Editorial

વિદેશી સન્માનો આઉટડેટેડ થઈ ગયાં, હવે આવશે એલિયન્સ એવોર્ડ

By GS Team
4 Jul 20262 mins read
TukuTouch Logo
'એયવોડર્ઝ' ગ્રહના 2 એલિયન્સ પૃથ્વી પર એવોર્ડ આપવા આવ્યા. તેઓએ ભારત દેશમાં વિવિધ જગ્યાએ પ્રયાસ કર્યા, પરંતુ નિષ્ફળ રહ્યા. એક ગામમાં એવોર્ડ સમારંભમાં દાન આપવાની વાત થઈ, જ્યારે બોલિવૂડમાં બધા કલાકારો એવોર્ડ મળવાની શરતે જ પરફોર્મ કરતા હતા. ગુજરાતી સાહિત્યકારોએ આંતરિક વખાણને જ પૂરતું ગણાવ્યું. અંતે, નેતાઓને એવોર્ડ આપવા માટે ટીમે તેમને ઘેરી લીધા, કારણ કે નેતાજીને દરેક પ્રકારના એવોર્ડ જોઈતા હતા. એલિયન્સ નિરાશ થઈને પાછા ફર્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

વિદેશી સન્માનો આઉટડેટેડ થઈ ગયાં, હવે આવશે એલિયન્સ એવોર્ડ

અગડમ્ બગડમ્-બાબા આદમ
ગુજરાતી સાહિત્યકારોને કોઈ બાહ્ય એવોર્ડની જરુર નથી, તેઓ અંદરોઅંદર વખાણમાં જ રાજી છે
'એયવોડર્ઝ' નામના પ્લેનેટના બે એલિયન્સ તેમનો ખટારો ઉર્ફે અવકાશયાન લઈને તાબડતોબ પૃથ્વી પર ભારત દેશમાં ઉતરી પડયા.
એક ગામમાં 'એવોર્ડ સમારોહ' એવું બેનર દેખાયું. ત્યાં સ્ટેજ પાછળ ફરતા ચહેરા પરથી જ આયોજક જેવા ગણતરીબાજ દેખાતા ભાઈને પક્ડયા. પેલા ભાઈ આ બંને એલિયન્સને કહે, 'ઓય… ફેન્સી ડ્રેસ સ્પર્ધા કાલે જ પતી ગઈ. આજે તો સમાજનો ફક્ત એવોર્ડ સમારંભ છે. '
એક એલિયન્સ કહે, 'દિખાવે પે ન જાઓ, અપની અક્કલ લગાવો. અમે તો એવોર્ડ આપવા આવ્યા છીએ.'
આયોજક ધૂંધવાઈને કહે, ' સમાજની સિસ્ટમ પ્રમાણે એવોર્ડ લેવા અને દેવા બંને માટે દાન આપવું પડશે. તમારું બજેટ બોલો. '
બંને એલિયન્સ 'પ્રથમ ગ્રાસે મક્ષિકા' પંકિત બબડીને ભાગ્યા.
ફરી સર્ચ મારતાં તેમને એક ઝાકઝમાળ ભરેલી બોલિવુડ નાઈટ દેખાણી. સ્ટેજ પર અને સ્ટેજ પાછળ કેટલાય કલાકારો એવોર્ડ લઈને આંટા મારતા હતા. તેઓ ફટાફટ ત્યાં પહોંચ્યાં. તેમને જોઈને ઈવેન્ટ ઓર્ગેનાઈઝર કહે, 'ઓહો, આ તમારા પરફોર્મન્સનું કોસ્ચ્યુમ છે?'
એક એલિયન કહે, 'અરે યાર , અમે તો એવોર્ડ આપવા આવ્યા છીએ.'
ઈવેન્ટ ઓર્ગેનાઈઝર આંખ મિચકારતાં કહે, ' હા એ તો બોલિવુડમાં તો હવે એવુ જ ચાલે છે. એવોર્ડ મળવાની શરતે જ બધા કલાકારો પરફોર્મ્ કરે છે. બધાને બધા એવોર્ડ મળી જાય છે. બે ઘડી ગમ્મત…'
'બટ વી આર સિરિયસ…' એમ કહી એલિયન્સ દાંત ભીંસીને ચાલતા થયા. ત્યાંથી તેઓ એક સાહિત્યિક કાર્યક્રમમાં જઈ ચઢ્યા. તેમણે મંચની બહાર જ એક લેખકને પક્ડયા. 'અમારે એવોર્ડ આપવો છે, બોલો કોને આપીએ ? '
પેલા લેખક તિરસ્કારના ભાવ સાથે કહે, 'અમે ગુજરાતી સાહિત્યકારો ે એકબીજાના અંદરોઅંદર વખાણમાં જ રાજી છીએ. કોઈ પારકાનાં એવોર્ડઝની અમને કોઈ જરુર નથી.'
વીલા મોઢે પાછા ફરતા એલિયન્સને એક ટીમે અચાનક ઘેરી લીધા. 'ચાલો, અમારી સાથે.'
એલિયન્સ ડરતાં ડરતાં કહે, 'પણ અમે તો એવોર્ડ આપવા આવ્યા છીએ. એ શું કોઈ ગુનો છે?'
ટીમના વડા કહે, 'ભલા એલિયન્સ, અમને ખબર જ છે. એકચ્યુઅલી, અમારા નેતાઓ દુનિયાભરના દેશોના એવોર્ડઝ લઈ ચૂક્યા છે. હવે કોઈ દેશ બાકી રહ્યો નથી એટલે અમે જ તમારા વિશે સર્ચ કરી તમને અહીં એવોર્ડ આપવા મેસેજ કર્યો હતો.'
એક એલિયન્સ કહે, 'ગ્રેટ! બસ, એટલું કહી દો કે તમારા નેતાજીને કઈ લાયકાત માટે એવોર્ડ આપવાનો છે ?
પેલા અધિકારી કહે, 'બસ, તેઓ દરેક પ્રકારના એવોર્ડ ઈચ્છે છે એ જ તેમની એવોર્ડ માટેની મોટી લાયકાત છે.'
એલિયન્સ એકબીજા સામે જોઈ રહ્યા અને પછી આ ટીમને ચકમો આપી ફરી તેમના યાનમાં ગોઠવાઈ પૃથ્વી પરથી પોબારા ગણી ગયા.
આદમનું અડપલું
ટૂંક સમયમાં અમેરિકા 'વર્લ્ડ્સ બેસ્ટ આજ્ઞાંકિત એવોર્ડ' જાહેર કરવાનું છે.