ફિલ્મો માટે બેસ્ટ પ્રમોશન, બેસ્ટ પ્રિમિયર એવોર્ડ પણ શરુ કરો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- અગડમ્ બગડમ્-બાબા આદમ
- 'ગુજરાતી થાળી મારી ફેવરિટ છે' એવું કહેવાની એક્ટિંગનો પણ એકાદ એવોર્ડ આપો
આ વખતે સરકારે નવું વિચારીને નેશનલ એવોર્ડ દિલ્હીને બદલે ગુજરાતના કેવડિયામાં આપી દીધા છે. તો ચાલો, આ બહાને નવા જમાના પ્રમાણે નવી સ્ટાઈલના કેટલાક એવોર્ડો શરુ કરવાની ભલામણ કરી જ દઈએ.
બેસ્ટ પ્રિમિયર એવોર્ડ
એ તો નક્કી છે કે આ એવોર્ડ તો દર વખતે ગુજરાતી ફિલ્મો જ લઈ જશે. કારણ કે ગુજરાતી ફિલ્મોમાં કલાકારો, વાર્તા, ડિરેક્શન કે ઈવન બોક્સ ઓફિસ કલેક્શન કરતાં પણ પ્રિમિયરહિટ જાય તેનું જ મહત્ત્વ વધારે હોય છે. પ્રિમિયરોમાં ગુજરાતી કલાકારો જાણે પાછલા કુંભમેળાઓમાં વિખૂટાં પડી ચૂકેલાં સ્વજનો હોય એમ એકબીજાને ઉમળકાભેર મળે છે, ડિરેક્ટરો અને સ્ટોરી રાઈટરો પોતે વિશ્વની સૌથી મહાનત્તમ ફિલ્મ બનાવી હોય એવી મુખમુદ્રા સાથે સૌને આવકારે છે અને ગુજરાતી ફિલ્મોના ગ્રાન્ડ ટોટલ પ્રેક્ષકો કરતાં પણ વધુ સંખ્યા ધરાવતા ફિલ્મ રિવ્યુકારો સમોસાની ક્વોલિટી પ્રમાણે કેવો લાંબો રિવ્યુ લખવો તેની ગહન ચર્ચાઓ કરે છે. કહે છે કે જેમ કેટલાંક પુસ્તકો માત્ર વિમોચનના દિવસે સ્ટેજ પરના મહાનુભવોના હાથમાં દેખાય છે તેમ કેટલીક ફિલ્મો પણ માત્ર પ્રિમિયર નિમિત્તે જ જોવાય છે.
બેસ્ટ પ્રમોશન
હવે તો ફિલ્મનાં કુલ બજેટનું લગભગ અડધું બજેટ તો પબ્લિસિટી અને પ્રમોશનમાં ખર્ચાઈ જાય છે. ગમે તેવી કચરો ફિલ્મને પણ 'મોગલ-એ-આઝમ' કરતાં પણ ભવ્ય પિક્ચર તરીકે રજૂ કરનારા આ પ્રમોશનબાજોને પણ એકાદો એવોર્ડ તો મળવો જોઈએ.
બેસ્ટ થાળી એક્ટિંગ
આ એવોર્ડ પણ ગુજરાતની ધરતી પર થયેલી એક્ટિંગ માટે જ સમર્પિત રહેશે. દર ફિલ્મની રજૂઆત પહેલાં મુંબઈથી કલાકારો અમદાવાદ-રાજકોટ-સુરતની ધરતી પર ઉતરી આવે છે અને કોઈ ગુજરાતી થાળીમાં જમવાના પોઝ આપીને 'ગુજરાતી થાળી તો મારી ફેવરિટ છે' 'હું તો પડોશી ગુજરાતી આન્ટીને ત્યાં ઢોકળાં ખાઈને જ મોટો થયો છું ' એ ટાઈપના એકના એક ડાયલોગો વર્ષોથી બોલ્યા જ કરે છે, બોલ્યા જ કરે છે. આ બહુ અઘરી એક્ટિંગ છે તો એ માટે કોઈ એવોર્ડ કેમ નહીં?
બેસ્ટ સ્ટોરીલેસ મૂવી
આજકાલ કેટલીક ફિલ્મોમાં દર્શકો બિચારા બે-ત્રણ કલાક સુધી એ જ વાતે માથું ખંજવાળ્યા કરે છે કે આખી વાતમાં સ્ટોરી શું છે. વર્ષો પહેલાં સાહિત્યમાં ઘટનાનો લોપ થાય તેવી સાહિત્યકૃતિઓની બહુ ફેશન હતી. તે ફેશન હવે ફિલ્મ જગતમાં પાછી આવી છે. તેને પણ એવોર્ડ આપવા માંડો.
બેસ્ટ બજેટ મિસયુઝ એવોર્ડ
અમુક ફિલ્મો માટે પહેલાં એવા સમાચાર આવે કે એ ૫૦ કરોડ, ૧૦૦ કરોડ, ૨૦૦ કરોડના બની છે પણ પછી ફિલ્મ જોઈને દર્શકોને સવાલ લાગે કે આ ફિલ્મ બનાવવામાં પાંચ લાખ પણ વપરાયા હશે ખરા? આવાં અદ્ભુત નાણાંકીય પરાક્રમો કરનારા સર્જકોને બેસ્ટ બજેટ મિસયુઝ એવોર્ડ આપવો જોઈએ. જોકે, આ એવોર્ડ કેશ કે સર્ટિફિકેટ કે ટ્રોફીને બદલે નહિ પરંતુ સરકારી ડિપાર્ટમેન્ટમાં સલાહકારની પોસ્ટ પર નિયુક્તિ કરીને આપી શકાય. બજેટ વેડફનારા એક્સપર્ટોની ત્યાં જ સૌથી વધુ જરુર હોય છે.
આદમનું અડપલું
ગુજરાતી ફિલ્મોના ડિરેક્ટરો જેને લાયક પાત્ર સતત શોધતા હોય છે એ એવોર્ડ છે બેસ્ટ ફાઈનાન્સિઅર એવોર્ડ!




