સેલવાસમાં દમણગંગા નદી કિનારે સેલ્ફી લેવાના ચક્કરમાં કિશોરીએ જીવ ગુમાવ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Selvas News : સેલવાસના દમણગંગા રિવરફ્રન્ટ પર ફરવા ગયેલા મસાટના પરિવારની 15 વર્ષીય કિશોરી સેલ્ફી લેવાના ચક્કરમાં નદીમાં ખાબકી ડુબી ગઇ હતી. જેને પગલે પરિવારજનો ચિંતા મુકાયા હતા. અંધારાને કારણે શોધખોળ કામગીરી વિલંબમાં પડી હતી. જો કે આજે રવિવારે લાશકરોએ કિશોરીની લાશ બહાર કાઢી હતી. પ્રશાસન દ્વારા ચોમાસા દરમિયાન નદી કિનારે સેલ્ફી લેવા અને ન્હાવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાછતાં પાલન નહી કરાતા જીવલેણ સાબિત થઇ રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સેલવાસના મસાજ ગામે રહેતા જીતેન્દ્ર રામ, પત્ની માધુરી, પુત્રી કાજલકુમારી (ઉ.વ.15) સહિત છ વ્યક્તિઓ ગઇકાલે શનિવારે સ્વાતંત્ર્ય પર્વની રજા હોવાથી મસાટથી સેલવાસના નક્ષત્ર ગાર્ડનમાં ફરવા ગયા હતા. બાદમાં પરિવારજનો ગાર્ડની નજીકમાં આવેલા દમણગંગા રિવરફ્રન્ટ ખાતે ગયા હતા. તે દરમિયાન પરિવારની કાજલકુમારી ચેકડેમ નજીક મોબાઇલમાં સેલ્ફી લઈ રહી હતી. અચાનક કાજલકુમારી નદીના પાણીમાં પડી ડુબી જતા ભારે ભારે બુમાબુમ મચી ગઇ હતી. લોકો પણ દોડી ગયા હતા. કાજલકુમારી પાણીમાં ડુબી જતા પરિવારજનો ચિંતિત બની ગયા હતા.
ઘટનાની જાણ થતા ફાયર વિભાગના લાશ્કરો અને પોલીસ દોડી ગઇ હતી. લાશ્કરો પાણીમાં લાપત્તા કાજલકુમારીને શોધવા કવાયત આદરી હતી. જો કે અંધારુ થતા શોધખોળ કામગીરી અટકી ગઇ હતી. આજે રવિવારે સવારે હાથ ધરેલી કવાયત દરમિયાન લાશ્કરોએ પાણીમાંથી કાજલકુમારીનો મૃતદેહ બહાર કાઢયો હતો. પોલીસે લાશનો કબજો લઇ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો.
અત્રે નોંધનીય છે કે સંઘપ્રદેશ પ્રસાશનને ચોમાસા દરમિયાન દરિયા કે નદીમાં ન્હાવા કે કિનારે સેલ્ફી લેવા પર પ્રતિબંધ મુક્યો હતો. તેમ છતાં લોકો જીવના જોખમે ન્હાવા કે સેલ્ફી લેવાની ઘટના જીવલેણ સાબિત થઇ રહી છે. ત્યારે લોકોમાં જાગરૂકતા આવે તે જરૂરી છે અને સલામતિ અને સુરક્ષા માટે તકેદારી રાખવી જોઇએ.









