Editorial

નેપાળમાં ચાર જ મહિનામાં ફરીથી રાજકીય અસ્થિરતાની સ્થિતિ

By GS Team
16 Jul 20265 mins read
TukuTouch Logo
નેપાળમાં 36 વર્ષીય વડાપ્રધાન બાલેન શાહ સામે જેન-ઝી પેઢીએ મોરચો ખોલ્યો છે. કાઠમંડુમાં ટ્રાફિક પોલીસ સાથે ઘર્ષણ બાદ 25 વર્ષીય યુવાને આત્મવિલોપન કરતાં મામલો ગરમાયો. બેરોજગારી અને ભ્રષ્ટાચારના મુદ્દે યુવાનોમાં રોષ જોવા મળ્યો. પૂર્વ વડાપ્રધાન ઓલીની ધરપકડ બાદ સત્તામાં આવેલા શાહ 4 મહિનામાં જ લોકપ્રિયતા ગુમાવી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નેપાળમાં ચાર જ મહિનામાં ફરીથી રાજકીય અસ્થિરતાની સ્થિતિ

વર્લ્ડ વિન્ડો

  • નેપાળમાં જેન-ઝીએ આંદોલન કરીને સ્થાપિત પાર્ટીઓની અને પીઢ રાજકારણીઓની સત્તા ઉથલાવી દીધી. ૩૬ વર્ષના બાલેન શાહ વડાપ્રધાન બન્યા, પરંતુ હવે જેન-ઝીએ ફરીથી મોરચો ખોલ્યો છે

નેપાળમાં જેન-ઝી શું ઈચ્છે છે?
૨૦૨૫માં સપ્ટેમ્બર માસમાં થયેલાં જેન-ઝીનાં દેશવ્યાપી હિંસક વિરોધ પ્રદર્શનોની ચર્ચા દુનિયાભરમાં થઈ. પાર્લામેન્ટર બિલ્ડિંગથી માંડીને પ્રમુખનું ઘરને આગ હવાલે કરનારા યુવા આંદોલનકારીઓએ સોશિયલ મિડીયા પર મૂકાયેલા પ્રતિબંધ જેવા મુદ્દે નેપાળની કેપી શર્મા ઓલીની સરકારને દિવસોમાં ઘૂંટણિયે લાવી દીધી. ઓલીએ મંત્રાલય સહિત રાજીનામું આપી દેવું પડયું.
આ ઘટનાક્રમ પછી થયેલી ચૂંટણીમાં રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીને બાલેન શાહના નેતૃત્વમાં સત્તા મળી. બાલેન શાહ કાઠમંડુના મેયર રહી ચૂક્યા હતા. માત્ર ૩૬ વર્ષની વયે નેપાળના વડાપ્રધાન બનેલા બાલેન શાહ આજની તારીખે દુનિયાના સૌથી ઓછી વયના શાસક છે. રાજકારણમાં આવ્યા પહેલાં બાલેન એન્જિનિયર અને સિંગર હતા. સિંગર તરીકે લોકપ્રિય થયેલા બાલેન શાહ સોશિયલ મિડીયાના જોરે રાજકારણમાં એક્ટિવ થયા. ૨૦૨૧માં કાઠમંડુની મેયરની ચૂંટણી માટે કેમ્પેઈન શરૂ કર્યું અને અપક્ષ ઉમેદવાર તરીકે મેયર પણ બની ગયા. ૨૦૨૫માં જેન-ઝીનું આંદોલન થયું. આંદોલનને સમર્થન આપ્યું. જ્યારે કાર્યકારી વડાપ્રધાન બનાવવાની વાત આવી ત્યારે પણ બાલેનના નામની ચર્ચા હતી. કાર્યકારી પીએમ તો ન બન્યા, પરંતુ ચૂંટણીમાં જીતીને બહુમતી સાથે વડાપ્રધાન બની ગયા.
બાલેન વડાપ્રધાન બન્યા કે તરત વિરોધ પ્રદર્શનો દરમિયાન થયેલી હિંસામાં માર્યા ગયેલા ૭૬ લોકોના કેસમાં અને ભ્રષ્ટાચારના આરોપમાં પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીની ધરપકડ કરી. ભ્રષ્ટાચાર નાબુદ કરવા બે-ત્રણ નિર્ણયો ફટાફટ કર્યા. ૧૦૦ દિવસનો ટાર્ગેટ સેટ કર્યો ને કામ કરતી સરકારની ઈમેજ બનાવી. ભારતની જેમ ઈથેનોલની પૉલિસી માટે પણ ડ્રાફ્ટ બનાવ્યો. નવી જનરેશનને ખુશ કરવા હોંકારા-પડકારા કર્યા. ચીન અને ભારત તરફી વલણને બદલે નેપાળની સ્વતંત્ર ઓળખનાં ભાષણો આપ્યા, પણ અચાનક એક-બે ઘટનાએ ફરીથી બાજી પલટી નાખી. બાલેનના લોકરંજક નિર્ણયો માત્ર જાહેરાતો બનીને રહી ગયા.
વડાપ્રધાન બન્યા એને ચાર મહિના જ થયા છે ત્યાં તો હવે જેન-ઝીને બાલેન શાહ સામેય વાંધો પડયો છે. જે જેન-ઝીએ બાલેન શાહને સત્તા સોંપી હતી એ જ હવે રસ્તા પર ઉતરીને ભારે વિરોધ પ્રદર્શનો કરે છે. થોડા દિવસ પહેલાં એક ૨૫ વર્ષના રાઈડ શેર ડ્રાઈવરે ટ્રાફિક પોલીસ સાથે ઘર્ષણ થતાં આત્મવિલોપન કર્યું. ગણેશ નેપાલી નામના યુવાને કાઠમંડુમાં એક સ્થળે બાઈક પાર્ક કર્યું હતું અને એ બાઈક પર બેઠો હતો. ટ્રાફિક પોલીસે નો-પાર્કિંગ ઝોનમાંથી બાઈક હટાવવાનું કહ્યું. એ બાબતે ગણેશ અને ટ્રાફિક પોલીસ વચ્ચે રકઝક થઈ. પોલીસે બાઈક લોક કરીને ટો-ટ્રક બોલાવી લીધો. બાઈક છોડાવવું હોય તો એક હજાર નેપાળી રૂપિયાનો દંડ ભરવાનું કહ્યું.
ગણેશની દલીલ હતી કે નો-પાર્કિંગ ઝોનમાં બાઈક પાર્ક નથી કર્યું, માત્ર બાઈક ઊભું રાખ્યું છે. જો બાઈક પર બાઈકચાલક બેઠો હોય તો બાઈકને લોક કરવાનો પોલીસને અધિકાર નથી. ટ્રાફિક પોલીસે બળજબરી કરીને બાઈકને ઉઠાવવાની કોશિશ કરી તો ઉશ્કેરાયેલા ગણેશ નામના યુવાને બાઈકમાંથી જ પેટ્રોલ કાઢીને શરીર પર રેડયું ને પછી આગ લગાડી દીધી. પોલીસ અને અનેક લોકોની હાજરીમાં જ એ ભડભડ બળવા લાગ્યો. આસપાસમાંથી લોકોએ આવીને આગ ઠારવાની કોશિશ કરી. ગંભીર રીતે દાઝી ગયેલા ગણેશને હોસ્પિટલમાં ખસેડાયો. ત્રણ-ત્રણ દિવસ સુધી કાઠમંડુની હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝઝૂમ્યા પછી આખરે ગણેશે દમ તોડી દીધો.
આ ઘટનાનું સીસીટીવી ફૂટેજ સામે આવ્યું ને છેલ્લા ચાર મહિનાથી શાંત બેઠેલા યુવાનો ઉશ્કેરાઈ ગયા. કાઠમંડુમાં ટ્રાફિક પોલીસ સામે વિરોધ શરૂ થયો. એ વિરોધ પછી તો બાલેન શાહ તરફ ફંટાયો ને આખાય દેશમાં ઠેર-ઠેર દેખાવો શરૂ થયા. વિરોધ પ્રદર્શનો દરમિયાન ગણેશની જેમ જ ત્રણ યુવાનોએ પેટ્રોલ છાંટીને આત્મદાહ કર્યો. એમાંથી બે યુવાનોના મોત થઈ જતાં તંગદિલી વધી ગઈ. વિરોધ પ્રદર્શનોમાં પહેલા એક-બે દિવસ ગણેશ સાથે થયેલા અન્યાયનો મુદ્દો ઉઠયો, પણ પછી વિપક્ષની પણ વિરોધ પ્રદર્શનમાં એન્ટ્રી થઈ. બાલેન શાહે ૧૦૦ દિવસમાં જે વાયદા પૂરા કરવાના હતા તેમાં કશું થયું નથી એ મુદ્દો ઉઠયો. સત્તા પરિવર્તન પછી રોજગારી સર્જાવાની આશા હતી. બેરોજગારીનો દર ઘટશે એવો યુવાનોને ભરોસો હતો, પરંતુ બાલેન શાહની સરકારે રોજગારી આપવા માટે એવા કોઈ પગલાં ભર્યા નહીં, તેના કારણે બેરોજગારીનો દર એટલો જ ઊંચો છે. વિપક્ષ નેપાળી કોંગ્રેસે વિરોધ પ્રદર્શનને ટેકો આપીને યુવા પેઢીનો ભરોસો તોડવાનો બાલેન શાહ પર આરોપ લગાવ્યો. જેન-ઝી નેપાળ સંગઠને આક્રોશ વ્યક્ત કર્યો કે બાલેન શાહ નિરંકુશ રીતે સત્તા ચલાવે છે. બજેટમાં નવી રોજગારી સર્જવા કે આવક વધારવાની યોજનાઓ સમાવી નથી.
ગણેશ સહિતના જે યુવાનોએ આત્મવિલોપન કર્યું તે મુદ્દે બાલેન શાહે કે નેપાળની સરકારે એક પણ નિવેદન આપ્યું નથી એટલે જેન-ઝીમાં આક્રોશ વધ્યો છે. જેન-ઝીએ બાલેન શાહ સામે સૂત્રોચ્ચાર કર્યો કે કાળાં ચશ્માં ઉતારીને વાસ્તવિક ઘટના જુઓ. બાલેન શાહ જાહેરમાં મોટાભાગે કાળાં ચશ્માં પહેરીને જ જોવા મળે છે. સિંગર હતા ત્યારથી આ રીતે ચશ્માં પહેરી રાખે છે. સેલિબ્રિટી પહેરે એ રીતે ચશ્માં પહેરી રાખવા મુદ્દે પણ હવે જેન-ઝી પોતાના ફેવરિટ નેતાથી નારાજ છે. જેન-ઝીનો ચાર મહિનામાં જ બાલેન શાહથી મોહભંગ થઈ ગયો છે. જેન-ઝીને યુવા નેતાથી જે અપેક્ષા હતી એ પૂરી થઈ નથી. યુવા પેઢીએ પોતાની પસંદગીના વડાપ્રધાન સામે જ વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા છે તેનાથી નેપાળમાં ફરી રાજકીય સંઘર્ષની સ્થિતિ આવી શકે એવી શક્યતા નકારી શકાતી નથી.
બાલેન શાહ ચાર મહિનામાં જ ખાસ્સા વગોવાઈ ગયા છે. ચાર મહિનાના શાસન સામે વિપક્ષ તો સવાલો ઉઠાવે જ છે અને જે રીતે બાલેન શાહ બેજવાબદારીથી નિવેદનો આપે છે તેની પણ ટીકા થાય છે. જેમ કે, એકાદ મહિના પહેલાં ભારતના સંદર્ભમાં ટીપ્પણી કરતાં બાલેન શાહે સંસદમાં કહેલું કે હવે નેપાળ એવું શક્તિશાળી બની ગયું છે કે ભારતના કેટલાક વિસ્તારો પણ નેપાળે કબજે કર્યા છે. વિપક્ષોએ ત્યારે પણ વિરોધ કરતાં કહ્યું હતું કે વિદેશનીતિ જેવા સંવેદનશીલ મુદ્દે વડાપ્રધાન આવી ટીપ્પણી કરે તે યોગ્ય નથી. અધૂરામાં પૂરું બાલેન શાહની પાર્ટીના ઘણા સાંસદો પણ નારાજ છે. વિરોધ પ્રદર્શનો ચાલ્યા તે દરમિયાન જ પાર્ટીના સાંસદોની એક પ્રતિનિધિ સભા મળી હતી. એમાં સત્તાધારી રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના સાંસદ જગદીશ ખરેલે કહ્યું કે સરકાર માત્ર પીએમની લોકપ્રિયતા પર ન ચાલી શકે. સાંસદોનું અને લોકશાહી કાર્યપદ્ધતિનું સન્માન થવું જોઈએ. જગદીશ ખરેલના આ નિવેદનને મોટાભાગના સાંસદોએ સમર્થન આપ્યું હતું. તાજેતરમાં જ કરિશ્મા કથારિયા, ગીતા ચૌધરી, અમરેશ કુમાર સિંહ જેવા ચાર-પાંચ પાર્ટીના મહત્ત્વનાં નેતાઓએ બાલેન શાહની અલગ અલગ મુદ્દે ટીકા કરી હતી. પાર્ટીની અંદર સહયોગીઓએ આંખ દેખાડવાનું શરૂ કર્યું છે, પાર્ટીની બહાર વિપક્ષ ઘેરવા તૈયાર છે અને રસ્તાઓ પર જેન-ઝીએ મોરચો ખોલી દીધો છે ત્યારે બાલેન શાહ આ પડકારોનો સામનો કેવી રીતે કરશે તેના પર નજર રહેશે.