Editorial

કિટલીએ ચા પીવા પાન કાર્ડ ફરજિયાત

By GS Team
27 Aug 20263 mins read
TukuTouch Logo
પાર્ટી કાર્યકરો દ્વારા ડુંગળીના વધતા ભાવ અંગે ચર્ચા થઈ. એક કાર્યકરે કહ્યું કે સપ્ટેમ્બર મહિનાને રદ કરવો જોઈએ. બીજા કાર્યકરે સૂચવ્યું કે, વર્ષના બધા 12 મહિનાને શ્રાવણનો દરજ્જો આપવો, જેથી ડુંગળીનો વપરાશ અને ભાવ કાબૂમાં રહે. જોકે, ચાના ભાવવધારા અને પાન કાર્ડની ફરજિયાત નોંધણી અંગેના સૂચનોથી કાર્યકરો ગભરાઈને ભાગી ગયા.

Summarized by AI; it may make mistakes. Check important info

કિટલીએ ચા પીવા પાન કાર્ડ ફરજિયાત
  • અગડમ્ બગડમ્-બાબા આદમ
  • ડુંગળીના ભાવ ઘટાડવા તમામ બારે મહિનાને શ્રાવણનો દરજ્જો અપાશે

'આવી ગઈ છે, મોઘવારી પાછી આવી ગઈ છે.' પાર્ટી કાર્યાલયમાં એક કાર્યકર ચિલ્લાતો ચિલ્લાતો આવ્યો.
તરત જ બે ચાર કાર્યકરોએ એને મારવા લીધો. 'દુષ્ટ આવી ખોટી અફવાઓ કેમ ફેલાવે છે? આપણી સરકાર બાર બાર વર્ષ થી છે, એમાં મોઘવારી કોઈ દિવસ ગઈ જ નથી. તો એ પાછી કેવી રીતે આવે?'
પેલો કાર્યકર રડમસ થઈને કહે, 'અલ્યા, ડુંગળી ના ભાવ વધવા માંડયા, સરકાર ખુદ ખાસ કાંદા એક્સપ્રેસ ટ્રેનો કઈ અમથી દોડાવે છે.'
ફરી બીજા એ એને તમાચો માર્યો. 'ડફોળ, આ તો વિઝનરી સરકાર છે. એ ડુંગળી માટે વંદે ભારત ટ્રેનો ને ફલાઈટ પણ ચલાવી શકે છે. આપણે તેનો વિકાસ તરીકે પ્રચાર કરવાનો.'
જોકે, એક કાર્યકર કહે ,'આ સપ્ટેમ્બર મહિનો જ બેકાર છે. દર વખતે આ ટાઈમે જ ડુંગળીના ભાવ વધે છે. હવે તો આપણે વિશ્વગુરુ છીએ. આખી દુનિયાને ઓર્ડર કરી દઈએ કે કેલેન્ડરમાંથી સપ્ટેમ્બર મહિનો જ રદ કરી દો.'
ત્રીજો કાર્યકર કહે, 'કેલેન્ડર પર થી મને નવો આઇડિયા આવ્યો. અત્યારે હજુ ડુંગળીના ભાવ તો પણ ઓછા વધ્યા છે, કારણ કે શ્રાવણ માં બહુ લોકો ડુંગળી નથી ખાતા. તો આપણે એવું કરીએ કે વર્ષના તમામ બારે માસ ને શ્રાવણ નો દરજ્જો આપી દઈએ. એ બહાને ડુંગળીનો વપરાશ ને ભાવ બંને કાબુમાં રહેશે. પ્રજા બારે મહિના ધર્મ, ભક્તિ ભાવ માં જ બિઝી રહેશે એટલે બીજા કોઈ પ્રશ્ન પર એનું ધ્યાન જ નહીં જાય.'
'અરે ભલા માણસ તો પછી ઉત્તરાયણ, હોળી, દિવાળી એ બધા તહેવારોનું શું કરશું.' ચોથા કાર્યકરે સવાલ ઉઠાવ્યો.
'ડફોળ, હવે આઝાદીનાં ૮૦ વર્ષ પ્રજા મનાવે એ નહીં પણ સરકાર મનાવવાનું કહે એ જ તહેવાર હોય છે. આપણી તો સરકાર જ ઉત્સવો અને ઉજવણીઓની સરકાર છે. બારે મહિના એવી એક પછી એક ઉત્સવો ની લંગાર લગાવી દેશું કે પ્રજા બાકીના બધા તહેવારો ભૂલી જશે. ને આમ પણ હવે તો મોટા ભાગ ના તહેવાર સોશિયલ મીડિયા મેસેજ પર જ પતી જાય છે ને.'
'હે પરમ મિત્ર, પણ ચા નું શું કરીશું? હજુ સુધી ફરાળી ચાની શોધ થઈ જ નથી. લોકો કિટલી પર કટીંગ ચાના ભાવ વધી ગયેલા જોઈ કકળાટ તો કરવાના જ.'
'એનો પણ ઉપાય છે આપણી પાસે. ચાની કિટલી પર કટીંગ ચા માટે પાન કાર્ડ બતાવી નોંધણીં ફરજિયાત કરી દઈશું. લોકોને તો તે પછી પણ ચા પીવા જવાના જ. આપણે પછી પાન કાર્ડના ડેટા જાહેર કરીને પ્રચાર કરશું કે જુઓ દેશ કેટલો સમૃદ્ધ થઈ ચૂક્યો છે. આટલી મોંઘીદાટ ચા પણ ટેસથી પીવે છે. આને જ કહેવાય વિકાસ…'
એક કાર્યકર ડરતાં ડરતાં કહે, 'પણ, પાન કાર્ડ ફરજિયાત કરવાથી ચાવાળાએ બધી આવકનો હિસાબ આપવો ફરજિયાત થઈ જશે. ભલા માણસ, ચા વાળાઓની આખી જમાત નારાજ થશે તો…'
ને બધા કાર્યકરો ઉભરો આવતાં તપેલીમાંથી ચા બહાર પડે એમ કાર્યાલયની બહાર પડીને નાઠા.
આદમનું અડપલું
આજકાલ મોંઘવારી જિનેટિકલી મોડીફાઈડ ડુંગળી જેવી થઈ ગઈ છે, તેની જોઈએ તેવી ગંધ નથી આવતી.