રોકાણ પર મહિને ગેંરટેડ ત્રણ ટકા વ્યાજનું કહીને કરોડોની છેતરપિંડી

અમદાવાદ, શનિવાર
એસ જી હાઇવે પર આવેલા વેસ્ટ ગેટ કોમ્પ્લેક્સમાં વેલ્થ મેનેજમેન્ટ કંપની શરૂ કરીને રોકાણ પર પ્રતિમાસ ત્રણ ટકા વળતર આપવાની ખાતરી આપીને સિદ્ધાર્થ રાવલ નામને ગઠિયાએ કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર મામલે સરખેજ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.શેલામા આવેલા સ્કાય સીટી આર્કસ એપાર્ટમેન્ટમાં રહેતા સિદ્ધાર્થ રાવલ નામના વ્યક્તિએ એસ જી હાઇવે પર આવેલા વેસ્ટ ગેટ કોમ્પ્લેક્સના ૧૪માં માળે સીલીકોન વેલ્થ મેનેજમેન્ટ નામની કંપની શરૂ કરીને અમદાવાદ અને ગુજરાતના અન્ય શહેરોમાં રહેતા લોકોને વિશ્વાસમાં લઇને તેમને રોકાણ પર મહિને ત્રણનું ગેંરટેડ વળતર આપવાનું કહીને કરોડો રૂપિયાનું રોકાણ કરાવીને થોડા મહિના સુધી નાણાં આપ્યા બાદ ખુબ મોટાપ્રમાણમાં છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે.
પાલડીમાં રહેતા આશીનીબેન શાહ સહિતના અનેક રોકાણકારોએ સરખેજ પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવી છે. રોકાણકારોમાં અનેક સિનિયર સિટીઝનને પણ ટારગેટ કરીને બચતના નાણાં હડપ કરી દીધા હતા. સરખેજ પોલીસ મથકે આગામી સમયમાં સિદ્ધાર્થ રાવલ વિરૂદ્ધ વધુ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે.









