'નિષ્કામ ભક્તિ પ્રભુને અત્યંત પ્રિય છે'

મનુષ્ય જન્મ મેળવવો અતિ દુર્લભ છે. ચોર્યાસી લાખ યોનિઓને પસાર કર્યા પછી જ આ માનવ દેહ મળે છે. અને એ દેહ મેળવીને આપણે શું કરવાનું છે તે આપણે જ નક્કી કરવાનું છે. કારણકે પાછળના ચક્રમાં આપણે હવે જવાનું નથી. પરંતુ આ જન્મ મરણના ચક્રમાંથી છૂટવા માટે એ આત્મ સ્વરૂપને ઓળખી લેવાનું છે કે જેથી ફરિફરિને આ ગર્ભવાસ આપણે સહન ન કરવો પડે અને સંસારના કોઈ લોકો આપણી ફરિયાદ ન કરે. પરંતુ આપણા ગયા પછી ફરિફરિને યાદ કરે એવું જીવન જીવી લઈએ તો આપણું જીવન સાર્થક છે.
ભગવાનના અનેક ભક્તોને આપણે યાદ કરીએ છીએ. કારણ કે તેમની ભક્તિ જ એવી હતી કે તેમણે ભગવાનનો આ જન્મમાંજ સાક્ષાત્કાર કરી લીધો. અને આજે આપણે તેમણે યાદ કરીએ છીએ કે એમને મળ્યા એવા અમને મળજો. એ નરસિંહ મહેતા, એ મીરાબાઈ, એ ધ્રુવજી એ પ્રહલાદજી બધાએ આ સંસારની મોહમાયા સંસારના ભૌતિક સુખોને તીલાંજલી આપી દીધી. અને નિષ્કામ ભાવે ભગવાનની ભક્તિ કરીને કર્મના બંધનમાંથી મુક્ત થઈને ભગવાનને મેળવી લીધા. કારણકે તેઓ જાણતા હતા કે સંસારમાં સુખ, દુ:ખ જેવું કાંઈ છે જ નહીં કર્મના બંધનના હિસાબે અને કર્મફળ ભોગવવા માટે જ સુખ દુ:ખ આવે છે અને જાય છે. માટે આપણને પણ બોધ આપી ગયા છે કે તમે અમારી જેમ નિષ્કામભાવે ભક્તિ કરજો. જમણોં હાથ પુણ્ય કર્મ કરે તો ડાબા હાથને ખબર પણ ન પડવા દેજો. સાક્ષીભાવે સંસારની તમામ ફરજો તમે બજાવજો. અને એવી ભાવના રાખજો કે હું શું ભક્તિ કરવાનો હતો ? મારાથી શું થઈ શકવાનું છે ? જે મારું મારા આ શરીર થકિ સત્કર્મ થઈ રહ્યા છે તે મારા પ્રભની પ્રેરણાથી થઈ રહ્યા છે. મને ભગવાને જે આપ્યું છે તે ફક્ત મારું નથી. પણ મારા આ સંસારના જીવો કે જેને જરૂર છે તેને મને નિમિત્ત બનાવીને પ્રભુ મારા દ્વારા આ કાર્ય કરાવી રહ્યા છે.
આ ભારતભૂમિ મહાન છે આ કર્મભૂમિ છે. આ ભક્તિ પ્રધાન દેશ છે. ભગવાનના મહાન ભક્તો આ ભૂમિને પાવન કરી ગયા છે. અને તેથી જ આ ગંગાતટ- નર્મદાતટ અને પ્રયાગરાજ જેવો અનેક તીર્થો અહિંયા આવ્યા છે. આપણો દ્વારકાધીશ આપણી બાજુમાં જ છે. ભક્તિ એવી કરીએ કે ભગવાન આપણને યાદ કરે. યાદ રાખજો..! આપણે કરેલું સત્કર્મ એક ભગવાન અને આપણેજ જાણતા હોઈએ. અને આપણે કરેલું દૂષ્કર્મ પણ આપણે અને આપણા ભગવાન સિવાય કોઈ જાણી શક્તું નથી. ઉપરવાળો બધુ જ જુએ છે. તેની લાઠીનો અવાજ આવતો નથી. સમય આવ્યે જ દરેકને તેની ખબર પડે છે.
- નૈષધ દેરાશ્રી









