર ઉતરી આવ્યા. સ્પેનમાં છેલ્લાં એકાદ દશકાથી ક્યારેય થયું ન હતું એટલું આક્રમક પ્રદર્શન થયું. મહિલાની ઘટના સ્પેનમાં રહેઠાણ સંકટનું પ્રતીક બની ગઈ.
ભાડુઆતોની સુરક્ષાને લઈને મજબૂત નિયમ બનાવવાની તેમ જ રેસિડેન્શિયલ પ્રોપર્ટીના ભાવમાં સરકારી નિયંત્રણની માંગણી તીવ્ર બની. ભાડે રહેતા લોકોને ગમે ત્યારે ઘરમાંથી કાઢી ન મૂકાય તેવી જોગવાઈ કરવાની સાથે સાથે અફોર્ડેબલ હાઉસિંગમાં ભાવ બાંધવા માટે કાનૂન ઘડવાની રજૂઆતો થઈ. આઠ મહિના પછી સ્પેનમાં વડાપ્રધાનપદની ચૂંટણી થવાની છે. તે પહેલાં આકરો વિરોધ પ્રદર્શન થાય તો સત્તાધારી ગઠબંધનને નુકસાન થાય. એ હિસાબ માંડીને વડાપ્રધાન પેડ્રો સાંચેજે તાકીદની અસરથી ગૃહમાં બે ઈમરજન્સી બિલ રજૂ કર્યા. બિલમાં એવી જોગવાઈ હતી કે જે આર્થિક રીતે નબળા છે તેમને ૨૦૩૦ સુધીનો સમય આપવામાં આવશે. એવા ભાડુઆતોને મકાનમાંથી કાઢી શકાશે નહીં. બીજું બિલ એવું હતું કે ભાડુઆતો ભાડા કરાર પૂરો થાય પછી જો વાટાઘાટો ચલાવતા હોય તો તેમને સમય આપવો જોઈએ. તુરંત ઘર ખાલી કરાવવામાંથી રાહત મળશે.
આ બિલ સંસદ ગૃહમાં ટકી શક્યું નહીં. પીએમ પેડ્રો સાંચેજની પાર્ટી પાસે પૂર્ણ બહુમતી નથી. મોટાભાગના બિલો સહયોગી પાર્ટી ઉપરાંત બહારથી સરકારને સમર્થન કરતી પાર્ટીઓની મદદથી પાસ થાય છે. આ બિલમાં સહયોગી પાર્ટીઓ ઉપરાંત બહારથી સમર્થન કરનારી પાર્ટીઓએ વિરોધ કર્યો ને વિપક્ષોએ પણ સંસદ ગૃહ માથે લીધું. તેમણે મકાન માલિકોના હિતોને આગળ કરીને બિલ્ડર લોબીના ઈશારે બિલ પસાર ન થવા દીધું. વિપક્ષોની દલીલ હતી કે મકાન માલિકો પર વધારે આકરા નિયમો લાદવાથી શહેરોમાં મકાન માલિકો ઘર ભાડે આપવાથી દૂર રહેશે અને તેના કારણે દેશમાં રહેઠાણ મકાનોની અછત સર્જાશે. બધા લોકો ઘરનું ઘર ખરીદે શકે એટલા સક્ષમ નથી. તેમની બીજી દલીલ એવી હતી કે જો આ નિયમો આવશે તો મકાનોની અછત થશે ને તેના પરિણામે જે લોકો અત્યારે ભાડાના મકાનમાં રહે છે તેમના ભાડામાં વધારો થશે.
જોકે, સત્તાપક્ષની દલીલ એવી છે કે આ બિલથી સેંકડો મકાન માલિકો પર ઘર ખાલી કરવાનું તોળાઈ રહેલું સંકટ ચાર વર્ષ માટે ટળી જાત અને હજારો લોકોને રાહત મળી જાત. સ્પેનના મીડિયામાં કહેવાયું કે સેંકડો મકાનો રીઅલ એસ્ટેટ કંપનીઓની માલિકીના છે અથવા તો એ કંપનીઓ જ એ મકાનો મકાન માલિકો પાસેથી મેળવીને તેને મેનેજ કરે છે. જો નવો કાયદો આવી જાય તો એ કંપનીઓને આર્થિક ખોટ જાય. એ શક્તિશાળી કંપનીઓના હિતોનું રક્ષણ કરવા માટે અનેક પાર્ટીઓએ બિલનો વિરોધ કર્યો.
આવી સ્થિતિમાં સરકાર સામે આંતરિક વિરોધ ઉઠયો. પેડ્રો સાંચેજે આ આફતને અવસરમાં બદલવા માટે ચૂંટણીનો દાવ ખેલી લીધો. આઠ મહિના પછી આવતા વર્ષે ચૂંટણી થવાની હતી તે ચૂંટણી હવે આ વર્ષે નવેમ્બરમાં જ થઈ જશે. પેડ્રોએ લોકોની પ્રોપર્ટી એક્ટની સુધારણાની માંગણીને ઉત્તેજન આપીને કહ્યું કે અમારા ગઠબંધનને બહુમતી આપો તો વર્ષોથી ન ઉકેલાયેલો આ મુદ્દો ઉકેલી દઈશું, પણ આ માત્ર લોકરંજક વાયદો બનીને રહી જાય એવી પૂરી શક્યતા છે. નવ-નવા વર્ષથી પેડ્રો સત્તામાં છે છતાં તેમણે આ મુદ્દો ઉકેલ્યો નથી. સત્તામાં આવી જશે તો પણ ચૂંટણી પછી બિલ્ડર લોબીને નારાજ કરવાની હિંમત પેડ્રો કરશે કે કેમ તે મોટો સવાલ છે.




