બાંગ્લાદેશમાં ચીનનો વધતો આર્થિક અને લશ્કરી પગપેસારો ચિંતાજનક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- વર્લ્ડ વિન્ડો
- ચીન-બાંગ્લાદેશ વચ્ચે ટુ પ્લસ ટુ ડાયલોગ શરૂ થશે. શેખ હસીનાની સરકારનું પતન થયું પછી બાંગ્લાદેશના રાજકારણમાં ચીન-પાકિસ્તાનનો પ્રભાવ ચિંતાજનક રીતે વધ્યો છે
ચીને છેલ્લાં દોઢેક દશકામાં ભારતના બધા જ પાડોશી દેશો સાથે ધીમે ધીમે, વ્યૂહાત્મક રીતે દ્વિપક્ષીય સંબંધો વધાર્યા છે. જાણે એક ગુપ્ત મિશન ચાલતું હોય એ રીતે ભારતના પાડોશી દેશો ચીનના ઈન્ફ્લ્યુએન્સમાં આવતા જાય છે. પાકિસ્તાન વર્ષો સુધી અમેરિકાના પ્રભાવમાં હતું. પાકિસ્તાનને અમેરિકાની લશ્કરી મદદ મળતી હતી, પરંતુ એક તરફ અમેરિકા-ભારતના સંબંધો વિકસ્યા ને બીજી તરફ આતંકવાદ નામના સાપને પાકિસ્તાન જ ઉછેરે છે એ એક્સપોઝ થયું પછી અમેરિકા-પાકિસ્તાનના સંબંધોમાં ઓટ આવી. બરાક ઓબામાના કાર્યકાળમાં નવી પાકિસ્તાન પૉલિસી લાગુ પડી તેને પછીના પ્રમુખોએ પણ આગળ વધારી. એ જ અરસામાં ચીને જૂના સિલ્ક રૂટને પુર્નજીવિત કરવાના નામે બેલ્ટ એન્ડ રોડ ઈનિશ્યેટિવ્સ નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો. તેના ભાગરૂપે ચાઈના પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર શરૂ થયો. પાકિસ્તાનમાં ચીને રોકાણ વધાર્યું. કંગાળ થયેલા પાકિસ્તાને જરૂર પડી ત્યારે અબજો ડોલરની લોન આપી ને એ રીતે ચીને અમેરિકાથી દૂર થયેલા પાકિસ્તાનને વશમાં લીધું.
૨૦૧૬થી શ્રીલંકામાં ગતિવિધિ વધારી ને વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્ત્વનું એવું શ્રીલંકાનું હંબનટોટા બંદર ડેવલપમેન્ટ પ્રોજેક્ટના નામે ભાડે મેળવી લીધું. હિંદ મહાસાગરમાં ચીની કંપનીઓની તેનાથી પક્કડ મજબૂત બની. એ પહેલાંથી જ નેપાળમાં આર્થિક મદદ શરૂ કરી હતી. ભારત-નેપાળ વચ્ચે સાંસ્કૃતિક-ધાર્મિક સમાનતા હોવાથી મજબૂત આર્થિક સંબંધો હતા, પરંતુ ચીને ૨૦૧૫થી નેપાળમાં ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં માતબર રોકાણ શરૂ કર્યું. બીજી આર્થિક મદદ પણ શરૂ કરી ને એ રીતે હવે નેપાળ ચીનના અભૂતપૂર્વ પ્રભાવમાં આવી ગયું છે. ભૂતાન-ચીન તો સરહદ શેર કરે છે. શરૂઆતમાં ભૂતાન-ચીન વચ્ચે સરહદી વિવાદો ચાલતા હતા, પરંતુ ચીને એ વિવાદો ઉકેલવાના નામે સંબંધો સુધારવાનું શરૂ કર્યું. બંને દેશોના અધિકારીઓ ભાગ્યે જ એકબીજાના દેશની મુલાકાત કરતા હતા, તેના બદલે છેલ્લાં પાંચ વર્ષમાં ચિત્ર ઘણું બદલાયું છે. ભૂતાનમાં પણ વેપારના નામે ચીની કંપનીઓનો પગપેસારો વધ્યો છે. મ્યાંમાર સાથે ચીને લશ્કરી સંબંધો વિકસાવ્યા છે. શસ્ત્ર-સામગ્રી આપવાના કરારો થવા માંડયા છે. મ્યાંમારમાં સત્તા પરિવર્તન ચીનના ઈશારે જ થયું હતું. ચીને મ્યાંમારમાં લશ્કરી અધિકારીઓને તાબામાં લઈને મજબૂત પક્કડ જમાવી છે.
ભારતના પાડોશી દેશોના આ લિસ્ટમાં હવે લેટેસ્ટ ઉમેરો બાંગ્લાદેશનો થયો છે. ચીન-બાંગ્લાદેશ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો આજકાલના નથી. છેક ૧૯૭૬માં જ બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો શરૂ થયા હતા, પરંતુ બાંગ્લાદેશની વિદેશ નીતિ સંતુલિત હતી. છેલ્લાં દોઢેક દશકાથી ચીને બાંગ્લાદેશમાં અનેક ડેવલપમેન્ટ પ્રોજેક્ટ શરૂ કર્યા હોવા છતાં શેખ હસીનાની સરકારે ભારત-ચીન વચ્ચે સંતુલન જાળવવાની નીતિ અપનાવી હતી. બાંગ્લાદેશે અનેક પ્રોજેક્ટ ચીનને આપ્યા હોવા છતાં ભારતના હિતો ન જોખમાય તેનું ધ્યાન રાખ્યું હતું. શેખ હસીના ભારતને વિશ્વાસુ પાડોશી ગણાવતા હતા. શેખ હસીના ચાર વખત બાંગ્લાદેશના વડાંપ્રધાન રહ્યા ને એ દરમિયાન ચીનની એક હદથી વધારે ઘૂસણખોરી થઈ ન હતી. શેખ હસીના વિરોધીઓ એ મુદ્દો વારંવાર ઉઠાવતા પણ હતા, છતાં તેમણે છેક સુધી સંતુલનની પૉલિસી જાળવી રાખી હતી, પરંતુ ૨૦૨૪માં શેખ હસીના સામે રાષ્ટ્રવ્યાપી બળવો થયો ને તેમણે રાતોરાત સત્તા છોડીને ભારત આવી જવું પડયું પછીથી બાંગ્લાદેશમાં ઝડપભેર રાજકીય સ્થિતિ પલટાઈ ગઈ.
એક તો શેખ હસીનાને ભારતે રાજકીય શરણ આપ્યું હોવાથી ભારત વિરોધી વલણ ધરાવતા બાંગ્લાદેશના નેતાઓને ચીનની નજીક જવાની તક મળી ગઈ. બીજું, ચીને પણ બાંગ્લાદેશની અસ્થિર રાજકીય સ્થિતિનો ગેરલાભ લઈને, ખાસ તો શેખ હસીનાની સંતુલિત વિદેશ નીતિની ગેરહાજરીનો ગેરલાભ મેળવીને બાંગ્લાદેશમાં ઘૂષણખોરી વધારી દીધી. મોહમ્મદ યૂનુસની રખેવાળ સરકાર હતી ત્યારે જ ચીને બાંગ્લાદેશના જુદી જુદી પાર્ટીના ૧૪ નેતાઓને આમંત્રણ આપીને ભારે આગતા-સ્વાગતા કરી હતી. એ વખતે લશ્કરી શસ્ત્ર-સામગ્રીના કરારો પણ કર્યા હતા. બાંગ્લાદેશમાં આ વર્ષે નવેસરથી ચૂંટણી થઈ. તારીક રહેમાન નવા વડાપ્રધાન બન્યા. તેણે સત્તામાં આવતાની સાથે જ બાંગ્લાદેશની આર્મીને મજબૂત બનાવવાના પ્રયાસો શરૂ કર્યા ને તેના ભાગરૂપે એક ડ્રોન રેજિમેન્ટ બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરીને ચીન પાસેથી ડ્રોન ખરીદવાનો કરાર કર્યો.
ચીને છેલ્લાં બે વર્ષમાં, પહેલાં યૂનુસની રખેવાળ સાથે અને પછી તારીક રહેમાનની સરકાર સાથે બાંગ્લાદેશમાં વિકાસકાર્યોના પ્રોજેક્ટ્સ માટે કરોડો ડોલરના કરારો કર્યા છે. એમ તો ભારતના વિરોધ છતાં બાંગ્લાદેશે શેખ હસીનાની સરકાર હતી ત્યારે જ છેક ૨૦૧૬માં ચીનના બેલ્ટ એન્ડ રોડ ઈનિશ્યેટિવ્સને મંજૂરી આપી હતી. એ પ્રોજેક્ટમાં જ ચીનની કંપનીઓએ બાંગ્લાદેશમાં રોકાણ કર્યું હતું. કેટલાક બંદરો, રોડ અને એરપોર્ટ બાંધવાનું કામ ચીનની કંપનીઓ બાંગ્લાદેશમાં કરતી હતી, પરંતુ અગાઉ કરાર થઈ ચૂક્યો હોવાથી જ્યારે શેખ હસીનાની સરકારનું પતન થયું પછી ચીને રોકાણ વધારી દીધું. યુનૂસની રખેવાળ સરકારે ચીનના પ્રોજેક્ટને બેરોકટોક ચાલવા દીધા. ભારત વિરોધી વલણ રાખનારા યુનૂસ ચીનને અટકાવે એવી શક્યતા તો આમેય ન હતી. એ પછી હવે સત્તાવાર રીતે ચૂંટાયેલા વડાપ્રધાનની સરકાર બની પછી નવેસરથી બીઆરઆઈ પ્રોજેક્ટનો વિસ્તાર કર્યો.
ચીને બાંગ્લાદેશ મિશનને પ્રાથમિકતા આપી હોય એમ એક પછી એક જાહેરાતો કરી. તારીક રહેમાનની સરકાર સાથે થયેલા લેટેસ્ટ કરાર પ્રમાણે ચીન બાંગ્લાદેશમાં એક ટેકનિકલ ઈન્સ્ટિટયૂટ બનાવશે. બાંગ્લાદેશના એજ્યુકેશન સેક્ટરમાં ચીનની આ પહેલી દખલ છે, પણ છેલ્લી નહીં હોય. આગામી સમયમાં ચીન બાંગ્લાદેશના એજ્યુકેશનને પ્રભાવિત કરશે એ નક્કી છે. બાંગ્લાદેશને જરૂરી મિલિટરી હાર્ડવેર આપીને ચીને ૭૦ ટકા હિસ્સો કબજે કરી લીધો છે. ટેન્કથી લઈને નેવી માટેની જરૂરી સામગ્રી બાંગ્લાદેશ હવે ચીન પાસેથી ખરીદવાનું છે. ચીન બાંગ્લાદેશનું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર છે. ભારત આ મામલે બીજા ક્રમે ખસેડાયું છે. આટલું ઓછું હોય એમ હવે પાકિસ્તાનની જેમ બાંગ્લાદેશમાં પણ ચીનના ફાઈટર વિમાનો ગરજવાના છે. પહેલાં એવી અટકળો ચાલતી હતી કે બાંગ્લાદેશની સરકાર ફ્રાન્સ પાસેથી ફાઈટર વિમાનો ખરીદશે. તે સિવાયના વિકલ્પોની તલાશ પણ ચાલતી હતી, પણ તાજેતરમાં તારીક રહેમાનના સલાહકાર ઝાહીર ઉર રહેમાને જણાવ્યું કે બાંગ્લાદેશ ચીનના જે-૧૦સીઈ વિમાનો ખરીદશે. ભારતના રફાલ વિમાનોની મશ્કરી કરતાં ઝાહીરે કહ્યું કે ચીની વિમાનોની મદદથી જ પાકિસ્તાને ઓપરેશન દરમિયાન ભારતના લડાકુ વિમાનોને તોડી પાડયા હતા.
બાંગ્લાદેશમાં આર્થિક અને લશ્કરી બંને બાબતોમાં ચીનનો પ્રભાવ તો વધ્યો જ હતો, એમાં કૂટનીતિનો ઉમેરો થયો છે. બાંગ્લાદેશની સરકારે જાહેરાત કરી છે કે ચીન-બાંગ્લાદેશ વચ્ચે ટુ પ્લસ ટુ ડાયલોગ્સ શરૂ થશે. ટુ પ્લસ ટુ ડાયલોગ્સનો અર્થ એ થાય કે બે દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો નવી ઊંચાઈએ પહોંચશે. બાંગ્લાદેશમાં છેલ્લાં બે વર્ષમાં જે રીતે ચીન-ચીન થયું છે એ કૂટનીતિની દૃષ્ટિએ ભારત માટે બિલકુલ સારા સંકેત નથી.




