Editorial

અરૂણાચલના નાહ આદિવાસીઓની જમીન ચીને પચાવી પાડી?

By GS Team
10 Jul 20265 mins read
TukuTouch Logo
અરુણાચલ પ્રદેશના નાહ આદિવાસીઓએ ભારત સરકારને આવેદનપત્ર આપી દાવો કર્યો છે કે, ચીને તેમના 5 ગામો અને પશુ ચરાવવાના સ્થળો પર કબજો જમાવી લીધો છે. અપર સુબનસિરીના તાક્સિંગ વિસ્તારમાં આ સ્થળો આવેલા છે, જ્યાં ચીની સેના રસ્તાઓ બનાવી રહી છે. જોકે, સરકારે આ દાવાને ભ્રામક ગણાવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અરૂણાચલના નાહ આદિવાસીઓની જમીન ચીને પચાવી પાડી?

વર્લ્ડ વિન્ડો
સરહદી વિસ્તારોમાં ચીને સતત બાંધકામો શરૂ કર્યાં છે. નાનાં-નાનાં ગામડાં બનાવીને સૈનિકોના રહેઠાંણ બનાવી નાખ્યા છે એવો દાવો પણ અગાઉ થઈ ચૂક્યો છે

'અમારા પૂર્વજો જ્યાં રહેતા હતા એ જમીન હવે અમારી પાસે રહી નથી. સદીઓથી અમે આ વિસ્તારમાં રહીએ છીએ. બેરોકટોક ઢોર ચરાવવા જતા હતાં એ સ્થળોએ જવામાં હવે બે વખત વિચારવું પડે છે. જંગલમાં જઈને જરૂરી ચીજવસ્તુઓ લાવતા હતા. હવે અમે ત્યાં જઈ શકતા નથી. જે જંગલોમાં અમારા કબીલાની મહિલાઓ રસોઈ માટે બળતણ લેવા જતી હતી ત્યાં હવે એ જઈ શકતી નથી. અમારી આ જમીન પર ચીનાઓએ કબજ કરી લીધો છે.'
આવી રજૂઆત ભારત સરકારને અરૂણાચલ પ્રદેશના નાહ આદિવાસીઓએ કરી છે. નાહ આદિજાતિએ પાંચ સ્થળો પર ચીને કબજો જમાવી લીધાનો સનસનીખેજ દાવો કર્યો છે. આ બધી જ જગ્યા તેમનાં ગામડાં અને પશુઓ ચારવાનાં સ્થળો છે. અરૂણાચલ પ્રદેશના અપર સુબનસિરીના તાક્સિંગ વિસ્તારમાં આ સ્થળો આવેલાં છે અને તે રેવન્યુ સર્કલ હેઠળ આવે છે. નાહ વેલ્ફેર સોસાયટીએ એક આવેદનપત્ર આપીને દાવો કર્યો - આ આખો વિસ્તાર અમારા પૂર્વજોની જમીન છે, પરંતુ હવે ચીનના કબજાના કારણે અમારું આવવું-જવું મુશ્કેલ બન્યું છે. આમાંથી ઘણા વિસ્તારો દુર્ગમ જંગલો છે. અમે જંગલની ઘણી પેદાશોથી જીવન નિર્વાહ કરતા હતા, પણ હવે દરરોજ થોડા થોડા ઈંચ જમીન ચીનનું લશ્કર હડપી લે છે એટલે અમે ત્યાં જઈ શકતા નથી. અમને જવા દેવામાં આવતા નથી.'
અરૂણાચલ પ્રદેશના અપર સુબનસિરીના ડેપ્યુટી કમિશ્નરને નાહ વેલ્ફેર સોસાયટીએ એક આવેદનપત્ર આપ્યું એ પછી ફરીથી ચીનના બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ચર્ચા શરૂ થઈ છે. આ આદિજાતિ સંગઠનના પ્રમુખ કેરુ ચાદેરના આવેદનપત્રમાં કહેવાયેલું કે ૧૦-૧૫ વર્ષથી જ ચીને પહાડી વિસ્તારોમાં ગતિવિધિ વધારી હતી, પરંતુ ૨૦૨૦ પછી તીવ્ર ઝડપે આખા વિસ્તારને હડપવાનું શરૂ કર્યું છે. ચીનના લશ્કરે ભારતની સરહદમાં રસ્તાઓ બનાવી નાખ્યાનો દાવો આ આવેદનપત્રમાં થયો હતો.
આ આવેદનપત્ર પછી કિરન રિજીજૂએ કહ્યું કે આ અહેવાલો ભ્રામક છે. ભારતની સરહદે આવી કોઈ ઘૂસણખોરી થઈ નથી. નાહ આદિજાતિના દાવાના સંદર્ભમાં સ્પષ્ટતા ન કરી, પણ એટલું કહ્યું કે સરહદ નક્કી ન હોવાથી બંને તરફથી સરહદનું ઉલ્લંઘન થાય છે. લશ્કરે પણ આ દાવાનું ખંડન કર્યું હતું, પરંતુ સ્થાનિકો વર્ષોથી આવા દાવા કરતા આવે છે. અગાઉ લદાખમાં પણ સ્થાનિકોનાં નિવેદનો એવાં હતાં કે ભારતની સરહદે અમુક વિસ્તાર ચીને કબજે કર્યો છે, તો તેની સામે સરકારે એ વાતનો ઈનકાર કર્યો હતો. વિપક્ષના નેતા રાહુલ ગાંધી લોકસભામાં આવો દાવો કરતા રહે છે ને એમાંય કેન્દ્ર સરકાર ઈનકાર કરે છે. દોકલામ સમયે જે ઘર્ષણ થયું પછી કેટલાક હિસ્સામાં ચીનની ઘૂસણખોરી કાયમી થઈ ગઈ છે એવા દાવા અહેવાલોમાંય થતાં રહે છે.
અગાઉ વર્ષ-બે વર્ષ પહેલાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ અરૂણાચલ પ્રદેશની સરહદ પાસે ૧૦૦ જેટલાં ગામો બનાવ્યા બાબતે કહેલું કે આ ખૂબ જ સાહજિક પ્રક્રિયા છે, કારણ કે એ અમે અમારા વિસ્તારમાં બાંધકામ કરીએ છીએ. તિબેટનો ઝેંગનાન અમારો વિસ્તાર છે અને અમે એમાં ધારીએ એવું બાંધકામ કરી શકીએ છીએ. ચીન તો દરેક વખતે નફ્ફટ થઈને દાવો કરતું રહે છે કે અરૂણાચલ પ્રદેશ તિબેટના દક્ષિણ પ્રાંતનો ભાગ છે. ચીન તો અરૂણાચલ અને લદાખને પોતાનો વિસ્તાર ગણાવીને રાજકીય નકશા સુદ્ધાં બહાર પાડી ચૂક્યું છે.
આ દાવા અને પ્રતિદાવા વચ્ચે ચીનની સરહદી ગતિવિધિ વધી ગઈ છે એ તો નક્કી છે. ભારતને જેનાથી સીધી અસર થાય એવું કેટલુંય ચીન કરતું રહે છે. નાહ આદિજાતિઓના દાવાની ચર્ચા ચાલતી હતી ત્યારે જ ઘણા ડિફેન્સ એક્સપર્ટ્સને ટાંકીને અહેવાલો રજૂ થયા એમાં એક બીજી ચિંતા વ્યક્ત થઈ હતી. ડિફેન્સ એક્સપર્ટ બ્રહ્મા ચેલાનીને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં દાવો થયો કે ચીને હિમાલયની પેલે પાર તિબેટમાંથી નદીઓને અંકુશમાં લેવાનો કારસો ઘડયો છે. હિમાલયની નદીઓને કબજે કરીને ચીન ભારતમાં પાણીની અછત સર્જી શકે તેવી ભીતિ છે. તિબેટ દુનિયાની છત કહેવાય છે. તિબેટ પર ચીને કબજો જમાવીને હિમાલયન રિસોર્સને કંટ્રોલ કરવાની પેરવી શરૂ કરી છે. નેપાળની સરહદે ડેવલપમેન્ટ પ્રોજેક્ટના નામે ચીન સડક બનાવીને ભારતને ઘેરે છે એવુંય વારંવાર કહેવાય છે.
આ વર્ષની શરૂઆતમાં જ ચીને ૨૦૩૦ સુધીનાં વિકાસકાર્યોને મંજૂરી આપી છે એમાં ભારતની સરહદ પાસે થઈ રહેલા બાંધકામોનો પણ સમાવેશ થાય છે. ચીનની સરકારે શિનજિયાંગ પ્રાંતના તિયાનશાનમાં ૩૯૪ કિલોમીટર લાંબો રાજમાર્ગ બનાવવા મંજૂરી આપી હતા. ૧૫મી પંચવર્ષીય યોજનામાં આ પ્રોજેક્ટને લીલી ઝંડી આપીને ૨૦૩૨માં પ્રોજેક્ટ પૂરો કરવાનો નિર્ધાર વ્યક્ત કરાયો છે. નેશનલ પીપલ્સ કોંગ્રેસે પણ આ પ્રોજેક્ટને મંજૂરી આપી દેતા હવે દુર્ગમ પહાડીઓ ચીરીને નવો માર્ગ બનાવવાનું કામ પૂરજોશમાં શરૂ થશે. તિયાનશાનથી આ માર્ગના કારણે ભારતની સરહદ પાસે ચીનની કનેક્ટિવિટી વધારે સારી બનશે. અત્યારે પણ ચીને આખાય વિસ્તારમાં માર્ગો બનાવ્યા છે અને વિમાનો ઉતરી શકે એવી એરસ્ટ્રીપ પણ બનાવી છે. ૧૯૬૨થી જે વિસ્તારમાં રસ્તાઓ છે તેની સમાંતરે જ આ નવો પ્રોજેક્ટ શરૂ થશે. તેના કારણે ચીન માટે ભારતની સરહદે કનેક્ટિવિટી તો બહેતર બનશે જ પરંતુ એક વિકલ્પ પણ સર્જાશે. ચીની મીડિયામાં આ પ્રોજેક્ટને ભવિષ્યની ખૂબ મહત્ત્વની યોજનાઓ કહેવામાં આવી હતી.
2026 થી 2030 સુધીનાં વિકાસકાર્યો માટે રજૂ થયેલી ૧૫મી પંચવર્ષીય યોજનામાં તિબેટ જતા ત્રણ નેશનલ હાઈવેના વિકાસની જોગવાઈ પણ કરવામાં આવી છે. એ અંતર્ગત શિનજિયાંગ અને તિબેટને ચીનના બાકીના ભાગ સાથે વેલ કનેક્ટ કરવા પર ભાર મૂકાયો છે. ચીન કુલ ૯ સરહદી વિસ્તારોમાં રસ્તાઓ બનાવશે. એ પ્રકારની યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. ચીન આ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના નામે સતત સરહદે રસ્તાઓ, રેલવે લાઈન બનાવે છે. ચીન પહાડોમાંથી માર્ગ બનાવીને સરહદને મુખ્ય રસ્તાઓ સાથે જોડે છે. ૨૦૩૦ સુધીમાં ભારતની સરહદે પહોંચવામાં ચીનને સમય ન લાગે એવા રેલવેટ્રેક્સ અને રસ્તાઓ બની જશે. આમાંથી અમુક રસ્તાઓ ભલે સીધા ભારતની સરહદ સુધી પહોંચતા નથી, પરંતુ એનાથી ભારતની સરહદે પહોંચવામાં સરળતા બિલકુલ થઈ જાય છે.
એ પહેલાં લદાખ જ્યાંથી નજીક થાય છે એવા સ્થળોએ ચીને 'સિલ્ડ સડક' બનાવી હતી, જેમાં વિમાનો ઉતરી શકાય છે. વળી, એ જ વિસ્તારમાં નદી પર એક બ્રિજ બનાવ્યાનો સેટેલાઈટ ઈમેજમાં દાવો થયો હતો. લદાખના ડેમચોકમાં ચીનના સૈનિકોએ તંબૂ બનાવી નાખ્યા હતા. પછી ભારતે તાકીદ કરી અને રાજદ્વારી તેમ જ સૈન્ય સ્તરે રજૂઆતો કરી એટલે ચીને તંબૂ હટાવ્યા હતા, પરંતુ આવી ગતિવિધિ કરીને ચીન સરહદે તંગદિલી સર્જતું રહે છે.
ચીનનો સરહદી બાંધકામો અને ઘૂસણખોરીનો આવો રેકોર્ડ જોતાં અરૂણાચલના નાહ જનજાતિના લોકો કહે છે એમ ઘૂસણખોરી થઈ હોય તો નવાઈ નહીં. કદાચ ઘૂસણખોરી ન થઈ હોય તો પણ આ રજૂઆત ચિંતાજનક તો છે જ. તેનાથી ભારતીય લશ્કરની એ સરહદે જવાબદારી વધી જશે.