લક્ષ્મી, સરસ્વતી અને જેફ્રી આર્ચરઃ લેખક થઇને કરોડપતિ બનવાની કળા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- વાત-વિચાર-શિશિર રામાવત
- વિશ્વકક્ષાના બેસ્ટસેલર લેખક જેફ્રી આર્થરની લાઇફસ્ટાઇલ હોલિવુડના કોઈ ફિલ્મસ્ટાર જેવી ગ્લેમરસ હતી. આ મલ્ટિ-મિલિયોનેર લેખક પર જુવાનીમાં લાખો પાઉન્ડનું તોતિંગ દેવું થઈ ગયું હતું. પ્રતિષ્ઠા લાવ પર લાગી ચુકી હતી. આ કટોકટીમાંથી તેઓ કેવી રીતે બહાર આવ્યા? અને આ આખા અનુભવમાંથી તેઓ શું શીખ્યા?
- જેફ્રી આર્ચર
જેફ્રી આચર્રનું આ અઠવાડિયે ૮૬ વર્ષની ઉંમરે નિધન થયું. જેફ્રી આર્ચર એટલે હોલિવુડના સ્ટાર્સને પણ ઈર્ષ્યા થઈ આવે એવી જબરદસ્ત આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા બેસ્ટસેલર લેખક. પોતાના જીવનકાળ દરમિયાન આ બ્રિટીશ લેખકે ૩૧ નવલકથા સહિત ૫૯ પુસ્તકો લખ્યા. એમનાં પુસ્તકોની આજ સુધીમાં ૩૦૦ મિલિયન એટલે કે ૩૦ કરોડ કરતાંય વધારે નકલો વેચાઈ ચુકી છે. વિશ્વભરની ૪૯ ભાષાઓમાં તેમની કૃતિઓની અનુવાદ થઈ ચુક્યા છે, જેમાં ગુજરાતી ભાષા પણ આવી ગઈ.
ભારે ઘટનાપ્રચુર રહ્યું જેફ્રી આર્ચરનું જીવન. તેઓ રાજકારણી પણ રહી ચુક્યા છે અને જેલવાસ પણ ભોગવી ચુક્યા છે. આજે આપણે વાત કરવી છે તેમના જીવનના એક નિર્ણાયક સમયગાળાની કે જ્યારે તેમના પર ૪,૨૭,૭૨૭ પાઉન્ડનું (મતલબ કે આજની ગણતરી પ્રમાણે લગભગ સાડાપાંચ કરોડ રૂપિયાનું) દેવું થઈ ગયું હતું. તેમની પ્રતિષ્ઠા લાવ પર લાગી ચુકી હતી. આ કટોકટીમાંથી તેઓ કેવી રીતે બહાર આવ્યા?
ઓક્સફર્ડ યુનિવસટીમાંથી ભણી લીધા પછી ફક્ત ૨૯ વર્ષની ઉંમરે જેફ્રી આર્ચર ઇંગ્લેન્ડના સાંસદ બની ચુક્યા હતા. હાઉસ ઓફ કોમેન્સમાં તેઓ પાંચ વર્ષ રહ્યા. આંખ સામે ઉજ્જવળ રાજકીય કારકિર્દી દેખાતી હતી, પણ જિસસને કંઈક જુદું મંજૂર હતું. બેન્ક ઓફ બોસ્ટનની સલાહ માનીને એમણે એક્વાબ્લાસ્ટ નામની કેનેડિયન કંપનીમાં તોતિંગ ઈન્વેસ્ટમેન્ટ કર્યું. કંપનીના ડિરેક્ટરોએ કંઈક ફ્રોડ કર્યો. તેમને જેલભેગા કરી દેવામાં આવ્યા. કંપનીને તો તાળાં લાગી જ ગયાં, જેફ્રી આર્ચર પર ૪,૨૭,૭૨૭ પાઉન્ડનું કરજ થઈ ગયું. તેઓ દેવાળિયા બનવાની ધાર પર ફેંકાઈ ગયા. તેમણે નિર્ધાર કર્યોઃ નહીં, હું હાથ ઊંચા કરી લઈને મારા લેણદારોને રાતે પાણીએ રોવડાવીશ નહીં. ગમે તેમ કરીને હું સૌને એક-એક પાઈ ચુકવી દઈશ.
'દેવું તો જેલ કરતાંય વધારે ખરાબ છે,' જેફ્રી આર્ચરે એક મુલાકાતમાં કહેલું, 'મારા હિસાબે બે જ ચીજ એવી છે તમારા જિંદગીને તબાહ કરી શકે છે- એક તો બીમારી અને બીજી, દેવું. હું અને મારો પરિવાર સાત-સાત વર્ષ દેવામાં ડૂબેલા રહ્યા. માંડ માંડ મહિનો પૂરો થતો. ખબર ન હોય કે આગલા મહિને કેવી રીતે ઘર ચલાવીશું.'
સામાન્યપણે જેના માથા પર દેવાનો ડુંગર ખડકાયો હોય એ માણસ શું કરે? ડાહ્યોડમરો થઈને સારા પગારવાળી નોકરી શોધી લે યા તો જેમાં ચાંચ ડૂબતી હોય એવા ક્ષેત્રમાં ધંધો કરે. પણ જેફ્રી આર્ચર જેનું નામ. એમણે આવી સ્થિતિમાં રાજકારણને અલવિદા કહી દીધી અને લેખક બનવાનો નિર્ણય લીધો! માત્ર લખીને બે પાંદડે થનારા કેટલા? તેઓ કહે છે, 'મને બિલકુલ આઈડિયા ન હતો કે લેખક બનીને પૈસા કમાઈ શકાય કે નહીં. જિંદગીમાં અગાઉ મેં ક્યારેય નોવેલ જેવું લખ્યું નહોતું. કોલેજકાળ દરમિયાન એટલી ખબર હતી કે આગળ જઈને મારે પોલિટિક્સમાં પડવું છે. હું પડયો પણ ખરો અને સફળ પણ થયો. મારામાં લેખક બનવાના છુપા અભરખા ક્યારેય નહોતા. એટલે જ મેં જ્યારે લેખક બનવાનું ડિસીઝન લીધું ત્યારે મારી મા અને વાઈફને નવાઈનો પાર ન રહ્યો. બેયને અકળામણ પણ ખૂબ થઈ. પણ નસીબ મને સાથ આપતા હતા. ઉપરવાળાએ મારામાં સ્ટોરી-ટેલિંગની ટેલેન્ટ મૂકી છે. મારા મનમાં નવલકથાનો એક પ્લોટ ઘુમરાતો હતો. મેં નોવેલ લખવાનું શરુ કરી દીધું.'
જેફ્રી આર્ચરની આ પહેલી નવલકથાનું શીર્ષક એમની આથક હાલતનો પડઘો પાડતું હતું - 'નોટ અ પેની મોર, નોટ અ પેની લેસ.' નોવેલ છપાતાંની સાથે જ હિટ થઈ ગઈ. આર્ચરસાહેબને એક લોંઠકી લિટરરી એજન્ટ મળી ગઈ હતી. એણે એક જ વર્ષમાં સત્તર દેશોમાં 'નોટ અ પેની લેસ…' પહોંચાડી દીધી. પુસ્તક બેસ્ટસેલર પુરવાર થયું. જેફ્રી આર્ચર ટકી ગયા. એમણે બીજું પુસ્તક લખ્યું 'શેલ વી ટેલ ધ પ્રેસિડન્ટ?' એ પણ હિટ. તે પછી ઔર એક નવલકથા આવી- 'કેન એન્ડ એબલ'. આ પુસ્તક વિશ્વસ્તરે નંબર વન બેસ્ટસેલર બન્યું. એકલા ઇંગ્લેન્ડમાં જ એની પેપરબેક એડિશનની પાંત્રીસ લાખ નકલો વેચાઈ ગઈ. જેફ્રી આર્ચરને પૂરેપૂરા દેવાના ડુંગરમાંથી આ પુસ્તકે કાઢયા. દેવાનો બોજ હટાવતા તેમને સાત વર્ષ લાગી ગયા.
આવતી કાલે જેમનો બર્થડે છે એવા અમિતાભ બચ્ચન પણ પણ ૫૭ વર્ષની ઉંમરે ૯૦ કરોડ રુપિયાનું દેવું થઈ ગયું હતું તે આપણે જાણીએ છીએ. તેમણે નવેસરથી ફિલ્મો કામ કરવા માંડયું, મોડલિંગ કર્યું અને 'કૌન બનેગા કરોડપતિ?' શો સ્વીકારીને ઈતિહાસ સર્જ્યો. મસ્ત કમાયા ને તમામ દેણું ચુકતે કરી દીધું. 'ચાલુ' માણસમાં અને નૈતિક તાકાત ધરાવતા પ્રતિભાશાળી માણસ વચ્ચે આ જ ફર્ક છે.
જેફ્રી આર્ચરની વાત આગળ ધપાવીએ. પહેલી ત્રણ સફળ નવલકથાઓ પછી તો પુસ્તકોની કતાર થઈ ગઈ. સામાન્યપણે અતિ લોકપ્રિય નવલકથા લખતા લેખકની ટૂંકી વાર્તા તરફની ગતિ ઓછી થઈ જતી હોય છે, પણ જેફ્રી આર્ચર નવલિકાના સંગહો પણ વચ્ચે વચ્ચે બહાર પાડતા ગયા. સ્ટોરીટેલિંગની કળાએ તેમને ધનાઢય બનાવ્યા. લંડનમાં તેમના આલિશાન પેન્ટહાઉસમાંથી થેમ્સ નદીનો અદભુત નઝારો મળે છે. એ સિવાય પણ એમની પાસે એકાધિક પ્રોપર્ટી છે. એમણે સ્પેનમાં પણ એક ઘર લઈ રાખ્યું હતું. સમજોને કે, તેમની લાઈફસ્ટાઈલ ટોચના ફિલ્મસ્ટારથી જરાય કમ નહોતી.
'નાનપણમાં મેં કંઈ બહુ પૈસા જોયા નહોતા,' તેમણે એક ઇન્ટરવ્યુમાં કહેલું, 'મારા પિતાજી પ્રિન્ટર હતા. તેઓ ગુજરી ગયા ત્યારે વારસામાં એ જમાનામાં પ૦૦ પાઉન્ડનું દેવું મૂકતા ગયેલા. તે વખતે મારી ઉંમર હશે ૧૧ વર્ષ. હું સારી સ્કૂલમાં ભણી શકું એટલા માટે મારી મા બિચારી દિવસમાં ત્રણ-ત્રણ નોકરીઓ કરતી. સખત પરિશ્રમ કરવાના સંસ્કાર અને સારા વર્ક એથિક્સ મને મારી મા પાસેથી મળ્યા.'
જુવાનીમાં જેફ્રી આર્ચર રાષ્ટ્રીય કક્ષાના એથ્લિટ રહી ચુક્યા છે. એથ્લેટ બનવા માટે સખ્ખત પરસેવો પાડવો પડે. જીવનશૈલી શિસ્તબધ્ધ બનાવવી પડે. આ ગુણો જેફ્રી આર્ચરમાં નાનપણથી જ સીંચાયા, જે આજીવન ઉપયોગી બની રહ્યા. હજુ થોડા વર્ષ પહેલાં તેઓ ૪૨ કિલોમીટરની ફુલ મેરેથોન સુધ્ધાં દોડયા હતા.
જેફ્રી આર્ચર કહે છે, 'જુવાનીમાં મેં દેવું કરીને જે કઠણાઈ ભોગવી હતી તેના પરથી હું એક વાત શીખ્યો. હું સતત જુવાનિયાઓને કહેતો રહું છું કે મહેરબાની કરીને એક જ સ્કીમમાં બધા પૈસા ન રોકવા. એક સોનેરી નિયમ બનાવી લો. કોઈ પણ એક સ્કીમ કે સોદામાં તમારા નાણાનાં ૧૦ ટકા કરતાં વધારે રકમ ક્યારેય ઈન્વેસ્ટ ન કરવી. હા, આમાં ફક્ત એક અપવાદ છે. તમે ઘર ખરીદતા હો તો બેશક વધારે પૈસા રોકવા પડે, પણ એ સિવાય આવું જોખમ જરાય ન લેવું. બીજી કોઈ સ્કીમમાં તમે તમારી કુલ મૂડીની ૧૦ ટકા જ રોક્યા હોય તો તે નિષ્ફળ જાય તો પણ તમારે ઝાઝો માર સહેવો નહીં પડે.'
પુસ્તકો જેફ્રી આર્ચરની આવકનો મુખ્ય સ્રોત હતો. તે સિવાય તેઓ અચ્છા આર્ટ કલેક્ટર પણ હતા. તેમણે પિકાસો સહિત બીજા કેટલાય ટોચના ચિત્રકારની કૃતિઓ ખરીદી હતી. તેઓ શેરમાર્કેટથી દૂર રહ્યા, કારણ કે તેમની તાસીરને શેર, મ્યુચ્યુઅલ ફંડ ને એવું બધું માફક આવતું નથી. તેમણે થિયેટરમાં, ખાસ કરીને મ્યુઝિકલ નાટકોમાં પણ સારું એવું ઈન્વેસ્ટમેન્ટ કરેલું. 'ગ્રીસ', 'ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક', 'શિકાગો' અને 'ડર્ટી ડાન્સિંગ' જેવાં નાટકોમાંથી તેઓ ચિક્કાર કમાયા. 'ગ્રીસ' નાટકે તેમને ૯૬૨ ટકા વળતર આપ્યું છે. આ નાટકના શોઝ હજુય દુનિયાભરમાં થતા રહે છે.
પૈસાની બાબતમાં જેફ્રી આર્ચર લોકો પર ભરોસો મૂકવાનું બહુ અઘરું લાગે છે. તેઓ કહે છે, 'અલબત્ત, મારો સ્વભાવ કંઈ શંકાખોર નથી. ઊલટાનો હું તો વધુ પડતો ઉત્સાહી છું. તેથી જ લોકો પર વિશ્વાસ મૂકીને ક્યારેક નુક્સાન વહોરી લઉં છે. કેટલાક લોકો એવા હોય છે જેની સાથે તમે ફક્ત હાથ મિલાવો ને તમને સમજાય જાય કે આના પર આંખ બંધ કરીને ભરોસો મૂકવા જેવો છે. કેટલાક માણસો એવા હોય જેની સાથે કામ પાર પાડતાં પહેલાં તમારે બહુ બધાં કાગળિયાં ને કોન્ટ્રક્ટ કરવા પડે. ત્રીજો પ્રકાર એવા માણસોનો છે કે એમની સાથે તમે કાગળિયાં-કોન્ટ્રેક્ટ કર્યા હોય તો પણ સતત સંભાળવું પડે. તેઓ લાગ જોઈને જ બેઠા હોય. તમે સહેજ ગાફેલ થયા કે તમારું કરી નાખવામાં એ એક મિનિટનોય વિલંબ નહીં કરે!'
એકધારી નાણાભીડ માણસને મુરઝાવી નાખે છે. એનો જીવનરસ સુકાતો જાય છે. 'બે છેડા ભેગા કરવામાં જેમને ખૂબ સંઘર્ષ કરવો પડતો હોય એવા લોકો માટે મને ખૂબ સહાનુભૂતિ છે,' જેફ્રી આર્ચરે કહેલું, 'માણસ પાસે પૂરતા પૈસા હોય તો એનું મન ઊંચું રહેતું નથી. એ રિલેક્સ થઈ શકે છે અને જેમાંથી પોતાને ખરેખર સુખ અને આનંદ મળે છે એવી પ્રવૃત્તિઓ કરી શકે છે.'
જેમના પર લક્ષ્મી અને સરસ્વતી બન્નેના ચચ્ચાર હાથ હતા એવા જેફ્રી આર્ચરની આ વાત સાથે કોણ અસહમત હોવાનું?




