Editorial
વરસાદ ખેંચાતાં સરકાર દાળવડાં ફલેવરનું પરફ્યુમ વહેંચશે
By GS Team
15 Jul 20263 mins read
મંત્રીશ્રીએ સેક્રેટરીશ્રીને વરસાદ અંગે પૂછતાં, સેક્રેટરીએ જણાવ્યું કે હવામાન ખાતા ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ ઘણા સ્વયંભૂ હવામાન નિષ્ણાતો ઊભા થયા છે, જેમના વચ્ચે આગાહીઓ બાબતે ગજગ્રાહ ચાલે છે. મંત્રીશ્રીએ દુકાળમાં લૂંટફાટની ચિંતા વ્યક્ત કરી. સેક્રેટરીએ રેઈનકોટ અને છત્રીનું વિતરણ સૂચવ્યું, પણ મંત્રીશ્રીએ દાળવડાં ફ્લેવરનું પરફ્યુમ આપવાનો વિચાર રજૂ કર્યો, જેથી પ્રજા ખુશ રહે.
00:00
00:22
Summarized by AI; it may make mistakes. Check important info
મંત્રીશ્રીએ સેક્રેટરીશ્રીને વરસાદ અંગે પૂછતાં, સેક્રેટરીએ જણાવ્યું કે હવામાન ખાતા ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ ઘણા સ્વયંભૂ હવામાન નિષ્ણાતો ઊભા થયા છે, જેમના વચ્ચે આગાહીઓ બાબતે ગજગ્રાહ ચાલે છે. મંત્રીશ્રીએ દુકાળમાં લૂંટફાટની ચિંતા વ્યક્ત કરી. સેક્રેટરીએ રેઈનકોટ અને છત્રીનું વિતરણ સૂચવ્યું, પણ મંત્રીશ્રીએ દાળવડાં ફ્લેવરનું પરફ્યુમ આપવાનો વિચાર રજૂ કર્યો, જેથી પ્રજા ખુશ રહે.
00:00
00:22
Summarized by AI; it may make mistakes. Check important info

- અગડમ્ બગડમ્ - બાબા આદમ
'વરસાદ બાબતે આજકાલ શું ચાલે છે?' મંત્રીશ્રીએ સેક્રેટરીશ્રીને સવાલ કર્યો.
'સર, આજકાલ તો વરસાદની આગાહી કોણે કરવી અને કોણે ન કરવી એ બાબતે તકરાર અને રીસામણાં-મનામણાં ચાલે છે,' સેક્રેટરીશ્રીએ મંત્રીશ્રીની જિજ્ઞાાસા સંતોષવા પ્રયાસ કર્યો.
'હેં? હવામાન ખાતાંને પણ બાકીનાં સરકારી ખાતાં જેમ કામ નહીં કરવાનો રોગ લાગુ પડયો?' મંત્રીશ્રીના ચહેરા પર વિસ્મય, ચિંતા અને હાસ્યના એકસામટા ભાવ આવ્યા.
'અરે ના, ના, સર… હવામાન ખાતાં વાળા તો સાચા પડવાની ચિંતા વિના આગાહી પર આગાહી કરે જ જાય છે, પણ હવે તો સોશિયલ મીડિયાના જમાનામાં સેલ્ફ સ્ટાઈલ્ડ અર્થશાસ્ત્રી, શેફ, આયુર્વેદ નિષ્ણાત, ફિલ્મ ક્રિટિક અને કોન્ટેન્ટ ક્રિએટરની જેમ ગલીએ ગલીએ હવામાન નિષ્ણાતોની પણ મોટી ફોજ ઉભી થઈ ગઈ છે. એ બધાની વચ્ચે અંદરોઅંદર ગાજવીજ ચાલે છે.' સેક્રેટરીશ્રીએ સવિસ્તર અહેવાલ રજૂ કર્યો.
'આમાં કાંઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઊભી થાય તેમ નથી ને?' મંત્રીશ્રીને હૈયે ફાળ અને કપાળે કરચલી પડી.
'સર, કદાચ આ વખતે અલ નીનોને કારણે દુકાળ પડશે તો અનેક લોકો લૂંટફાટ અને ચોરી તરફ વળી શકે છે,' સેક્રેટરીશ્રીએ દાયકાઓ જૂનું જ્ઞાાન ભાખ્યું.
જોકે, મંત્રીશ્રીએ તરત જ આ તર્ક રિજેક્ટ કર્યો. 'લૂંટફાટ અને ચોરી જ કરવાં હોય તો દુકાળ સુધી રાહ જોવાની ક્યાં જરુર છે. લોકો બારેમાસમાંથી કોઈપણ દિવસે રાજકારણમાં પણ ઝંપલાવી શકે છે.'
મંત્રીશ્રી મજાક કરી રહ્યા છે કે આત્મકથા શરુ કરવાના મૂડમાં છે તેનો તરત ખ્યાલ ન આવતાં સેક્રેટરીશ્રીએ એકદમ કન્ફ્યુઝ્ડ વિદ્યાર્થી જેમ આગળની સૂચના કે જ્ઞાાન માટે મંત્રીશ્રી તરફ જોયા કર્યું. સેક્રેટરીશ્રીના ચહેરા પર પ્રશ્નાર્થ જોઈને મંત્રીશ્રીને નવો સવાલ જ સૂઝ્યો. 'તમે સૂચવો, વરસાદ ખેંચાવાની સ્થિતિમાં શું કરીએ?'
'સર, જમાનો ફ્રી રેવડીનો છે. સરકાર ધારે તો લોકોને મફત રેઈનકોટ કે છત્રીઓનું વિતરણ કરી શકે. છત્રી-રેઈનકોટ પર આપના સસ્મિત મુખારવિંદના ફોટા મૂકી શકાશે. ભલભલી આફત વખતે જ નહિ, પરંતુ સામાન્ય વરસાદમાં પણ મંત્રીશ્રી પલળી જાય છે તેવો પ્રજાને અહેસાસ થશે.'
'પણ પછી પ્રજાજનો છત્રીથી મારામારી કરશે તેવા સંજોગોમાં મારો ચહેરો ખરડાશે કે ફાટશે તો? વિપક્ષો તો આવી સ્પોન્સર્ડ મારામારીઓ કરાવશે.' મંત્રીશ્રીએ ભવિષ્યની ચિંતા વ્યક્ત કરી. પછી પોતે જ એક આઇડિયા રજૂ કર્યો. 'એવું કરીએ. વરસાદ ખેચાતાં અનેક શોખીન પ્રજાજનોના દાળવડાં ઝાપટવાનાં ઓરતાં અધૂરાં રહી ગયાં હશે. આપણે સરકાર તરફથી દાળવડાં ફલેવરનું પરફ્યૂમ ફ્રી આપીએ તો? પ્રજા દાળવડાંની મઘમઘતી સુગંધથી મસ્ત રહેશે અને અમારો જયજયકાર કરશે.'
સેક્રેટરીશ્રીએ માથું ખંજવાળ્યું. પછી ખચકાતાં ખચકાતાં કહે, 'સર, એક પ્રેક્ટિકલ પ્રોબ્લેમ છે. લોકોને ડુંગળી અને મરચાં વગર દાળવડાં ખાવાં ગમતાં નથી. મતલબ આપણે દાળવડાં ફલેવરની સાથે સાથે ડુંગળી અને મરચાં ફલેવરનાં પરફ્યુમની મિની બોટલો પણ આપવી પડશે. પછી તો રાજકારણ જેમ શહેરો અને ગામો પણ ગંધાશે.'
વિખેરાઈ રહેલાં વાદળની જેમ મંત્રીશ્રીએ પણ ચાલતી પકડી.
આદમનું અડપલું
વરસાદ પહેલાં ટેસ્ટ મેચ જેમ વરસતો હવે એ પણ ટીટ્વેન્ટીના રવાડે ચઢ્યો છે




