હવે જેન-ઝી ચીંધ્યા માર્ગે આંદોલનની ગાંધીજીની હાકલ

- અગડમ્ બગડમ્-બાબા આદમ
- મારું તો ખબર નહીં, પરંતુ અનેક ગાંધીવાદી સંસ્થાઓએ અને કાર્યકરોએ ગાંધીવિચારનું શ્રાદ્ધ કરી નાખ્યું છે
શ્રાદ્ધ પક્ષમાં ઓવરટાઈમ કરીને થાકેલો એક કાગડો ગાંધીજીની પ્રતિમા પર જ બેસી ગયો ત્યાં અચાનક આ પ્રતિમા જાણે ચેતનવંતી બની.
'લ્યા કાગડા, અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલે છે, કેટલાય ભક્તો તને પિતૃસ્વરુપ માનીને તારી રાહ જોતા હશે. 'આરામ હરામ હૈ'નું જવાહરનું સૂત્ર તને આ દિવસોમાં બરાબર લાગુ પડે છે.'
કાગડો એકદમ ચોંકી ગયો. 'ઓહો બાપુ? તમે તો વાત કરવા માંડયા.'
બાપુ બોખું હસતાં કહે, 'ગાંડા, મને બરાબર વાંચનાર અને સમજનારને ખબર જ છે કે મારો અભિગમ તો હંમેશા સંવાદનો જ હોય છે. '
કાગડો આંખ પટપટાવતાં કહે, ' મને તો એમ કે તમને આખી દુનિયા બાપુ કહીને બોલાવે છે. તમને રાષ્ટ્રપિતાનું બિરુદ મળ્યું છે તો તમારાં જૈવિક વારસદારો જ નહી પરંતુ તમારા વૈચારિક વારસદારો પણ તમારું શ્રાદ્ધ કરતા હશે.'
બાપુ ફરી હસતાં હસતાં કહે, 'મારું તો ખબર નહીં, પરંતુ અનેક ગાંધીવાદી સંસ્થાઓએ અને કાર્યકરોએ ગાંધીવિચારનું શ્રાદ્ધ કરી નાખ્યું છે એવું લોકો કહેતા હોય છે ખરું.
ખેર, પણ મને એનો કોઈ અફસોસ નથી. મેં કોઈ ગાંધીવિચાર કે ગાંધીવાદની વાત કરી જ ન હતી. મને તો જે સમયે જે ઠીક લાગ્યું તે કહ્યું હતું અને કર્યું હતું. લોકોએ એને ગાંધીવાદનું નામ આપી દીધું એમાં મારો કોઈ દોષ નથી.'
'બાપુ, તમને ખબર નથી એવા એવા દોષ આજકાલ તમારા નામે ચઢી રહ્યા છે. શાસક પક્ષ અને તેની વિચારધારા સાથે સંકળાયેલા લોકો જ તમારા પર જાતભાતના દોષો મઢી રહ્યા છે, તમને નાયકમાંથી ખલનાયક બનાવવાના પ્રયાસો ભરપૂર ચાલી રહ્યા છે.' કાગડો જરા ચિંતાના સૂરે બોલ્યો.
ગાંધીજી કહે, 'એમ? મને ભૂંડો ચિતરવા હજુ આટલાં વર્ષે પણ પ્રયાસો ચાલે છે? તો તેનો મતલબ એ કે એ લોકોને હજુય મારો ડર લાગે છે. આ ખોટું. હું ક્યારેય ન હતો ઈચ્છતો કે કોઈનેય મારો ડર લાગે.'
'હા, હા, બાપુુ. હમણાં થોડાંક વર્ષોથી કેટલાય પગલાંથી પ્રજા હેરાન હેરાન થઈ ગઈ હતી, પરંતુ લોકો આંદોલનને બદલે ભક્તિને રવાડે ચઢી ગયા એમાં શાસકોનો ડર જતો રહ્યો હતો. પણ, બાપુ હમણા ચમત્કાર થયો. હજુ મૂછનો દોરો ફૂટતો હોય એવા જુવાનિયા અને જુવાનડીઓએ આંદોલન કર્યું. આજકાલ એને જેન-ઝી કહે છે. હવે આ જેન-ઝીનો શાસકોને એટલો બધો ડર લાગે છે કે એને સમજાવવા પટાવવા અને એને મનાવવા એ જાતે રીલ બનાવવા અને ભજન ક્લબિંગ કરી રહ્યા છે.'
બાપુ ખુશ થઈને કહે, 'અચ્છા? તો દોસ્ત મારી તને વિનંતી છે. તું જાય ત્યાં મારો મેસેજ આપજે કે દેશમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનો તો બહુ થઈ ગયાં, હવે ગાંધીજીની ખુદની અપીલ છે કે જેન-ઝી ચિંધ્યા માર્ગે આંદોલનો કરો.'
'શ્યોર! બાય ધ વે…હેપ્પી બર્થ ડે બાપુ…' કહી કાગડાએ પાંખો ફફડાવી. ગાંધીજીના ચહેરા પર સ્મિત આવ્યું.
આદમનું અડપલું
ગાંધીજીને પ્રિય હતો ચરખો, આજના નેતાઓનો પ્રિય છે અભરખો




