Editorial

નેતાઓની રામાયણ, મંથરા અને રાવણના રોલ માટે પડાપડી

By GS Team
1 Aug 20262 mins read
TukuTouch Logo
બોલિવુડમાં રામાયણ પરની ફિલ્મોની લાઇન લાગતા નેતાઓને કલાકાર તરીકે રામલીલા બનાવવાનો વિચાર આવ્યો. કાસ્ટિંગ ડાયરેક્ટરે જાહેરાત કરતા જ રાવણ અને મંથરાના રોલ માટે પડાપડી થઈ. કેટલાક અધિકારીઓએ કુંભકર્ણનો રોલ માંગ્યો. દશરથનો રોલ સ્વીકારનાર નેતાએ 'વચનપાલન'ના ડાયલોગ કાઢી નાખવાની શરત મૂકી. ભરતના રોલ માટે કોઈ તૈયાર ન થતા હોલ ખાલી થઈ ગયો.

Summarized by AI; it may make mistakes. Check important info

નેતાઓની રામાયણ, મંથરા અને રાવણના રોલ માટે પડાપડી
  • અગડમ્ બગડમ્-બાબા આદમ
  • અધિકારીઓએ કુંભકર્ણના રોલ માટે નામ લખાવ્યું, દશરથના પાત્ર માટે વચનપાલનનો ડાયલોગ કાઢી નાખવાની શરત

બોલિવુડમાં રામાયણ પરની ફિલ્મોની લાઈન લાગી તેમાં કોઈને આઇડિયા આવ્યો કે આપણા મહાન દેશમાં તમામ નેતાઓ રામરાજ્ય લાવવાના આદર્શથી જ કામ કરે છે તો લાવો નેતાઓને જ કલાકાર તરીકે લઈને રામાયણ પરથી રામલીલા બનાવીએ.
કાસ્ટિંગ ડાયરેક્ટરથી આ રામલીલાની જાહેરાત કરતી વખતે એમ બોલાઈ ગયું કે સર્વ માનનીય નેતાગણને તેમની પર્સનાલિટી પ્રમાણે રોલ સ્વીકારવા વિનંતી છે. કાસ્ટિંગ ડાયરેક્ટરને એમ કે હવે તો દેશમાં સતયુગ સ્થપાઈ ગયો છે એટલે ભગવાન શ્રીરામના પાત્ર માટે પડાપડી થશે. તેને બદલે ઊંધું થયું. મોટાભાગના નેતાઓએ રાવણના પાત્ર માટે જ અરજી કરી. એક-બે નેતાઓએ તો નિખાલસ થઈને કબૂલ્યુું પણ ખરું કે અમારી પર્સનાલિટી જ વિલન જેવી કે રાક્ષસ જેવી છે. એક-બે નેતા કહે, 'રાવણને ખરેખર દસ મોઢાં હતાં કે નહિ તેની ખબર નહીં, પરંતુ અમારા મતવિસ્તારમાં પૂછી જુઓ, બધા મને બે મોઢાંવાળો જ કહે છે.'
બીજી બાજુ મહિલા નેતાઓમાં મંથરાના રોલ માટે પણ ભીડ જામી. મહિલા રાજકારણીઓ કહે, 'આખી રામાયણ જ મંથરાના પાત્રમાંથી થઈ છે એટલે એ રોલ જ સૌથી વધુ અગત્યનો છે. '
એક-બે મહિલા નેતાઓએ કૈકેયીના રોલ માટે રસ દર્શાવ્યો. જોકે, મજાની વાત એ હતી કે લગભગ દરેક મહિલા નેતાએ કોઈને કોઈ બીજી મહિલા નેતાને શુર્પણખા બનાવવા ભારપૂર્વક ભલામણ કરી.
એક નેતાએ ખાસ ભલામણ કરી, 'મને કોઈ મોટો રોલ ન આપો તો કાંઈ નહિ, પણ પેલા જટાયુને મારવાનો સીન તો મને જ આપજો. શું છે કે કશું પણ ખોટું થતું હોય કે અત્યાચાર સામે અવાજ ઉઠાવતો હોય તેને હું એવો જોરથી ફટકારીશ કે મારી આ લાયકાત જોઈને જ સરકારમાં મને કોઈ સારો હોદ્દો મળી જશે.'
બીજા નેતાને દશરથનો રોલ ઓફર કરાયો તો તેણે શરત મૂકી , 'બીજું બધું તો ઠીક પણ પેલા વચનપાલનવાળા ડાયલોગ્સ સ્ક્રિપ્ટમાંથી કાઢી નાખજો. હું વચન પાળવાવાળો ડાયલોગ બોલીશ તો સ્ટેજ પર મારાથી હસાઈ જશે અને પબ્લિક હસાહસ કરશે એ અલગ.'
આ દરમિયાન, કેટલાક સરકારી અધિકારીઓ પ્રગટ થયા. આમ તો આ નેતાઓની રામલીલા છે એ બરાબર, પણ કુંભકર્ણનો રોલ અમારા જેવા કોઈક અધિકારીને જ આપજો. શું છે કે અમને તંત્ર તરીકે ઊંઘતા રહેવાનું સૌથી સારું ફાવે છે.
છેવટે કાસ્ટિંગ ડાયરેક્ટરે બધા ઈચ્છૂક નેતા કલાકારોેને ભેગા કરી સિલેક્શન ડ્રો કરવાનું નક્કી કર્યું. ડાયરેક્ટરે પહેલાં જ પાત્ર માટે ડ્રો શરુ કરતાં કહ્યું, 'બોલો…રાજગાદી મળવા છતાં ફક્ત પાદૂકા સિંહાસન પર મૂકીને રાજ્ય ચલાવનાર અને ૧૪ વર્ષ પછી જરાય ખચકાટ વિના શાસન પાછું સોંપી દેનાર ભરતના રોલ માટે કોને કોને ઈચ્છા છે…'
'નહીં ફાવે… નહીં ફાવે…'ના પોકારો સાથે ઘડીના છઠ્ઠા ભાગમાં આખો હોલ ખાલી થઈ ગયો.
આદમનું અડપલું
ચૂંટણીની રામાયણઃ જ્યાં નેતાઓ વિકાસનું સુવર્ણમૃગ દેખાડી પ્રજાના મતોનું હરણ કરી જાય છે.