મોદી શાસનના બાર વર્ષ: શાસકીય સિદ્ધિઓ અને રાજકીય જાહેરાતોમાં ફરક છે

- ચકાસણી સામે સત્તાવાર ઉપલબ્ધિઓ ટકી નથી શકી
- દરેક સરકારને દાવા કરવાનો અધિકાર છે અને થોડા પ્રમાણમાં અતિશ્યોક્તિ પણ વાજબી છે. પણ હાલની જાહેરાતો આ અતિશ્યોક્તિથી આગળ નીકળી ગઈ
9 જૂન, 2026ના રોજ અથવા તેની આસપાસ અનેક અંગ્રેજી અને તમિલ અખબારોમાં, અને લગભગ તમામ ભારતીય અખબારોમાં નરેન્દ્ર મોદી સરકારની બાર વર્ષની સિદ્ધિઓની યાદી પ્રકાશિત કરાઈ હતી.
ઓપિનિયન - પી.ચિદમ્બરમ્
મહત્વનું સીમાચિહ્ન
બાર વર્ષ મહત્વનું સીમાચિહ્ન ગણી શકાય. મોદી સરકાર પ્રથમ વાર ૨૦૧૪માં ચૂંટાઈ હતી, ૨૦૧૯માં ફરી ચૂંટાઈ અને ૨૦૨૪માં ફરી ચૂંટાઈ પણ નોંધપાત્ર રીતે ઓછી સંખ્યા સાથે. ભાજપે મોદીના સમયગાળાને કોઈપણ ચૂંટાયેલા વડા પ્રધાન કરતા સૌથી લાંબો ગણાવીને પ્રશંસા કરી. તદ્દન બિનજરૂરી રીતે આ સમયગાળાની જવાહરલાલ નહેરુ સાથે સરખામણી કરાઈ. તમામને જાણ છે કે નહેરુ સ્વતંત્ર ભારતના પ્રથમ વડા પ્રધાન હતા, તેમણે ૧૯૫૨, ૧૯૫૭ અને ૧૯૬૨માં ચૂંટણીઓ જીતી હતી, અને તેઓ ૧૭ વર્ષ વડા પ્રધાન રહ્યા હતા. તેમણે અત્યાર સુધી સૌથી વધુ વર્ષો માટે વડા પ્રધાન તરીકે કામગીરી બજાવી.
દરેક સરકારને દાવા કરવાનો અધિકાર છે અને થોડા પ્રમાણમાં અતિશ્યોક્તિ પણ વાજબી છે. પણ હાલની જાહેરાતો આ અતિશ્યોક્તિથી આગળ નીકળી ગઈ. લોકોએ બે વર્ષ અગાઉ મોદીના અતિશ્યોક્તિભર્યા દાવા માપી લીધા અને લોકસભામાં ભાજપની બેઠકો ૨૪૦ સુધી મર્યાદિત રાખીને ગૃહમાં પક્ષને સાદી બહુમતિથી વંચિત રાખ્યો. બે વર્ષ પછી ફરી આવા જ દાવા કરાઈ રહ્યા છે.
કોઈપણ પૂર્વગ્રહ વિના કોઈપણ પૂર્વગ્રહ વિના હું કેટલાક દાવાના નમૂના લઈને તેના વિશે તથ્ય ઉજાગર કરવા ઈચ્છું છું : - સરકારે ત્રણ કરોડ લખપતિ દીદી સર્જી
સરકારની વ્યાખ્યા મુજબ લખપતિ દીદી સેલ્ફ હેલ્પ ગુ્રપ (એસએચજી)ની મહિલા સભ્ય છે. ઓગસ્ટ ૨૦૨૫માં એવા અહેવાલ હતા કે ૧,૪૮,૦૦,૦૦૦ એસએચજી સભ્યો લખપતિ દીદી બન્યા છે. માર્ચ ૨૦૨૬માં એક સંસદીય સવાલના જવાબમાં જણાવાયું હતું કે ૩,૦૭,૩૩,૮૨૦ એસએચજી સભ્યોએ સ્વ જાહેરાત કરી હતી કે તેઓ લખપતિ દીદી છે. એસએચજી કાર્યક્રમ મોદી સરકાર અગાઉ શરૂ થયો હતો, તેમાં મહિલાઓનું સશક્તિકરણ થયું હતું અને તેઓ વધુ આવક કરી શકે તેવી કુશળતા શીખવવામાં આવી હતી. પણ મોદી સરકારે ત્રણ કરોડ લખપતિ દીદી બનાવી એવો દાવો વધુ પડતો છે. આ દાવાના ખરાપણા બાબતે કોઈ સ્વતંત્ર ચકાસણી થઈ હોવા વિશે મને શંકા છે.
આપણે આ દાવાનું બારીકાઈથી વિશ્લેષણ કરીએ. ભારતની કામ કરતી મહિલાઓની વસતી (૧૫ વર્ષ અને વધુ) ૫૩ કરોડ છે અને મહિલા ભાગીદારી(લગભગ ૪૧.૭ ટકા પ્રમાણે) લગભગ બાવીસ કરોડ છે, આ સંખ્યા એવી મહિલાઓની છે જે કામ કરે છે અથવા તો સક્રિયપણે કામ માગી રહી છે.જો ત્રણ કરોડ લખપતિ દીદીનો દાવો એમ જ સ્વીકારી લેવામાં આવે, તો કામ કરતી મહિલાઓના સાતમાંથી એક લખપતિ છે. એસએચજી સભ્યો (લગભગ તમામ મહિલાઓ)ની સંખ્યા અંદાજે ૯થી ૧૦ કરોડ છે, જેનો અર્થ એવો થયો કે એસએચજીના દરેક ત્રણમાંથી એક સભ્ય લખપતિ છે!
સત્ય એ છે કે આ દાવો મહિલાની ચોખ્ખી સંપતિ બાબતે નથી પણ તેના પરિવારની વાર્ષિક આવક બાબતે છે. પરિવારના અન્ય સભ્યોની આવક હોઈ શકે, પરિવારની કુલ વાર્ષિક આવક એક લાખ રૂપિયા હોઈ શકે અને તેમાં મહિલાનો હિસ્સો નજીવો હોઈ શકે તેવી બાબતો આ દાવામાં છુપાડવામાં આવી છે. પરિવારની વાર્ષિક આવક એક લાખ રૂપિયા હોવી કોઈ દુર્લભ અથવા અસાધારણ બાબત નથી. હકીકતમાં રૂા. ૨,૦૫,૩૨૪ની માથા દીઠ આવક સાથેના દેશમાં આ બાબત સામાન્ય છે.
આથી સરકારે ત્રણ કરોડ લખપતિ દીદીનું સર્જન કર્યું તેવો દાવો પોકળ સાબિત થાય છે.
- સરકારે કાર્યરત એરપોર્ટની સંખ્યા 74માંથી 164 કરી
ઈન્ફ્રાસ્ટ્રક્ચર દર વર્ષે બનતું રહે છે, અને તેમાં એએઆઈ માલિકીના એરપોર્ટ સામેલ હોય છે જે પીપીપી મોડલ અને ખાનગી એરપોર્ટના આધારે હોય છે. ૧૬૪ની સંખ્યા ખરી છે, પણ મહત્વનો શબ્દ છે કાર્યરત. સામાન્ય નાગરિક માનવા પ્રેરાય કે કાર્યરત એરપોર્ટ એટલે નિયમિત કમર્શિયલ ફ્લાઈટ સંભાળતા એરપોર્ટ. આ દ્રષ્ટિએ સરકારનો દાવો ખરો નથી. એરપોર્ટમાં એવા પણ એરપોર્ટ સામેલ હોય છે જે સંરક્ષણ, કાર્ગો અને તાલીમ સંબંધિત હોય છે, પણ તેમાં કોઈ નિયમિત કમર્શિયલ પેસેન્જર ફ્લાઈટ નથી હોતી.
ઉડાન યોજના હેઠળ અનેક નાના એરપોર્ટ કાર્યરત કરાયા અને પેસેન્જર સેવાઓ શરૂ કરાઈ. એરલાઈન્સને ૭૭૪ રૂટ ઓફર કરાયા પણ, સી એન્ડ એજીના જણાવ્યા અનુસાર ૪૦૩ રૂટ પર કોઈ કમર્શિયલ સેવાઓ શરૂ ન કરાઈ. સી એન્ડ એજીએ એવું પણ જણાવ્યું કે ત્રણ વર્ષના સબ્સિડી સમય દરમ્યાન માત્ર ૧૧૨ રૂટ કાર્યરત થયા હતા અને એકવાર સબ્સિડી સમાપ્ત થયા પછી માત્ર ૫૪ રૂટ કાર્યરત રહ્યા. ૨૦૨૫માં સરકારે કબૂલ કર્યું કે પંદર ઉડાન એરપોર્ટ બિનકાર્યરત બની ગયા. ઉદ્યોગના અંદાજે કાર્યરત એરપોર્ટની સંખ્યા ૧૨૦ છે.
- સરકારે 19 હજાર કરતા વધુ જન ઔષધિ દુકાનો ખોલી
જન ઔષધિ દુકાનો કાર્યક્રમ ૨૦૦૮માં શરૂ કરાયો હતો પણ ૨૦૧૩માં નિષ્ફળ ગયો. સરકારે ધંધો કરવાની કોઈ જરૂર નથી તેવી જાહેરાત કરીને મોદી સરકારે ૨૦૧૫માં કાર્યક્રમને નવા રૂપે ફ્રેન્ચાઈસી મોડલમાં ફરી શરૂ કર્યો જેથી ઉચ્ચ ગુણવત્તાની દવાઓ વાજબી દરે ઉપલબ્ધ કરાવી શકાય. દવાની ગુણવત્તાનું નિયમન ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીજીસીઆઈ) અને સ્ટેટ ડ્રગ કંટ્રોલ ઓથોરિટી દ્વારા થાય છે. જરૂરી દવાની કિંમતનું નેશનલ ફાર્માસ્યુટીકલ પ્રાઈસિંગ ઓથોરિટી (એનપીપીએ) દ્વારા નિયમન થાય છે. લીગલ મેટ્રોલોજી નિયમો મુજબ પ્રત્યેક પેેકેજ પર એમઆરપી પ્રદર્શિત કરવી ફરજિયાત છે.
ઉદ્યોગના અંદાજ મુજબ ૨૦૨૪-૨૫માં રિટેલ ફાર્મસી વેપારનું ટર્નઓવર રૂા. ૨,૨૫,૦૦૦ કરોડ હતું.
સરકારી કાર્યક્રમો મધ્યમ રૂપે સફળ રહ્યા છે. વસ્તુસ્થિતિ પ્રમાણિકપણે ઉજાગર કરવાથી વિશ્વસનીયતા વધશે. જાહેરાત કરવાથી નહિ.




