Editorial

મેરે રોમ રોમ મેં બસને વાલે રામ

By GS Team
1 Jul 20263 mins read
TukuTouch Logo
ઇટાલીના વડાપ્રધાન મેલોની અને ભારતના વડાપ્રધાન મોદીની વાર્તા રસપ્રદ બની છે. લાભુ અને નટખટ નાગર વચ્ચેની વાતચીતમાં મેલોનીને "મેલોડી ચોકલેટ" ખવડાવવાની વાત થઈ હતી. આ સાથે જ, ભારતમાં સત્તા ગુમાવનાર ઇટાલિયન મૂળના સોનિયા ગાંધીનો પણ ઉલ્લેખ થયો. આ વાતચીત "રોમેન્ટિક" અને "મેલોડી" જેવા શબ્દોનો ઉપયોગ કરીને હાસ્ય અને મનોરંજન પૂરું પાડે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મેરે રોમ રોમ મેં બસને વાલે રામ
  • બખડજંતર-નટખટ નાગર
    'બોલ લાભુ, પોલેન્ડના રહેવાસી પોલીશ કહેવાય અમેરિકાના રહેવાસી અમેરિકન કહેવાય તો રોમના રહેવાસીને શું કહેવાય?'
    'વેરી ઈઝી, રોમમાં વસનારાને રોમેન્ટિક કહેવાય. હા- હા- હા…'
    'લાભુ, આપણા ભગવાન રામ છે ને? એ રોમમાં પણ વસે છે અને રોમમાં પણ પૂજાય છે, તને ખબર છે?'
    'અરે વાહ! રામ વળી રોમમાં વસે છે એ તમે શેના પરથી કહો છો?'
    'લાભુ, રામ તો રોમમાં વસે છે એનો પુરાવો આપતું આખું ભજન છેઃ મેરે રોમ રોમ મેં બસનેવાલે રામ, જગત કે સ્વામી કે અંતરયામી, મેં તુઝસે ક્યા માંગું?'
    'પણ તમને અચાનક રોમ કેમ યાદ આવ્યું જરા કહેશો મને?'
    'સાંભળ, રોમ એટલે ઇટલીની રાજધાની, બરાબર? ઈ ઈટલીનાં પ્રાઈમ મિનિસ્ટર છે મેલોની. આ મેલોની એકદમ હસમુખા અને રોમેન્ટિક મિજાજનાં છે, જેને આપણા વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ મેલોડી ચોકલેટ ખવડાવીને ખુશખુશાલ કરી દીધા હતા. યાદ છેને?
    'હા યાદ છે ને! હમણાં રાજકોટ રેડિયો ઉપર મેલોનીનું લોકગીત પણ સાંભળ્યું ઃ મેલોડી મોહન મટુકી…'
    'લાભુ, ઈટલીમાં મેલોનીના હાથમાં પાવર છે, જ્યારે ભારતમાં કયા ઈટાલિયન લેડીના હાથમાં પહેલાં પાવર હતો ત્યારે પાવરફુલ હતા અને હવે પાવર જતાં પાવર- ફેઈલ થઈ ગયો છે?'
    'યાદ આવ્યું. સોનિયા ગાંધીની વાત કરો છોને? એ પણ ઈટલીનાં છેને?'
    'એમની મૂળ સરનેમ શું છે, ખબર છે? સોનિયા માઈનો…'
    'ઓહ હવે સમજાયું. મૂળ અટક માઈનો છે એટલે એમની પાર્ટી માઈનો- રિટીનો પક્ષ તાણે છે, બરાબરને?'
    'લાભુ, મને નવાઈ લાગે છે કે માઈનોના લાલે વનપ્રવેશ કર્યાને છ વર્ષ વતી ગયાં છતાં કેમ પરણતો નથી?'
    'એમાં એવું છે કે દરેક ચૂંટણી વખતે સોનિયાજી અપીલ કરે છે કે મેરે બેટે કો બહુ- મત- દો, બહુ- મત- દો…. એટલે કોઈ વહુ મળતી જ નથી…'
    ભવની ભવાઈ કે ભજિયાની ભવાઈ
    'લાભુ, કાળી ચૌદસમાં વાત કજિયાની અને વરસાદની ભીની મોસમમાં વાત ભજિયાની, બરાબરને?'
    'અરે બાપા, મારી અને લીલા વચ્ચે ભજિયાના નામે જ કજિયા થયા તમને ખબર છે?'
    'તારા ઘરમાં વળી ભજિયાને નામે કેમ કજિયા થયા એ કહે તો ખરો?'
    'એમાં એવું થયું કે એક ગુજરાતી છાપામાં સાંજે વરસાદ પડશે એવી આગાહી થયેલી. એટલે આ એકનું એક છાપું અને આગાહી મોટેથી વાંચી સંભળાવું અને લીલાને ફરમાઈશ કરું કે લીલાડી, આજે મસ્ત ભજિયાની બનાવ…. એટલે એ બિચ્ચારી ભજિયા તળીને મને ખવડાવે, બોલો.'
    'પણ લાભુ, ભજિયાને નામે કજિયા કેવી રીતે થયા એ તો કહે?'
    'એમાં એવું થયું કે છેલ્લા ત્રણ ત્રણ દિવસથી સાંજે વરસાદ પડશે એવી એકની એક આગાહી સાંભળીને લીલાને ડાઉટ ગયો. એટલે છાપું ખેંચીને તારીખ વાંચી તો જૂની તારીખનું છાપું હતું, એટલે બે ત્રણ છૂટ્ટા ભજિયા માર્યા અને થઈ ગઈ કજિયાની શરૂઆત. આમ 'ભવની ભવાઈ નહીં મારા ઘરમાં 'ભજિયાની ભવાઈ' જામી, બોલો!'
    'લાભુ, હવામાન ખાતાની આગાહીનું જયોતિષની કુંડળી જેવું છે હો?'
    'અરે મારા રાજ્જા, જયોતિષની કુંડળી અને હવામાન ખાતાની આગાહીમાં શું સામ્ય છે?'
    'જો લાભુ, હવામાન ખાતાવાળા આગાહી કરે કે ધોધમાર વરસાદ પડશે, ત્યારે કયારેક ઝરમર વરસાદ પણ ન પડે અને તારા જેવાંની કુંડળીમાં લખ્યું હોય કે શાંત અને સુશીલ કન્યા મળશે એને બદલે લીલા જેવી લાલચોળ અને સમસમતી સાથી મળે, બરાબરને?'
    'માણસ પ્રેમમાં પડેને ત્યારે પ્રેમની ઝરમર વર્ષા થાય, પણ પ્રેમ કરીને પરણે પછી જ ઝાપટાં શરૂ થઈ જાય. એટલે જ હું કાયમ ચાર- લાઈના સંભળાવું છું કે-
    નસીબવંતાની નારી
    ભાવથી બનાવે ભજિયા
    જ્યારે કમભાગીના ભાગ્યમાં
    કાયમ કંકાસ અને કજિયા…'
    ફન કી બાત
    પ્રેમથી વરસે ત્યારે ઝરમર
    વ્હેમથી વરસે ત્યારે ઝાપટાં,
    પ્રેમ અને વિવાહના સંબંધ-રંગમાં
    આવા જ દેખાય ચટાપટા.

સવાલઃ વઢકણી વહુ વર ઉપર હાથ ઉપાડે એવોે અર્થ નીકળે એવું કયું ગામ મહારાષ્ટ્રમાં છે?
જઃ વર- કૂટે.


સવાલઃ પત્ની કાયમ પતિની સામે થતી હોય એવો ભાવ આવે એવું કયું ગામ છે?
જવાબઃ કચ્છનું ગામઃ વર-સામેડી.


સવાલઃ ચોમાસા પહેલાં કોણ ધોવાયા?
જવાબઃ વિપક્ષો. એટલે જ કહેવું પડે કે-
પાણી વિના ધોવાયા
વાણી વિના ખોવાયા


સવાલઃ પતિ બૂમ પાડે તેને શું કહેવાય?
જવાબઃ વર-સાદ.


વહુ મળે જો પ્રેમઘેલી
તો કાયમ હેતની હેલી,
વહુ ખરેખર મળે ઘેલી
તો પછી બચાવે ઉપરવાળો બેલી.


વરસાદ કાયમ જૂનમાં જ આવે છતાં મોરલા કેમ ટહુકતા હશેઃ 'મેં' આવ… 'મેં' આવ…. 'મેં' આવ….