બીજાને નાના ગણવાથી મોટા ના બની શકાય

જિંદગીના ડહોળાયેલા જળમાંથી શુધ્ધ આનંદને નિતારી લેવાની કલા એટલે ઈશ્વરે બક્ષેલી શક્તિ. તેના પર શ્રધ્ધા રાખી અનાસક્ત ભાવે જીવનના કર્મો કર્યા કરવા. પાત્રતા એવી નક્કર રાખવી કે આપણને નાનો ગણનાર તેના કૃત્ય માટે પસ્તાય.
ધૃતરાષ્ટ્રનું આમંત્રણ સ્વીકારી યુધિષ્ઠિર ફરી જુગાર રમવા આવ્યા. શકુનિએ બીજીવાર પણ જુગાર રમાડી કપટથી તેમને હરાવ્યા. શરત મુજબ બાર વરસ વનવાસ અને એક વરસ ગુપ્તવાસ ભોગવવા પાંડવો દ્વૈતવનમાં રહેતાં હતા. દુર્યોધને અધર્મથી પાંડવોનું સર્વસ્વ છીનવી લીધું હતું. તેમને હડધૂત કરી. અપમાનિત કરી કાઢી મૂક્યા હતા. દ્રૌપદીને દાસી જેવી હલકી સ્ત્રી ગણી બેઆબરૂ કરી હતી છતાં તેના મનમાંથી વેર અને ધિક્કારની લાગણી ઓછી થતી નહોતી. જંગલમાં કાચી ઝૂંપડીમાં રહેતા પાંડવોને વધુ રિબાવવા ઘોષયાત્રા કરી. દુર્યોધન તેનું ઐશ્વર્ય, અપાર સંપત્તિ, હીરામોતીથી સજ્જ સ્ત્રીઓને લઈને પાંડવોને એ બતાવવા માંગતો હતો કે જુઓ, હું કેટલો સધ્ધર છું. તે પુરવાર કરવા માંગતો હતો કે તે ગરીબ પાંડવો કરતાં કેટલો ઉચ્ચ હતો. વનપર્વમાં તે કહે છે. ''પાંડવો અને દ્રૌપદીને વિલાપ કરતાં જોઉં. વલ્કલ અને મૃગચર્મ ધારણ કરેલા જોઉં. રડી રડીને સુકાયેલા આંસુવાળી આંખોમાં લાચારી જોઉં. (યુક્તં પરમગા લક્ષ્મ્યા પશ્યેતાં જીવીતં ભગતે) તેઓ મને અતિ વૈભવશાળી, ઉત્કૃષ્ટ રાજલક્ષ્મીથી સજ્જ જોઈ નિ:સહાય-લાચારી અનુભવે - આવું બને તો મારું જીવન ધન્ય ધન્ય થઈ જાય. ''ખાવા બટકું રોટલા માટે કે જીભ પર પાણીના એક ટીપાં માટે તરસતા હોય ત્યારે મને બાદશાહી ઠાઠમાં જોઈ નિસાસા નાખે તો મારા હૈયાને ટાઢક મળે!! આવું કરીને તે સાબિત કરવા માંગતો હતો કે દુનિયા ભલે પાંડવોને સદાચારી કે ધર્મિષ્ઠ ગણે પણ હકીકતમાં તે દરબદર ભટકતાં, હારેલા, બેઆબરૂ થયેલા અને બારણે હાથ લંબાવી ભિક્ષા માંગવા ઊભેલા નિ:સહાય ભિક્ષુક જેવા છે. પાંડવો નાના છે, અને અમે મોટા છીએ.''
બીજા એક પ્રસંગમાં, સંજય ધૃતરાષ્ટ્રના દૂત તરીકે પાંડવોને મળીને પાછો આવ્યો ત્યારે દુર્યોધન, શકુનિ, દુ:શાસન અને કર્ણ સિવાયના દરેકે દરેક વડીલે પાંડવો સાથે સુલેહ કરી લેવાની સલાહ આપી હતી. આ નિર્ણયથી દુર્યોધન મનોમન ગુસ્સે થયો. તે સોયની અણી ઉપર ટકે એટલી જમીન પણ પાછી આપવા તૈયાર નહોતો. તેને તો પાંડવોને ખતમ કરવા હતા. શું કરવું ? એટલે તેણે ધૃતરાષ્ટ્રએ ભયમુક્ત કરવા અને કૌરવોના મહારથીઓના પરાક્રમ પર વિશ્વાસ રાખવા કહ્યું. તેણે એ વાત ઠસાવવા પ્રયત્ન કર્યો કે પહાડ જેવા કૌરવો સામે પાંડવો તણખલા સમાન છે. (છિન્નપક્ષા : પરે હૃદદ્ય વીર્યહીનાશ્વ પાંડવા :) હે તાત, હવે પાંડવોની મદદ કરનાર કોઈ નથી. તે એકલા છે. હવે તે કપાઈ ગયેલી પાંખો જેવા અસહાય પક્ષીન માફક પરાક્રમશૂન્ય થઈ ગયા છે. ''અને એટલે તો (ભીતો હિ મામકાત્ સૈન્યાત્ પ્રભાવાચ્યૈવ મે વિભો) યુધિષ્ઠિર તેમનો હક્ક છોડીને ફક્ત પાંચ ગામ માંગી સંતોષ માનવા તૈયાર થયો છે. તાત! ખરેખર પાંડવો યુધ્ધથી ડરી ગયા છે.'' એ તો ઠીક દુર્યોધન શ્રીકૃષ્ણને પણ એક માયાવી ગોવાળિયાથી વધુ નથી ગણતો. શ્રીકૃષ્ણને કાવતરાખોર પાંડવોનો હિતેચ્છુ અને કૌરવોને દુશ્મન ગણાવે છે. (સમુચ્છેદં ચ કૃત્સ્નં… ચિકીર્ષતિ યુધિષ્ઠિરે) હે તાત! આ કૃષ્ણ આપણો સર્વનાશ કરાવી સર્વસ્વ છીનવી - એક મોટું રાજ્ય તૈયાર કરી યુધિષ્ઠિરને સોંપી દેવામાંગે છે.!!''
રામાયણમાં પણ અશોકવાટિકામાં નજરકેદ સીતાને મનાવવા રાવણ છેલ્લે છેલ્લે રામને ઉતરતા ચીતરે છે જેથી સીતાનું મન ફરી જાય.
''(ન રામસ્તપસા દેવિ ન બલેન ચ વિક્રમૈ! ન ધનેન મયા તુલ્ય સ્તેનસા યશ સાપિવા- સુંદરકાંડ) હે સીતે! રામ તપથી, ના બળથી, ના પરાક્રમથી, ના ધનથી, ના તેજથી, કે ના યશથી મારી બરાબરી કરી શકે એમ છે. તુ સમજ, હું રામથી દરેક રીતે દરેક બાબતોમાં શ્રેષ્ઠ છે.''
સાપની કોથળીમાં અને વીંછીના ડંખમાં ઝેર હોય છે. પણ એ ઝેર એમને મારતું નથી. જ્યારે માણસમાં રહેલ ઈર્ષા, નિંદા, વેર કે હરિફાઈ જેવી વૃત્તિઓનું ઝેર તેને ધીરે ધીરે ખતમ કરે છે. આ ઝેર ઉણપમાંથી જન્મે છે. માણસને પોતાના વ્યક્તિત્વમાં ઓછયું લાગે. સંબંધોમાં કમી વર્તાય, સગવડમાં અપૂર્ણતા લાગે, સરખામણીમાં નીચાજોણું લાગે ત્યારે ભીતર રહેલ વિશ્વાસની ભેખડ તૂટે છે. તૂટફૂટથી માનસિક દબાણ વધે છે. અને આ દબાણ તેની પાસે અધમ, અવિચારી, ખોટા કામ કરાવે છે. તેને ખ્યાલ પણ નથી હતો કે તેના સ્વભાવમાં નથી એવું વિવેકહીન વર્તન એ કરી રહ્યો છે.
એકવા ઈંગ્લેન્ડની ગાદી છોડી રાજા આઠમો એડવર્ડ નૌકાખાતાની ડાર્ટ માઉથ કોલેજમાં તાલીમ લઈ રહ્યો હતો. ત્યાં અમુક વિદ્યાર્થીઓ રેગીંગ કરતા. કારણ વગર તેને ચીડવતા. અડપલાં કરતા, ધિંગામસ્તી કરતા! એક દિવસ બે ત્રણ છોકરાઓએ એડવર્ડને માર્યો. જો કે એડવર્ડે આ વાત કોઈને ન કહી. પણ કોલેજના પ્રિન્સિપાલને વાતની ખબર પડી ગઈ. મસ્તીખોર છોકરાઓને કેબિનમાં બોલાવ્યાં. એડવર્ડને મારવાનું કારણ પૂછયું. છોકરાઓએ કહ્યું -''સર, ખાસ કશું કારણ નથી. બસ, એ રાજાનો પુત્ર છે. એને મારીએ તો અમને બધા ઓળખે! અમારુંં નામ બધા જાણે! અમારો વટ પડે!! જ્યારે તે ગાદી પર બેસે ત્યારે અમે બધાને વટથી કહી શકીએ કે આ એડવર્ડ સાથે અમે ભણતા હતા. ભલેને એ રાજા હોય પણ અમે તેને પીટતા હતા. અમારા હાથે તેણે મારા ખાધેલો છે.''
માણસ ગમે એટલું ઢાંકે પણ ચહેરા પર ચાલાકી દેખાઈ આવે છે. જેને સારા બનવું નથી. ફક્ત સારા કહેવડાવું છે તે જ સીધા માણસની ટીકા કરવાનો સમય શોધે છે. જિંદગીના ડહોળાયેલા જળમાંથી શુધ્ધ આનંદને નિતારી લેવાની કલા એટલે ઈશ્વરે બક્ષેલી શક્તિ પર શ્રધ્ધા રાખી અનાસક્ત ભાવે જીવનના કર્મો કર્યા કરવા. પાત્રતા એવી નક્કર રાખવી કે આપણને નાનો ગણનાર તેના કૃત્ય માટે પસ્તાય, શરમાય એ ભોંઠપ અનુભવે.
વર્ષો પહેલાં, 'ઈલસ્ટ્રેટેડ વીકલી'ના સંપાદક પ્રીતીશ નંદીએ અમિતાભ બચ્ચનના અભિનય વિષે, તેની વ્યક્તિગત નબળાઈ વિષે ઘણું ઘસાતું લખ્યું હતું. અમિતાભ મૌન રહી, કશો પ્રતિકાર કર્યા વિના પોતાનું શ્રેષ્ઠ કામ કરતો રહ્યો. છેવટે તે સફળતાના શિખર પર પહોંચી ગયો. પ્રીતીશનંદીએ અફસોસ જાહેર કરી માફી માગી. ''અમિતાભ વિષે એલફેલ લખવા બદલ મને પસ્તાવો છે. તેણે મને ખોટો સાબિત કર્યો. તેના અભિનય કરતાંય તેનું વ્યક્તિત્વ ઉચ્ચ છે. તેને નાનો સાબિત કરવામાં મારુંં કદ ઘટી ગયું.''
ઈકબાલ સાહેબનો એક શેર છે, ''ખુદી કો કર બુલંદ ઈતના કે હર તહરીર સે પહેલે, ખુદા બંદે સે ખુદ પૂછે બતા તેરી રઝા કયા હૈ?'' એવું કહેવાય છે કે બાળક જન્મે એટલે નસીબની દેવી છઠ્ઠીના લેખ લખવા આવે છે. અહીં કવિ કહે છે કે જીવ, તુ તારા સારા કર્મોથી તારી જાતને એટલી ઊંચાઈ પર લઈ જા કે તારુંં નસીબ લખતાં પહેલાં દેવી તારી મરજી પૂછે. ''બોલ, તારી શુ ઈચ્છા છે? તારે શું જોઈએ છે ?''
- સુરેન્દ્ર શાહ









