Editorial

મીઠાનો સત્યાગ્રહ અને માઠાનો સત્તા-ગ્રહ

By GS TEAM
9 Dec 20255 mins read
મીઠાનો સત્યાગ્રહ અને માઠાનો સત્તા-ગ્રહ

- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

'ખાશો તો સામા થાશો' એ ભોજનમંત્ર અપનાવી ખાઈકી કરવામાં ક્યારેય પાછા ન પડતા પથુકાકા ટેબલ ઉપર ટેસથી જમવા બેઠા હતા. અલકમલકની વાતો કરતા જાય, ખાતા જાય અને ભેગા ગાતા જાયઃ ગાતા રહે મેરા દિલ... ખાતા રહે મેરા 'મીલ'...

હું ડાઈનિંગ ટેબલની સામી ખુરશી પર જ બેઠો હતો. પથુકાકાએ દાળમાં મીઠું ઓછું લાગતા મીઠાની શીશી લેવા જેવો હાથ લંબાવ્યો. તેની સાથે જ એકદમ એલર્ટ (હો)બાળાકાકીએ કાકાના હાથમાંથી રીતસર મીઠાની શીશી ઝૂંટવી લીધી અને તાડૂક્યાં,  'શેમાં મીઠું નથી?' પથુકાકા ખીજાઈને બોલ્યા,  'તારામાં મીઠું નથી, બોલ! આમ પારકાની નજર સામે મીઠાની શીશી ઝૂંટવી લેવાય?' (હો)બાળાકાકી બોલ્યાં, 'ભલે મારામાં  મીઠું હોય કે ન હોય, પણ તમારા શરીરમાં તો મીઠું વધવા નહીં જ દઉં , સમજ્યા? આટલું બધું હાઈ-બ્લડપ્રેશર રહે છે છતાં મીઠું ખાવાનું મૂકતા નથી? રોજેરોજ બીપીની ગોળીઓ ખાવી કેવી આકરી લાગે છે?'

પથુકાકા બોલ્યા, 'વધુ મીઠું ખાઈને બીપી વધે પછી દવાની ગોળીઓ તો ખાવી પડેને? 'શોલે' ફિલ્મના ડાયલોગમાં પણ આ બાબતનો ઉલ્લેખ આવે છે.'

મેં નવાઈ પામી પૂછયું કે 'શોલે' ફિલ્મના ડાયલોગને મીઠું અને દવાની ગોળી સાથે શું સંબંધ? પથુકાકા હસીને બોલ્યા, ''શોલે'નો ડાયલોગ યાદ કરઃ સરદાર, સરદાર... મૈંને આપકા નમક ખાયા હૈ. ત્યારે ગબ્બરસિંહ કહે છેને કે, અબ ગોલી ખા... મારા ડોકટર પણ ગબ્બરનો જ ડાયલોગ દોહરાવે છેને? નમક ખાધું છે તો હવે ગોળી ખા...'

કાકાનો એકદમ સોલિડ સોલ્ટેડ જવાબ સાંભળીને મેં કહ્યું હતું, 'મીઠામાં કેવી તાકાત છે! માણસના શરીરને ખતમ કરી શકે છે.'

કાકા બોલી ઉઠયા, 'શરીર ખતમ કરવાની ક્યાં વાત કરે છે? પરતંત્ર ભારતમાં ગાંધીજીએ ચપટી મીઠાથી અંગ્રેજોના શાસનનો અંત આણ્યો હતો યાદ છે ને?'

મેં કહ્યું , 'દાંડીનો મીઠાનો સત્યાગ્રહ કોને યાદ ન હોય? અંગ્રેજોએ મીઠા ઉપર કર નાખ્યો તેની સામે વિરોધ દર્શાવવા ગાંધીજી ૭૮ સત્યાગ્રહીઓ સાથે દાંડીકૂચ કરીને નવસારી પાસેના દાંડીના  દરિયાકિનારે પહોંચ્યા હતા અને ચપટી મીઠું ઉપાડીને સત્યાગ્રહ કરી બ્રિટિશ હકૂમતના પાયા હચમચાવી દીધા હતા. પછી તો દેશભરમાં સવિનય કાનૂનભંગની લડતો છેડાઈ હતી. મીઠાના સત્યાગ્રહ પછી દેશભરમાં બ્રિટિશ હકૂમત વિરુદ્ધ એવો જુવાળ આવ્યો કે આ મીઠાના સત્યાગ્રહના લગભગ ૧૭ વર્ષ પછી અંગ્રેજોએ ઉચાળા ભરીને જવું પડયું હતું. આમ અંગ્રેજો માટે મીઠું બન્યું માઠું અને ખમવી પડી અહિંસાવાદીઓની પાટુ.'

પથુકાકા બોલ્યા, 'ગાંધીબાપુએ દાંડીકૂચ કર્યા પછી દેશ આખામાં સત્યાગ્રહ શરૂ થઈ ગયા હતા એ મને ખબર છે. હું તો પ્રાથમિક શાળામાં ભણતો ત્યારે અમારી તોફાની બારકસોની ટોળી પણ દાંડીકૂચ કરતી, ખબર છે?'

મેં પૂછ્યું, 'તમે બધા ટેણિયામેણિયા કેવી રીતે દાંડીકૂચ કરતા એ જરા કહો તો ખરા?' કાકા બોલ્યા, 'સવારની સ્કૂલ વખતે રિસેસ પડે એ પછી અમને ખબર પડે કે માસ્તર રજા ઉપર છે એટલે પછી સ્કૂલમાંથી દાંડી મારીને રમતના મેદાન તરફ 'દાંડી-કૂચ' કરી જતા. હવે સમજાયું?'

મેં કહ્યું,'પથુકાકા, ગાંધીજીની દાંડીકૂચની તો વાત જ નોખી હતી. સાબરમતી આશ્રમથી ૭૮ સાથીઓને લઈને બાપુ નીકળ્યા હતા અને દીવસોની પગપાળા યાત્રા કરી દાંડીના દરિયા કિનારે પહોંચીને નમક સત્યાગ્રહ કર્યો હતો. દાંડીયાત્રાને ૯૫ વર્ષ થયા ત્યારે દાંડીની મુલાકાતે જવાનું થયું. દરિયા કિનારે હવે તો ગાંધીજીની  યાત્રાની ઝાંખી કરાવતું સંગ્રહાલય બધાયું છે. બાપુ અને તેમના સાથીઓના લાઈફ-સાઈઝના પૂતળા ગોઠવવામાં આવ્યાં છે. મીઠાથી બ્લડ પ્રેશર વધેપણ ગાંધીજીએ મીઠાથી બ્રિટિશરોનું પ્રેશર વધાર્યું એને પણ બી.પી. વધ્યું કહેવાયને? 

પથુકાકા બોલ્યા, 'હું પણ થોડા વખત પહેલાં દાંડી ગયો હતો. સાચુંખોટું રામ જાણે પણ ત્યાંના એક ૯૦ વર્ષના ભાભાએ કહેલું કે દાંડીને કિનારે બહુ મીઠું પાકતું નહોતું, આજુબાજુના દરિયાકાંઠે પાકતું હતું. એટલે મીઠાના સત્યાગ્રહના આગલે દિવસે મીઠાના ટોપલા ભરીને લાવવામાં આવ્યા હતા અને દાંડીને કિનારે પાથરવામાં આવ્યું હતું... પણ એ જે હોય તે, મીઠાના સત્યાગ્રહથી બાપુએ અંગ્રેજોને મીઠાના ચાબખાં મારીને ભગાડયા ખરા.'

મેં કહ્યું, 'કાકા, ગાંધીજીએ  મીઠાનો  સત્યાગ્રહ કર્યો હતો, જ્યારે આજે ગાંધીજીને નામે ચરી ખાવાવાળા કેટલાય એવા મીઠા-વગરના છે જે સત્તા-ગ્રહ કરે છે, સત્તાગ્રહ.'

કાકા બોલ્યા, 'સાવ સાચી વાત છે હો? પદયાત્રાનું પણ એવું જ છે ને? ગાંધીજીએ પદયાત્રા કરી હતી, જ્યારે આજકાલ કેટલાય બની બેઠેલા નેતાઓ પદ માટે યાત્રા કરે છે.'

મેં કહ્યું, 'આઝાદીની લડત વખતે ગાંધીજીએ ભારત-છોડોનું એલાન કર્યું હતું યાદ છે ને? જ્યારે આજે આપણે દેશદ્રોહીઓને કહેવું પડે છે કે 'ભારત-છોડો.''

પથુકાકા બોલ્યા, 'આજે આમ તો તોડો-જોડોની રાજનીતિ જ ચાલે છેને?  આઝાદી મળ્યા પછી ગાંધીજીએ કોંગ્રેસને વિખેરી નાખવાની સલાહ આપી હતી. હવે સાડાસાત દાયકા પછી ગાંધીજીના અટકધારી જાણ્યે અજાણ્યે  એ સલાહનું પાલન કરી રહ્યાં છેને? એમણે તો સૂત્ર અપનાવ્યું લાગે છે કે પાર્ટી તોડો-ભારત જોડો.'

કરણી એવી ભરણી

બરણી એવી ભરણી

પથુકાકા મહિનાની શરૂઆતમાં  કરિયાણું આવે એટલે જુદી જુદી બરણીઓમાં દાળ, સાકર, ચાની ભૂકી  અને મીઠું ભરે અને બરણીની ઉપર લેબલ પણ લગાડે. હું કાકાને મળવા ગયો ત્યારે કાકા બરણી ભરણી કરવામાં રોકાયેલા હતા. મેં પૂછ્યું ,'કાકીનું કામ તમારે કરવું પડે છે? બરણી તમારે ભરવાની?' પથુકાકા હસીને બોલ્યા, 'એ તો ભાઈ કરણી એવી ભરણી, બરણી એવી ભરણી.'

કાકા એક પછી એક બરણી ભરતા જતા હતા. એક સરસ બરણીમાં ખાંડ ભરી અને પછી તેની ઉપર ચોંટાડેલા લેબલમાં લખ્યું -  મીઠું-સોલ્ટ. મેં પૂછ્યું, 'ખાંડની બરણી ઊપર 'મીઠું' કેમ લખ્યું?' કાકાએ જવાબ આપ્યો, ' કીડી ન થાય ને એટલે, સમજાયું?'

મેં હસીને કહ્યું, 'આપણા રાજકારણમાં પણ આવાં ખોટાં લેબલ લગાડીને લોકોને ભરમાવવામાં આવે  છે. ભ્રષ્ટ, બેઈમાન અને નઠારા નેતાઓ કપાળે ઈમાનદાર અને પ્રામાણિક જેવાં લેબલ લગાડી ફરતા હોય છે. બાકી જે સાચા હોય છે એની પર ખોટાં લેબલ લગાડીને પાછળ ધકેલી દેવામાં આવે છે.' 

અમારી વાત ચાલતી હતી ત્યાં (હો)બાળાકાકી  ઘોઘરા સાથે ગાતાં ગાતાં આવ્યાં, ' આયે ના બા-મ કા કરૃં સજની... આયે ના બા-મ કા કરૃં સજની...' 

આ સાંભળી કાકા તાડૂક્યા, 'તું જ સાવ બામ જેવી છે, 'આયેના બાલમ કા કરૃં સજની...' એમ ગવાય.' આ સાંભળીને કાકી બામની શીશી દેખાડી બોલ્યાં, ' બા-મ જ ગવાય. આ જુઓ શીશી ઉપર બીએએલએમ લખ્યું છે એમાં 'એલ' સાયલન્ટ છે એટલે હું પણ આયેના બા-મ ...એમ જ ગાઉંને?'

સંગીતના કલાસ ભરતા કાકીને મેં પૂછ્યું, 'આયે ના બાલમ તમે ગાવ છો તો એ ગાયનનો ક્યો પ્રકાર કહેવાય?' કાકી બોલ્યાં, 'આને કહેવાય મીઠુંમરી મીઠુંમરી...' કાકીનો જવાબ સાંભળી કાકા કપાળે હાથ દઈને બોલ્યા, 'હે ભગવાન, એને મીઠુમરી ન કહેવાય ઠુમરી કહેવાય ઠુમરી...'

અંત-વાણી

દાંડીમાં મીઠાનો સત્યાગ્રહ

દમણમાં પીઠાનો સત્યાગ્રહ.