દમણ પોલીસે આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનો કર્યો પર્દાફાશ, 12 કિલો ગાંજા સાથે બે શખસ ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Daman Police Ganja Seized: કેન્દ્રશાસિત પ્રદેશ દમણ પોલીસે આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કરીને મોટી સફળતા મેળવી છે. પોલીસે દમણના પટલારા ગામેથી એક કારમાંથી 2.597 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડ્યા બાદ તેની કડી મેળવી વાપી ખાતે દરોડો પાડી મુખ્ય સપ્લાયર પાસેથી વધુ 10.010 કિલોગ્રામ જથ્થો જપ્ત કર્યો છે. આમ, પોલીસે કુલ 12.607 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કારની ડીકીમાંથી મળ્યો ગાંજો, એક આરોપીની ધરપકડ
મળતી માહિતી અનુસાર, મોટી દમણ કોસ્ટલ પોલીસને બાતમી મળી હતી કે એક કારમાં માદક પદાર્થની હેરફેર થઈ રહી છે. જે આધારે પોલીસે પહેલી ઓક્ટોબરના રોજ મોટી દમણના પટલારા ગામે વોચ ગોઠવી શંકાસ્પદ કારને અટકાવી હતી. કારની ડીકીમાં તપાસ કરતા સફેદ કલરની કોથળી મળી આવી હતી, જેનું FSLની મદદથી પરીક્ષણ કરાવતાં તે ગાંજો હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે 2.597 કિલોગ્રામ ગાંજો જપ્ત કરી અંકિત રાજકુમાર ગુપ્તા નામના શખસની ધરપકડ કરી હતી.
પૂછપરછમાં વાપીના મુખ્ય સપ્લાયરનું નામ ખુલ્યું
પકડાયેલા આરોપી અંકિત ગુપ્તાની કડક પૂછપરછ દરમિયાન આ ડ્રગ્સ નેટવર્કના મુખ્ય સપ્લાયર સૌરભ રાય સિંહ (રહે. વાપી)નું નામ સામે આવ્યું હતું. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક વાપી ખાતે સૌરભ રાયના ઠેકાણા પર દરોડો પાડ્યો હતો અને તેની પાસેથી વધુ 10.010 કિલોગ્રામ ગાંજાનો જથ્થો કબજે કરી તેની પણ ધરપકડ કરી લીધી હતી.
દમણ પોલીસે બંને આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને આંતરરાજ્ય નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે સઘન તપાસ શરૂ કરી છે. આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય તમામ કનેક્શન શોધી કાઢી સંબંધિત તમામ તત્વોને જેલભેગા કરવા માટે આગળની તપાસ તેજ કરવામાં આવી છે.




