Editorial

પ. બંગાળમાં ડિસ્કોને સ્ટેટ ડાન્સ બનાવવા મિથુનની સલાહ

By GS Team
10 Oct 20263 mins read
TukuTouch Logo
પશ્ચિમ બંગાળ સરકારે અભિનેતા મિથુન ચક્રવર્તીને રાજ્ય સરકારના સલાહકાર બનાવ્યા છે. જોકે, મિથુન દાને ઓફિસમાં બેસી રહેવું પસંદ નથી. તેઓ ઓફિસને બદલે ડિસ્કોથેક કે ડાન્સ ક્લબમાં જવાનું કહે છે, કારણ કે તેઓ "ડિસ્કો ડાન્સર" છે. એક અધિકારીએ તેમને જણાવ્યું કે રાજ્યના મોટાભાગના રોડ ડિસ્કો રોડ જેવા જ છે, જ્યાં લોકો ડિસ્કો ડાન્સની જેમ ઉછળે છે, જે સાંભળી મિથુન દા ખુશ થઈ ગયા.

Summarized by AI; it may make mistakes. Check important info

પ. બંગાળમાં ડિસ્કોને સ્ટેટ ડાન્સ બનાવવા મિથુનની સલાહ
  • અગડમ્ બગડમ્-બાબા આદમ
  • પ્રજાને નચાવી શકે તેની સરકાર વર્ષોનાં વર્ષો સુધી સ્થિર રહે છે

પશ્ચિમ બંગાળ સરકારે મિથુન ચક્રવર્તીને રાજ્ય સરકારના સલાહકાર તરીકે નિયુક્ત કર્યા બાદ કેટલાક અધિકારીઓ મિથુનને ઘરે પહોંચી ગયા. 'મિથુન દા, ચાલો. આપે ઓફિસે પધારવાનું છે.'
'ઓફિસ? પણ મારે તો સરકારને સલાહ આપવાની છે! કોઈ કામ ક્યાં કરવાનું છે?' મિથુન દા ભડકી ગયા.
'અરે સર, સરકારમાં જે ખરેખર કામ કરનારા છે એમના માટે તો ગામેગામ નાની નાની ઓફિસ હોય છે, પણ જેમણે ખરેખર બેઠાં બેઠાં કોઈ કામ નથી કરવાનું હોતું તેમના માટે રાજધાનીમાં મોટી આલીશાન ઓફિસ હોય છે. તમારે કામ નથી કરવાનું એટલે એવી આલીશાન વૈભવી ઓફિસમાં જ બેસવાનું છે. સરકારમાં તો મોટાભાગે ઓફિસોમાં વટથી આવવાનું અને જવાનું અને રોફ છાંટવો એ જ કામ હોય છે.'
' વૈભવ? સોરી, તમારી ક્યાંક ગેરસમજ થતી લાગે છે. મને અને વૈભવને કોઈ લેવાદેવા નથી. મારી છાપ તો ગરીબોના અમિતાભ તરીકેની છે. મને ક્યારેય કોઈ માલદાર હીરો તો શું સરકારી અધિકારીનો રોલ પણ ભાગ્યે જ મળ્યો છે,' મિથુન બાબુએ ફરી વાંધો ઉઠાવ્યો.
'સર ,એ તો સરકારમાં એવું જ હોય છે. જોડાતી વખતે બધા ગરીબ અને સામાન્ય વર્ગના જ હોય છે. પછી થોડા સમયમાં માલદાર બની જવાનું હોય છે.'
પણ મિથુન દા તો બગડયા. 'પણ હું કોઈ વૈભવી ઓફિસમાં નહીં આવું. મને ક્યારેય કોઈ ફિલ્મમાં એમ શાંત ચૂપચાપ બેસી રહેવાનો રોલ મળ્યો નથી. મને કાંતો મારામારી ફાવે અથવા તો નાચતાં ફાવે. તમારી સરકારી ઓફિસને બદલે મને કોઈ ડિસ્કોથેકમાં લઈ જાઓ, ડાન્સ ક્લબમાં કે સ્ટેજ પર લઈ જાઓ. બિકોઝ કે આઈ એમ એ ડિસ્કો ડાન્સર… બોલો કોઈ શક?'
'નો શક સર, પણ હવે તમારે નાચવાનું નથી, પણ સરકારના એક ભાગ તરીકે લોકોને નચાવવાના છે. જે પ્રજાને ધારી રીતે નચાવી શકે તેની સરકાર વર્ષોની વર્ષો સુધી સ્થિર રહે છે.'
મિથુન દા પાછા બગડયા. 'એલા, સરકારે મને સલાહકાર બનાવ્યો છે, પણ હજુ સુધી મેં તમને મારા સલાહકાર નથી બનાવ્યા. મને સલાહો આપવાનું બંધ કરો અને મને કહો કે સરકારે ખુદ કોઈ ડિસ્કો ફલોર બનાવ્યા છે કે નહીં. મારી સરકારને સલાહ છે કે ગામે ગામ શાળાઓ કે હોસ્પિટલ હોય કે ન હોય પણ ડિસ્કોથેક તો હોવા જ જોઈએ. મારી તો એ પણ સલાહ છે કે ડિસ્કો ડાન્સને રાજ્યના સત્તાવાર ડાન્સ તરીકેનો દરજ્જો આપી દેવો જોઈએ.'
એક અધિકારીને બત્તી થઈ. એ મિથુન દા ને કહે, 'સર, તમારી સલાહનો તો તત્કાળ અમલ થઈ શકે તેમ છે. આપણા રાજમાં મોટાભાગના રોડ ડિસ્કો રોડ જ બની ગયા છે. પબ્લિક ત્યાંથી પસાર થતી વખતે ડિસ્કો ડાન્સની જેમ જ ઉછળે છે. હર હર ડાન્સર, ઘર ઘર ડાન્સરની સ્થિતિ છે.'
આ વાત સાંભળી મિથુન દા હરખથી નાચી ઉઠયા.

આદમનું અડપલું
લોકશાહીમાં સરકારોને સૌથી પ્રિય ડાન્સ હોય છે કઠપૂતળીઓનો ડાન્સ. બધે કઠપૂતળીઓ ગોઠવીને નચાવ્યા કરવાની.