Editorial

સાહિત્યની ચૂંટણીમાં મોટિવેશનલ નિબંધોને બહુમતી

By GS Team
3 Oct 20263 mins read
TukuTouch Logo
ગુજરાતી સાહિત્યજગતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. 'સત્યના પ્રયોગો' જેવા રાજકીય પુસ્તકોની માંગણીથી શરૂ થયેલી આ પ્રક્રિયામાં નવલકથા, કવિતા, વિવેચન ગ્રંથો, ધાર્મિક ગ્રંથો, લઘુકથાઓ, નાટકો, હાસ્ય નિબંધો અને ફેસબુક સાહિત્ય પણ જોડાયા છે. દરેક સાહિત્ય સ્વરૂપ પોતાની લોકપ્રિયતા અને મહત્ત્વ દર્શાવી, ચૂંટણીમાં પોતાનું સ્થાન મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાહિત્યની ચૂંટણીમાં મોટિવેશનલ નિબંધોને બહુમતી
  • અગડમ્ બગડમ્-બાબા આદમ
  • નવલકથાઓમાં થ્રિલર, સામાજિક તડાં : કવિતાઓમાં ગઝલનો અલગ ચોકો, ફેસબુક સાહિત્યએ પણ ફોર્મ ભર્યું

સાહિત્યકારોની આલમમાં ચૂંટણીનો માહોલ છે એવા સમાચાર મળતાં કોઈ ખૂણે ધૂળ ખાતાં 'સત્ય ના પ્રયોગો' ટાઈપ એકાદ-બે રાજકીય પુસ્તકોએ માગણી કરી કે આપણી પુસ્તકોની નાતમાં પણ ચૂંટણી થવી જોઈએ. એના માટે મતદાર મંડળો અને ઉમેદવારોની લાયકાત નક્કી કરો.
સૌથી પહેલી દાવેદારી જ એક નવલકથાએ નોંધાવી કે લોકપ્રિયતામાં મારું જ સ્થાન સૌથી ટોચ પર છે એટલે બહુમતી તો મને જ મળશે. જોકે, બીજું કોઈ સાહિત્ય સ્વરુપ ઊંચું નીચું થાય એ પહેલાં નવલકથાનાં મતદાર મંડળમાં જ તડાં પડયાં. નવલકથા કેટેગરીમાં ઉમેદવારી મામલે થ્રિલર અને સામાજિક નવલકથાઓ વચ્ચે ટંટો પડયો. બીજી બાજુ કવિતાની છાવણીમાં પણ છાંદસ અને અછાંદસ વચ્ચે મોટો ઝઘડો શરુ થયો. એમાં કેટલાંક ગીતોએ ગળું ખોંખારીને કહ્યું કે સુગમના સ્ટેજ પર તો અમારાં જ ગાન ગવાય છે એટલે કવિતા કેટેગરીમાં પ્રતિનિધિત્વ અમને મળવું જોઈએ. જોકે, આ દાવા સામે ગઝલે ગળું ફાડીને બુલંદ વિરોધ નોંધાવ્યો કે સ્ટેજ ગજાવવાનો ઓરિજિનલ રેકોર્ડ તો અમારા નામે છે અને આજની તારીખે વ્હોટ્સએપ ફોરવર્ડમાં પણ અમારો જ દબદબો છે એ કોઈ ભૂલતા નહીં.
આ લડાઈમાં વિવેચન ગ્રંથે એન્ટ્રી મારી કે નવલકથાકારો કે કવિઓ સાહિત્ય સમારંભોમાં ભલે ગમે તેવી ઊંચી ગરદન કરીને ફરતા હોય, પરંતુ સાહિત્યકાર તરીકે પોંખાવા માટે તો એમણે અમારા સર્જકો એવા વિવેચકો પાસે ગરદન નમાવવી જ પડે છે. માટે આ ચૂંટણીમાં પણ અમે સ્હેજે ઉતરતું સ્થાન નહીં ચલાવી લઈએ.
એટલામાં એક ખૂણેથી ધાર્મિક ગ્રંથો ધુણ્યા કે તમે બધા વંટોળમાં ઉડતાં પાંદડાં જેવાં છો. બાકી, અમારી લોકપ્રિયતા તો યુગો યુગોથી અવિચળ છે. આથી, અમારી પવિત્રતા ખાતર અમને ચૂંટણી વગર એક બેઠક આપો.
દરેક ક્ષણે બહુરંગી થતી જતી ચૂંટણીમાં થોડીવારમાં લઘુકથાઓ, બાળ કાવ્યો, આત્મકથાઓ, નાટકો, અનુવાદો , લલિત નિબંધો અને છેલ્લે છેલ્લે તો હાસ્ય નિબંધોએ એ પણ ઝંપલાવ્યું. છેલ્લે છેલ્લે સામી દિશાએથી આવેલાં ફેસબુક સાહિત્યએ દાઢમાં હસીને કહ્યું કે તમે બધા ધીમે ધીમે આઉટડેટેડ થતા જાઓ છો. હવે મહત્તમ સાહિત્ય ફેસબુક પર જ સર્જાય અને વંચાય છે. આ ચૂંટણીમાં નવા જમાનાની છડી સ્વરુપે બહુમતી મને જ મળશે એ તો મારી દરેક દિવાલે દિવાલે લખ્યું છે.
આ નવા સાહિત્ય સ્વરુપને ઉમેદવાર તરીકે ગણવું કે ન ગણવું તેની ગડમથલમમાં સૌ પડયાં એટલીવારમાં મોટિવેશનલ સાહિત્યએ એનાઉન્સ કરી દીધું કે પુસ્તક વેચાણની સંખ્યા હોય કે લેખકોને મળતાં પ્રવચનોની સંખ્યા અને પુરસ્કારની રકમનો આંકડો, હું જ નિર્વિવાદિત રીતે નંબર વન છું એવું બધાએ માની લેવાનું રહેશે. મારા લેખકોની સંખ્યા તો તમારા બધાના ટોટલ વાચકો કરતાં પણ વધારે છે. મારી વાત ખોટી હોય એવું લાગતું હોય તો જ ચૂંટણી યોજો.
…ને સાહિત્યની લાઈનમાં સ્વીકારસૂચક સન્નાટો છવાઈ ગયો.
આદમનું અડપલું
જેમ રાજકારણમાં શાસન કરતાં ચૂંટણી જીતવી મહત્ત્વની થઈ ગઈ છે તેમ સાહિત્યમાં ઉમદા સાહિત્ય સર્જન કરતાં ભવ્ય વિમોચન સમારોહ મહત્ત્વના થઈ ગયા છે.