મિડલ ઈસ્ટમાં પાકિસ્તાને વધુ એક મોટા દેશ સાથે 'ડિફેન્સ ડીલ'કરતાં ભારતનું ટેન્શન વધ્યું!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Pakistan and Kuwait Agreement : ચારેય તરફથી આંતરિક અને આર્થિક પડકારોનો સામનો કરી રહેલા પાકિસ્તાને હવે મિડલ ઈસ્ટના દેશોમાં પોતાનું ‘સૈન્ય નેટવર્ક’ મજબૂત કરવાનો નવો રસ્તો અપનાવ્યો છે જે ભારત માટે ચિંતાનો વિષય મનાય છે. સાઉદી અરેબિયા અને તૂર્કેઈ સાથે સંરક્ષણ ભાગીદારી કર્યા બાદ, હવે પાકિસ્તાને કુવૈત સાથે હાથ મિલાવ્યા છે. ગુરુવારે ઇસ્લામાબાદ ખાતે પાકિસ્તાન અને કુવૈત વચ્ચે દ્વિપક્ષીય લશ્કરી સહયોગ વધારવા માટે એક મહત્ત્વપૂર્ણ સમજૂતી થઈ છે, જેને સત્તાવાર રીતે ‘પ્રોટોકોલ એગ્રીમેન્ટ-2026’ નામ આપવામાં આવ્યું છે.
કયા ક્ષેત્રોમાં થશે લશ્કરી સહયોગ?
ઇસ્લામાબાદમાં કુવૈતના સંરક્ષણ મંત્રી શેખ અબ્દુલ્લા અલી અબ્દુલ્લા અલ-સાલેમ અલ-સબાહ અને પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા મુહમ્મદ આસિફે આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર 5 વર્ષ માટે અમલમાં રહેશે. કરાર હેઠળ બંને દેશોની સેનાઓ સંયુક્ત લશ્કરી તાલીમ અને અભ્યાસ કરશે, સૈન્ય શિક્ષણ અને વિશિષ્ટ જ્ઞાનની આપ-લે કરશે, તેમજ ગુપ્ત માહિતી (ઇન્ટેલિજન્સ) અને લોજિસ્ટિક્સમાં સહયોગ વધારશે. ઉપરાંત, પાકિસ્તાની સેના કુવૈતના સૈનિકોને ટ્રેનિંગ આપવામાં પણ મદદ કરશે.
અમેરિકા-ઈરાન યુદ્ધ અને ભૌગોલિક તણાવ વચ્ચે કરાર
આ કરાર એવા સમયે થયો છે જ્યારે પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ સતત લંબાઈ રહ્યું છે. કુવૈતને ઈરાની હુમલાઓથી તેના ઉર્જા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે મોટું નુકસાન થયું છે. આ સિવાય હોર્મોઝ બંધ થવાને કારણે કુવૈતના ઓઇલ નિકાસ પર અસર પડી છે. આવા અસ્થિર માહોલ વચ્ચે કુવૈતે સુરક્ષાત્મક પગલાં તરીકે પાકિસ્તાન સાથે પોતાના લશ્કરી સંબંધો મજબૂત કર્યા છે.
શું ભારત માટે ચિંતાનો વિષય છે?
નિષ્ણાતોના મતે, આ કરાર હાલમાં ભારત માટે સીધો સૈન્ય ખતરો નથી. તેનું મુખ્ય કારણ એ છે કે પાકિસ્તાન-કુવૈત સમજૂતીમાં 'એક દેશ પર હુમલો એટલે બીજા દેશ પર હુમલો' જેવી કોઈ પરસ્પર સુરક્ષા ગેરંટીની કલમ નથી. આ કરાર માત્ર સૈન્ય તાલીમ અને ટેકનિકલ સહયોગ સુધી મર્યાદિત છે. તેમ છતાં, ખાડી વિસ્તારમાં પાકિસ્તાનના વધતા સૈન્ય પ્રભાવ અને દરિયાઈ માર્ગો પર ભારતીય નૌકાદળે (Indian Navy) સતર્કતાથી નજર રાખવી જરૂરી બની રહેશે.




