Editorial

હવે કમલનાથ પણ જેલમાં જશે ?

By GS Team
10 Sep 20198 mins read
This article was originally published on 10 Sep 2019
હવે કમલનાથ પણ જેલમાં જશે ?

નવી દિલ્હી,તા. 9 સપ્ટેમ્બર 2019, સોમવાર

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથની મુશ્કેલીઓ પૂરી થવાનું નામ નથી લેતી. ભાણિયા રતુલ પુરીની ધરપકડના કારણે ભીંસમાં મૂકાયેલા કમલનાથને જ્યોતિરાદિત્ય સિંધીયાનું જૂથ પણ બરાબર પરેશાન કરી રહ્યું છે ત્યાં સોમવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કમલનાથ સામેના ૧૯૮૪ના સીખ વિરોધી રમખાણોના કેસો ફરી ખોલવાની મંજૂરી આપી દીધી.

કમલનાથ સામેનો કેસ કોંગ્રસ શાસન વખતે બંધ કરી દેવાયો હતો પણ અમિત શાહના મંત્રાલયે આ કેસ ફરી ખોલવાનો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે નિમેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (સીટ)ની તપાસના આધારે આ નિર્ણય લેવાયો છે.

આ નિર્ણયના કારણે ભવિષ્યમાં કમલનાથે જેલની હવા ખાવી પડે તેવી પૂરી શક્યતા છે. આ નિર્ણયના કારણે કમલનાથને મુખ્યમંત્રીપદેથી હટાવવાની માંગ અત્યારથી શરૃ થઈ ગઈ છે. કમલનાથને સસ્પેન્ડ નહીં કરાય તો કોંગ્રેસ સીખ વિરોધી માનસિકતા ધરાવે છે એવો મેસેજ જશે. આ સંજોગોમાં સોનિયા તેમને રાજીનામું આપવાનું કહે તેવી પૂરી શક્યતા છે. આ બધો ઘટનાક્રમ જોતાં કમલનાથના કપરા દિવસો શરૂ થઈ ગયા લાગે છે.

વાડરાની વિચિત્ર બિમારી, વિદેશમાં જ સારવાર કરાવવી પડે
મની લોન્ડરિંગના કેસમાં ફસાયેલા નહેરૃ-ગાંધી ખાનદાનના જમાઈરાજ રોબર્ટ વાડરાએ દિલ્હી કોર્ટમાં સ્પેન જવાની મંજૂરી આપવા વિનંતી કરી છે. વાડરા સ્પેનમાં મેડિકલ ટ્રીટમેન્ટ માટે જવા માંગે છે તેથી આશ્ચર્ય ફેલાયું છે. તેનું કારણ એ કે, આ પહેલાં જૂનમાં પણ વાડરા છ સપ્તાહની સારવાર માટે નેધરલેન્ડ્સ અને અમેરિકા ગયા હતા. વાડરાએ પોતાના મોટા આંતરડામાં નાનકડી ગાંઠ હોવાથી તેની સારવાર માટે લંડન જવા મંજૂરી માંગી હતી પણ કોર્ટે લંડન જવાની મંજૂરી નહોતી આપી.

વાડરાએ અગાઉ અરજી કરી ત્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એમ કહીને વિરોધ કર્યો હતો કે, વાડરા આ બહાને ભાગી જવા માંગે છે. લંડનમાં તેમનાં કાળાં નાણાં છે તેથી તેને સગેવગે કરવા એ લંડન જવા માંગે છે. વાડરા હવે ફરી સારવાર માટે સ્પેન જવાના છે ત્યારે એવો સવાલ પૂછાઈ રહ્યો છે કે, વાડરાની આ નાનકડી ગાંઠ એવી તે કેવી છે કે નેધરલેન્ડ્સ અને અમેરિકામાં સારવાર છતાં દૂર નથી થઈ ? ને એવી તે કેવી બિમારી  છે કે વિદેશમાં જ સારવાર કરાવવી પડે ?

માયાવતી હવે કોંગ્રેસ સાથે હાથ મિલાવશે
રાજકારણમાં કોઈ કાયમી મિત્ર નથી હોતું ને કોઈ કાયમી દુશ્મન નથી હોતું. માયાવતી ફરી આ વાત સાબિત કરવા જઈ રહ્યાં છે. લોકસભાની ચૂંટણીમાં અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી સાથે જોડાણ કરીને ઉત્તર પ્રદેશમાં ચૂંટણી લડનારાં માયાવતીએ કોંગ્રેસ પર પ્રહારો કરવામાં કોઈ કસર છોડી નહોતી.

હવે માયાવતી હરિયાણામાં કોંગ્રેસ સાથે જોડાણ કરવા તૈયાર થઈ ગયાં છે. હરિયાણામાં બે મહિના પછી વિધાનસભાની ચૂંટણી છે. માયાવતીની બસપાનું આ પહેલાં દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી સાથે જોડાણ હતું પણ તાજેતરમાં માયાવતીએ આ જોડાણ તોડીને એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.

કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ આ તક ઝડપી લીધી. તેમણે નવાં નિમાયેલાં હરિયાણા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કુમારી સૈલજા અને વિધાનસભા પક્ષના નેતા ભૂપિન્દરસિંહ હુડ્ડાને માયાવતીને મનાવવાની જવાબદારી સોંપી દીધી. હુડ્ડા અને સૈલજા રવિવારે લખનૌમાં માયાવતીને મળ્યાં હતાં. તેમણે માયાવતીને જોડાણ માટે મનાવી લીધાં હોવાનું કહેવાય છે.

ચિદંબરમની ટ્વિટ ચર્ચાસ્પદ બની ગઈ
પી. ચિદંબરમ તિહાર જેલની હવા ખાઈ રહ્યા છે પણ તેમણે કરેલી એક ટ્વિટ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો મુદ્દો બની ગઈ છે. ચિદંબરમ વતી તેમના પરિવારે આ ટ્વિટ કરી છે. આ ટ્વિટમાં લખ્યું છે કે, આઈએનએક્સ મીડિયા કેસમાં એક ડઝન જેટલા અધિકારીઓએ ભલામણ કરી હતી અને ફાઈલને આગળ મોકલી હતી. લોકો મને પૂછે છે કે, આ પૈકી કોઈ અધિકારીની ધરપકડ નથી કરાઈ ત્યારે તમને એકલાને જ કેમ જેલભેગા કરાયા ? મેં છેલ્લે સહી કરી હતી માત્ર એટલા માટે મને જેલમાં ધકેલાયો ? ચિંદબરમે બીજી ટ્વિટમાં લખ્યું છે કે,  કોઈ અધિકારીએ કશું ખોટું કર્યું નથી ને હું કોઈની ધરપકડ ઈચ્છતો નથી.

રાજકીય પંડિતોના મતે, ચિદંબરમે ઉઠાવેલો મુદ્દો વ્યાજબી તો છે જ. ચિદંબરમ દોષિત હોય તો તેમના પહેલાં સહી કરનારા અધિકારીઓ પણ દોષિત ગણાય જ. તેમની પણ ધરપકડ થવી જ જોઈએ.

આ વ્યાજબી વાત મોદી સરકારને ગળે પણ ઉતરવી જોઈએ ને ?

યુ.એન.માં કાશ્મીર મુદ્દો ઉઠતાં પાકિસ્તાન ગેલમાં
બંધારણની કલમ ૩૭૦ નાબૂદ કરાઈ એ વાતને એક મહિના કરતાં વધારે સમય થઈ ગયો છતાં આ મુદ્દો શમવાનું નામ નથી લેતો. રવિવારે જીનીવામાં યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઈટ્સ કાઉન્સિલનાં હાઈ કમિશનર મિશેલ બેશલેટે આ મુદ્દો ઉઠાવ્યો. મિશેલે કાશ્મીરીઓના અધિકારો બાબતે ચિંતા વ્યક્ત કરીને ભારત સરકારને નિયંત્રણો હળવાં કરવા અપીલ પણ કરી. મિશેલે આસામની પરિસ્થિતી અંગે પણ ચિંતા વ્યક્ત કરી. સ્વાભાવિક રીતે જ પાકિસ્તાન આ વાતોથી ગેલમાં આવી ગયું છે. 

પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મોહંમદ કુરેશી મંગળવારે બોલનાના છે ત્યારે તે મિશેલે કરી વાતોને આધાર બનાવીને ભારતને ભિડાવવાનો પ્રયાસ કરશે જ. ભારતે પણ પાકિસ્તાનને જવાબ આપવાની તૈયારી કરી લીધી છે. ભારતે મિશેલની વાતને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાંખી તો બીજી તરફ સોશિયલ મીડિયા પર કાશ્મીરની સાચી સ્થિતી મૂકીને આક્રમક પ્રચાર શરૂ કરી દીધો છે. કોંગ્રેસે પણ આ મુદ્દે મોદી સરકારને ખુલ્લો ટેકો આપ્યો છે. શશિ થરૂરે ટ્વિટ કરી કે, કાશ્મીર ભારતનો ભાગ છે ને પાકિસ્તાન કે બીજા કોઈને આ મુદ્દે કશું બોલવાનો અધિકાર જ નથી.

કલ્યાણસિંહ ભાજપમાં જોડાતાં યોગી ટેન્શનમાં
રાજસ્થાનના ગવર્નરપદે પાંચ વર્ષ પૂરાં કરનારા કલ્યાણસિંહ સોમવારે પાછા ભાજપમાં જોડાઈ ગયા. આ પહેલાં ગવર્નરપદની મુદત પૂરી કરનારા રામ નાઈક પણ પાછા ભાજપમાં જોડાયા હતા.

કલ્યાણસિંહનું સક્રિય રાજકારણમાં પુનરાગમન થતાં યોગી આદિત્યનાથ ઉંચાનીચા થઈ ગયા છે.  રામમંદિર નિર્માણ ઝુંબેશમાં સૌથી મોટો ચહેરો મનાતા કલ્યાણસિંહની સક્રિયતાથી ઉત્તર પ્રદેશમાં ભાજપને હિંદુવાદી મતબેંક મજબૂત કરવામાં મદદ મળશે. ભાજપ વિધાનસભાની પેટાચૂંટણી પહેલાં કલ્યાણસિંહને આગળ કરીને રામમંદિરનો મુદ્દો ફરી ગજવે તેવી શક્યતા છે. સાથે સાથે ઓબીસી મતબેંક પણ મજબૂત થશે. જો કે કલ્યાણસિંહની ભાજપના નિર્ણયોમાં દખલ પણ શરૃ થશે એ વિચારે યોગી ચિંતામાં છે.

કલ્યાણસિંહનો પુત્ર રાજવીર સિંહ ભાજપનો સાંસદ છે જ્યારે પૌત્ર સંદીપસિંહ યોગી સરકારમાં રાજ્ય કક્ષાના શિક્ષણ પ્રધાન છે. કલ્યાણસિંહ તેમનું રાજકીય મહત્વ વધે એ માટે મથામણ કરશે જ. કલ્યાણસિંહ સીનિયર નેતા છે. આ સંજોગોમાં યોગી તેમની અવગણના પણ નહીં કરી શકે.

ભાજપ સરકારના સો દિવસ નેતાઓ માટે ચિંતાજનક
મોદી સરકારની બીજી ટર્મમાં સરકારે સો દિવસો તો પુરા કરી લીધા પરંતુ ખૂદ ભાજપના જ નેતાઓમાં ચિંતા એ વાતની છે કે તેમણે આ દિવસોમાં શું પ્રાપ્ત કર્યું.મંત્રીઓ તો સરકારના ગુણગાન ગાવા નીકળી પડયા છે, પરંતુ કેટલાક વરિષ્ઠ નેતાઓ અને તેમના રણનીતિકાર ખૂબ ચિંતામાં છે.તેઓ કહે છે કે ટ્રિપલ તલાકની અસર હજુ થઇ નથી. 

પ્રતિબંધો જોતાં કેટલાક નેતાઓ માને છે કે જમ્મુ-કાશ્મીરમાં ભલે ૩૭૦ કલમ નાબુદ કરી હોય પરંતુ એના ખરા પરિણામ તો પ્રતિબંધો હટાવ્યા પછી જ દેખાશે.મોહર્રમ પહેલા શ્રીનગર સહિત ખીણમાં ફરીથી કર્ફેયુ નાંખવામાં આવ્યો હતો.સત્તાવાળાઓને ડર છે કે જો જંગી સંખ્યામાં લોકો ભેગા થશે તો હિંસા થશે, અને આ બધુ એવા સમયે થઇ રહ્યું છે કે જે દેશોએ ભારતનને ૩૭૦ મુદ્દે ટેકો આપ્યો હતો ત્યાંથી પણ પ્રતિબંધો હટાવવા ફોન આવે છે.

આસામની એનઆરસીના યાદી પણ તેમના માટે ચિંતાનું કારણ છે.તેઓ ચેતવણી આપે છે કે સરકારે સમગ્ર દેશમાં આવી કવાયત ના કરવી જોઇએ અથવા તો ખૂબ જ સાવધાની પૂર્વક કામગીરી કરવી પડશે. તો સોથી મોટી ચિંતાએ વાતની તેમને સતાવે છે કે જીડીપીમાં ઘટાડો થતો જ જાય છે.

અર્થતંત્રની મંદી અને લઘુમતીઓમાં વધતી અસુરક્ષાની ભાવના પણ તેમને ચિંતામાં મૂકે છે. નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં જીડીપી પાંચ ટકા ખસતા ગ્રાહકોની ખરીદ શક્તિમાં ઘટાડો થતો જાય છે. વિદેશી રોકાણ આવતું નથી. વરિષ્ઠ નેતાઓ રોકાણમાં વધારો કરવા દબાણ કરે છે. જીએસટી હજુ પણ કરદાતાઓ માટે અને સરકાર માટે ચિંતા ઉપજાવે છે.

આસામની ગ્રામીણ મહિલાનું દર્દ
હવે સામાજીક કાર્યકર્તાઓ  આસામની એનઆરસીની પ્રક્રિયા અંગે ચિંતા વ્યક્ત કરે છે. તેમને દુખ એ વાતનું છે કે પ્રક્રિયામાં ખાસ તો ગ્રામીણ મહિલાઓ અને ગરીબ વર્ગની મહિલાઓની વાસ્તવિકતાને ધ્યાનમાં લેવામાં આવી જ નહતી. આ મહિલાઓને દસ્તાવેજો ભેગા કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. પરિણામે અનેક આસામી મહિલાઓ યાદીમાંથી બાકાત રહી ગઇ હતી. અનેક મહિલાઓ અભણ હોવાના કારણે દસ્તાવેજોને વાંચી શકતી પણ નહતી તેમજ દૂર સુધી તેઓ મુસાફરી પણ કરી શકતી નહતી.

પાક. એરસ્પેસનો ઉપયોગ  ભવિષ્યમાં પણ નહીં કરી શકાય
આઇસલેન્ડની સત્તાવાર મુલાકાત માટે જઇ રહેલા રાષ્ટ્રપતિ કોવિંદ માટે પાકે. તેનો એરસ્પેસનો ઉપયોગ કરવાની મનાઇ કર્યા પછી ભારત હવે એર ઇન્ડિયા વન વીવીઆઇપી ફલાઇટ માટે પણ પાક.ની મંજૂરી માગે એવું ગાલતું નથી.સૂત્રોએ કહ્યું હતું કે તેઓ હવે પશ્ચિમથી નવો રૂટ પસંદ કરશે.અગાઉ સ્વ.સુષમા સ્વરાજને બેંગકોક જવા માટે જવા દેવામાં આવ્યા હતા. ત્યાર પછી વડા પ્રધાનના વિમાનને પણ એસસીઓ શિખર મંત્રણા માટે જવા પાકે. મંજૂરી આપી હતી. સૂત્રો અનુસાર, કલમ ૩૭૦ને રદ કરતાં આ વાતનું વતેસર થયું હતું. 

એવું પણ સંભળાય છે કે ભારતીય પાયલોટ સાથેની વિદેશી એરલાઇનો પાક. જનાર વિમાનમાં તેમને ફરજ પર મૂકતા નથી. વિદેશી એરલાઇન સાથે કામ કરી ચૂકેલા એક ભારતીય પાયલોટે કહ્યું હતું કે'બે દાયકા પહેલાં મેં પાડોશી દેશના કરાચીના બેઝ પરથી ફલાઇટ ઓપરેટ કરી હતી.

વિમાનમાં ખરાબી સર્જાતા ફલાઇટ કરાચીમાં જ રોકી દેવામાં આવી હતી અને સ્ટાફને હોટલમાં ઉતારો આપવામાં આવ્યો હતો.પણ હું ભારતીય હોવાના નાતે એ લાભ લઇ શક્યો નહતો. ત્યાર પછી વિદેશી એરલાઇનોએ ભારતીયોને પાક.ની ફલાઇટમા નહીં મોકલવા બિન લેખિત નિર્ણય કર્યો હતો.

પાક.ની પ્રથમ  મહિલા અવકાશાયાત્રીએ ઇસરોને અભિનંદન આપ્યા
પાકિસ્તાનના પ્રથમ મહિલા અવકાશયાત્રી નમિરા સલીમે ઇસરોના ચંદ્રયાન-૨ મિશન બદલ અભિનંદન આપ્યા હતા. કરાચીસ્થિત ડીજીટલ મેગેઝીન 'સેન્ટીયા'માં પ્રકાશિત થયેલા એક નિવેદનમાં તેમણે લખ્યું હતું ' ચંદ્રની દક્ષિણ તરફની સપાટી પર ઉતરાણના પ્રયાસ બદલ ભારતીય ઇસરોને મારા અભિનંદન.ચંદ્રયાન-૨ ચંદ્ર મિશન એ દક્ષિણ એશિયા માટે એક મહાન સિધ્ધી છે.આનાથી આખા અવકાશ મિશનને ગૌરવ થાય છે.

રાજીનામું આપનાર આઇએએસ અધિકારીઓની ભાજપ નેતાએ ટીકા કરી
ભાજપના મહામંત્રી બી.એલ.સતોષે તાજેતરમાં સરકારી નોકરીમાંથી રાજીનામું આપનાર ત્રણ આઇએએસ અધિકારીઓની ટીકા કરી હતી અને તેમને ડાબેરી વિચારધારા સાથે જોડી દીધા હતા.ઉલ્લેખનીય છે કે ૨૦૦૨ની બેચના કન્નાન ગોપીનાંથે તાજેતરમાં એજીએનયુટી (દાદરા-નગરહવેલી)માંથી રાજીનામું આપ્યું હતું.

સંતોષે કહ્યું હતું કે તેમના સબંધો ડાબેરીઓ સાથે છે.
'ત્રણ આઇએએસ અધિકારીઓએ એટલા માટે રાજીનામાં આપ્યા હતા કે સંપૂર્ણ  બહુમતી સાથે અમારી સરકાર કાર્ય કરે છે જે તેમને ગમતું નથી. જેમની સાથે તેમના સબંધો છે તે ડાબેરીઓ અંગે વિચાર તો કરો. કન્નનના રાજીનામાંના થોડી દિવસો પછી જ કર્ણાટક કેડરના શશીકાંત સેન્થીલે પણ રાજીનામું આપ્યું હતું.

રામ જેઠમલાણી કોંગ્રેસના વિરોધી
જુના જમાનાના રાજકારણીઓને યાદ હશે કે દેશના જાણીતા વકીલ રામ જેઠમલાણીએ પૂર્વ વડા પ્રધાન વડા પ્રધાન રાહુલગાંધીને દરરોજ દસ સવાલો પૂછીને કેવી રીતે મુઝંવી દીધા હતા. લોકમત પર સવાલોની ભારે અસર જોવા મળી હતી.જો કે રાજીવ ગીંધી અને તેમની સરકારે સવાલોના જવાબ આપ્યા નહતા. ૨૦૦૧માં એક ઇન્ટરવ્યુમાં રામે કહ્યું હતું કે તેમની કારકિર્દીમાં ઇન્દિરા ગાંધીના હત્યારાઓને બચાવવાનો કેસ મારી જીંદગીનો સોથી મોટો કેસ હતો. કોઇ પણ સમજુ વ્યક્તિ રાજકારણથી અલિપ્ત રહી શકતી નથી.

- ઇન્દર સાહની