ચૂંટણી પંચમાં 300 સભ્યો રાખો, કમિશનર બહુમતીથી ચૂંટો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- અગડમ્ બગડમ્-બાબા આદમ
- ઉમેદવારો મતદારને મતદાન વખતે બે સમોસાનાં વચન અપાશે, રિસોર્ટ પોલિટિક્સ પણ રમાશે
ચૂંટણી પંચમાં મુખ્ય કમિશનરના નિર્ણયો સામે બીજા બે કમિશનરોને વાંધાવચકા હતા એવો વિવાદ થયો એ બાબતે રાજકીય કાર્યકરો ચર્ચાએ ચઢ્યા.
કાર્યકર ૧: લ્યા, વિરોધ અને વિસંવાદ એ તો લોકશાહીનો પ્રાણ છે.
કાર્યકર ૨ : એમ ? શાસક પક્ષ એવું માને છે? આપણે ત્યાં તો વિરોધ પક્ષ વિરોધ કરે તેને પણ દેશદ્રોહમાં ખપાવી દેવાય છે. શાસક પક્ષ ભૂલી જાય છે કે તેઓ પણ ભૂતકાળમાં વિપક્ષ હતા.
કાર્યકર ૩ : ભઈ, કાગડા બધા કાળા જ છે. એમ તો વિપક્ષ પણ ભૂલી જાય છે કે ગઈકાલે તેઓ સરકારમાં હતા. ભૂતકાળમાં ચૂંટણી કમિશનર રહી ચૂક્યા હોય તેઓ રાજકીય પક્ષમાં જોડાઈને ચૂંટણી લડયા હોય તેવા કિસ્સા બન્યા જ છે ને એક માજી કમિશનર તો પછી મંત્રી પણ બન્યા હતા.
કાર્યકર ૪ : એમ ? કોઈ કંદોઈ પોતાની દુકાનની મીઠાઈ ખાતા નથી એવું ઉક્તિ આ ચૂંટણી કમિશનરોએ ખોટી સાબિત કરી.
કાર્યકર ૫ : યાર,એ વખતે ચૂંટણી લડનારા માજી કમિશનરોને ખબર પડી હશે ને કે કેટલે ચૂંટણી લડવામાં અને મંત્રી બનવામાં કેટલે વિસે સો થાય છે. એના પરથી મને આઇડિયા આવ્યો કે ચૂૂંટણી પંચમાં આ નિયુક્તિઓનો કકળાટ ટાળવા માટે ત્યાં પણ ચૂંટણી કરી નાખો તો. આમેય આટલા મોટા દેશમાં ૧૦૦ કરોડ મતદારો વચ્ચે ફક્ત ત્રણ જ કમિશનર હોય એ બહુ અપૂરતું છે.તેને બદલે ઓછામાં ઓછા ૩૦૦ કમિશનર હોવા જોઈએ. દેશના મતદારોને ભલેને ચૂંટણી પંચની ચૂંટણી કરવાનો પણ મોકો મળે. પછી બધી સંસ્થાઓમાં ડાયરેક્ટર માટે થાય છે ને એમ તેમાંથી મુખ્ય ચૂંટણી કમિશનર, ડેપ્યુટી કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર બનવા માટે પાછી ચૂંટણી થવી જોઈએ.
કાર્યકર ૧ : વાહ..વાહ. જોરદાર આઇડિયા છે. પછી આ ઉમેદવારો પણ અમે ચૂંટણી કમિશનર બનશું તો દરેક મતદારને મતદાન વખતે બે સમોસા કે ગુલાબજાંબુ ચૂંટણી પંચના ખર્ચે ખવડાવશું એવું ે કેે મતદાર યાદીનું કામ કરનારા તમામ બીએલઓને સીધાં ત્રણ ઈન્ક્રીમેન્ટ આપવાનું પણ વચન આપશે ને.
કાર્યકર ૨ : એમને મર્યાદિત ખર્ચા અને સમયમાં પ્રચાર કરવામાં કેવા ધોળા દિવસે તારા દેખાય છે તેનો અહેસાસ થશે તો તેની અસર રુપે લોકસભા-વિધાનસભાના ઉમેદવારોને ફાયદો થશે.કોઈ ઉમેદવાર તો પોતે કમિશનર બન્યા પછી ચૂંટણી લડવાના ખર્ચા રજૂ કરવા ને ગુનાઈત ભૂતકાળનાં સોગંદનામાં કરવાની જોગવાઈ દૂર કરવાનું વચન આપીને પોપ્યુલર થઈ જશે.
કાર્યકર ૩ : એના કરતાં તો મજા ત્યારે આવશે જ્યારે ૩૦૦ સભ્યો ચૂંટાયા પછી એમાંથી એકબીજાના વિજેતા ઉમેદવારોને ફોડવા રિસોર્ટ પોલિટિક્સ રમાશે, પ્રગતિ પેનલમાંથી જીતેલા પરિવર્તન પેનલમાં જોડાઈ જશે. ત્યારે જ આ ભાવિ કમિશનરોને એક એક મતની કિંમત સમજાશે.
કાર્યકર ૪: એલા ડફોળો, આવી કલ્પનાઓના ગુબ્બારા છોડવા રહેવા દો. તમારે શું ચૂંટણી પંચને રાજકારણથી દૂષિત બનાવવું છે, તેનું પતન નોતરવું છે ?
કાર્યકર ૩ : લ્યો, એમાં કાંઈ બાકી રહ્યું છે ?
..ને આ મંડળીમાં હસાહસ થઈ ગઈ.
આદમનું અડપલું
ચૂંટણીઓ જીતવા ચૂંટણી પંચ નહિ ચૂંટણી (પ્ર)પંચની જરુર પડે.




