Diu-Daman

દમણના દરિયામાં પ્રતિબંધ છતાં નાહવા પડેલા 4 પર્યટકો ડૂબ્યા : કિનારે તૈનાત લાઈફગાર્ડ્સે જીવના જોખમે જીવ બચાવ્યા

By GS Team
5 Sep 20262 mins read
TukuTouch Logo
દમણમાં પ્રશાસનની મનાઈ છતાં 4 પર્યટકો ચોમાસાના તોફાની દરિયામાં ન્હાવા પડ્યા હતા. છપલી શેરીના દરિયામાં શુક્રવારે સાંજે તેઓ ઊંડા પાણીમાં ડૂબવા લાગતા અફરાતફરી મચી હતી. જોકે, લાઈફગાર્ડ જતીન માંગેલા અને ટીમે સમયસર બચાવી લેતા મોટી દુર્ઘટના ટળી. લાઈફગાર્ડ્સના સાહસિક પ્રયાસોથી ચારેયને નવજીવન મળ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

દમણના દરિયામાં પ્રતિબંધ છતાં નાહવા પડેલા 4 પર્યટકો ડૂબ્યા : કિનારે તૈનાત લાઈફગાર્ડ્સે જીવના જોખમે જીવ બચાવ્યા

Daman News : દમણમાં પ્રશાસનની સ્પષ્ટ મનાઈ હોવા છતાં ચોમાસાના તોફાની દરિયામાં નાહવા પડેલા 4 પર્યટકો ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. દરિયાકાંઠે તૈનાત લાઈફગાર્ડ્સે ત્વરિત કામગીરી કરીને તમામ પર્યટકોને હેમખેમ બહાર કાઢતા મોટી હોનારત ટળી હતી, જોકે ઘટનાને પગલે કિનારે ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી.
દમણના છપલી શેરીમાં દરિયાના પાણીમાં ગઈકાલે શુક્રવારે સાંજે ચાર યુવાનો ન્હાવા પડ્યા હતા. જો કે પાણીના વહેણમાં ચારેય ડૂબવા લાગતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. જો કે કિનારે તૈનાત લાઈફગાર્ડ જતિન માંગેલા અને ટીમે સમયસૂચકતા દાખવી પોતાના જીવની પરવા કર્યા વિના દરિયામાં છલાંગ લગાવી હતી. ભારે જહેમત અને સાહસિક પ્રયાસો બાદ લાઈફગાર્ડ્સે ચારેય ડૂબતા પર્યટકોને સહીસલામત કિનારે પહોંચાડી નવું જીવન આપ્યું હતું. આ બચાવ કામગીરીનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
ચોમાસા દરમિયાન દમણના દરિયામાં જોરદાર કરંટ અને ઊંચા મોજાં ઉછળતા હોવાથી તંત્ર દ્વારા પર્યટકોની સુરક્ષા માટે દરિયામાં પ્રવેશવા પર કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આમ છતાં, અનેક પ્રવાસીઓ નિયમોનો અનાદર કરીને પોતાના જીવને જોખમમાં મૂકે છે. અગાઉ પણ આવા 3 થી 4 બનાવો બની ચૂક્યા છે, જેમાં સદનસીબે લોકોના જીવ બચાવી લેવાયા હતા. વારંવાર બનતી આવી ઘટનાઓ અટકાવવા માટે પ્રવાસીઓ પોતે જાગૃત બને અને પ્રશાસનના આદેશોનું કડકપણે પાલન કરે તે અત્યંત જરૂરી છે. મનાઈ હોવા છતાં દરિયામાં નહાવા જવું એ પોતાના જીવ સાથે રમત રમવા સમાન છે.