Editorial

આગામી 24 કલાકમાં ડિપ્થેરિઆના કેસો ખૂબ વધી જશે..

By GS Team
26 May 20205 mins read
This article was originally published on 26 May 2020
આગામી 24 કલાકમાં ડિપ્થેરિઆના કેસો ખૂબ વધી જશે..

સ્લેજ ડોગની

વિરોચિત કહાની

ભાગ-૮

ડિપ્થેરિઆની મહામારી સામે લડવા ૧૦ લાખ યૂનિટ સિરમની જરૂર પડશે: 

ડો. વેલ્ચ

કાઉન્સિલની 

બેઠકમાં સભ્યોએ ૧૯૧૮માં ફાટી નીકળેલા જીવલેણં ઇન્ફલુએન્ઝાની 

વાત છેડી

આ વેળા ડિપ્થેરિઆની મહામારીના  અમંગળ એંધાણ વર્તાવાથી ડો. વેલ્ચને એ જ જૂની ચિંતા સતાવતી 'તી કે રોગચાળાના ફફડાટથી જો એસ્કિમો આ વિસ્તાર છોડીને અહીંથી ભાગવા માંડશે તો  તેઓ તેમની સાથે અન્ય વિસ્તારોમાં બેક્ટેરિઆનો  ચેપ ફેલાવતા જશે.

બીજે દિવસે તારીખ એકવીસમી જાન્યુઆરીને બુધવારે ડો. વેલ્ચને કોઈકે વહેલી સવારે જગાડયા.  નોમથી થોડે જ દૂર  રહેતા હેનરી સ્ટેનલી નામના એક એસ્કિમોની પુત્રી ખૂબ માંદી પડી ગઈ હતી અને તેને તાત્કાલિક સારવારની આવશ્યકતા ઊભી થઈ હતી.

આ પરિવાર નોમથી લગભગ દોઢેક માઈલની દૂરી પર રહેતું હતુ. ડોકટર વેલ્ચે વિચાર્યૂં  સ્લેજ ગાડીએ ડોગ્સ જોતરીને સ્લેજ ગાડી તૈયાર કર્યા પછી તેમાં   બેસીને ત્યાં જવા કરતા ફટાફટ ચાલીને ત્યાં વેળાસર પહોંચી જવાશે.

ડોકટર તેમની બ્રીફકેસ લઈને  ઝપાટાબંધ દાદર ઊતરીને ફ્રન્ટ સ્ટ્રીટ પર ઉતાવળી ચાલે આગળ વધ્યા. 

નોમથી દોઢેક માઈલ છેટે દરિયા કાંઠે આવેલી વસાહતમાં  એસ્કિમો, નાના એક રૂમના મકાનોમાં રહેતા હતા. દરિયામાં તણાઈ આવતાં લાકડાના ટૂકડા અને ટીનના ભંગાર ઉપરાંત દરિયા કાંઠે તણાઈ આવેલી બીજી જે કોઈ ચીજવસ્તુઓ હોય તે વીણી લાવીને  એસ્કિમો તેમના ઘર બનાવતા હતા. ઘણા એસ્કિમો હજી તેમના આ એક ઓરડાના ઘરમાં રાત્રે અજવાળા માટે સીલના તેલનો દીવો સળગાવતા હતા. તેમના આ ઘરમાં સતત સીલની અને અન્ય સુકવેલી માછલીઓની ગંધ આવ્યા કરતી'તી.

ડોકટર વેલ્ચ વર્ષોથી આ વિસ્તારમાં પ્રેક્ટિસ કરતા હોવાથી  એસ્કિમોના  ઘરમાં આવતી આ ગંધથી તેઓ ટેવાઇ  ગયા હતા. ડોકટર વેલ્ચને એ પણ ખબર હતી કે  એસ્કિમો ભલે શહેરી રીતભાત કે ટેબલ મેનરથી અજાણ હતા પરંતુ તેઓ વફાદાર અને પ્રેમાળ હતા. 

હેનરી સ્ટેનલીની સાત વર્ષની પુત્રી બેસી સ્ટેનલી તાવથી પીડાતી નાનકડા ઘરના નાનકડા ઓરડામાં સુતી હતી. તેના કપાળ અને  ચહેરા પરથી પરસેવાના રેલા  ઊતરતા હતા. 

ડોકટરે હળવેથી માસુમ દીકરીનું મોં ખોલતા જ મોઢામાંથી ભયંકર દુર્ગંધ વછૂટી. ડોકટર બે ડગલા જરા પાછા હટી ગયા. બેસી સ્ટેનલીના મોઢાની અંદરની ચામડી પર ડોકટરે પોતાની આંગળી ફેરવતા તેમાંથી લોહી નીકળવા માંડયું. 

સાંજ સુધીમાં તો તાવથી ધીખતી એ છોકરીએ આખરી શ્વાસ લીધો. હવે ડોકટર વેલ્ચને ખાતરી થઇ ગઇ કે નોમના માથે ભયંકર મહામારી મંડરાઇ રહી છે; તેમાં શંકાને હવે જરીકેય સ્થાન નથી. 

ડિપ્થેરિઆની ઘાતક મહામારી ફાટી નીકળે તો બાળ દર્દીઓને આ ભયાનક રોગચાળાથી ઊગારવાનો કોઇ ઉપાય ડોકટર વેલ્ચ પાસે નહોતો. તેઓ બધી રીતે લાચાર હતા.

નોમ પ્રદેશમાં શિયાળાએ તેની પુરી જમાવટ કરી દીધી હતી. ચોતરફ બરફ છવાઇ ગયો'તો. હિમ ઝંઝાવાત સાથે અવારનવાર હિમ વર્ષા પણ થતી હતી. 

શરીરના સઘળા ગાત્રો ધુ્રજાવી દે તેના કરતાંય અનેક ગણી વધારે માત્રામાં ઠંડીનો સપાટો આખા નોમ પ્રદેશ પર ફરી વળ્યો હતો. ડોક્ટર પોતાના ઘેર આવીને ખુરશી પર બેસી પડયા. માનસિકરીતે તેઓ અત્યંત વ્યગ્ર હતા. ચહેરા પર બે હાથની હથેળીઓ મુકી શૂન્યમનસ્ક થઇ ક્યાંય સુધી તેઓ ઊંડા વિચારોમાં ખોવાયેલા રહ્યા.

થોડા સ્વસ્થ થયા પછી તેમણે પત્ની લુલાને વિગતે બધી વાત કરી. બેસી સ્ટેનલી નામની  બાળ દર્દીના મોતની વાત કરતા કરતા ડોક્ટરે પત્ની સમક્ષ પોતાના મનની સઘળી વ્યથા ઠાલવીઃ આપણા નોમ ટાઉનમાં જ નહીં આસપાસના ગામોમાં પણ ટૂંકી બીમારીમા બાળકોના મોત થઇ રહ્યા છે. મને લાગે છે કે આપણા વિસ્તારમા ડિપ્થેરિઆએ જીવલેણ ભરડો લીધો છે. પણ દુર્ભાગ્યની વાત એ છે કે દવાખાનામા મારી પાસે ડિપ્થેરિઆની કોઇ દવા જ નથી અને ડિપ્થેરિઆ જો મહામારીનું રૂપ પકડશે તો પરિણામ બહુ ગંભીર આવશે. મારે હવે સત્વરે નોમના મેયર જ્યોર્જ મેનાર્ડને આ વાત કરવી પડશે.

પત્ની સાથેની આટલી વાત કર્યા પછી તુરત ડોક્ટર વેલ્ચે મેયર જ્યોર્જને ફોન જોડયો ''આપણે ટાઉન કાઉન્સિલની સત્વરે બેઠક બોલાવવી પડે તેવા સંજોગો ઊભા થયા છે. માટે તમે કાઉન્સિલના બધા સભ્યોને લઇ પ્લીઝ હોસ્પિટલમાં આવી જાવ.''

ડોક્ટર પોતે આમ તો કાઉન્સિલના બધા જ સભ્યોને વ્યક્તિગત રીતે ઓળખતા હતા. આટલા વર્ષોમાં ક્યારેકને ક્યારેક તેમણે કાઉન્સિલના સભ્યની કે ક્યારેક કાઉન્સિલરના કુટુંબના કોઇ સભ્યની સારવાર કરી હતી. ડોક્ટર વેલ્ચ વર્ષોથી આ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા એટલે પ્રસંગોપાત કોઇને કોઇ કાઉન્સિલરે ડોક્ટર અને તેમના પત્ની લુલાને તેમના ઘેર ડિનર માટે પણ બોલાવ્યા હતા.

ઘણાં કાઉન્સિલરોના પરિવારમાં નાના બાળકો હતા પણ આ કાઉન્સિલરોનેે હજી આજની સ્થિતિની ગંભીરતાનો જરા જેટલોય અણસાર નહોતો.

ટાઉનના મેયર જ્યોર્જ પાછા 'નોમ નગિટ' પેપરના પબ્લિશર પણ હતા. કાઉન્સિલર માર્ક સમર્સ નોમની હામોન કોન્સોલિડેટેડ ગોલ્ડ ફિલ્ડસના સુપ્રિટેન્ડન્ટ હતા. એટર્ની હગ ઓ'નેલ પણ મીટિંગમાં હાજર હતા અને નોમના પૂર્વ મેયર જી.જે. લોમેન, જે હવે કોર્ટના જજ છે, તેઓ પણ કાઉન્સિલની બેઠકમાં હાજરી આપવા આવી પહોંચ્યા હતા.  નોંધપાત્ર વાત એ છે કે જી.જે. લોમેનનું પરિવાર નોમ વિસ્તારમાં આગળ પડતું ગણાતું હતું; લોકોમાં આ કુટુંબની છાપ મોભાદાર તેમજ આદરને પાત્ર પરિવારની હતી. 

બેઠકની શરૂઆતમાં ઔપચારિક વાતો પછી ડોકટર વેલ્ચે છેલ્લા થોડા દિવસો દરમિયાન બનેલી બાળકોના મોતની જુદી જુદી ઘટનાઓથી કાઉન્સિલના સભ્યોને વાકેફ કર્યા. નોમ નજીકના હોલી ક્રોસ ગામના એક એસ્કિમો પરિવારની નાની બાળકીનું  મોત થયું ત્યારથી શરૂ કરીને છેલ્લે બેસી સ્ટેનલી નામની ૭ વર્ષની બાળકીના ટૂંકી બીમારીમાં થયેલા મૃત્યુનો ઉલ્લેખ કરી ડોકટર વેલ્ચે સમાપનમાં ધડાકો કરતા કહ્યું, મને હવે ચોક્કસ ખાતરી થઇ ગઇ છે કે  આપણા વિસ્તારમાં જીવલેણ ડિપ્થેરિઆની મહામારી ફેલાઇ ચુકી છે અને નોમ પ્રદેશનું કોઇ પણ બાળક ગમે ત્યારે આ મહા ચેપીરોગના સકંજામાં આવી જવાની શક્યતા પ્રબળ બની રહી છે. 

ડોકટર વેલ્ચે મેડિકલ ક્ષેત્રના તેમના જ્ઞાાન અને અનુભવના આધારે ગંભીર સ્વરે વાત આગળ વધારતા કહ્યું, ડિપ્થેરિઆ એટલો બધો ચેપીરોગ છે કે મારી ગણત્રી મુજબ તો આગામી ૨૪ કલાકમાં ધડાધડ નવા કેસો  હોસ્પિટલમાં  આવવા માંડશે. ડિપ્થેરિઆની સારવાર માટે હાલમાં માત્ર 'સિરમ' થેરાપી ઉપલબ્ધ છે. પણ મારી પાસે વધારેમાં વધારે માત્ર  છ જ બાળ દર્દીની સારવાર થઇ શકે તેટલો 'સિરમ'નો સ્ટોક ઉપલબ્ધ છે.

મારી પાસે સિરમનો બીજો ૮૦,૦૦૦ યુનિટનો સ્ટોક પડયો છે. પણ દુર્ભાગ્ય એ છે કે આ સ્ટોક છ વર્ષ જૂનો છે. એટલે તે એક્સપાયરી ડેટનો થઈ જવાથી દર્દીની સારવારમાં તે ઉપયોગી નહીં થઈ શકે.  મેં '' સિરમ''ના ફ્રેશ સ્ટોક માટે હેલ્થ કમિશનરને ઓર્ડર મોકલ્યો હતો. પરંતુ શિયાળો બેસતા પહેલા જે છેલ્લું જહાજ આપણા બંદરે આવ્યું તેમાં એ લોકોએ સિરમનો આ સ્ટોક મોકલ્યો નથી. એટલે નવો સ્ટોક  તો સાત મહિનાનો શિયાળો પૂરો થયા પછી  નોમનું બંદર ખુલે ત્યારે જે પહેલું જહાજ અહીં આવશે તેમાં જ આવી શકશે.

સમાપનમાં ડોકટર વેલ્ચે કહ્યું, ડિપ્થેરિઆની મહામારી સામે લડવા  મને ઓછામાં ઓછા ૧૦ લાખ યુનિટ  'સિરમ'ની જરૂર પડશે.

આ  વાત છે વર્ષ ૧૯૨૫ની. નોમની કાઉન્સિલ મીટિંગમાં હાજર રહેલા કેટલાક કાઉન્સિલરોએ સાત વર્ષ અગાઉ એટલે કે વર્ષ ૧૯૧૮માં ઈન્ફલુએન્ઝા વાયરસે સર્જેલી તબાહીની કારમી વાત યાદ કરાવી. એ વખતે ફલુના વાયરસે આખા અલાસ્કામાં હાહાકાર મચાવી દીધો હતો. નોમના જજ, ફાયર ચીફ,   અમેરિકન માર્શલ અને તે વખતના ડોકટર પણ વાયરસની ઝપટમાં આવી માંદા પડી ગયા હતા. તે વખતના બીજા એક ડોકટર તો જહાજમાં બેસી નોમમાંથી ભાગી ગયા હતા.