ભૌગોલિક સીમાંકનથી આઝાદી આપી, કામધંધા પ્રમાણે બેઠકો રાખો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- અગડમ્ બગડમ્-બાબા આદમ
- વિસ્તાર પ્રમાણે બેઠકોને બદલે કલાકાર, ઉદ્યોગપતિઓ, શિક્ષકો જેવી બેઠકો હોય તો કેવી ચૂંટણી જામે
આઝાદી પર્વ નિમિત્તે કોઈએ ભાષણ કરવા નહિ બોલાવતાં પાંચ-સાત નેતાઓ નવરા બેઠા બેઠા ચર્ચાએ ચઢ્યા.
નેતા ૧ : સાચું કહું, આ દર આઝાદી દિને મને ખ્યાલ આવે છે કે આપણે જનપ્રતિનધિત્વના નામે ફીફાં જ ખાંડયાં છે, ફીફાં…
નેતા ૩ : લ્યા, આ લવારીએ ચઢ્યો છે, એને કોઈ ઘરે મૂકી આવો. આપણા ધંધામાં નિખાલસતા ન પોસાય.
નેતા ૧ : ભઈ, મારાતમારા બધાના ધંધાની જ વાત કરું છું. અત્યારે સીમાંકનની ચર્ચા ચાલે છે તો મને યાદ આવ્યું કે લોકસભાના દરેક સભ્યએ તેના મતવિસ્તારના ખેડૂતો, ઉદ્યોગપતિઓ, કામદારો બધાનું ધ્યાન રાખવાનું કે નહીં.
નેતા ૪ : હી-હી-હી… કોણ
રાખે છે?
નેતા ૧ : બી સિરિયસ, યાર. મારો પ્રસ્તાવ છે કે નવાં સીમાંકનમાં ભૌગોલિક વિસ્તારને બદલે વ્યવસાય પ્રમાણે જ બધી બેઠકો નક્કી થાય. લોકસભામાં ખેડૂતોની ૫૦ બેઠકો હોય, ઉદ્યોગપતિઓની ૪૦ હોય, શિક્ષકોની ૧૦ હોય, ડોક્ટરોની બે ને ફિલ્મ કલાકારોની પાંચ હોય તો ચૂંટણીમાં કેવી મજા પડી જાય.
નેતા ૨ : સોલિડ! લાયો હો બાકી …જો સરકારી કર્મચારીઓ અને શેર બજારના ટ્રેડરાના મત તો સો ટકા વિપક્ષમાં જ પડે. અત્યારની દેશની હાલત જોઈએ તો વિદ્યાર્થી વર્ગની તો બધી બેઠકો સાગમટે વિપક્ષમાં જ જાય એમ લાગે છે. બાકી નવા જમાના પ્રમાણે સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સર પણ સોએક બેઠક માગી શકે છે.
નેતા ૩ : લ્યા, રહેવા દો. લોચા પડશે લોચા.બે-ત્રણ ધંધા કરનારા તો કેટલાય છે. અમુક મતદારો શિક્ષક પણ હોય અને ગોરપદું પણ કરતા હોય તો તેમને શિક્ષકની બેઠકમાં ગણવાના કે ગોરની બેઠકમાં? કેટલાય બિલ્ડરો ઓન પેપર તો ખેડૂત જ હોય છે. અમુક સરકારી કર્મચારીઓ તો પાછા સાહિત્યકાર પણ હોય છે. હું તો એવા ડોક્ટરોને પણ ઓળખું છું જે ડોક્ટરી કરતાં શેર ટ્રેડિંગમાંથી વધારે કમાય છે ને પાછા રીલ પણ બનાવે છે. તો આ બધાને શું બે-બે ત્રણ ત્રણ મત આપવા દેવાના?
નેતા ૪ : લ્યા, સૌથી મોટી જોક તો આપણા ધંધા એટલે કે રાજકારણીઓની બેઠક બાબતે થશે. આપણે તો સબ બંદર કા વેપારી છીએ. સમય આવ્યે ખેડૂત બની જઈએ ને સમય આવ્યે કામદાર. આપણે બધા પાછા ઉદ્યોગપતિ, ટ્રેડર અને બિલ્ડર તો ખરા જ. હવે તો આપણે રીલ બનાવીને સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર પણ થવા લાગ્યા છીએ. જો પ્રોફેશન પ્રમાણે મતદાર મંડળ બને તો એક-એક નેતાના નામ દસ-દસ મતદાર મંડળમાં હોય એ પાકું.
નેતા ૧ : ભલેને લોકો બે-પાંચ મત આપે. એ બહાને લોકોને સરકાર માટે પ્રેમ અને દાઝ બંને વ્યક્ત કરવાનો અવસર મળશે…
બધા નેતાઓએ ભેગા મળી આ નેતાને ભગાડી મૂક્યા.
આદમનું અડપલું
પહેલાં આંદોલનથી આઝાદી મળી, હવે એવી સરકારો મળી જે માંગે છે આંદોલનોથી જ આઝાદી…









