નેશનલ એવોર્ડનું નામ બદલીને નેશનલિઝમ એવોર્ડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- અગડમ્ બગડમ્-બાબા આદમ
- બોલો, કયા નેતાના નામે બેસ્ટ એક્ટિંગ એવોર્ડ શરુ કરવા છે
બોલિવુડના કલાકારો, દિગ્દર્શકો, લેખકો, નિર્માતાઓનું એક પ્રતિનિધિમંડળ મળવા આવવાનું હોવાની વાતે સરકારી ડિપાર્ટમેન્ટમાં દોડધામ મચી ગઈ. મહિલા અધિકારીઓ તો ઓફિસે પહોંચતાં પહેલાં બ્યુટી પાર્લરમાં તૈયાર થઈ આવી. બે-ચાર અધિકારીઓ વિગ પહેરીને આવી ગયા. એક-બે પટાવાળા પોતે ચા આપતી વખતે કેવી રીતે ડાયલોગ બોલશે તેની પ્રેક્ટિસ કરીને આવ્યા.
જોકે, ઓફિસમાં બોસે બધાને તતડાવ્યા. 'આ શું તમાશો માંડયો છે? આ બોલિવુડવાળા કાંઈ આગામી ફિલ્મમાં કોઈને કાસ્ટ કરવા નથી આવવાના. એ લોકો તો એમની રજૂઆતો લઈને આવવાના છે. આપણે તંત્ર છીએ, આપણે ડોલાવીએ તેમ એ લોકોએ ડોલવાનું હોય, આપણે એમની આગળ લટૂડાપટૂડા કરવાના ન હોય.'
એકાદી પિક્ચરમાં એકસ્ટ્રા કલાકારનો પણ રોલ મળવાની આશા રાખી બેઠેલા અધિકારીગણમાં નિરાશાનું મોજું ફેલાઈ ગયું. ત્યાં બોલિવુડ મંડળીની એન્ટ્રી પડી. બોસ ખુદ હરખઘેલા થઈ બોેલિવુડ મંડળીને આવકારવા દોડયા. 'વેલકમ, વેલકમ… તમારે અમારી ઓફિસમાં કેમ આવવું પડયું ? કહ્યું હોત તો હું પોતે તમારે ત્યાં આંટો મારી જાત…' બોસ પોતે આટલું બોલતાં બોલતાં શરમાઈ ગયા.
એક્ટર : સર, એ તો તમે અમને એવોર્ડ લાયક ગણ્યા એટલે અમે બધા આભાર માનવા આવ્યા છીએ.
બોસ : અરે હોય કાંઈ? હવે તો જુઓ સરકાર અને બોલિવુડ બધું એક જ છે. તમે અમારા જ છો. અમે જેમ બોલાવીએ, ગવડાવીએ, નચાવીએ, લખાવીએ એમ બધું જ તમે કરો છો. એમાં ઘરમાં ને ઘરમાં શું આભાર માનવાનો .
ડિરેક્ટર : સર, એ તો તમારી નમ્રતા છે. એટલે અમે સુપર વિનમ્ર બનીને તમારી કોઈ વધુ સૂચના હોય તો તે મેળવવા માટે જાતે જ આવી ગયા છીએ.
બોસ : બસ, એટલું કહેવાનું હતું કે તમારી ફિલ્મોમાં જેમ ઓવરએક્ટિંગ હોય છે તેમ અમારી સૂચનાઓના પાલનમાં ઓવરડોઝ ન કરી નાખો. આપણે જનતાને દેખાડવાનું નથી કે અસલી પ્રોડયુસર-ડિરેક્ટર અમે છીએ અને તમે તો ફક્ત એક્ટર…
હિરોઈન : ઓહો સર, અમે તો એવી રિક્વેસ્ટ લઈને આવ્યા છીએ કે આપણી એટલે કે મારી ને તમારી નહીં, પરંતુ બોલિવુડની અને સરકારની પ્રેમકહાનીની હવે બધાને ખબર પડી જ ગઈ છે તો હવે આ નેશનલ એવોર્ડનું નામ જ બદલીને નેશનલિઝમ એવોર્ડ કરી નાખીએ તો? આટલા સમયથી નેશનલિસ્ટ એક્ટર હોય, નેશનલિઝમને લગતી વાર્તા હોય, સોશિયલ મીડિયા પર પણ જે કલાકારો, ડાયરેક્ટરો નેશનાલિસ્ટ પોસ્ટ કરતા હોય તેમને જ એવોર્ડ મળે છે તો એવોર્ડનું નામ જ નેશનલિઝમ એવોર્ડ બરાબર રહેશે.
'હેં ? નામ બદલવાનું કામ તો…' બોસનો અવાજ જાણે ડબિંગમાં ડખો પડયો હોય તેમ અટકી પડયો.
ત્યાં પેલા એક્ટરે આગળ આવીને કહ્યું, 'સર, બેસ્ટ નેશનલિસ્ટ ડિરેક્ટર, બેસ્ટ નેશનલિસ્ટ ફિલ્મ, બેસ્ટ નેશનલિસ્ટ સ્ટોરી એવા એવોર્ડના નામ ભલે રાખજો પણ એક્ટિંગનો એવોર્ડ તો આપણા લોકપ્રિય નેતાજીને નામે જ રાખજો. બોલો રાખશો ને?'
'કટ… કટ…પેક અપ…પેક અપ…' બોલતાં બોસ ભાગ્યા. જોતજોતામાં આખી ઓફિસ ખાલી થઈ ગઈ.
આદમનું અડપલું
ક્યારેક બેસ્ટ એક્ટિંગના એવોર્ડ જોઈને લાગે કે જ્યુરીએ પણ એવોર્ડ નક્કી કરવાની એક્ટિંગ જ કરી છે.




