Editorial

જહાજના કેપ્ટને બરફની ચાદર પર ઈગ્લુ બનાવ્યુ..

By GS TEAM
17 Jun 20265 mins read
જહાજના કેપ્ટને બરફની ચાદર પર ઈગ્લુ બનાવ્યુ..

- આર્કટિક પ્રદેશ અને અલાસ્કા, ઉત્તર કેનેડાના મૂળ રહીશો એવા એસ્કિમોના બરફના ઘર 'ઈગ્લુ' તરીકે ઓળખાય છે

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-10

- બીમાર પડેલા સ્લેજ ગાડીના ચાર ડોગ્સને ખલાસીએ ગોળીથી વિંધીને મારી નાંખ્યા

- થોડા દિવસ તો ટેમ્પરેચર સાવ જ ઘટીને છેક માઈનસ 21 ડિગ્રી થઈ ગયું

બરફમાં અમારૃં જહાજ અહીં ફસાઈને ઊભું રહી જશે, અહીં કઠણ બરફના ચોસલા વચ્ચે અમારૃં 'ઈહગેચિહબી' ફસાઈ જશે એવો મહિના અગાઉ જ મને અંદાજ આવી ગયો હોત તો માર્ગમાં અમને દેખાયેલા મોટા ગ્લેશિયર નજીક, જ્યાં જહાજ લાંગરવાની સારી જગ્યા હતી ત્યાં જ અમે જહાજને અટકાવી રાખ્યું હોત. પણ તે વખતે મને કલ્પના સુધ્ધા નહોતી કે આગળ ઉપર અમારૃં કિસ્મત આટલું રૂઠિ જશે.

ગ્રીષ્મઋતુમાં આટલું શાંત હવામાન અને અતિશય ઠંડી, હકીકતમાં અપવાદરૂપ હતી. મારી મુખ્ય ચિંતા તો બાહ્ય પરિબળો જેમ કે વંટોળ અથવા તોફાની પવનના કારણે જહાજ કદાચ ગમે તે દિશામાં ખેંચાઈ જાય તે હતી. મારી સામે હજી આખો શિયાળો પડયો હતો. તે દરમિયાન ભારે પવન કે તેજ દરિયાઈ પ્રવાહ જહાજને કઈ દિશા તરફ ખેંચી જશે ? મોટા ભાગે પશ્ચિમ દિશામાં ખેંચાવાની ધારણા હતી, પણ પશ્ચિમમાં કેટલે દૂર સુધી ? 

તા. ૨૪મી ફેબુ્રઆરીએ અમે જહાજને અટકાવી દીધું. હવે દિવસ દરમિયાનની અમારી સૌની કામગીરીમાં થોડો ફેરફાર થઈ ગયો. કેટલાકે રોજ જહાજના સ્ટોરમાં ખાવાપીવાની ચીજોની ગણતરી કરવાની હતી. કારણ કે એન્ટાર્કટિકાના શિયાળા દરમિયાન ચાર મહિના અમારે અહીં અટકી જવાનું હતું એટલે પહેલો પ્રશ્ન ખાદ્ય સામગ્રી લાંબો સમય ચાલી શકશે કે નહીં ? તેનો ખ્યાલ રાખવો ખૂબ જરૂરી હતો.

બીજા દિવસે અમે સ્લેજ ગાડીના ડોગ્સને જહાજમાંથી બહાર કાઢી બરફની ચાદર પર થોડા છુટ્ટા મુકી દીધા, અલબત્ત તેમને વાયરની લાંબી દોરી સાથે બાંધી રખાયા હતા. ઘણાં દિવસ બાદ જહાજમાંથી બહાર નીકળવાનું મળતા બધા ડોગ્સ ખુશખુશાલ દેખાતા હતા. કેટલાકે આનંદના અતિરેકમાં ભસાભસ શરૂ કરી દીધી.

 અમારા સ્ટાફના કેટલાક કર્મચારીઓ દિવસ દરમિયાન હોકી કે સાકર રમીને સમય પસાર કરતા હતા. 

જહાજનો કેપ્ટન વર્સલિ પણ તેના ખલાસીઓ સાથે બરફની ચાદર પર, બરફના નાના-મોટા ચોસલાઓ એકમેક પર ગોઠવીને એસ્કિમોના ઘર જેવા ''ઇગ્લુ'' બનાવવા બેસી ગયો 'તો, અને એસ્કિમોના ''ઇગ્લુ'' ઘર પર બરફની પાતળી ચાદરના ટૂકડા મુકી છાપરૃં પણ એ લોકોએ બનાવ્યું હતું.

આ દરમિયાન બીમાર પડેલા ચાર ડોગ્સને ગોળીથી વિંધીને એક ખલાસીએ એટલા માટે મારી નાંખ્યા કે જેથી તેનો ચેપ બીજા કોઇને ના લાગે.

ઉત્તરીય ક્ષિતિજ પર બરફનો એક મોટો પહાડ, લગભગ ૧૫ માઇલ લાંબો, સૌની નજરે પડયો. બરફના ચોસલાઓ સાથે બરફનો આ જંગી પહાડ ખસતો રહેતો હતો.  વેડેલ સમુદ્રમાં આવા તરતા કે ખસતા રહેતા હિમ પહાડ અને હિમશિલાઓ અમને ઘણી જોવા મળી, બરફના આ જંગી ચોસલાઓના ક્યારેક અમે અલગ અલગ નામો આપતા રહેતા હતા. હિમના આવા વિશાળ કાય પહાડ ધીમે ધીમે ખસતા રહેતા હતા.

પરંતુ ૧૫ માઇલ લાંબા હિમ પહાડે અમને ચિંતામાં એટલા માટે મુકી દીધા કે આ દરિયાઇ વિસ્તારમાં સમુદ્રની ઊંડાઇ અન્ય વિસ્તારોની સરખામણીમાં ઘણી ઓછી હોવાથી આ મસમોટો પહાડ વચ્ચે ક્યાંક ફસાઇને ખસતો બંધ થઇ જાય કે અટકીને ઊભો રહી જાય તો શું?

જો આમ થાય તો દરિયા વચ્ચે બરફનો ટાપુ બની જાય અને તે ભારે દબાણના કેન્દ્રરૂપ બની જાય કારણ આજુબાજુથી ખેંચાઇ આવતા અન્ય હિમખંડો આ ટાપુ સાથે અથડાઇને ત્યાં જ સ્થગિત થઇ જવાની સંભાવના વધી જાય.

બરફના ચોસલાઓ  આમ એકમેક સાથે અથડાતા રહે અને તેમાં વચ્ચે અમારૃં જહાજ જો ફસાઇ જાય તો હિમખંડોની અથડામણ વચ્ચે ફસાયેલા લાચાર જહાજમાં અમે બધા પણ ફસાઇ જઇએ.

આમ તો માઇનસ ટેમ્પરેચર રોજનું થઇ ગયું 'તું, પણ તા.૬ઠ્ઠીએ તો ટેમ્પરેચર ઘટીને છેક માઇનસ ૨૧ ફેરનહિટ થઇ ગયું હતું.

જહાજમાં સીલનું માંસ પુરતા જથ્થામાં હોવાથી બધાને એ ખાવાની મઝા પડી ગઇ 'તી. હવે અમારે ઘેરથી લાવેલા (્ૈહહીગ સ્ીચા) મીટની અર્થાંત ઘેરથી ડબ્બામાં ભરીને સીલબંધ કરેલા ખોરાકની ખાસ જરૂર નહોતી રહી.

દરિયામાં જો કે હવે સીલ મોટાભાગે દેખાતી નહોતી પરંતુ અમારી પાસે ખોરાકનો જથ્થો વધારે હોવાથી અમને કોઇ ચિંતા રહી ન હતી.

અમારો સૌનો નાસ્તાનો સમય સવારના ૯ નો હતો. લંચ બપોરના ૧ ના સુમારે અને બપોરની ચાનો સમય ૪ નો હતો. રાતનું જમણ અમે વહેલું લઇ લેતા હતા. સાંજના ૬ વાગ્યાના અરસામાં તો અમે બધા ડિનર માટે બેસી જતા હતા. આપણી ભાષામાં કહીએ તો લગભગ સૂર્યાસ્ત પહેલા એ બધા સાંજનું ભોજન લઇ લેતા હતા. જોકે એન્ટાર્કટિકાના વેડેલ સમુદ્રમાં તો ઘણી વખત ધુમ્મસ અને વાદળછાયા અતિશય ઠંડા વાતાવરણમાં સૂરજદાદાના દિવસો સુધી દર્શન પણ નહોતા થતાં, વેડેલ સમુદ્ર વિસ્તારની એ પાછી અલગ જ વાત છે.

તા.૧૧મીએ કેપ્ટન વર્સલિ અને અન્ય ત્રણ-ચાર જણા જહાજથી દૂર આગળના ભાગમાં અવરોધરૂપ બનીને ઊભા રહી ગયેલા મોટા હિમખંડ સુધી જઇ આવ્યા. અમારૃં જહાજ બરફના આ મોટા પહાડથી લગભગ ૭.૫ માઇલની દૂરી પર ઊભું રખાયું હતું. મહાકાય હિમખંડ પર ફરીને આ લોકો પાછા આવ્યા. કેપ્ટન અને તેમની ટુકડી એ દિવસે લગભગ ૧૭ માઇલનો પ્રવાસ ખેડીને પાછી આવી હતી. કેપ્ટન સાથે ગયેલો અમારો ફોટોગ્રાફર ફ્રેન્ક હર્લિ વિશાળ કદના હિમખંડના કેટલાક સુંદર ફોટોગ્રાફસ પાડી લાવ્યો હતો.

મોટા હિમખંડ અને તેની આસપાસ ખસતી રહેતી બરફની નાની-મોટી પાટો કે હિમના ચોસલાઓ એકમેક સાથે અથડાતા રહેવાના લીધે ચિત્ર-વિચિત્ર પ્રકારના અવાજો સર્જાતા રહેતા હતા. વધારામાં હિમખંડો પરસ્પર ભટકાવાથી ક્યારેક તાજા પોચા બરફના મોટા પરપોટા થતા કે હિમનો મોટો ગુંબજ પણ સર્જાતો રહેતો હતો. આ જંગી ગુંબજ અને પરપોટો લગભગ ૪ થી ૫ ફુટ જેટલો ઊંચો અને અંદાજે ૪૦ ફુટ લંબાઇ-પહોળાઇનો થતો હતો.

તા.૧૪ ફેબુ્રઆરીએ દૂર દૂર જમીન જેવું કોઇ ઝાંખુ-ઝાંખુ નજરે પડયું. દક્ષિણ પૂર્વમાં તે લગભગ ૩૬ માઇલની દૂરી પર હોવાનો અમારો સૌનો અંદાજ હતો.

જહાજ પરથી થોડે દૂરના વિસ્તારમાં ખુલ્લો જળ માર્ગ દેખાતો હતો પરંતુ જહાજની આસપાસ નજીકમાં તો ખૂબ નક્કર બરફની પાટો પડી હતી. જહાજ થોડું થોડુ ઉત્તર પશ્ચિમ તરફ ઢસડાતું હતું.

જહાજના ભંડારિયામાં હજી બાવન ટન  જેટલો કોલસાનો જથ્થો બચ્યો હતો.

(ક્રમશઃ)