દમણની મરવડ હોસ્પિટલમાં સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ કરનાર સિક્યુરિટી ગાર્ડને 10 વર્ષની સખત કેદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Daman Marwad Hospital Security Guard Sentence: દમણની મરવડ સરકારી હોસ્પિટલમાં વર્ષ 2022માં બનેલી ચર્ચિત ઘટનામાં કોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ મહિલા દર્દીની 10 વર્ષની માસૂમ દીકરીને પાણી આપવાના બહાને એકાંતમાં લઈ જઈ દુષ્કર્મનો પ્રયાસ કરનાર સિક્યુરિટી ગાર્ડને દમણ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે 10 વર્ષની સખત કેદની સજા અને ₹ 5 હજારનો દંડ ફટકાર્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
વર્ષ 2022માં દમણની એક મહિલા મરવડ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. 10 જાન્યુઆરી, 2022ના રોજ રાત્રિના સમયે હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો આરોપી પ્રશાંત ધનંજય કુમાર મહિલા દર્દીની 10 વર્ષિય પુત્રીને પીવાનું પાણી લાવવાના બહાને એકાંત જગ્યા પર લઈ ગયો હતો. ત્યાં તેણે માસૂમ બાળકી સાથે શારીરિક અડપલાં કરી દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. બાળકી કોઈક રીતે આરોપીના ચંગુલમાંથી ભાગી છૂટી હતી અને માતાને આપવીતી જણાવી હતી. બનાવ અંગે નાની દમણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાતાં પોલીસે આરોપી સિક્યુરિટી ગાર્ડની ધરપકડ કરી હતી.
કાયદાકીય લડાઈ અને કોર્ટનો ચુકાદો
નાની દમણ પોલીસ મથકના તત્કાલીન પી.આઈ. સોહીલ જીવાણી અને તેમની ટીમે ઘટનાના તમામ પુરાવાઓ એકત્રિત કરીને અદાલતમાં મજબૂત ચાર્જશીટ રજૂ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ હરિઓમ ઉપાધ્યાયે પીડિતા સહિત 13 સાક્ષીઓની જુબાની તેમજ FSL રિપોર્ટ જેવા સજ્જડ પુરાવાઓ રજૂ કરીને ધારદાર દલીલો કરી હતી.
કેસના તમામ પુરાવા અને દલીલોને ધ્યાને રાખીને દમણ સેશન્સ કોર્ટના જજ રાજેશ તિવારીએ આરોપી પ્રશાંત કુમારને દોષિત ઠેરવી 10 વર્ષની જેલની સજા અને ₹ 5,000નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.









