Editorial

હોર્મુઝની ખાડી પછી હવે રાતા સમુદ્રમાં પણ ટોલ વસૂલવાની પેરવી

By GS Team
31 Jul 20265 mins read
TukuTouch Logo
ઈરાન સમર્થિત હૂથી બળવાખોરોએ રાતા સમુદ્રમાં વેપાર ખોરવી દીધો છે. તેમણે જહાજોને 'ટોલ ચૂકવો અથવા હુમલા માટે તૈયાર રહો'નું ફરમાન કર્યું છે. દુનિયાની 25-30% આયાત-નિકાસ અને 12-15% ક્રૂડનો વેપાર આ માર્ગે થાય છે, જે હવે પ્રભાવિત થયો છે. આનાથી વૈશ્વિક અર્થતંત્ર પર નકારાત્મક અસર થશે અને ચીજવસ્તુઓ મોંઘી બનશે.

Summarized by AI; it may make mistakes. Check important info

હોર્મુઝની ખાડી પછી હવે રાતા સમુદ્રમાં પણ ટોલ વસૂલવાની પેરવી
  • વર્લ્ડ વિન્ડો
  • ઈરાન સમર્થિત હૂથી બળવાખોરોએ રાતા સમુદ્રનો વેપાર ખોરવી દીધો છે. હૂથી બળવાખોરોએ નવું ફરમાન બહાર પાડયું છેઃ 'જહાજનો ટોલ ચૂકવો અથવા હુમલા માટે તૈયાર રહો!'

રેડ સી/રાતો સમુદ્ર એટલે આફ્રિકા અને અરબની ખાડીને જુદો પાડતો સમુદ્ર. મૂળ તો આ સમુદ્ર હિંદ મહાસાગરનો જ હિસ્સો છે. બાબ અલ મંદેબની ખાડી વાટે રાતો સમુદ્ર હિંદ મહાસાગર સાથે જોડાય છે. દુનિયાના સૌથી વ્યસ્ત જળમાર્ગોમાં રાતા સમુદ્રની ગણતરી થાય છે. સાઉદી, સુદાન, ઈજિપ્ત, યમન જેવા દેશો આ સમુદ્રના કાંઠે છે અને એના એક્સક્લૂઝિવ ઈકોનોમિક ઝોનમાં આવે છે. ઉનાળા દરમિયાન આ સાગરની ઉપરની સપાટી કુદરતી રીતે જ લાલ દેખાતી હોવાથી એને લાલ સાગર કે રાતો સમુદ્ર કહેવાય છે.
ગ્લોબલ ઈકોનોમીમાં આ રસ્તે થતાં વેપારનો ઘણો મોટો હિસ્સો છે. દુનિયાની ૨૫-૩૦ ટકા આયાત-નિકાસ આ રસ્તેથી થાય છે. લગભગ ૨૫-૨૮ કરોડ કન્ટેઈનર માટે આ રસ્તો પસંદ કરવામાં આવે છે. એશિયાથી યુરોપ જતી ૧૫ ટકા જીવન-જરૂરી ચીજવસ્તુઓ રેડ સી રૂટથી જાય છે. તો ૨૧.૫ ટકા ઓઈલના ટેન્કર રાતા સમુદ્રમાંથી નીકળે છે. ટીવી, મોબાઈલ, કપડા, સ્પોર્ટ્સ ઈક્વિપમેન્ટ જેવી કેટલીય ચીજવસ્તુઓ આ રસ્તેથી આફ્રિકા-યુરોપ લઈ જવાય છે. રાતા સમુદ્રના રસ્તેથી ક્રૂડ ઓઈલનો મોટો જથ્થો આફ્રિકા, યુરોપ અને એશિયન દેશોમાં પહોંચે છે. વૈશ્વિક ક્રૂડનો ૧૨થી ૧૫ ટકા વેપાર રાતા સમુદ્રના રસ્તે થાય છે. સાઉદીનું તો ૭૦ ટકા ક્રૂડ આ માર્ગથી જ પસાર થાય છે.
છેલ્લાં ઘણાં સમયથી હૂથી બળવાખોરો આ માર્ગને રંઝાડે છે એટલે સાઉદીની ૪૧ ટકા જેટલી નિકાસ આ રસ્તેથી ઘટી ગઈ છે છતાં સાઉદીના ક્રૂડ નિકાસ માટે રાતો સમુદ્ર અને બાબ અલ મંદેબની ખાડી મહત્ત્વની છે. હૂથી બળવાખોરોએ હવે નવું ફરમાન જારી કર્યું છે કે જહાજનો ટોલ ચૂકવો અથવા તો હુમલા માટે તૈયાર રહો. હોર્મુઝની ખાડીને જે રીતે ઈરાને બંધ કરી દીધી હતી અને વિશ્વના વેપારને ફટકો પહોંચાડયો હતો એ જોઈને હૂથી બળવાખોરોને પણ ચાનક ચડી છે. હોર્મુઝની તર્જ પર જ હૂથીઓએ રાતા સમુદ્રને, ખાસ તો બાબ અલ મંદેબની ખાડીને બંધ કરવાની જાહેરાત કરી દીધી છે.
હૂથી બળવાખોરો છેલ્લા પાંચ-સાત વર્ષથી આ માર્ગમાં વારંવાર અવરોધ ઉભો કરે છે. અગાઉ અનેક વખત કાર્ગો શિપને રોકી રાખ્યા હોવાના બનાવો બની ચૂક્યા છે. ૨૦૨૩થી અત્યાર સુધીમાં જ હૂથી બળવાખોરોએ નાના-મોટા ૧૦૦ જહાજો પર હુમલા કર્યા છે. ભારતીય કાર્ગો શિપ કે ભારતીય ક્રૂ પણ હૂથી બળવાખોરોના અપહરણનો ભોગ બન્યા છે. ઈઝરાયલના સહાયક દેશોના કાર્ગો જહાજોને હૂથી આતંકવાદીઓ વધુ નિશાન બનાવે છે. સતત હુમલાના કારણે ઘણાં સમયથી રાતા સમુદ્રનો રસ્તો પ્રભાવિત થયો છે. ઈઝરાયલ-અમેરિકાની ઘણી મોટી કંપનીઓએ એ રસ્તેથી કાર્ગો જહાજ લાવવા-લઈ જવાનું બંધ કરી દીધું છે અને તે સિવાયના વૈકલ્પિક રસ્તા પસંદ થવા માંડયા છે, પણ તેનાથી સરવાળે ચીજવસ્તુઓ મોંઘી થાય છે.
૧૯૯૪થી હૂથી સંગઠનો યમનની સત્તા માટે લડે છે. યમનના ઉત્તર પ્રાંતોમાં રહેલા જાયદી શિયા જૂથના આ બળવાખોરોનું ઈરાન સાથે ગઠબંધન છે. ૨૦૧૧માં અરબ ક્રાંતિની લહેર ઉઠી તેના પરિણામે યમનના આ બળવાખોરોના આંદોલનને ઉત્તેજન મળ્યું હતું. હૂથીઓના સામાજિક આંદોલનના પરિણામે જ યમનમાં ૩૩ વર્ષથી સત્તામાં રહેલા અલી અબ્દુલ્લા સાલેહે સત્તા છોડવી પડી હતી. તેના બદલે ૨૦૧૨માં અબ્દરબ્બુ મંસૂર હાદી પ્રમુખ બન્યા હતા, પરંતુ તેમની સામે પણ થોડા સમયમાં જ હૂથી બળવાખોરોને વાંધો પડયો હતો. ૨૦૨૨ સુધી હાદી સત્તામાં રહ્યા પછી રશદ અલ અલિમી પ્રમુખ છે.
ઈરાન સમર્થિત હૂથીઓ યમનમાં સિવિલવોર પછી આખાય દેશનો કબજો મેળવવા માંગે છે અને તેને બળવાખોર જૂથ નહીં પરંતુ રાજકીય સંગઠન તરીકે માન્યતા આપવાની પણ ડિમાન્ડ કરે છે. ઈઝરાયલ, અમેરિકા અને સાઉદી સામે તેને મુખ્ય વાંધો છે. કેટલાય વર્ષોથી રાતા સમુદ્રમાં, ખાસ તો બાબ અલ મંદેબની ખાડીનો કંટ્રોલ મળે તે માટે હુમલા કરે છે. રાતા સમુદ્રમાંથી પસાર થવું હોય તો યમન નજીકથી નીકળ્યા વગર છૂટકો પણ નથી. એ સમજતા હૂથી બળવાખોરો એનો બરાબર ગેરલાભ ઉઠાવી રહ્યા છે. રાતો સમુદ્ર ભૂમધ્ય સમુદ્રને જોડતો હોવાથી એશિયા-યુરોપનો મોટો વેપાર આ રસ્તે થાય છે. રાતા સમુદ્રનો માર્ગ જો બંધ થાય તો કેપ ઓફ ગુડ હોપ થઈને કાર્ગો શિપ ચાલે. એ રસ્તે કાર્ગો શિપને એશિયાથી યુરોપ પહોંચતા ૩૪-૩૫ દિવસ લાગે. એના બદલે રાતા સમુદ્રથી એ જ અંતર ૨૪-૨૫ દિવસમાં પૂરુ થઈ જાય. અંતર પણ સાડા ત્રણથી ચાર હજાર નોટિકલ માઈલ જેટલું વધી જાય. સમય, બળતણ, ક્રૂનો પગાર - એમ બધી રીતે બીજો રૂટ ખર્ચાળ સાબિત થાય.
ઘણાં એક્સપર્ટ્સ એવું માને છે કે ઈરાનના ઈશારે જ નવેસરથી હૂથીઓએ રાતા સમુદ્રમાં તરખાટ મચાવ્યો છે. ખાસ તો બાબ અલ મંદેબની ખાડીને બંધ કરીને ત્યાંથી ટોલ લેવાનો આઈડિયા ઈરાનનો છે. ઈરાન આ વ્યૂહ બનાવીને અમેરિકા-ઈઝરાયલ પર દબાણ વધારવા માંગે છે. અત્યારે હોર્મુઝની ખાડી બિલકુલ સલામત નથી. ક્યારે શું સ્થિતિ બદલાશે તે કોઈ કહી શકે તેમ નથી. આવી સ્થિતિમાં હોર્મુઝનો રસ્તો લઈને વેપારી જહાજો આવવા-જવાનું જોખમ લેવા માંગતા નથી. હવે તો રાતા સમુદ્રનો માર્ગ પણ બંધ થઈ જાય તો મિડલ ઈસ્ટના અમેરિકાના સાથી દેશો અમેરિકા પર દબાણ લાવશે. અમેરિકા-ઈરાન યુદ્ધ બંધ કરવા કે પછી સમજૂતી કરવા માટેના પ્રયાસોને બાબ અલ મંદેબની ખાડી બંધ કરવાની બળ મળશે એવી ઈરાનની ધારણા છે.
ઓલરેડી અત્યારે હોર્મુઝની ખાડીથી થતો વેપાર ખોરવાયો હોવાથી આખી દુનિયામાં ક્રૂડ ઓઈલની અછત સર્જાઈ છે. જો રેડ સીનો માર્ગ પણ હવે પ્રભાવિત થશે તો ભારત સહિતના કેટલાય દેશો ફરીથી મુશ્કેલીમાં મૂકાશે. હિંદ મહાસાગરને એડનની ખાડી સાથે જોડવા માટે બાબ અલ મંદેબની ખાડી મહત્ત્વની છે. એ રસ્તે સુએજ નહેર થઈને યુરોપ પહોંચી શકાય છે. યુરોપમાં ગેસ આ રસ્તેથી જ પહોંચે છે તો ભારતમાં ક્રૂડ પણ અરબી સમુદ્રમાં આ રસ્તેથી જ લાવી શકાય છે. આ માર્ગ બંધ થાય કે ટોલ વસૂલવાનું શરૂ થાય તો યુરોપ-એશિયા-આફ્રિકા સુધી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની કિંમત વધશે અને મોંઘવારી બેફામ બનશે. હૂથી બળવાખોરો સાથે સીધી સમજૂતિ કરીને ઘણાં દેશો પોતાના જહાજોને સુરક્ષિત પહોંચાડવા માંડયા છે. એમાં ચીનનો પણ સમાવેશ થાય છે. એવું કરવાથી આંતરરાષ્ટ્રીય સંબંધો પ્રભાવિત થઈ શકે ને સમજૂતિ ન કરવાથી ટોલ ચૂકવવો પડે અથવા તો માર્ગ બદલવો પડે - આ બંને વિકલ્પોમાં ચીજવસ્તુઓની આયાત કોસ્ટ વધી જાય એટલે ભાવો બેકાબૂ બની શકે.
મિડલ ઈસ્ટની ક્રાઈસિસ દિવસે દિવસે વકરતી જાય છે. જો આ યુદ્ધ બંધ નહીં થાય તો વર્ષના અંતે દુનિયાના કેટલાય દેશોમાં આર્થિક કટોકટી સર્જાઈ જશે.