કોણ વધુ મહાન - સંસક્ત રાજા કે વિરક્ત સંત ?

- વિચાર-વીથિકા-દેવેશ મહેતા
યો ધ્રુવાણિ પરિત્યજ્ય
અધ્રુવં પરિસેવતે ।
ધ્રુવાણિ તસ્ય નશ્યન્તિ
અધ્રુવં નષ્ટમેવ ચ ।।
જે મનુષ્ય સ્થાયી તત્વ (સત્ય, બ્રહ્મ, પરમાત્મા)ને છોડીને અસ્થાયી તત્વ (માયા, મોહ, સંસાર)નું સેવન કરે છે તેને સ્થાયી તત્વનો અનુભવ કરવાનો સમય નથી રહેતો એટલે એની પ્રાપ્તિનો અવસર ગુમાવી દે છે અને અસ્થાયી તો નાશ પામેલું જ છે.
એક રાજાની સવારી જઈ રહી હતી. રાજાની આગળ-પાછળ સૈનિકો તો હોય જ. રાજાની આગળ ચાલી રહેલા સૈનિકો આગળનો રસ્તો ખાલી કરાવી રહ્યા હતા. ત્યાં ઊભા રહેલા લોકોને રસ્તા પરથી પાછળ ખસી જવાના આદેશ આપી રહ્યા હતા. જેથી રાજાની પાલખી લઈ જનારા રસ્તા પર મોકળાશથી ચાલી શકે. રાજાના સૈનિકોના આદેશથી બીજા બધા લોકો તો પાછળ ખસીને છેક રસ્તાની ધાર પાસે જઈને ઊભા રહી ગયા પણ એક સાધુ-સંત ત્યાંના ત્યાં જ ઊભા રહ્યા, જરાય ખસ્યા નહીં. તે સૈનિકોને કહેવા લાગ્યા - રસ્તો બધાને માટે છે. રાજાની સવારી પસાર થઈ શકે એટલી ઘણી બધી જગ્યા છે. તો પછી લોકોને પાછળ ખસેડી છેક ધાર પાસે શું કામ ઊભા રખાવો છો ?
એટલામાં રાજાની પાલખી આવી પહોંચી. સૈનિકોએ રાજાને કહ્યું - આ સાધુ અહીંથી ખસતા નથી. તે કહે છે - 'મારામાં અને રાજામાં કોઈ ફરક નથી.' રાજાએ તે સાધુને કહ્યું - 'હે મહાત્મા, તમે તો વૃક્ષની છાલમાંથી બનાવેલા વલ્કલ ધારણ કરેલા છે અને મેં હીરા-મોતી ટાંકેલા, જરી-કસબવાળા રેશમી વસ્ત્રો ધારણ કરેલા છે, તમે છો ત્યાગી અને દરિદ્રી અને હું છું અનેક રાજ્યોનો અધિપતિ, ધનવાન રાજા. તો તમારામાં અને મારામાં ફરક નથી એવું કઈ રીતે?'
આ સાંભળીને તે સાધુ વેશધારી સંત રાજાને કહેવા લાગ્યા -
'વયમિહ પરિતુષ્ટા વલ્કલૈઃ
ત્વં ચ દુકૂલૈઃ
સમ ઇહ પરિતોષો નિર્વિશેષો નિશેષઃ।
સ તુ ભવતિ દરિદ્રો
યસ્ય તૃષ્ણા વિશાલા ।
મનસિ ચ પરિતુષ્ટે
કો।ર્થવાન્ કો દરિદ્રઃ ।।
અમે અહીં વલ્કલો (વૃક્ષની છાલમાંથી બનાવેલા વસ્ત્રોથી સંતુષ્ટ છીએ, જ્યારે તમે રેશમી વસ્ત્રોથી. અમારી અને તમારી વચ્ચે સંતોષ તો સરખો જ છે. તમારામાં વિશેષ શું છે ? ખરેખર તો દરિદ્ર (ગરીબ) તે છે જેની તૃષ્ણા વિશાળ છે. જ્યારે મન સંતુષ્ટ હોય છે ત્યારે ધનવાન કે ગરીબ કશો જ ફરક પડતો નથી.'
પેલા રાજાએ કહ્યું - 'સાધુ - મહાત્મા તમારી પાસે કોઈ ખજાનો છે ? મહાત્માએ કહ્યું - મને કોઈ વસ્તુની કામના કે તૃષ્ણા નથી એટલે કે મારે કોઈ ખજાનો રાખવાની જરૂર નથી.' સંત રહીમે કહ્યુંજ છે - 'ચાહ ગઈ. ચિંતા ગઈ, મનુઆ બેપરવાહ । જિસકો કછુ ન ચાહિએ, વે સાહન કે સાહ ।। કામના છૂટી એટલે બધી ચિંતા પણ છૂટી. માનવી નિશ્ચિંત બની જાય. જેને કશાની જરૂરિયાત ના હોય તે રાજાનો પણ રાજા કહેવાય.'
રાજાએ મહાત્માને કહ્યું - શહેનશાહ પાસે તો સૈન્ય અને સવારી હોય. એનું રક્ષણ કરવા અંગરક્ષકો હોય. સાધુ-મહાત્માએ એનો જવાબ આપતા જણાવ્યું - સૈન્ય તો એ રાખે જેને કોઈ દુશ્મનો હોય અને તેમના તરફથી આક્રમણનો ભય હોય. જે નિર્વેર, પ્રેમ અને મૈત્રીભાવવાળા છે એમના કોઈ શત્રુ નથી એટલે એમને કોઈનો ભય નથી. એ પોતાની પાસે કોઈ તલવાર કે ભાલા જેવા શસ્ત્રો પણ રાખતા નથી. રાજાથી બોલાઈ ગયું - તમને મારો ડર નથી ? હું કોઈ દંડ કે કેદ કરીશ એવી ભીતિ નથી થતી ? સાધુ-મહાત્માએ કહ્યું - ના, મને એવો પણ કોઈ ડર નથી. સાધુ-સંત-યોગી સાચું કહેવા બદલ કદી ગભરાતો નથી. સત્ય અને ધર્મ માટે સંતો પોતાના પ્રાણની પણ આહુતિ આપી દેતા અચકાતા નથી.'
રાજા મહાત્માના સદ્ગુણોથી પ્રભાવિત થઈ ગયા અને પાલખી પરથી ઉતરીને તેમના ચરણોમાં પ્રણામ કરી કહેવા લાગ્યા - 'આપ ખરેખર સાચા સંત અને ત્યાગી પુરુષ છો.' સંતે રાજાને હળવા સ્મિત સાથે કહ્યું - 'રાજન્, મારા કરતાં તમે વધારે ત્યાગી પુરુષ કહેવાઓ.' રાજાએ વિસ્મય સાથે પૂછયું - 'એ કેવી રીતે ?' મહાત્માએ કહ્યું - 'હું શ્રેય માટે પ્રેયને છોડી રહ્યો છું, જ્યારે તમે પ્રેયને માટે શ્રેયને છોડી રહ્યા છો. હું ઇશ્વર માટે સંસારનો ત્યાગ કરી રહ્યો છું, જ્યારે તમે સંસારને માટે ઇશ્વરનો ત્યાગ કરી રહ્યા છો. હવે તમે જ કહો કે બેમાંથી વધારે મોટો ત્યાગ કોનો કહેવાય?'




