Editorial
અબ કી બાર, મોદક પે મોંઘવારી કી માર... મૂષકોમાં માતમ
By GS Team
18 Sep 20262 mins read
ગણેશ મંડપો ખાલી થતા મધરાત બાદ મૂષક મંડળી ભેગી થઈ. મૂષક 1એ કહ્યું કે, મોદકની સાઈઝ ઘટતા 15 મોદક ખવાય છે, પાચનશક્તિ નથી વધી. મૂષક 3ને મોદક ફિક્કા લાગતા ડાયાબિટીસની ચિંતા થઈ. મૂષક 4એ ખાંડના ભાવ વધારાને કારણ ગણાવ્યું. ભેળસેળિયા મોદક અને મંદિરના ચઢાવામાં થયેલી ચોરીની પણ ચર્ચા થઈ. ટ્રમ્પના યુદ્ધથી મોંઘવારી વધતા આવતા વર્ષે મોદકની કણી પણ મુશ્કેલ બનશે તેવી વાત મૂષક 3એ કરી.
Summarized by AI; it may make mistakes. Check important info
ગણેશ મંડપો ખાલી થતા મધરાત બાદ મૂષક મંડળી ભેગી થઈ. મૂષક 1એ કહ્યું કે, મોદકની સાઈઝ ઘટતા 15 મોદક ખવાય છે, પાચનશક્તિ નથી વધી. મૂષક 3ને મોદક ફિક્કા લાગતા ડાયાબિટીસની ચિંતા થઈ. મૂષક 4એ ખાંડના ભાવ વધારાને કારણ ગણાવ્યું. ભેળસેળિયા મોદક અને મંદિરના ચઢાવામાં થયેલી ચોરીની પણ ચર્ચા થઈ. ટ્રમ્પના યુદ્ધથી મોંઘવારી વધતા આવતા વર્ષે મોદકની કણી પણ મુશ્કેલ બનશે તેવી વાત મૂષક 3એ કરી.
Summarized by AI; it may make mistakes. Check important info

- અગડમ્ બગડમ્ - બાબા આદમ
મધરાત બાદ ભક્તજનો દર્શન કરી નિજ ગૃહે પધાર્યા બાદ ગણેશ મંડપો ખાલી પડતાં મૂષક મંડળી ભેગી થઈ.
મૂષક ૧ : લ્યા, અગાઉ દસ મોદક ચાવવામાં જેટલો સમય લાગતો હતો તેટલી વારમાં હવે હું ૧૫ મોદક ઝાપટી જાઉં છું. મારી પાચનશક્તિ વધી ગઈ લાગે છે.
મૂષક ૨: ડોબા, તારી પાચનશક્તિ નથી વધી, મોદકની સાઈઝ ઘટી ગઈ છે. યુપીઆઈ ચાર્જેબલ થઈ ગયું તેમાં મીઠાઈની દુકાનવાળાઓએ ગ્રાહકો પર બોજ નહિ નાખવાના નામે મોદકની સાઈઝ ઘટાડી દીધી છે.
મૂષક ૩: યાર, મારાથી તો પાંચ મોદક પણ માંડ માંડ ખવાયા. મને આ વખતે મોદક બહુ ફિક્કા લાગે છે. યાર, આ માણસો જેવી કોઈ ડાયાબિટીસ ટાઈપની બીમારી મને તો નથી થઈને ?
મૂષક ૪: જોજે, આ તો ખાંડના ભાવ વધ્યા એટલે ખાંડ ઓછી નાખી હશે. જો આમને આમ ખાંડના ભાવ વધ્યા કરશે તો ભવિષ્યમાં સો ટકા સુગર ફ્રી મોદક જ આવશે. બાકી બીમારીનું તો બોલતો જ નહીં. આ માણસો તેમની દવાઓ શોધવા માટે આપણા જાતભાઈઓને જ પહેલાં વધેરી નાખે છે. તારી વાત કોઈ સાંભળી જશે તો ડાયાબિટીસ પર સંશોધન માટે તારા બાર વગાડી દેશે.
મૂષક ૧: અરે યાર, સંશોધન તો ઠીક છે પણ આ વખતે તો મને લાગે છે કે ભેળસેળિયા મોદક ખાઈને જ આપણા બાર વાગી જશે. બે મોદક પણ પધરાવું છું ને પેટની બધી સિસ્ટમ ડિસ્ટર્બ થઈ જાય છે. આ મોદકના ઘી પર મને શંકા જાય છે. સાંભળ્યું છે કે મહારાષ્ટ્રમાં એક તુકારામ ભાઈએ બધે ભેળસેળ પર સપાટો બોલાવ્યો છે, પણ આપણી બાજુ કોઈ તુકારામ નથી લાગતા.
મૂષક ૬: ખરો કળજુગ આવ્યો છે. શું આ લોકો ભગવાનના પ્રસાદને પણ નહીં છોડે?
મૂષક ૨: અરે યાર, પ્રસાદનું છોડ. મંદિરના ચઢાવાને પણ ક્યાં છોડયો છે. જોયું નહિ મંદિરના ચઢાવામાં કરોડોની ચોરી થઈ. થોડા દિવસો બહુ ઉહાપોહ થયો પછી બધું ભૂલાઈ ગયું.
મૂષક ૫: પ્રસાદ અને ચઢાવા સાથે આજકાલ તો ભક્તોનો પણ મરો છે. ઈથેનોલ, યુપીઆઈ, નીટ પરીક્ષા , લોંગ ટર્મ ગેઈન્સ જેવા મુદ્દે તો આ વખતે સરકારના ભક્તો જેવા ભક્તો પણ બૂમો પાડી ઉઠયા છે. બચાવ કરવાનું ભારે થઈ પડયું છે.
મૂષક ૩: યાર, આ બધા પ્રોબ્લેમ ઓછા ન હોય તેમ મને તો ટેન્શન એ વાતનું થઈ ગયું છે કે પેલા ટ્રમ્પે યુદ્ધ કર્યું તેના કારણે જે રીતે મોંઘવારી વધી ગઈ છે તે જોતાં આવતાં વર્ષે તો આપણા ભાગે મોદકની કણી આવે તો પણ ભયો ભયો…
મૂષક ૪: અચ્છા, દેશમાં મોંઘવારી વધવામાં વિદેશી હાથ એમ ? લ્યા… તું તો નેતા થઈ ગયો. જરુર ચૂંટણી લડવાનો.
આટલા ટેન્શન વચ્ચે પણ બધા મૂષકો હસી પડયા.




