'ગરબો' એટલે શું? શા માટે નવરાત્રિમાં તેનું પૂજન થાય છે?

'ગરબો' એ બ્રહ્માંડનું પ્રતિક છે. ગરબામાં ૨૭ છિદ્રો હોય છે. નવ-નવની ત્રણ લાઈન એટલે ૯ટ૩=૨૭ છિદ્ર. ૨૭ છિદ્ર એ આપણા ૨૭ નક્ષત્ર છે. એક નક્ષત્રને ચાર ચરણ હોય છે. એટલે કુલ ૧૦૮ થાય. તેથી નવરાત્રીમાં ગરબાને મધ્યમાં રાખીને ૧૦૮ વખત ગરબે રમવાથી અથવા ઘુમવાથી બ્રહ્માંડની ૧૦૮ પ્રદક્ષિણા કરવાનું પુણ્ય મળે છે.
ગરબામાં પાડેલા નવ છિદ્રો માનવીના દેહનું સ્વરૂપ છે. ગરબામાં મૂકેલ દીવો આત્માની જ્યોતનું સ્વરૂપ છે. ગરબામાં રહેલ છિદ્રો માનવ દેહનાં નવ દ્વારોને સૂચવે છે. માનવ મૃત્યુ પામે ત્યારે આત્મા શરીરના કોઈપણ દ્વારેથી નીકળી જાય છે. આત્મ જ્યોત સદા પ્રજવલિત રહે એવી ભાવનાથી નવ દિવસ સુધી અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે.
આ ઉપરાંત ગરબામાં ૨૭ છિદ્રો હોય છે. આ ૨૭ છિદ્રોનું રહસ્ય પણ અનેરૃં છે. ગરબાને બ્રહ્માંડનું પ્રતીક માનવામાં આવે છે. ગરબાને મધ્યમાં રાખી ૧૦૮ વખત ગરબી ઘૂમવાથી બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવાનું પુણ્ય મળે છે. ગરબો શબ્દ ગર્ભદીપમાંથી આવેલ છે.
ગરબાનો અર્થ એ પણ કરાય છે : 'ગ' એટલે ગાવું. 'ર' એટલે રમવું. અને 'બા' એટલે 'માં' - મા ની સામે ગાઈને રમવું. એનું નામ ગરબો કહેવાય. ગરબો એ બ્રહ્માંડનું પ્રતિક છે. એવી ભગવતિની નવરાત્રિ. માટીનો ગરબો ગર્ભદીપ કહેવાય છે આનાથી એ અર્થ પણ થાય છે કે આ માટીનું બનેલ શરીરની અંદર 'આત્મા' જ્યોતિ સ્વરૂપે રહે છે અને દરેક નશ્વર સૃષ્ટિમાંથી જ બની છે.
જે છિદ્રવાળાં ઘડો હોય તેને ગરબો કહે છે. ગરબાને દૈવિશક્તિનું પ્રતિક મનાય છે. ગરબો ગુજરાતની ઓળખ છે. ગરબો જ્યોતિ સ્વરૂપ છે.
- ગરબાનું હાર્દ : આજના યુગમાં યુગધર્મ એકીકરણનો છે સંઘબળની ઉપાસકનાનો છે. અને તે કેળવવો હશે તો વ્યક્તિગત અહમ્ ને આઘો રાખવો પડશે. જે બધા માટે મુશ્કેલ છે. પરંતુ જગદંબાની ઉપાસના નિમિત્તે પોતાનો અહમ્ સમર્પિત કરવાની ભાવનાથી જગદંબા ના પ્રતીક હર્ષોલ્લાસથી નૃત્યગાન કરતાં કરતાં 'માતાજી'નું ગૌરવગાન ગાવાની પ્રથા ગરબા તરીકે પ્રચલિત થઈ છે. એ સદ્ભાવનાનું પ્રતીક છે નવ દિવસની શક્તિ ઉપાસનાની આરાધનામાંથી નિર્માણ થયેલું સંઘબળ સમાજમાં નિર્માણ થયેલી, મહિષાસુર વૃત્તિ ઉપર અંકુશ રાખી શકશે.
એટલું જ નહીં, ગરબાની પાછળ એક તાત્વિક સમજણ પણ છે. શક્તિની આરાધના કરતી વખતે તેને કેન્દ્રમાં મુકવામાં આવતો નવ છિદ્રોવાળો ગરબો (મટકું) એ માનવીના દેહનું પ્રતીક છે. મૃત્યુ વખતે માણસ મરી જાય છે. ત્યારે અંદરનું ચૈતન્ય એ નવ દ્વાર (બેં આંખ, બે કાન, બે નસકોરા, મોઢું, ગુદા અને જનનેન્દ્રિય જે દેહની બહાર નીકળે છે. તો તે દેહમાંથી આત્મ જ્યોતિ સતત પ્રજવલિત રહે તેના પ્રતીક સમા નવ દિવસ અખંડ નવરાત્રિનાં નવ દિવસનું શક્તિ આરાધનાનું મહાપર્વ છે.
આમ નવરાત્રિનાં દિવસો એટલે શક્તિની ઉપાસનાના દિવસો જગતની અંદર કોઈ પણ નૈતિક મૂલ્યો કેવળ સારા છે તેથી ટકતાં નથી. પરંતુ તેમનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તેમની પાછળ સમર્થ લોકોની તપશ્ચર્યાનું પીઠબળ હોવું જરૂરી છે. જગતમાં તપશ્ચર્યાને યશ મળે છે - એ વાત સત્યની ઉપાસકો એ ભૂલવી ન જોઈએ.
આસૂરી વૃત્તિને ડામી દૈવી સંપત્તિની પુન:સ્થાપના કરવી… આ દૈવી શક્તિની આરાધનાની નવેનવ દિવસ અખંડ દીપ પ્રગટાવી 'માં' જગદંબાની પૂજા કરી તેની પાસેથી શક્તિ મેળવવાના દિવસો એટલે નવરાત્રિના દહાડા.
આપણા વેદોએ પણ શક્તિની ઉપાસના ને ખૂબ જ મહત્વ આપ્યું છે. મહાભારતનું પાને પાનું બળની ઉપાસના તેમજ શોર્ય પૂજા થી ભરેલું છે. વ્યાસ, ભીષ્મ અને કૃષ્ણનાં બધાં જ વ્યાખ્યાનો તેજ, ઓજ, શૌર્ય, પૌરુષ, અને પરાક્રમથી અંકિત થયેલા છે. મહર્ષિ વ્યાસે પાંડવોને શિખામણ આપી છે કે તમારે જો ધર્મના મૂલ્યોને ટકાવવા હોય તો હાથ જોડી બેસી રહે નહીં ચાલે. શક્તિની ઉપાસના કરવી પડશે, અર્જુનને દિવ્ય અસ્ત્ર મેળવવા તેમણે જ સ્વર્ગમાં જવાનું સૂચન કર્યું હતું. દેવીની ભક્તિથી જ આપણામાં શક્તિ પ્રગટશે. એ સૂચવવા જ નવરાત્રિનાં દિવસો દરમ્યાન ગરબો કે રાસરૂપે 'માં' ની આસપાસ ઘુમવાનું હોય છે અને માં પાસે સદ્બુદ્ધિ તથા સંઘબળ માંગવાનું છે. - या देवी सर्वभुतेषु शक्ति रुपे संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नम ।।
''માં'' અમે શક્તિહીન થયા છીએ, અમર્યાદિત ભોગો ભોગવીને અમે હિનવીર્ય થયા છીએ, માં 'તું' શક્તિ આપ, બળ આપ, તું શક્તિ આપશે તો જ આસુરી વૃત્તિનો પરાભાવ કરી શકાશે..! માત્ર… આ નવ ધ્ધિમ પૂરતી સીમિત ન રહે એ પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે. - ડો. ઉમાકાંત જે જોષી




