Editorial

પ્રશાંત મહાસાગરમાં ચીનની ઘૂસણખોરી રોકવા ઓસ્ટ્રેલિયા-વાનુઆતુ વચ્ચે કરાર

By GS Team
3 Jul 20265 mins read
TukuTouch Logo
ચીન પ્રશાંત મહાસાગરમાં સૈન્ય પ્રભાવ વધારવા પ્રયાસ કરતા, ઓસ્ટ્રેલિયા સક્રિય બન્યું છે. ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થની અલ્બનીઝે વાનુઆતુના વડાપ્રધાન જોથામ નેપથ સાથે "નો ફોરેન મિલિટરી બેઝ" કરાર પર હસ્તાક્ષર કર્યા. આ કરાર ઓશેનિયા ખંડમાં ચીનના લશ્કરી મથકો સ્થાપવાના પ્રયાસોને રોકવા માટે મહત્વપૂર્ણ છે. ઓસ્ટ્રેલિયા અન્ય ટાપુ દેશો સાથે પણ આવા કરારો કરવા સક્રિય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પ્રશાંત મહાસાગરમાં ચીનની ઘૂસણખોરી રોકવા ઓસ્ટ્રેલિયા-વાનુઆતુ વચ્ચે કરાર

વર્લ્ડ વિન્ડો
ચીન પ્રશાંત મહાસાગરમાં લશ્કરી ગતિવિધિ વધારવાની પેરવીમાં છે. ચીનનો આ વિસ્તારમાં પગપેસારો રોકવા ઓસ્ટ્રેલિયા સક્રિય થયું છે
ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થની અલ્બનીઝ (જમણે) અને વાનુઆતુના વડાપ્રધાન જોથામ નેપથ

જેને ઓસ્ટ્રેલિયા કે ઓશેનિયા ખંડ કહેવાય છે ત્યાં અત્યાર સુધી ચીનનું લશ્કરી મથક નથી. એ સિવાયના ખંડોમાં એક નહીં તો બીજી રીતે ચીને લશ્કરી મથકો બનાવ્યા છે. સત્તાવાર રીતે આફ્રિકાની ખાડીમાં જીબૂટી સિવાય ક્યાંય ચીન લશ્કરી મથક બતાવતું નથી, પરંતુ હકીકતે ગ્લોબલી ૮૦ જેટલાં મથકો સક્રિય છે. ડેવલપમેન્ટ પ્રોજેક્ટના નામે કે પછી બંદરોના વિકાસ માટે જે તે દેશનો લોન આપીને કે વેપાર જેવા અનેક કારણોથી ચીન આખી દુનિયામાં મિલિટરી હાજરી નોંધાવે છે.
અમેરિકાની દુનિયાના ૮૦ દેશોમાં લશ્કરી હાજરી છે. અમેરિકા પછી બ્રિટન, ફ્રાન્સ, રશિયા જેવા દેશો પણ ઘણા દેશોમાં લશ્કરી મથક ધરાવે છે, પરંતુ અમેરિકાની ડિફેન્સ થિંક ટેન્ક, સેન્ટર ફોર ધ ન્યૂ અમેરિકન સિક્યુરિટીના કહેવા પ્રમાણે વૈશ્વિક રીતે અમેરિકાને ટક્કર આપે એટલો લશ્કરી પથારો એકમાત્ર ચીન ધરાવે છે. બ્રિટન, રશિયા અને ફ્રાન્સ જેવા દેશો ભલે લશ્કરી મથકોની બાબતમાં સત્તાવાર રીતે ચીનથી આગળ હોય, પરંતુ સૈન્ય શક્તિની વાત આવે તો અમેરિકાને હંફાવી શકે એવી શક્તિ ચીન પાસે જ છે. મોટા ભાગના દેશો ચીનની રેન્જમાં આવી જાય એવી રીતે છેલ્લા બે દશકામાં ચીને લશ્કરી બિછાત ગોઠવી છે.
પણ ચીનની રેન્જમાં હજુ સુધી ઓશેનિયા ખંડ આવ્યો નથી. દક્ષિણ ચીની સમુદ્રમાંથી ઓશેનિયાનો અમુક ભાગ ચીન કવર કરી શકે છે ને હિંદ મહાસાગરમાંથી પણ આ વિસ્તાર રેન્જમાં આવી જાય છે તે છતાં પ્રશાંત મહાસાગરમાં ચીન ઘણા પ્રયાસો કરે છે છતાં લશ્કરી મથક સ્થાપવાનું શક્ય બન્યું નથી. પ્રશાંત મહાસાગરમાં આવેલા ટાપુ દેશો સાથે પણ ચીન વાટાઘાટો કરે છે. વેપારના નામે કે બંદરોમાં ચીનના લશ્કરી જહાજો રોકાઈ શકે તેવા કરારો માટે પ્રશાંત મહાસાગરમાં આવેલા ને ઓસ્ટ્રેલિયા ખંડમાં ગણાતા ટાપુ દેશોને મનાવવા ચીનના અનેક પ્રયાસો છતાં અમેરિકા-ઓસ્ટ્રેલિયાના કારણે સફળતા મળી નથી.
ઉત્તર પ્રશાંત મહાસાગરમાં તો અમેરિકાનો દબદબો હોવાથી ચીનને સફળતા મળે નહીં. દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં ઘણા નાના અને વિકાસશીલ કે ગરીબ દેશો છે જેને ટાર્ગેટ કરવાથી કદાચ સફળ થઈ શકાય. દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ એમ બે મોટા દેશોને બાદ કરતાં નાના-નાના ૧૨ ટાપુ દેશો છે. ફિજી, પાપુઆ ન્યૂ ગિનીવા, સોલોમન, સામોઆ, ટોંગા, તુવેરુ અને વાનુઆતુ જેવા દેશો આ સમુદ્રી વિસ્તારમાં આવે છે. એ ઓસ્ટ્રેલિયા ખંડનો હિસ્સો છે. જો આ ટાપુ દેશમાંથી એક-બેને મનાવી શકાય તો અમેરિકા ઉપરાંત ઓસ્ટ્રેલિયા પર પણ વ્યૂહાત્મક દબાણ કરી શકાય.
આ ગણતરી સાથે ચીને આર્થિક રીતે નબળા સોલોમન પર સૌથી પહેલાં કોશિશ કરી હતી. સોલોમનના ટાપુઓને ડેવલપ કરવાના બહાને ચીનની સરકારે કરારો પણ કર્યા હતા. ચીને સોલોમનને વિકાસ પ્રોજેક્ટ માટે તગડી લોન આપવાનું શરૂ કર્યું હતું. ૨૦૧૫થી સોલોમનને આર્થિક સહાયથી ટાર્ગેટ કરવાનો પ્લાન અમલી બન્યો હતો ને ૨૦૧૯માં તો ચીને સોલોમનનો તુલાગી ટાપુ ખરીદી દીધો હોવાનો દાવો પણ થયો હતો. સોલોમન સરકારે ટાપુ ભાડે આપ્યાના અહેવાલો આવ્યા ત્યારથી આ ટાપુ દેશમાં ઘણા લોકો તેનો વિરોધ કરી રહ્યા હતા. ૨૦૨૦માં તો પાટનગર હોનિયારામાં હિંસક પ્રદર્શનો થયાં હતાં. ઓસ્ટ્રેલિયા-અમેરિકાએ પણ સોલોમન પર રાજકીય દબાણ શરૂ કર્યું હતું.
સોલોમન ટાપુઓમાં ચીનની હાજરી હોય તો તેની સૌથી વધુ અસર ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડને થાય. ચીનની કંપની ચાઈના સેમ એન્ટરપ્રાઈઝ ગુ્રપને ટાંકીને ત્યારે કહેવાયેલું કે આ ટાપુ ૭૫ વર્ષના ભાડેથી લેવાયો છે અને તેનો વિકાસ એક બંદર તરીકે કરાશે. જોકે, સોલોમનની સરકારે સત્તાવાર રીતે એવી કોઈ જાહેરાત કરવાનું ટાળ્યું હતું. ચીનની કંપની એ ટાપુ ખરીદીને એનો ઉપયોગ લશ્કરી ગતિવિધિ માટે ચીનની સરકારને આપે એવી દલીલ કરીને ઓસ્ટ્રેલિયાએ ચિંતા વ્યક્ત કરી હતી. એ પછી થોડો વખત બધું શાંત થયું હતું ને ત્યાર બાદના ઘટનાક્રમમાં સોલોમનની સરકારે જ એવી સ્પષ્ટતા કરી હતી કે કંપની સાથેનો કરાર અયોગ્ય હતો અને સોલોમને ખાસ આર્થિક ફાયદો થતો ન હતો એટલે વાટાઘાટો ક્લોઝ કરી દેવામાં આવી છે.
તુલાગીની ઘટના પછી ઓસ્ટ્રેલિયાની સરકાર સફાળી જાગી હતી. સોલોમન જેવું બીજા કોઈ દેશ સાથે ન થાય તે માટે ઓસ્ટ્રેલિયાએ ઓશેનિયાના તમામ દેશો સાથે રાજદ્વારી સંબંધો મજબૂત બનાવવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, ચીન લાભ ન લઈ જાય તે માટે અમેરિકા-ઓસ્ટ્રેલિયાએ આવા દેશોને જરૂરી આર્થિક સહાયની નીતિ પણ અમલી બનાવી. ઓસ્ટ્રેલિયાએ પ્રશાંત મહાસાગરમાં, ખાસ તો દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં ચીનનો પ્રભાવ ઘટાડવા માટે આ નાના-નાના દેશોને આર્થિક મદદ ઉપરાંત 'નો ફોરેન મિલિટરી બેઝ'ના કરારો કરવાનો વ્યૂહ પણ અમલમાં મૂક્યો.
ઓસ્ટ્રેલિયા 'નો ફોરેન મિલિટરી બેઝ'ની હિમાયત કરીને ઓશેનિયાના દેશોને એવું સમજાવે છે કે ઓશેનિયા સિવાયના દેશો સાથે લશ્કરી કરાર કરવાથી લાંબા ગાળે તેમની સ્વતંત્રતા જોખમમાં મૂકાઈ શકે છે. ઓસ્ટ્રેલિયા આવા દેશોને જરૂર પડે ત્યારે લશ્કરી સહાયની ખાતરી આપે છે અને ઓસ્ટ્રેલિયામાં પણ કોઈ વિદેશી આર્મીનું લશ્કરી મથક નહીં બને તેની ખાતરી આપે છે. ૨૦૨૨થી ઓસ્ટ્રેલિયન સરકારે ઓશેનિયાના દેશો સાથે આ મુદ્દે વાટાઘાટો આદરી હતી. એમાંથી ઘણા દેશો હજુ ડ્રાફ્ટ તૈયાર કરે છે તો અમુક દેશોમાં સંસદીય પરવાનગી માટે કરારો અટક્યા છે. ફિજી જેવા એક-બે દેશોને ચીને આર્થિક રોકાણ અને બંદરોના વિકાસની યોજનાઓમાં રોકી રાખ્યું છે એટલે ઓસ્ટ્રેલિયાનો કરાર આગળ વધતો નથી.
આવી પરિસ્થિતિમાં આ પ્રયાસોના ભાગરૂપે ઓસ્ટ્રેલિયાએ પહેલો સત્તાવાર કરાર વાનુઆતુ સાથે કર્યો છે. નાકામલ અગ્રીમેન્ટ પર ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થની અલ્બનીઝ અને વાનુઆતુના વડાપ્રધાન જોથામ નેપથે હસ્તાક્ષર કર્યા એ સાથે જ ઓસ્ટ્રેલિયાના આ મિશનની શરૂઆત થઈ ગઈ છે. આ સમજૂતી મહત્ત્વની એટલા માટે પણ છે, કારણ કે ગયા વર્ષે વાનુઆતુએ તેના ડ્રાફ્ટને ફગાવી દીધો હતો. આ ટાપુ દેશની દલીલ હતી કે આવા કરારથી રોકાણકારો પ્રભાવિત થઈ શકે અને દેશના વિકાસમાં જે રોકાણ આવે તે અટકી શકે છે. જોકે, ઓસ્ટ્રેલિયાની સરકારે એક વર્ષમાં ફરીથી વાનુઆતુને આ કરાર માટે મનાવી લીધું છે. વાનુઆતુ અને ચીન વચ્ચે પણ ઘણા સમયથી વેપારી કરાર ચાલતા હતા. ચીન ગમે તેમ કરીને વાનુઆતુ સાથે વેપારી કરાર કરીને કરોડોનું રોકાણ કરવાની ફિરાકમાં હતું અને ઓસ્ટ્રેલિયા સાથેનો કરાર અટકાવવા માંગતું હતું, પરંતુ આ સ્પર્ધામાં આખરે ઓસ્ટ્રેલિયાએ બાજી મારી લીધી છે.
ઓશેનિયામાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ સહિત ૧૪ દેશો છે. ઓસ્ટ્રેલિયા અત્યારે સામોઆ, પાપુઆ ન્યૂ ગિનીવા, કિરિબાતી, પાલાઉ અને તુવાલુ સાથે આ પ્રકારના કરાર માટે વાટાઘાટો અંતિમ તબક્કામાં ચલાવે છે. ઓશેનિયામાં વિદેશી લશ્કરી મથકો ન સ્થપાય તે દક્ષિણ પ્રશાંત મહાસાગરની શાંતિ-સલામતી માટે તો અગત્યનું છે જ, પરંતુ ચીનનો વધતો લશ્કરી પ્રભાવ અટકે તે પણ વિશ્વશાંતિ માટે બેહદ જરૂરી છે.