Editorial

છોડો નીટ-બીટ, પાંચ હજાર મેડિકલ રીલ જોઈ નાખે તે એમબીબીએસ

By GS Team
25 Jul 20262 mins read
TukuTouch Logo
નીટ આંદોલનના ઉકેલ માટે અધિકારીએ શિક્ષણશાસ્ત્રીઓ સાથે બેઠક કરી. એક શિક્ષણશાસ્ત્રીએ સૂચવ્યું કે, મેડિકલ કોલેજો બંધ કરી દેવી જોઈએ. 5000 રીલ જોનાર MBBS ગણાશે અને 12,000 રીલ જોનાર MD ગણાશે. આથી દેશના દરેક નાગરિકને મેડિકલી આત્મનિર્ભર બનાવી શકાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોડો નીટ-બીટ, પાંચ હજાર મેડિકલ રીલ જોઈ નાખે તે એમબીબીએસ
  • અગડમ્ બગડમ્-બાબા આદમ
  • આપણું ધ્યેય દેશના દરેક નાગરિકને મેડિકલી આત્મનિર્ભર બનાવવાનું રહેશે

અધિકારીશ્રીએ શિક્ષણશાસ્ત્રીઓને ભેગા કર્યા. 'આ નીટનાં આંદોલનનો નિવેડો શું લાવવો?'
એક શિક્ષણશાસ્ત્રીએ લલકાર્યું, 'જો તુમ કો હો પસંદ વો હી બાત કરેંગેં…' બીજાએ સૂર પુરાવ્યો,'તુમ દિન કો અગર રાત કહો, રાત કહેંગે…' અધિકારીશ્રી કહે, ' દર વખતે સિરિયસ મીટિંગના નામે અંતાક્ષરી ના ચાલે. આજે સોલ્યુશન આપો.'
એક શિક્ષણશાસ્ત્રી કહે, 'અરે, સર. છેલ્લાં ૧૦-૧૨ વર્ષથી એજ્યુકેશન સેક્ટરમાં નોકરી, પ્રમોશન, પ્રોજેક્ટ, હોદ્દા, એવોર્ડ બધાનો આધાર આ ગીત પર જ છે.'
એક શિક્ષણશાસ્ત્રી ઘુવડગંભીર ચહેરેે કહે, 'સર, છેવટે તો આ કાયદો ને વ્યવસ્થાનો પ્રશ્ન છે, શિક્ષણનો નહીં. પોલીસ ખાતાને સોંપી દો. એ લોકો ઝૂડવા માંડશે એટલે આંદોલનનો પાર આવી જશે.'
અધિકારીશ્રી કહે, 'ભલા માણસ, આ જેન-ઝી ને ઝૂડીએ છીએ તો એના પર પણ રીલ બનાવી નાખે છે. આમને કઈ રીતે પહોંચી વળવું?'
'આઇડિયા…' એક શિક્ષણશાસ્ત્રી નાચવા લાગ્યા.'લોકો રીલના આઇડિયા શોધતા હોય છે મને આ રીલની વાત પરથી આઇડિયા આવ્યો. જુઓ, પ્રોબ્લેમ નીટનો એટલે કે ડોક્ટર જ બનવાનો છે ને ?તો આપણે સૌને ડોક્ટર બનવાની બાબતમાં, અરે સમસ્ત પ્રજાને મેડિકલી આત્મનિર્ભર બનાવી દઈએ. આજકાલ સોશિયલ મીડિયા પર દરેક બીમારીની સારવાર, દરેક અંગ-બોડી સિસ્ટમની સમજણ, દરેક લેબ ટેસ્ટ કે રેડિયોલોજી ટેસ્ટનાં અર્થઘટનો, દવાની અસરો,ખોરાકના તબીબી ફાયદા-ગેરફાયદા, ખાવુંપીવું, ઉઠવું-બેસવું, જાગવું-ઊંઘવુંં વગેરે દરેક બાબતની હેલ્થ પર અસરોના રીલનો ઢગલો થઈ ગયો છે. કશું બાકી રહ્યું નથી.'
અધિકારીશ્રીએ માથું ખંજવાળ્યું, 'આખિર કહના ક્યા ચાહતે હો.'
શિક્ષણશાસ્ત્રી કહે , 'એ જ. આપણે બધી મેડિકલ કોલેજો બંધ કરી દઈએ. તેેને બદલે એવી નીતિ ઘડીએ કે આવા તબીબી બાબતોની પાંચ હજાર રીલ જોઈ નાખી હોય એ બધા આપોઆપ એમબીબીએસ ગણાશે. ૧૨ હજાર રીલ જોઈ નાખે તે બધા એમડી લેવલના ગણાશે. નર્સ અને કમ્પાઉન્ડર માટે ત્રણ-ત્રણ હજાર રીલનું ધોરણ રાખીએ. સરકારની તરફેણવાળા ઈન્ફ્લુએન્સરની રીલ જ આ મેડિકલ કોર્સ તરીકે લાયક ગણવાનું રાખશે એટલે બચ્યાખૂટયા ઈન્ફ્લુએન્સર પણ સરકાર બાજુ આવી જશે. '
'ગ્રેટ આઇડિયા…'
ત્યાં બીજા શિક્ષણશાસ્ત્રીએ સવાલ કર્યો. 'અરે, યુટયુબ જોઈને ડિલીવરી થઈ જશે પણ બધાં ઓપરેશન નહિ થાય.'
ત્રીજા શિક્ષણશાસ્ત્રી કહે, 'એ તો આપણે કાયદો લાવીશું કે જેને ઓપરેશનની જરુર હોય એ બધા ફરજિયાત અમેરિકા જઈને જ કરાવે. આમ અમેરિકાવાળાને મબલખ ધંધો આપીશું એટલે એ લોકોની પણ એટલી નારાજી ઘટી જશે.'
અધિકારીશ્રીએ જોરથી લલકાર્યું, 'તો બોલો મેડિકલ એજ્યુકેશનના નામે…ઓમ શાંતિ ઓમ….' ને બધા શિક્ષણશાસ્ત્રી રીલ બનાવતા હોય તેમ તે ઝીલી લઈ નાચવા લાગ્યા.

આદમનું અડપલું
લોકશાહીમાં આંદોલન એ બીમારી નહીં, પરંતુ સારવાર છે.