યુરોપમાં શરણાર્થી ક્રાઈસિસ : 10 વર્ષમાં બે કરોડથી વધુ વિદેશીઓ ઘૂસ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- વર્લ્ડ વિન્ડો
- સ્પેનના સેઉટામાં મોરોક્કોથી 60 હજાર જેટલા આફ્રિકન નાગરિકો ઘૂસ્યા એનાથી આખાય યુરોપમાં ફરીથી રેફ્યૂજી ક્રાઈસિસની દહેશત ઉભી થઈ
આફ્રિકાના કેટલાય દેશો વર્ષોથી ગૃહયુદ્ધમાં સપડાયેલા છે. મિડલ ઈસ્ટના દેશોમાં દાયકાઓથી અજંપો છે. આ દેશોમાંથી પીડાયેલા નાગરિકો શરણ શોધવા બીજા દેશોમાં ઘૂસે છે. ૨૦૨૨થી યુક્રેન-રશિયાનું યુદ્ધ ચાલી રહ્યું હોવાથી યુક્રેનના હજારો નાગરિકો શરણ શોધી રહ્યા છે. ઈઝરાયલ-હમાસના યુદ્ધથી પેલેસ્ટાઈનમાં રહેતા લોકો પણ જોખમ ખેડીને બીજા દેશમાં જવાની પેરવી કરે છે.
અનેક દેશોમાં આ શરણાર્થીઓ આશરો શોધે છે ને એમાં યુરોપ સોફ્ટ ડેસ્ટિનેશનલ બને છે. યુરોપમાં મજબૂત માનવ અધિકારો મળે છે. શાંતિ-સમૃદ્ધિ મળે છે. એક વખત ગમે તેમ કરીને ઘૂસી ગયા પછી કે શરણ મેળવ્યા પછી ભવિષ્ય સલામત બને છે. યુરોપના મોટાભાગના દેશોમાં એવા કાયદા પણ છે કે શરણાર્થીઓને તગેડી શકાતા નથી. રેફ્યૂજી ઘૂસે ત્યારે જો અટકાવી શકાય તો ઠીક છે, જો અટકાવી ન શકાય ને એક વખત સરહદ પાર કરી જાય પછી અમુક પ્રકારના કાયદા સરકારોએ પાળવા પડે છે.
એવું જ હમણાં સ્પેનમાં થયું. સ્પેનના આફ્રિકાખંડને સ્પર્શતા પ્રાંત સેઉટામાં કોર્ટે એક સુનાવણીમાં એવું કહ્યું કે સમુદ્રના રસ્તે પકડાતા શરણાર્થીઓને સીધા જે તે દેશમાં મોકલવાને બદલે તેમને કોર્ટમાં રજૂ કરવા જોઈએ. આ ચુકાદાની વ્યાખ્યા હ્મુમન ટ્રાફિકિંગ કરતી ગેંગે પોતાની રીતે કરી. સ્પેનમાં ઘૂસી જવાથી પાછા આવવાની ચિંતા નહીં રહે એ વાત વાયુ વેગે ફેલાઈ ગઈ. શરણાર્થીઓએ પોતાની રીતે આ ચુકાદાનું અર્થઘટન કર્યું, પરિણામે મોરોક્કોની હદ પાસે આવેલા સેઉટામાં શરણાર્થીઓના ધાડાં ઉતરી પડયા. ૬૦ હજારથી વધુ શરણાર્થીઓ સેઉટાની સરહદેથી ઘૂસી ગયા. સેઉટા સ્પેનનો પ્રાંત હોવાથી એ લોકોને સ્પેનમાં એન્ટ્રી મળી ગઈ.
સ્પેનમાં આટલી મોટી સંખ્યામાં શરણાર્થીઓ આવ્યા એટલે યુરોપના બીજા દેશોમાં પણ શરણાર્થીઓના આગમનની ભીતિ વ્યક્ત થઈ. ઈટાલીના વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ તીખી પ્રતિક્રિયા આપી. યુરોપિન સંઘ ઉપરાંત યુરોપના અન્ય દેશોએ પણ ચિંતા વ્યક્ત કરી ને ૨૦૧૫ જેવી શરણાર્થી ક્રાઈસિસ ન થાય તે માટે તાત્કાલિક સંયુક્ત રીતે પ્રયાસો કરવાનું આહ્વાન આપ્યું.
યુરોપમાં ભવિષ્યની તક ઉજળી હોવાથી અને કલ્યાણકારી યોજનાઓનો લાભ મળે તેમ હોવાથી શરણાર્થીઓને ગમે તેમ કરીને, જીવના જોખમે પણ યુરોપમાં આવી જવાની લાલચ હોય છે. તેના પરિણામે છેલ્લાં એક જ દશકામાં બે કરોડથી વધુ શરણાર્થીઓ યુરોપમાં આવી ગયા છે. દર વર્ષે અમુક લાખ શરણાર્થીઓ એક નહીં તો બીજી રીતે, અથવા તો સત્તાવાર રીતે શરણ માંગીને એન્ટ્રી મેળવે છે. અત્યારે યુરોપમાં ૨૦૧૫ પછી શરણાર્થી તરીકે આવેલા વિદેશી નાગરિકોનો આંકડો ખૂબ મોટો છે. અમુક અહેવાલો તો આ આંકડો ત્રણથી પાંચ કરોડ હોવાનો દાવો પણ કરે છે. ૧૯૯૦ના દશકાથી ગણતરી થાય તો યુરોપ ૬.૪ કરોડ શરણાર્થીઓનું ઘર બન્યું છે.
યુરોપમાં શરણાર્થીઓના ધાડાં આવતા હોવાના કિસ્સા નવા નથી. અત્યારે સ્પેન જે સમસ્યા સામે લડી રહ્યું છે એવું અગાઉ ઘણાં દેશોમાં થઈ ચૂક્યું છે. ૨૦૧૦થી આફ્રિકા-એશિયાના અનેક મુસ્લિમ દેશોમાં ગૃહયુદ્ધની સ્થિતિ સર્જાતાં સેંકડો લોકો બહેતર જિંદગી માટે યુરોપમાં આવવા લાગ્યા હતા. એ ટ્રેન્ડ હજુય શરૂ છે. જર્મનીના પૂર્વ ચાન્સલર એન્જેલા મર્કેલે ૨૦૧૫માં શરણાર્થીઓ તરફ દયા દાખવીને દેશમાં આવવાની પરવાનગી આપી હતી. તેના પરિણામે આજે જર્મનીની વસતિ ૯ કરોડની છે અને એમાં ૩૫ લાખથી વધુ શરણાર્થીઓ છે. લેબેનોન, જોર્ડન, લીબિયા, સીરિયા, અફઘાનિસ્તાન, ઈજિપ્તમાંથી શરણાર્થીઓ જર્મની આવ્યા હતા. યુરોપના દેશોમાં જર્મની સૌથી વધુ રેફ્યૂજી ધરાવતો દેશ છે.
ઈટાલીમાં ૨૦૧૫થી સતત મેડિટેરિયન સમુદ્રના રસ્તેથી સેંકડો શરણાર્થીઓ ઘૂસ્યા છે. આજની તારીખે ઈટાલીમાં ૩ લાખથી વધુ રેફ્યૂજી રહે છે. ફ્રાન્સમાં ૨૦૧૫થી ૨૦૨૫ના ૧૦ વર્ષના ગાળામાં સાડા ચાર લાખથી વધુ વિદેશી નાગરિકો ઘૂસી ગયા છે. ખાસ તો મુસ્લિમ દેશોમાં ચાલતી અરાજકતા વચ્ચે ફ્રાન્સમાં ઘૂસણખોરી વધી છે.
સ્પેનમાં ૨૦૨૧માં લગભગ ૨૦૦૦ હજાર બાળકો સાથે સ્પેનમાં ૧૦ હજાર શરણાર્થીઓ ઘૂસી ગયા હતા. યુક્રેનના યુદ્ધ પછી પણ સ્પેનમાં સેંકડો લોકો આવ્યા હતા. છેલ્લાં એક દશકામાં ૩.૮૫ લાખ લોકોને સ્પેનમાં શરણું મળ્યું છે અને હજુ ૧.૪૪ લાખ અરજી પેન્ડિંગ છે.
યુરોપિયન સંઘે ૨૦૨૪માં એક સ્ટડી કર્યો તો જાણ્યા મળ્યું કે ૯.૧૯ લાખ વિદેશી નાગરિકો છેલ્લાં થોડા વર્ષોમાં યુરોપિયન દેશોમાં ઘૂસી ગયા છે.
છેલ્લાં ત્રણ વર્ષમાં યુરોપમાં જે રેફ્યૂજી આવ્યા એમાં યુક્રેનના નાગરિકો મોટા પ્રમાણમાં છે. ફ્રાન્સ, જર્મની અને બ્રિટને સૌથી વધુ યુક્રેનના નાગરિકોને આશરો આપ્યો છે. એમાં એક ફેક્ટર ધાર્મિક પણ ખરું. યુક્રેનના ખ્રિસ્તી નાગરિકો યુદ્ધના ભયથી દેશ છોડીને યુરોપના દેશોમાં પહોંચ્યા હતા. ૨૦૨૩માં યુરોપિયન સંઘે જ તમામ સભ્ય દેશોને વસતિના પ્રમાણમાં યુક્રેનના નાગરિકોને શરણ આપવાની હિમાયત કરી હતી. તે સમયે એવી ટીકા પણ થઈ હતી કે યુરોપના દેશો ધર્મના નામે ભેદભાવ કરે છે. અગાઉથી યુરોપની સરહદોએ અસાઈલમની રાહ જોતાં વિદેશી નાગરિકોને એન્ટ્રી ન આપી, પરંતુ યુક્રેનના નાગરિકોને પ્રાયોરિટીથી આશ્રય આપી દીધો. એક અંદાજ એવો હતો છે કે ૨૦૨૩થી અત્યાર સુધીમાં યુક્રેન-રશિયામાંથી આવેલા ૧૦-૧૨ લાખ લોકોને આ દેશોએ આશરો આપ્યો છે.
યુરોપમાં હવે વિદેશી નાગરિકોને આશ્રય આપવા મુદ્દે સ્થાનિક લોકોમાં જ વિરોધ ઉઠવા માંડયો છે. તેમની રોજગારી પર ખતરો મંડરાઈ રહ્યો છે. નાગરિકો વધે એમ ચીજવસ્તુઓની ડિમાન્ડ વધે છે. તેના પરિણામે મોંઘવારી પણ વધતી જાય છે. અત્યારે યુરોપના દેશોમાં રશિયન ગેસના વિકલ્પે અન્ય દેશોમાંથી ગેસ મેળવવો પડતો હોવાથી ગેસ અને પેટ્રોલિયમ મોંઘું છે. એમાં વળી હોર્મુઝની ખાડીનો રસ્તો બંધ થતાં વળી પેટ્રોલિયમ-ગેસનો પુરવઠો ખોરવાયો છે. સરેરાશ મોંઘવારી વધતી જાય છે એમાં જો વિદેશી નાગરિકો દેશમાં આવે તો સ્થિતિ વધારે ખરાબ થઈ શકે.
ફ્રાન્સને બાદ કરતાં યુરોપના મોટા દેશોમાં જમણેરી પાર્ટીઓ સત્તામાં છે. તેમની રાજકીય નીતિ સ્થાનિક લોકોને વધારે અવસર આપવાની છે. જો હવે એ સરકારો લિબરલ વલણ દાખવે તો તેમને રાજકીય રીતે નુકસાન થાય. આ બધા ફેક્ટર્સ પણ શરણાર્થીઓને નકારવાની બાબતમાં કારણભૂત ઠરે છે. જેમ કે ઈટાલીનાં પીએમ મેલોની શરણાર્થીઓ સામે બોલવો વિરોધ કરે છે. એક ફેક્ટર ઈસ્લામફોબિયા પણ ખરું. યુરોપના નાગરિકો હવે માનવા લાગ્યા છે કે મુસ્લિમ દેશોના નાગરિકોને આવકારવામાં આવશે તો તેનાથી વસતિનું ગણિત લાંબાંગાળે ફરી જશે. બ્રિટનના ઘણાં શહેરોમાં આ ફેક્ટર જોવા પણ મળી રહ્યું છે એટલે બીજા દેશો સાવધાન બન્યાં છે.
ટૂંકમાં, યુરોપમાં અવસરની તક હોવાથી શરણાર્થીઓના ધાડા આવે છે એનાથી અર્થતંત્રને અસર થાય છે ને બીજી બધી સમસ્યા પણ સર્જાવા લાગી છે. યુરોપે પહેલાં જે ઢીલ બતાવી એ જ ઢીલ અત્યારે ગળામાં ફાંસ બની ગઈ છે!









