Editorial

ડીએચએલ કંપનીના નામે પાંચ રૂપિયાનું ટોકન મોકલ્યું અને નાણાં ગુમાવ્યા

By GS TEAM
14 Mar 20261 min read
ડીએચએલ  કંપનીના નામે પાંચ રૂપિયાનું ટોકન મોકલ્યું અને નાણાં ગુમાવ્યા

અમદાવાદ, શનિવાર

શહેરના વેજલપુરમાં રહેતા સિનિયર સિટીઝનને તેમના પુત્રને દુબઇ પાર્સલ મોકલવાનું હોવાથી ગુગલ પરથી ડીએચએલ કુરીયર કંપનીનો નંબર મેળવ્યો હતો અને કોલ કરનારે તેમનો માણસ મોકલી આપવાનું કહીને ટોકન માટે પાંચ રૂપિયા ઓનલાઇન મંગાવ્યા હતા. બે દિવસ બાદ તેમના મોબાઇલને હેક કરીને એકાઉન્ટમાંથી બે લાખ ઉપાડીને છેતરપિંડી કરી હતી. આ અંગે વેજલપુર પોલીસે ટેકનીકલ એનાલીસીસના આધારે તપાસ શરૂ કરી છે.

વેજલપુરમાં આવેલા શાંતીસદન એપાર્ટમેન્ટમાં રહેતા ૬૬ વર્ષીય પંકજભાઇ ખમાર નિવૃત જીવન પસાર કરે છે. તેમનો પુત્ર રવિ દુબઇમાં રહે છે. તેને ગ્રોસરીનો સામાન દુબઇમાં મોકલાવવાનો હોવાથી તેમણે ગુગલ પર સર્ચ કરીને ડીએચએલ કુરિયર કંપનીનો મોબાઇલ મેળવ્યો હતો.  કોલ રીસીવ કરનારે પોતાની ઓળખ  ડીએચએલની સરખેજ બ્રાંચના કર્મચારી તરીકે આપી હતી અને તેમનો માણસ પાર્સલ લઇ જશે તેમ જણાવીને ટોકન પેટે પાંચ રૂપિયા ઓનલાઇન મંગાવ્યા હતા.

પરંતુ, ત્યારબાદ કુરિયર કંપનીનો કોઇ માણસ આવ્યો નહોતો. તેમણે બે દિવસ બાદ બે લાખ રૂપિયાનો ચેક બેકમાં જમા કરાવ્યો હતો. પરંતુ, એકાઉન્ટ અપડેટના મેસેજ આવતા બંધ થઇ ગયા હતા. જેથી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કોઇએ  પાંચ રૂપિયાની રકમ ઓનલાઇન મંગાવીને એકાઉન્ટ હેક કરીને તેમના એકાઉન્ટમાંથી બે લાખ ઉપાડી લીધા હતા. આ અંગે વેજલપુર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.